ભાવિન અધ્યારૂની કટાર – ૨


બળવાખોર અને કન્ફ્યુઝ્ડ યુવાઓભાવિન અધ્યારૂ

સાંજે લગભગ ૭.૩૦ વાગ્યા છે, અમદાવાદ શહેરના યુનિવર્સીટી રોડ પર રસ્તાની એક બાજુ રોજના ક્રમ મુજબ બાઈક પાર્ક કરીને છોકરો-છોકરી બેઠા છે, સામાન્ય લોકો અને હપ્તાખાઉ પોલીસ હવાલદારોની ભાષામાં ‘કપલ’ વચ્ચે સખત ઝઘડો ચાલી રહ્યો છે, છોકરીના ઘરે થી વધુ પડતા નિયંત્રણોથી બંને અકળાયેલાં છે! બંને હજુ એટલું કમાતા નથી કે બધું છોડી-છાડીને લગ્ન કરી શકે. છોકરો ઓલરેડી છોકરીના રોજ બદલાતા મૂડ અને બીજી ૩-૪ પ્રકારની પઝેસીવનેસથી પરેશાન છે. બંને માંથી કોઈ પાસે નક્કર કહી શકાય એવું સોલ્યુશન નથી, પરિણામે દર થોડી વારે આવી ચડતા પાણીના પાઉચ વેચતા નાના છોકરા પર એનો ગુસ્સો નીકળે છે.

                                   *******

રાત્રે ૮.૩૦ વાગ્યે વિદ્યાનગરના એલીકોન ગાર્ડન અને વડોદરાના કમાટીબાગમાં પણ આ જ દ્રશ્યો ભજવાઈ રહ્યા છે, ફરક ફક્ત બદલાતા પાત્રોનો છે, સ્ક્રીપ્ટ અને સ્ટોરી એ જ છે. ઢળતી સાંજે, આમ સાથે બેઠેલાં આવા જુવાનીયાઓમાં પોતાના ફ્યુચર કરતાં કોઈ જાણીતી વ્યક્તિ અહીં જોઈ ન લે એનું ટેન્શન વધારે છે!

                                  ********

ઉપરની બંને પરિસ્થિતિ રિલેશનશીપમાં રહેલા યંગસ્ટર્સને જરૂર જાણીતી લાગશે, તો ઠરીઠામ થઇ ગયેલા ઠાવકા માતા-પિતાને આ કોઈ સમસ્યા જ નહીં લાગે; ઊલટું ‘આ તો નરી બેજવાબદારી ભરેલું એક દિશાહીન જોડું છે, જે આગળ જતા જિંદગીમાં ખૂબ પછડાટ ખાશે પછી જ કેટલી વીસે સો થાય એનું ભાન આવશે’, એવું કહીને ઉતારી પાડશે. દંભ એ આપણો રાષ્ટ્રીય ધર્મ છે. દેશના યુવાધનનાં વખાણ કરવા અને એની ખરી સમસ્યાઓને પારખી એનું સોલ્યુશન લઇ આવવું, એમાં કથની-કરણીનું અંતર છે.

ગુજરાતી સાહિત્ય કે કોલમ લેખનની જ વાત કરીએ તો યુવાનો વિષે બે જ પ્રકારનું હંમેશાં લખાતું આવ્યું છે, યા તો યંગસ્ટર્સની ખોટી વાતો-આદતોને પણ ‘સ્પીરીટ’ અને ‘સ્ટાઈલ’ના નામે છાવરતાં લખાણો લખાય અને યા તો સમજ્યા વિચાર્યા વિના પશ્ચિમી સંસ્કૃતિને ભાંડતાં વાંઝિયા લખાણો વાંચવા મળે! યંગસ્ટર્સની ખરી સમસ્યાઓ જાણવા અને સમજવા માટે તો એમની પાસે જવું પડે. ધોરણ ૧૨ પછી એન્જીનીયરીંગમાં એડમિશન વખતે કમ્પ્યુટર લેવું કે ઇલેક્ટ્રોનિકસ, એરોનોટિકલ લેવું કે ટેક્સટાઇલ, કેમિકલ લેવું કે મિકેનીકલ કે પછી ઓટોમોબાઇલ, વેલ, સાચી સલાહ કોણ આપે છે? હા, પણ જેને જે ક્ષેત્રનો કક્કો પણ ખબર ન હોય એવા લોકો પાસેથી એ ક્ષેત્રમાં ભણવા માટે તો સલાહો વણમાગે પણ મળતી રહે છે,

