સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૩ (ડો. ભરત ભગત)


અંગદાન

એક બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી ૫-૬ વ્યક્તિઓને નવું જીવન મળતું હોય તો માર્ગ અકસ્માતમાં બ્રેઈનડેડ તમામનું જો અંગદાન થાય તો લાખો લોકોને નવું જીવન મળે.

વજ્ર બનાવવા દધીચીએ અસ્થીદાન કર્યું તેને આપણે અંગદાન કહી શકીએ અને શિવજીએ હાથીનું મસ્તક કાપી ગણેશજીના ધડ સાથે જોડી દીધું એ અંગ પ્રત્યારોપણ કહી શકાય. આવા જ વિચાર સાથે માનવીય દેહમાં અંગ પ્રત્યારોપણ કરવું એ તબીબી વિજ્ઞાનમાં વીસમી સદીની સૌથી મોટી સિધ્ધિ થઇ છે. એક – બીજા ઉપર આધારિત અસંખ્ય શોધોને કારણે અંગ પ્રત્યારોપણની સફળતાનો આંક આજે ઉર્ધ્વગામી બન્યો છે. નવી ઈમ્યોનોસપ્રેસીવ ડ્રગ્સથી દર્દીઓના અંગ પ્રત્યારોપણની સફળતાનો આંક 70% ઉપર ગયો છે. પરંતુ આપણે જાણવું જોઈએ કે માનવીય શરીર માટે કોઈ પણ આર્ટીફિસીયલ અંગ ધારી સફળતા મેળવી શક્યું નથી અને એટલે અંગદાન જ આજના દિવસની બહુ મોટી જરૂરિયાત છે.દધીચી એવોર્ડ વિજેતા ડૉ. રાજેન્દ્ર કાબરિયા કે જેઓ વ્યવસાયે ન્યૂરોસર્જન છે એટલે આધુનિક તબીબી વિજ્ઞાનની વાત કરતાં ઉતેજીત થઇ ઉપરના શબ્દો કહી રહ્યાં હતાં. અગણિત બ્રેઈન ડેડ વ્યક્તિઓના મૃત શરીરને ક્યાંતો દહન કે ક્યાંતો દફનમાં ગયેલા જુએ ત્યારે તેમના મનમાં ઉચાટ થાય પરંતું ભાવનગરના આ તબીબ, હતાશ થવાને બદલે અથાગ પ્રયાસો કરી અંગદાન માટેની જાગૃતિની ઝુંબેશ ચલાવી રહ્યાં છે.

          ભારતમાં દર વર્ષે દોઢ લાખથી વધુ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આ અકસ્માતોમાં 50% જેટલા હેડ ઈન્જરીના કારણે બ્રેઈન ડેડ થાય છે જેની જિંદગી બચાવી શકાતી નથી. આ ઉપરાંત સ્ટ્રોકથી બ્રેઈન ડેડ થનારની સંખ્યા આમાં ઉમેરાય છે. એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોનું દાન થાય તો 5 થી 6 વ્યક્તિઓને ફરીથી જીવવાની તક મળી શકે છે. પ્રશ્ન એ છે કે બ્લડ ડોનેશન અને ક્યારેક આઈ ડોનેશન માટે તૈયાર થતો વર્ગ શા માટે બીજા અંગોનું દાન કરવા તૈયાર થતો નથી ? આ પ્રશ્ન ઉકેલવા મેં ખૂબ અભ્યાસ કર્યો અને એના તારણરૂપે કેટલાંક કારણો નજરે આવ્યા.” એના કારણો જાણતાં પહેલાં મારો પ્રશ્ન હતો કે : “બ્રેઈન ડેડ કોને કહેવાય?” ડૉ. કાબરિયાએ કહ્યું : “ જેની આપમેળે શ્વસનક્રિયા સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હોય, હ્રદયનાં ધબકારા બંધ હોય તેને બ્રેઈન ડેડ કહેવાય. આજે અસંખ્ય દેશોએ બ્રેઈન ડેડ જાહેર કરવા માટે કડક કાયદા બનાવ્યા છે. દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરવા એક કમિટિ હોય છે જેમાં ન્યૂરો સર્જન કે ન્યૂરો ફીજીસીયન, સારવાર આપતો તબીબ, હોસ્પિટલના ઈન્ચાર્જ તદ્દઉપરાંત એક ચોથા સ્વતંત્ર ડોકટર સામેલ હોય છે. આ ચારેય જ્યારે સર્ટીફાય કરે ત્યારે જ દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરી શકાય.

