હરેન જોષી
માણસ પાસે ભાવ હોય, પ્રબળ ઈચ્છાશક્તિ હોય અને એ માટે પરિશ્રમ કરવાની તૈયારી હોય તો માણસ ધારેલું બધું જ પાર પાડી શકે એમાં નવાઈ નથી. ક્યારેક માણસે આવા ધ્યેય માટે મરી મીટવું પડે પણ જો પોતાના ધ્યેયને વળગી રહી શકે તો ઈતિહાસ રચી શકે તે નિશ્ચિત છે. આવ જ એક વ્યક્તિ ડો. હરેન જોષીએ ખૂબ પરિશ્રમ પછી ઇતિહાસનું સર્જન કર્યું જે આપણે તેમનાં જ શબ્દોમાં જાણીએ.
“અમદાવાદમાં મહાલક્ષ્મી સોસાયટી પાસે અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. લોહી વહી રહ્યું હતું પરંતું આસપાસ કુતૂહલથી એકઠાં થયેલાં લોકો માત્ર દયાભાવે જોઈ રહ્યાં હતા. હું અને પ્રતિમા ત્યાંથી નીકળ્યા અને જિજ્ઞાસાવશ જોયું ત્યારે ધ્રુજી ઊઠ્યા. મેં લોકોને પૂછ્યું કે કોઈએ આ વ્યક્તિને સહાય કરવા એમ્બ્યુલન્સ કે પોલીસને ખબર આપી છે? બધા ચૂપ ! એમ્બ્યુલન્સની સેવાઓ અંગેની જાણકારીનો અભાવ અને પોલીસનો ડર એટલે કોઈએ હિંમત જ કરી ન હતી. અમારા પ્રશ્નોને કારણે લોકો એને રીક્ષામાં હોસ્પિટલ લઈ જવા તૈયાર થયા. હું અમેરિકામાં 34 વર્ષ ટ્રોમા અને વાસ્ક્યુલર સર્જન તરીકે કામ કરતો હતો, એટલે મને ખબર હતી કે રીક્ષામાં લઈ જાય અને જો કરોડરજ્જૂના મણકાનું ફેક્ચર હોય તો એને કાયમી લકવો થઈ જાય. એ વ્યક્તિની સારવારની વ્યવસ્થાતો અમે કરી પરંતું આ ઘટનાએ એક વિચાર અને સ્વપ્નું આપી દીધું. “ ડૉ. હિરેન જોષી કે જેમણે અમેરિકામાં 34 વર્ષ અનેક હોસ્પિટલોને સેવા આપી હતી અને એમના પત્ની ડૉ. પ્રતિમાબેન કે જેમણે એટલાં જ વર્ષો કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે અમેરિકામાં કામ કર્યું હતું. 1998માં ફેન્કફોર્ડ હેલ્થ કેર સીસ્ટમમાં માનવસેવાના ઉમદા કાર્ય માટે એવોર્ડ મેળવનાર આ દંપતીને થયું કે ખૂબ વર્ષો અમેરિકાને આપ્યા પરંતું આપણી માતૃભૂમિનું ઋણ પણ ચૂકવવું જોઈએ એટલે 2001માં અમદાવાદ આવી ગયા. આ અકસ્માત જોઈને એમને અમેરિકાની 911ની સેવાઓ યાદ આવી ગઈ. જેમાં ત્વરિત સેવાઓ, ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સમાં જ કોઈ પણ ઈમરજન્સીની સારવાર, વહેલામાં વહેલા નજદીકની હોસ્પિટલમાં ભરતી અને એ પહેલાં એમ્બ્યુલન્સનો સ્ટાફ જ હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં જાણ કરે એટલે ગંભીર બિમારીઓ કે મલ્ટીપલ ઇન્જરીવાળા દર્દીને જીવન બચાવવાની ખૂબ મોટી તક મળે.
