હતો હું સૂતો પારણે પુત્ર નાનો
હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
લઈ છાતી સાથે બચી કોણ લેતું
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
પડું કે ખડું તો ખમા આણી વાણી
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતાતણું દૂધ પાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
– દલપતરામ
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…
પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…
ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…
પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…
લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…
આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…
આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…
સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…
જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
– ઝવેરચંદ મેઘાણી
તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !
મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !
તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !
મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે…..
હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..
ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..
ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..
– ઝવેરચંદ મેઘાણી
પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,
માન્યું જેણે માટીને રતન જી;
ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાં
કાયાનાં કીધલાં જતન જી.
બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.
ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.
ચોથા પરણામ મરા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.
પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે
પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધાર જી,
છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે
સંસારતાપે દીધી છાંય જી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે
આતમને કહેજો એક સાંઇ જી.
સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખ જી;
હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખ જી.
છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલ્યું સરવસ જી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.
– રામનારાયણ પાઠક
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..
હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
– કૈલાસ પંડિત
બા લાગે વહાલી
બા લાગે વહાલી, મને તો બા લાગે વહાલી
વહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી
હિંચોળી ગીત મીઠાં ગાતી
દૂધ મીઠું પાતી, મને તો બા લાગે વહાલી
જે માગું તે સઘળું દેતી
બચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી
હસું રમું તો રાજી થાતી
રડું તો મૂંઝાતી, મને તો બા લાગે વહાલી
વાંક બધા યે માફ કરીને
મારા ગુણ ગાતી, મને તો બા લાગે વહાલી
-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ ગામે, ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ,તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,રોવું મારે કેટલા દ્હાડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે,ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે,પાણી જેમ પઈસા વેરે.
હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,ગરીબની ઈ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર;
હવે નથી જીવવા આરો,આવ્યો ભીખ માગવા વારો.
– ઈન્દુલાલ ગાંધી
બા તું જ છો જ્યોતિધામ (મંદાક્રાન્તા)
મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં
અંધારામાં દ્યુતિ કિરણ એકાર્ધ યે પામવાને
મંદિરોનાં પથ્થર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં
સન્તો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયાં
એકાન્તોના મશહુર ધનાગાર ઉઘાડી જોયાં
ઊંડે ઊંડે નિજ મહીં સર્યો તેજકણ કામવાને
વિશ્વે વન્દ્યા અન્ય સકલ ભંડાર મેં ખોલી જોયાં
ને આ સર્વે ગડમથલ નિહાળતાં નેણ તારાં
વર્ષાવતાં મુજ ઉપર વાત્સલ્ય પીયૂષધારા
તેમાં ન્હોતો રજપણ મને ખેંચવાનો પ્રયાસ
ન્હોતો તેમાં અવગણનનાં દુ:ખનો લેશ ભાસ
જ્યોતિ લાધે શિશુને ફક્ત એટલી ઉરકામ
મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ
–કરસનદાસ માણેક
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
નવમાસની કેદ મહીં તેં પ્રેમે પોષણ કીધું
અસહ્ય વેદના જાતે વેઠી મુક્તિ દાન તેં દીધું
રાત દીન કે ટાઠ તાપ તેં ચોમાસું ના જોયું
જીવથી ઝાઝું જતન કરી મુજ જીવન તેં ધોયું
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
લાડકોડ ને તપાસા સાથે બાલમંદિર ચાલ્યા
રડતો મુકી અશ્રુ છુપાવી આશા લઇને આવ્યા
છે આ સૌ એક લાડકડાના ભાવિ તણા ભણકારા
આજનું બીજ તે કાલનું વૃક્ષ છે મારે કરવા ક્યારા
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
ધ્રુવ પ્રહલાદ શ્રવણની વાતો કેવી વાડ બનાવી
રામ લક્ષ્મણ હરીશ્ચંદ્રની વાતો કદી ના ભુલાવી
હીરા માણેકથી મોંઘું એવું ઘડતર ખાતર નાખી
મુજ જીવનના ક્યારાની તેં વાડી મોટી બનાવી
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
મધર્સ ડે ના શુભ પ્રભાતે પેમથી પાયે લાગું
અર્પું સર્વે તુજને ચરણે એવું સદાયે ચાહું
એક સંદેશો તુજ જીવનનો મનમાં કાયમ રાખુ
પ્રેમ ભક્તિને નિસ્વાર્થ સેવા દિલદરિયા સમ સાચું
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
– ડો. દિનેશ શાહ
મા બાપને ભૂલશો નહિ
ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનના કાળજાં પથ્થર બની છુંદશો નહિ
કાઢી મુખેથી કોળીયા મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે ઝેર ઉગળશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને કોડ સૌ પૂરા કર્યા
એ કોડના પૂરનારના કોડને પૂરવા ભૂલશો નહિ
લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની ચાહના ભૂલશો નહિ
–સંત પુનિત
કદાચ એને જ…………………
ટચ થેરાપી કહે છે.