          મેં જાણ્યું છે કે ભારતમાં રોજ 300 દર્દીઓ ઓરગન ફેઈલ્યોરથી મૃત્યુ પામે છે. સામે લગભગ એક લાખથી વધુ દર્દીઓ બ્રેઈન ડેડ હોય છે. જો એમના અંગોનું પ્રત્યારોપણ માટે દાન થાય તો કેટલી બધી જિંદગીઓને ફરીથી જીવવાની તક મળે ? મારા આ પ્રશ્નના જવાબમાં ડૉ. કાબરિયાએ કહ્યું : “ અંગદાન માટે આપણી સમક્ષ અનેક સાચી-ખોટી માન્યતાઓ સમસ્યારૂપ બને છે. 80% જેટલા બ્રેઈન ડેડ દર્દીઓના સગાને આ અંગેની જાણકારી જ નથી. હું સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યો છું. તબીબો, સામાજિક કાર્યકર્તાઓ, પોલિસ વિભાગ, ધર્મગુરૂઓને મારું પ્રેઝન્ટેશન આપી સમજાવું છું અને આ સમજણથી સહયોગ વધ્યો છે. દોઢસોથી વધુ સેમિનારો દ્વારા સેંકડો – હજારો લોકોને માહિતગાર કર્યા છે.

          ૬૨% લોકોમાં સાચી કે ખોટી ધાર્મિક માન્યતાઓ અંગદાનમાં અડચણરૂપ બને છે એટલે જ હું ધર્મ – સંપ્રદાયોના વડાઓને જઈને સમજાવું છું.

          ભારતમાં ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર્સની ખૂબ ઓછી સંખ્યા છે જેથી ઓરગન લેનાર ટીમોનો અભાવ 40% થી વધુ કેસોમાં કારણભૂત બને છે. ક્યારેક સગાઓને અગ્નિદાહ માટે વધુ સમય બેસી રહેવું ગમતું નથી તો ક્યારેક શરીર ઉપર કાપા કાપીથી બેડોળ બનવાની ચિંતા હોય છે. ઉપરાંત આ બધા લોકોમાં એક ભયસ્થાન એ રહે છે કે અંગદાન પછી અંગો વેચાઈ જશે. પહેલાં લાઈવ ડોનેશનમાં એવું બનતું કે ગરીબ માણસો પૈસા લઈને કીડની આપતાં પરંતું હવે કડક કાયદાથી માત્ર લોહીના સંબંધી જ અંગદાન કરી શકે છે. જ્યારે બ્રેઈન ડેડ પછી આવો વેપલો ના થાય એવું કાયદાથી ધ્યાન અપાયું છે.

મને પ્રશ્ન થયો કે ભાવનગર જેવા શહેરમાં અંગ પ્રત્યારોપણની સુવિધાઓ ના હોય તો ડૉ. કાબરિયાએ આ દસ વર્ષમાં અઠ્ઠાવન અંગદાન કેવી રીતે કરાવ્યા હશે. મારા મનમાં અંગદાન અને અંગપ્રત્યારોપણની કાર્યવાહી માટે પણ કુતૂહલ હતું. જેનો સ્પષ્ટ ઉત્તર એમણે ઊંડી સમજણ સાથે આપ્યો.

જ્યારે પણ બ્રેઈન ડેડ દર્દી આવે ત્યારે અમે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સગાને અંગદાનનું મહત્વ સમજાવીએ, કાયદાની સમજ આપીએ, સાથે સાથે પ્રત્યેક સગાઓને લાગણીમાં વિચારતાં કરીએ. જીવન છે એટલે અંત છે અને એ જ સત્ય છે એનો સ્વીકાર કરાવીએ અને ત્યારબાદ કહીએ કે આપનો સંબંધી બીજી 5-6 વ્યક્તિઓમાં જીવંત રહેશે. આ કામમાં ચોવીસ કલાક નીકળી જાય છતાંયે આટલી ધીરજથી બીજાઓનું જીવન સુખમય થશે એ ગળે ઉતારીએ. ત્યારબાદ એના લોહીના સંબંધવાળી વ્યક્તિઓની મંજૂરી મેળવી ડોક્યુમેન્ટેશન કરીએ.