આપણા દેશમાં આવી સેવા કેમ ઉપલબ્ધ ના કરી શકાય એવો પ્રશ્ન બંનેના મનમાં ઉદ્દભવ્યો. એમાં યે ડૉ. હરેનભાઈ તો ટ્રોમાના નિષ્ણાંત એટલે કહેવું જ શું ? ડૉ. હરેનભાઈ સિવિલ હોસ્પિટલમાં માનદ્ પ્રોફેસર અને ટ્રોમા કન્સલટન્ટ તરીકે સેવા આપતા હતા એટલે તત્કાલિન હેલ્થ સેક્રેટરી પાસે આ વિચાર લઈને પહોંચ્યાં. ધાર્યા કરતા સારો રીસ્પોન્સ મળ્યો એટસે અમદાવાદને જ પ્રયોગશાળા બનાવી. શહેરના જુદા જુદા વિસ્તારોની હોસ્પિટલના મુખ્ય વ્યક્તિઓને એકત્રિત કરી પ્રેઝન્ટેશન આપ્યું જે સહુએ વધાવ્યું. હરેનભાઈએ સૂચવ્યું કે શહેરના 8 – 10 ભાગમાં આવેલી હોસ્પિટલોમાંથી એમ્બ્યુલન્સ જાય અને ટ્રોમાની પ્રાથમિક સારવાર વિનામૂલ્યે આપવી. ચર્ચાના અંતે બધાએ સહમતી આપી. પ્રતિમાના પિતાએ સીડ મની તરીકે રૂપિયા પાંચલાખનું દાન આપ્યું જેમાંથી એઓ જાપાનથી વાયરલેસ સેટ લાવ્યા, દરેક હોસ્પિટલને વોકીટોકી આપ્યા અને એપોલો હોસ્પિટલના સીટી સેન્ટરના 1066 નંબરને કોલ સેન્ટર તરીકે રાખ્યું. કોઈ પણ ઈમરજન્સી ફોન આવે એટલે બધી જ માહિતિ મેળવી જે તે વિસ્તારની હોસ્પિટલને માહિતિ મોકલી દર્દીને ત્યાં પહોંચાડીએ. બીજી પ્રાઈવેટ હોસ્પિટલને વાંધો પડ્યો એટલે અમે 1058નો નવો નંબર આપ્યો.
મુખ્ય પ્રશ્ન આવ્યો ઈમરજન્સી મેડીકલ ટેકનીશીયનના (EMT) અભાવનો. આ જ વ્યક્તિ સૌથી પ્રથમ સારવાર આપવાનો હોય અને એની પાસે જ જ્ઞાન કે તાલીમ ના હોય તો આખો હેતુ જ મરી જાય. અમે 911 ના એક્સપર્ટને અમદાવાદ આમંત્ર્યા અને આખો કોર્સ ચાલુ કર્યોં. બે વર્ષ બરાબર ચાલ્યું પરંતું સમજાયું કે જો આ સેવાને વાધારે પરિણામલક્ષી અને કાયમી બનાવવી હોય તો ઈમરજન્સી મેડીકલ લૉ જોઈએ. કેલિફોનીર્યા, પેન્સીનવીલાયા જેવા સ્ટેટના લૉ મંગાવી અભ્યાસ કર્યો અને ગુજરાત માટે ભારતીય જરૂરિયાત મુજબનો લૉ લખ્યો. રાજ્યના આરોગ્ય વિભાગે સૂચન કર્યું કે આવા લૉ લખનાર સ્પેસીયાલીસ્ટ પાસે લખાવો તો વધુ સારું થશે જેથી રીટાયર્ડ – સીનીયર લૉ સેક્રેટરી પાસે લખાવ્યો પરંતું સરકારની કાર્યપધ્ધતિને કારણે વિલંબ થતો જ રહ્યો હતો છતાંયે હરેનભાઈનો ઉત્સાહ ટકી રહ્યો હતો, એમની વાત સાંભળતા અને વાગોળતા મને જોસુહા ગ્રેહામના શબ્દો યાદ આવી ગયા : “ ધ ફાયર ઈનસાઈડ મસ્ટ બર્ન બ્રાઈટર ધેન ધી ફાયર આઉટસાઈડ“
એમની અંદર જે તડપન હતી, જે આગ હતી એ એટલી પ્રબળ હતી કે થાકવાનું કે અટકવાનું તેમના માટે અશક્ય હતું. એમના જાણવામાં આવ્યું કે સામાન્ય રીતે આવો લૉ પસાર કરાવવા સાત વર્ષ લાગે પરંતું એ પણ જાણવા મળ્યું કે આ સેવાઓ ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં આવે છે અને એ વિભાગમાંથી પસાર થાય તો બે વર્ષમાં થાય. બધા જ વિભાગના સીનીયર અધિકારીઓને લૉ ગળે ઉતરી ગયો હતો એટલે સહાય – સૂચન મળતાં પરંતું નાણાંકીય જવાબદારીઓ લેતા મુખ્યમંત્રીના અધિકારીઓ રોકાઈ ગયાં. વધુ સમય ગુમાવવા હરેનભાઈ તૈયાર ન હતા, ધીરજ ખૂટી રહી હતી એટલે સીધી જ મુખ્યમંત્રીની મુલાકાત માટે સમય માંગ્યો. સૂરતના પૂરના કાર્યમાં વ્યસ્ત હોવા છતાંયે મુખ્ય મંત્રીએ 30 મીનીટ ફાળવી જે હરેનભાઈ માટે આશ્ચર્યજનક હતી.