૨૦-૨૫ વર્ષની વયે યંગસ્ટર્સને ફેસ કરવા પડતાં પ્રોબ્લેમ્સ પર એક નજર નાખો, મામલો આપોઆપ સમજાઈ જશે. કેરીયરની સાચી દિશા લેવાનું ટેન્શન, શરીરમાં ઉમર અનુરૂપ બાયોલોજિકલ ફેરફારો આવતા હોઈ સેક્સ્યુઅલ વિચારો રિલેટેડ કન્ફ્યુઝન્સ અને પ્રોબ્લેમ્સ, મા-બાપની અપેક્ષાઓ પૂરી કરવાનું ટેન્શન, ઊંચા ગ્રેડ લઈ આવવાના ટાર્ગેટ્સ, અરે, છોકરીઓને પિરિયડસ્ વખતે કોલેજમાં કેમ જાતને સાચવવી કે અસહ્ય દુખાવા વખતે ગોળી લેવી જોઈએ કે નહીં એ માર્ગદર્શન કોણ આપે છે? અથવા ક્યાં અપાય છે? બસ, આવી ચર્ચાઓથી જ નહીં, નામ લેવાથી જ બધે છળી મરાય છે! ૨૦ વર્ષે બાઈક લઈ આપતા મા-બાપ, બાઈક આપીને જાણે છટકી જાય છે, પણ, પ્રોપર ડ્રાઈવિંગ મેનર્સ ક્યારે સમજાવે છે? ક્યાંથી સમજાવે, જયારે ખુદ ડ્રાઈવિંગ કરતા ગરદન ત્રાંસી કરી કાનમાં મોબાઈલ ખોંસીને વાત કરતા હોય!

કોલેજ કેમ્પસમાં ચાલતી લવ, ફિલીંગ્સ અને બ્રેક-અપ્સની પ્રમાણમાં ગાંડી-ઘેલી લાગતી ચર્ચાઓ, અને છોકરીઓની રડારોળની કેટલા પ્રોફેસરોને કે કેટલા માતા-પિતાને જાણ હોય છે? ક્યારેક જરૂર આવું ફીલ થાય કે ‘વેજીસ્પ્રીંગ રોલ’ થી માંડી ‘આઈ-પિલ’ વચ્ચે જીવતી આ કન્ફયુઝ્ડ અને ઓવર કોન્ફીડેન્ટ જનરેશનને જો સહેજ પણ વ્યવસ્થિત રીતે કલ્ટીવેટ કરાય તો કયા લેવલની એક બ્રિલીયન્ટ સોસાયટી બને, એ વિચારવા જેવું છે.

ક્યારેક એવું લાગે કે આ જનરેશન બધું જ જાણે છે, સમજે છે. એનામાં લવ કરવાની તાકાત છે, તો મા-બાપને પણ કહી જાણે છે, મોટા શહેરોમાં તોતિંગ ભાડા ભરીને પણ બંને જણ જોબ કરીને પણ વ્યવસ્થિત રીતે રહેતા યંગ કપલ્સ ક્યાં નથી જોયા?

‘લો-નેક ટી-શર્ટ અને ઓફ શોલ્ડર ટોપ્સ કેવા સેક્સી અને અરુચિકર લાગે છે’ જેવી ચર્ચાઓ કરવામાંથી ઉપર ઊઠવામાં આવશે તો જ આ જનરેશનને સમજી શકાશે.