મા, જ્યારે તેં કહ્યું
”લાવ….જરા, તારા ગાલે હાથ ફેરવવા દે”
અને….તે મને સ્પર્શ કર્યો,
ને…………..જાણે……………
મારી ત્વચા પર
લીલુછમ્મ ઘાસ
કેમ ઉગી નીકળે છે.!?
મારૂં દિલ
બરફસી શિતળ
ઠંડક કેમ અનુભવે છે !?
મારૂં દિમાગ
સ્વર્ગસી સુગંધથી
કેમ મહોરી ઉઠે છે !?
મારા અંગેઅંગમાં
અવર્ણનીય – અકલ્પનીય
કળ કેમ વળે છે !?
બધો ઉચાટ શમી જાય છે.
બધો થાક ઉતરી જાય છે.
બધા દુ:ખો વિસરાય જાય છે.
પ્રશાંત નિદર આવી જાય છે.
નવું જોમ………..નવી તાજગી
નવો ઉત્સાહ…….નરી પ્રસન્નતા
રોમ-રોમમાં…….પ્રસરી જાય છે.
કદાચ એને જ…………………
ટચ થેરાપી કહે છે.
——————————
( ક્યાંક વાંચેલુ, સ્મૃતિના આધારે ) ધીરૂભાઇ વૈદ્ય – સૂરત
અશ્રુ જે પીવે છે તે મા હોય છે,
મનમાં જે રૂવે છે તે મા હોય છે.
ડાઘ જે પાડે તે બાકીના બધા,
ડાઘ જે ધુએ છે તે મા હોય છે.
આવનાર કોઈ ન હોય તે છતાં,
રાહ જે જુએ છે તે મા હોય છે.
આખા ઘરને પ્રેમથી ઊંઘાડ્યા બાદ,
અંતે જે સુવે છે તે મા હોય છે.
– મુકુલ ચોક્સી
.
પગભર ખોરડું
તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !
એક મીઠું આંગણે સરવર હતું, મા !
ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા !
સાવ ખાલીખમ હતું પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા !
ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા !
– રતિલાલ બી. સોલંકી
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને યે મોજ જરી આવે તે થયું મને , STDની ડાળથી ટહૂકું !
હૉસ્ટેલને ? હૉસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ ,
તોય એ તો ઊઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ ;
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
મમ્મી,બા જલસામાં ? બાજુમાં ઊભી છે ? ના, ના, તો વાસણ છો માંજતી ,
કે’જો આ દીકરી યે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી ;
સાચવજો, ભોળી છે, ચિંતાળુ, ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂંકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
શું લીધું ? સ્કૂટરને ? ભારે ઉતાવળા, શમ્ભુ તો કેતો’તો ફ્રીજ ,
કેવા છો જિદ્દી ? ને હપ્તા ને વ્યાજ ? વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ ;
ઝાઝી તો વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
– મનોહર ત્રિવેદી.
મા હશે તો સો વરસ જીવી જવાશે
મા હશે તો સો વરસ જીવી જવાશે,
અન્યથા વચ્ચે કશે અટકી જવાશે.
ધ્યાનથી માનો ચહેરો જોઈ લેજે,
સાર ગીતાનો તરત સમજી જવાશે
ત્યાં જ કાશી, ત્યાં જ કાબા, ત્યાં જ વૈકુંઠ,
એક ખોળામાં બધું પામી જવાશે.
ગોદડીમાં સાડલા જો હોય એના,
સોડ લેતાં સ્હેજમાં ઊંઘી જવાશે.
ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’
અચાનક ફરીથી જ મા યાદ આવી
અચાનક ફરીથી જ મા યાદ આવી;
બધાં યે દરદની દવા યાદ આવી.
નહીંતર હતું સાવ અંધારું ઘરમાં;
ધીમેથી સળગતી શમા યાદ આવી.
ભીતરનો બગીચો જ ખીલી ગયો છે;
વહેતી વસંતી હવા યાદ આવી.
સહજ હાથ ઊંચા થયા બંદગીમાં;
ફકીરોની જાણે દુઆ યાદ આવી.
હું વરસોથી છૂટી ગયો છું છતાં યે;
મને ધ્રૂજતી એક માં યાદ આવી.
માતના પાવન કવનની મધુર ધારાના સંકલન માટે અભિનંદન.
અમે પણ મા ના આશિષે ઉજળા.