હરેનભાઈ અને એમના મિત્રોએ ગોષ્ઠી કરી એવું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું કે જેનાથી તેમના મનમાં જે પ્રશ્નો હોય તેનો ઉત્તર આવી જ જાય. હરેનભાઈએ કેવી રીતે શરૂઆત કરી અને શું થયું તે તેમના જ શબ્દોમાં જોઈએ : “નિર્ધારીત સમયે અમે પહોંચ્યાં અને અમારા માટે એક અધિકારી તૈયાર જ ઊભા હતા. જે સમય આપ્યો હતો તે જ સમયે અમને મુખ્યમંત્રી સામે રજુઆત કરી શક્યાં. મેં શરૂઆતમાં કહ્યું કે સાહેબ, આ લૉ આવવાનો જ છે – આજે, કાલે કે પાંચ – દસ વર્ષ પછી સામાન્ય રીતે WHO કેન્દ્ર અને કેન્દ્ર રાજ્યોને મોકલે. આપણે એનાથી વિરૂધ્ધ જ કરવું છે. આપના નેતૃત્વમાં ગુજરાત આ કાયદો કરે અને ત્યાર બાદ કેન્દ્ર થકી અન્ય રાજ્યોમાં જાય એવું અમારું સૂચન છે. મુખ્યમંત્રીએ સહેજ સ્મિત આપી આગળ વધવાનો ઈશારો કર્યો અને ત્યારબાદ 24 મિનિટ સતત મને સાંભળ્યો, પ્રેઝન્ટેશન જોયું. એમની આંખોની વેધકતા, ગ્રહણ કરવાની ઉત્સુક્તા અને શાંતિથી સાંભળવાની ધીરજથી હું પ્રભાવિત થઈ કંઈ કહું એ પહેલાં જ એમણે ટુ ધ પોઈન્ટ પ્રશ્નો પૂછ્યાં. છેલ્લે એટલું જ કહ્યું કે સૂરતના પુર જેટલું જ આ અગત્યનું છે.“ આટલું કહી હરેનભાઈ અટક્યા.
કાયદો તો પસાર થયો જ પરંતું વ્યવસ્થાતંત્રમાં અટવાયો. ખૂબ પરિશ્રમે E.M.S. Authority ની નીમણૂંક થઈ અને હરેનભાઈએ જવાબદારી અનુભવી નિષ્ણાંત ડૉ. શરદ વ્યાસને અપાવી. પોતે માત્ર ડાયરેક્ટર જ બની રહ્યાં. આ EMS કાઉન્સિલના ડીરેક્ટર તરીકે કલકત્તા મિટિંગમાં ગયા હતા ત્યાં હૈદરાબાદમાં GVK દ્વારા શરૂ થયેલ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ પ્રોજેક્ટના સીઈઓ મિસ્ટર વેંકટ સાથે મુલાકાત થઈ. વેંકટનેએ ગુજરાત લઈ આવ્યા. મુખ્યમંત્રી પાસે 108નું પ્રેઝન્ટેશન થયુંઅને આ પ્રોજેક્ટ માટે ગુજરાત બીજું રાજ્ય બન્યું. 2007માં 108 આવી એટલે અમારી એમ્બ્યુલન્સ અને તાલીમ કોર્સીસનો કાર્યક્રમ અમે પાછો ખેંચ્યો.