સ્ટ્રોબેરી ફ્લેવરની લોલીપોપ જેવા ‘મા-બાપ ને ભૂલશો નહિ’ પ્રકારના દર અઠવાડિયે થતા સંગીત કાર્યક્રમો જ બતાવે છે કે કઈ હદે જનરેશન ગેપ પ્રવર્તે છે. ચંદ્રકાંત બક્ષી કહેતા કે “ગુજરાતી એવી પ્રજા છે કે જે બેડરૂમમાં ટેક્ષની અને ઓફીસમાં સેક્સ ની ચર્ચા કરે છે!”

નવરાત્રિની રાત હોય કે CATની પરીક્ષાની તૈયારી, આ યંગ જનરેશન હંમેશાં ફૂલ ફોર્મમાં સજ્જ હોય છે! આપણને નવરાત્રિમાં પહેરવામાં આવતી બેકલેસ ચોલી જ દેખાય અને સિફતથી MBA કે એન્જિનીયરીંગની એક્ઝામમાં એ જ છોકરીએ મેળવેલા ૮૦% ભુલાઈ જાય તો વાંક કોનો? ચાલો, ક્યારેક વધતા વૃદ્ધાશ્રમની સંખ્યાની ચર્ચાઓથી બહાર નીકળીને યંગ જનરેશનને સમજીએ અને એના વિચારોની અને નિખાલસતાની કદર કરીએ…. બાકી, સમાજ ને ચલાવવાની કમાન આવતીકાલે એ લોકોના જ હાથમાં છે, એ યાદ રાખીએ!

૪૫ ડીગ્રી તાપમાં સોડાશોપની મસાલા સોડા અને ડેવિડ વોર્નરનાં છગ્ગાની ઠંડક વચ્ચે કોલેજની સંભળાતી વાતો, ઓફિસની સફેદ દિવાલો, તો છાપાનાં પાનાઓમાં સ્વર્ણિમ ગુજરાત! યુથ તો કશ્મીરમાં પણ છે જે પથ્થરબાજી કરે છે, અને યુથ તો ગુજરાતનું પણ છે જે સતત નવું ઇનોવેશન કરતું રહે છે, ખૂબ ભણે પણ છે! યુથ ટ્વિટર પર બાખડે છે તો કોઈ મોટા કાંડ વખતે એક થઇ જાય છે! યુથ સાથે રાજકારણ ન રમો, એનામાં બિલીવ કરો, એ હંમેશા તમારા થઈને રહેશે!

4 thoughts on “ભાવિન અધ્યારૂની કટાર – ૨

 1. અભ્યાસપૂર્ણ લેખ
  નીરાશાજનક લેખની વાતો વાંચ્યા બાદ
  ‘યુથ તો ગુજરાતનું પણ છે જે સતત નવું ઇનોવેશન કરતું રહે છે, ખૂબ ભણે પણ છે! યુથ ટ્વિટર પર બાખડે છે તો કોઈ મોટા કાંડ વખતે એક થઇ જાય છે! યુથ સાથે રાજકારણ ન રમો, એનામાં બિલીવ કરો, એ હંમેશા તમારા થઈને રહેશે!’
  વાંચી આનંદ

  Liked by 1 person

 2. ભાવિનભાઈનું અવલોકન અને વિચારો આંખ અને મગજ ખોલે એવા જરુર છે. એક વાત એમની નજરે કેમ ન ચઢી? આજના જીનના પેન્ટના કાપડ્માં કાપ મૂકી, કાપડમાં પૈસા બચાવી, ખરીદનાર પાસેથી ઉંચા ભાવ લઈ એવા ટાઈટ બનાવ્યા છે કે યુવાન ને યુવતીઓને પહેરતાં પણ મુશ્કેલી પદે છે ને જે અંગો ઢંકાતા’તા એ હવે ઉપસી આવવા લાગ્યા છે ! આ ફેશન વિષે એમણે લખવા જેવું હતું હાં!

  Liked by 1 person

 3. ભાવિનભાઈ,અમદાવાદી હોઈ અમદાવાદના યુવાનોનો ચિતાર મનને અડી આનંદ આપી ગયો.સાથેસાથે સિત્તેરના સમયના અમારા યુવાવસ્થાના અટીરાના કેમ્પસની આવી જ યાદો માનસપટપર રેલાવી ગયો.મઝા પડી ગઈ!

  Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s