એક વાર સગાઓની સહી મળે એટલે બે કામ એક સાથે કરીએ. અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસીઝને જાણ કરીએ. એ જ સાથે મૃતકના રક્તના સેમ્પલ IKDમાં મોકલીએ. બીજી બાજુ IKDની ટીમ, સંપૂર્ણ સુવિધાઓ સાથે રવાના થાય અને અહીં પહોંચે એ પહેલાં ત્યાં 4 થી 6 દર્દીઓને વેઈટીંગ લીસ્ટમાંથી બોલાવી રાખે. આ બધામાં થોડો સમય નીકળે પરંતું ત્યાં આવેલા દર્દીઓનો, અમારા મૃત દર્દીના ટીસ્યુ, રક્ત સાથે મેચીંગ થાય. જેનું મેચ થાય એ દર્દીને તરત જ દાખલ કરી વ્યવસ્થા ગોઠવાય. અહીં આવનારી ટીમ નાનામાં નાની વસ્તુઓ સાથે લઈને આવે અને આવતાંની સાથે જ નિયમિત ઓપરેશન કરતાં હોય એટલી જ કાળજીથી અંગ લઈ પરત ફરે. જ્યાં સુધી અંગદાન લેવાય નહીં ત્યાં સુધી દર્દી વેન્ટીલેટર ઉપર હોય એટલે એનું હ્રદય ધબક્યા કરે. IKDમાં ઓપરેશન કરનારી ટીમ તૈયાર જ હોય એટલે ઓછામાં ઓછા સમયમાં આ કામ પૂર્ણ થાય. “કીડની ફેઈલ્યોરમાં કીડની, સીરોસીસમાં લીવર, ન્યુરોકોનીયોસીસ – ફાબ્રોસીસી વગેરેમાં ફેફસાં, હાર્ટ ફેઈલ્યોરમાં હાર્ટનું પ્રત્યારોપણ કરવાની જરૂર પડે છે. અંગદાન કરનારના લોહીના પણ અનેક ટેસ્ટ કરવામાં આવે છે જેવા કે રક્તનું ગ્રુપ, એચ.આઈ.વી., એચ.બી.એસ.જી., એચ.વી.પી. વગેરે.” આટલું જાણ્યા પછી પાછો પ્રશ્ન થયો કે અમદાવાદથી ભાવનગર પછી અંગદાન લેવાનું અને પરત જઈ ઓપરેશન કરવાનું એમાં તો ઘણાં કલાક નીકળી જાય ત્યારે ડૉ. કાબરિયાએ સમજાવ્યું. કીડનીના પ્રત્યારોપણમાં 12 થી 18 કલાક, લીવર 8 થી 10 કલાક, ફેફસાં 6 કલાક અને હાર્ટનું 3-4 કલાકમાં પ્રત્યારોપણ કરવું પડે. આ માટે સરકારે જુદી જુદી વ્યવસ્થાઓ ગોઠવી છે જેમાં ટ્રાફિકમાં અટવાય નહીં માટે ગ્રીન કોરીડર અગર અરજન્ટ હોય તો હેલિકોપ્ટરની  સેવાઓ ઉપલબ્ધ કરાય છે.

          ડૉ. કાબરિયાએ અત્યાર સુધીમાં 58 બ્રેઈન ડેડના અંગદાન કરાવ્યા છે જેમાં 55 લીવર અને 116 કીડનીનું તથા બે હાર્ટ (હ્રદય)નું દાન થયું છે. એમના ચહેરા ઉપરની ચમક હું જોઈ રહ્યો હતો જ્યારે એમણે કહ્યું ; “ગુજરાતના પહેલાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અહીંથી હ્રદય સીમ્સ હોસ્પિટલમાં મોકલ્યું હતું અને આજે પણ દર્દી જીવીત છે.” એમનો મોટો રેકોર્ડ છે કે એમણે બે વખત, 24 કલાકમાં ત્રણ ત્રણ બ્રેઈનડેડ ના અંગદાન કરાવ્યા છે.

સરકાર જુદી જુદી યોજનાઓમાં આ માટે ખૂબ સહાય આપે છે એટલે આશા રાખીએ કે વધુ અંગદાન અને પ્રત્યારોપણ થાય અને આવા નિષ્ઠાવાન તબીબો તેમાં સહાયરૂપ થાય. મને વિચાર આવી ગયો કે મૃત્યુ પછી પણ જીવતા રહેવાની આનાથી વધુ કઈ મોટી તક હોઈ શકે?

 

  ડૉ. રાજેન્દ્ર કાબરીયા

4 thoughts on “સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૩ (ડો. ભરત ભગત)

  1. જીવનદાનથી વધીને અન્ય ઉત્તમ દાન કયું હોઈ શકે?
    અંગદાન માટે જાગૃકતા સર્જનાર ડૉક્ટર રાજેન્દ્ર કાબરિયાને ધન્યવાદ.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s