ડૉ. હરેનભાઈ દીર્ધદ્ષ્ટિ ધરાવે છે જેમાં અનુભવનું ભાથું ભર્યું પડ્યું છે, પરિશ્રમ માટે તૈયારી છે અને નવું કરવા એમને ઉંમરનો બાધ નડતો નથી. અમેરિકાની 911 જેવી 108 સેવા અમદાવાદ લાવામાં એમનો ફાળો અમૂલ્ય છે પરંતું એમણે ઈમરજન્સી મેડીસીન માટે તબીબોને તૈયાર કરાવવા આવા કોર્સ માટેની MCI ની પરમીશન મેળવી અને સિવિલ તથા વી.એસ. હોસ્પિટલમાં આ માટે બે બે પોસ્ટગ્રેજ્યુએશનની પોસ્ટ ઊભી કરાવી.
અકેડેમી ઓફ ટ્રોમા દ્વારા મલ્ટીપલ ટ્રોમાના દર્દીઓને કેવી રીતે સંભાળવા જોઈએ તેનો બે દિવસનો તાલીમ કોર્સ શરૂ કર્યો અને અત્યાર સુધીમાં 6000થી વધુ સર્જનોને તાલીમ આપી છે. ડૉ. હરેનભાઈના સંસ્મરણોને યાદ કરતો એક સુખદ અનુભવ જાણવા જેવો છે : “સિવિલ હોસ્પિટલમાં મેં એક કોર્સ કરાવ્યો હતો જેનો વિષય હતો ટ્રોમા સેન્ટર ઉપર બોમ્બ બ્લાસ્ટ થાય તો કેવી રીતે પરિસ્થિતિને સંભાળવી. કાગને બેસવું અને ડાળને પડવા જેવું થયું. આ કોર્સના બરાબર 6 મહિના પછી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ઉપર બોમ્બ બ્લાસ્ટ થયો. મને આનંદ થયો કે તમામ સ્ટાફે આ દુઃર્ઘટનાને એટલી સરસ રીતે સંભાળી લીધી કે મારી તાલીમનું સુંદર પરિણામ જોવા મળ્યું. આવું ન બને તે ઈચ્છીએ પણ જો બને તો એને સંભાળવા સક્ષમ થવું જ રહ્યું એ મારી માન્યમાને બળ મળ્યું. “
હરેનભાઈની આંખમાં એક ફાયર જોઈ રહ્યો હતો જેમાં સંદેશ હતો કે નથીંગ ઈઝ ઈમ્પોસીબલ. દ્રઢ માન્યતા, મહેનત, ધગશ અને સાતત્યપૂર્ણ પરિશ્રમ હશે તો તમારા બધા જ સ્વપ્નાં પૂર્ણ થઈ શકે છે.
THAT’S TRUE NOTHING IS IMPOSSIBLE TO DAY ONLY YOU SHOULD TRY HONESTLY & INTERESTED ,SUCCESS WILL AHEAD.
LikeLiked by 1 person
હરેનભાઇનો અવિરત પ્રયત્ન આજે ગુજરાતને આશીર્વાદ રુપ થઇ રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ હરેનભાઇનો.
LikeLiked by 1 person
હરેનભાઈની ‘સંદેશ હતો કે નથીંગ ઈઝ ઈમ્પોસીબલ. દ્રઢ માન્યતા, મહેનત, ધગશ અને સાતત્યપૂર્ણ પરિશ્રમ હશે તો તમારા બધા જ સ્વપ્નાં પૂર્ણ થઈ શકે છે.’ સટિક પ્રેરણદાયી વાત અને કાર્ય અંગે શત શત વંદન
LikeLike
Hats off to such hard work and incessant efforts!
LikeLike
હરેનભાઇનો અવિરત પ્રયત્ન આજે ગુજરાતને આશીર્વાદ રુપ થઇ રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ હરેનભાઇનો.
LikeLike