રમેશ પટેલ(આકાશદીપ)
મમતાના મોલ
અષાઢી મેઘ ગજાવે અંબર, માડીની મમતાના મેઘ અનરાધાર
જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર
નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડી, એના અંતરે સ્નેહની સુગંધ
સાંભળી મા કંઠે હાલરડાંના બોલ, ઊભરતા ઉરે ઉમંગ નિર્બંધ
સાગર સરીખાં માનાં હેતડાં, ઝૂમતી જીંદગી ઝીલી નવરંગ
સંતાનો કાજે ઝીલી દુઃખડાં, માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ
ઉપવનમાં ખીલે રંગી વસંત જેમ, મુખે રેલાવતી ભાવનાના રંગ
રમે ચાંદની છોડી ગગન એવા, ભાળ્યા છે માના શીતલ રૂપરંગ
માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ
માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ
કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ
માના અધરે રમતી મમતાએ, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ
સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી, તારી મમતાના મોલ અણમોલ
મા જશોદાને ખોળે ભૂલ્યોતો શામળો, વૈકુંઠના વૈભવના તોલ
………………….
50) માનું હૈયું—–
હેત ભર્યું છે માનું હૈયું
નિત હરખતું જોઈને છૈયુ
દીકરી આવી માને મળવા
પૂછતી હોંશે શું છે ખાવું?
યાદ આવે મા નાસ્તા થેલી
તું ભરી દેતી કોલેજ કાળે
ભૂલતા નાનો સ્કાફ અમે તો
દોડતા પપ્પા યાદ કરાવે
વાંચતા પોઢી જાતા અમે
વ્હાલથી શીરે ચાદર ઓઢાડે
યાદ આવે મા બચપણ હવે
આજ ગૃહસ્થી આવી માથે
ભાગતી દોડતી જીંદગી વચ્ચે
આજ શોધું એ ચા ને થાળી
માવતર સમ ના બીજા ખજાના
જીંદગી ના સાચા જ વિસામા
………………………………
51) માવલડી….
તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવે જી રે
બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળે જી રે
માનો તે ખોળો પ્રેમનું પારણું
સ્વર્ગનો લ્હાવો લૂંટાવે જી રે
જનનીનું હૈયું ધરણીનું ભરણું
નિત નિત વ્હાલે વધાવે જી રે
અમી વાદલડી વરસે નયનોથી
જીવનમાં તૃપ્તિ સીંચે જી રે
તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી
દિઠું ઋણી જગ સારું જી રે
મા ને ખોળે ઝૂલ્યા જાદવજી
વૈકુંઠના સુખ કેવા ભૂલ્યા જી રે
પૂજું મા તને ચરણ પખાળી
તુજ દર્શનમાં ભાળ્યા જગદમ્બા જી રે
…………………………….
52) મા તારી મમતાઈ…………
હાથ ફરે મા હેતે શીરે
પામું સકળ સુખવાઈ
ખોળે રમવું તારા મા એ
જાણે વૈકુંઠી ઠકુરાઈ
વ્હાલ તમારા મા લાખેણા
સાચી પ્રેમ સગાઈ
ઘડી તને મા; દે વિધાતા
સ્વર્ગ તણી હરખાઈ
સૂરજ– સોમ શાખડે ઝૂલે
મા તારી મમતાઈ
આંખલડી મા તારી જાણે
ગંગાની નીતરાઈ
દે હોઠો આશિષ મા જ્યારે
દૂર રહે વિકટાઈ
જગ શીરેથી ના ઉતરે એ..
મા તારી ઋણ ઉતરાઈ(૨)
…………………
રચિયતા- રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
મા દાવડાજી મા અંગે ગુજરાતી ભાષાના લગભગ બધા કાવ્યો રજુ કર્યા… માણ્યા… આનંદ
જાણીતી વાત-ભગવાને જ્યારે આ સૃષ્ટિ રચી ત્યારે તેઓ સદેહે પહોંચી વળવા માટે સમર્થ નહોતા એટલે એમણે માનું સર્જન કર્યું અને એમાં પ્રભુએ પોતાનું હૃદય મૂક્યું કે જેથી કરીને આ માતૃહૃદય દ્વારા પોતાનાં પ્રેમને કરુણા સર્વ મનુષ્યો પર નિરંતર વરસતાં રહે. મા એટલે મા. પ્રભુનું હૃદય. કરુણા ને પ્રેમથી નિરંતર છલકાતું. ત્યાગ, સ્વાર્પણ, સેવા અને સહનશીલતાથી ભરપૂર.
LikeLike
મા વિષેનાં કાવ્યોનો સરસ સંગ્રહ દાવડાજીએ કરવા બદલ એમને ધન્યવાદ
LikeLiked by 1 person
બહુ સરસ કાવ્યો…
હવે આટલા સુંદર નવા કાવ્યો તો આવતાં નથી એટલે એવું લાગે છે કે થોડા સમય પછી આ બધા કાવ્યો ઈતિહાસમાં સચવાશે અને પછી લોકગીતો તરીકે ગણાશે….!!!
LikeLike
considering this as Ma’s Encyclopedia- i made pdf and circulating in media.
Many thx davda saheb for this great compilation
LikeLike