ભાષાને શું વળગે ભૂર -૧૫ (બાબુ સુથાર)


ગુજરાતીમાં સ્વામિત્વદર્શક સર્વનામ

બીજી બધી ભાષાઓની જેમ ગુજરાતીમાં પણ સ્વામિત્વદર્શક સર્વનામ છે. આ પ્રકારનાં સર્વનામોને સમજવા વધારે નહીં તો ત્રણ પારિભાષિક શબ્દો યાદ રાખવા પડશે. એક તે ‘સ્વામી’. અંગ્રેજીમાં Possessor. સંક્ષિપ્ત Pr. બીજો તે સ્વામીત્વનો પદાર્થ. અંગ્રેજીમાં Possessee. સંક્ષિપ્ત (Pe). અને ત્રીજો તે Pr અને Pe બન્ને વચ્ચેનો સ્વામિત્વભાવ. સંક્ષિપ્ત PRel. મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ સ્વામિત્વભાવની ચર્ચા કરતી વખતે Pr, Pe અને PRel સંક્ષિપ્ત સ્વરૂપો વાપરે છે. આપણે પણ એમને જ અનુસરીશું. આ ત્રણ પારિભાષિક શબ્દો સમજવા માટે ‘મારો ભાઈ’ ઉદાહરણ લો. એમાં ‘મારો’ Pr છે, જ્યારે ‘ભાઈ’ Pe છે. બન્ને વચ્ચેના સંબંધો, અર્થાત્ PRelનું સ્વરૂપ કયા પ્રકારનું છે એ મુદ્દો આપણે નહીં ચર્ચીએ. કેમ કે આપણને અત્યારે Pr સર્વનામોનાં સ્વરૂપો પૂરતો જ રસ છે. PRel એક અલગ જ વિષય છે.

          ગુજરાતી ભાષા PRel બે રીતે વ્યક્ત કરે છે. એક તે બે નામને જોડીને. દાખલા તરીકે ‘મારું ઘર’ લો. એમાં ‘મારું’ સર્વનામ છે અને ‘ઘર’ નામ છે. એ બન્ને સ્વામિત્વભાવથી જોડાયેલાં છે. આ પ્રકારની રચનાઓ માટે આપણે નામપદ (Noun Phrase) કેન્દ્રી સ્મામિત્વભાવ દર્શાવતી રચનાઓ કહીશું. બીજી રીત તે વાક્યતંત્રીય. દાખલા તરીકે, ‘મારે એક ઘર છે’માં Pr અને Pe વચ્ચેનો સબંધ વાક્યના સ્તર પર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રકારની રચનાઓને આપણે વાક્યકેન્દ્રી સ્વામિત્વભાવ દર્શાવતી સંરચનાઓ તરીકે ઓળખાવીશું. આ બન્ને પ્રકારની રચનાઓમાં Pr તરીકે વપરાતાં સર્વનામો જુદાં છે.

          નામપદકેન્દ્રી રચનાઓમાં નીચેનાં સર્વનામોનો સમાવેશ થાય છે:

એક વચન

બહુવચન

પ્રથમ પુરુષ

મારું

અમારું, આપણું

બીજો પુરુષ

તારું

તમારું

ત્રીજો પુરુષ

તેનું/એનું

તેમનું/એમનું

આ સર્વનામો એકવચન અને બહુવચનનો તથા પહેલા પુરુષ, બીજા પુરુષ તેમ જ ત્રીજા પુરુષ વચ્ચે ભેદ પાડે છે. એમાં પણ, પહેલા પુરુષ બહુવચનમાં આ સર્વનામો શ્રોતા સમાવેશી (‘આપણું’) અને શ્રોતા અસમાવેશી (‘અમારું’)  વચ્ચે પણ ભેદ પાડે છે. તદ્ઉપરાંત, ત્રીજા પુરુષમાં આ સર્વનામોનાં variations પણ મળે છે. જેમ કે, ‘તેનું’/‘એનું’ અને ‘તેમનું’/‘એમનું’. આ variations મુક્ત છે કે બદ્ધ એ વિશે કોઈ સંશોધન થયું નથી. એટલે આપણે એ વિષે કશું કહી શકીએ એ સ્થિતિમાં નથી.

          આ સર્વનામોનાં બીજાં બે લક્ષણો છે: (૧) એ Pe પહેલાં આવતાં હોય છે. એથી જ ‘ઘર મારું’ જેવો ક્રમ ગુજરાતીમાં શક્ય નથી. અલબત્ત, સાહિત્યિક ભાષામાં આવો ક્રમ જોવા મળે ખરો. અને (૨) આ સર્વનામો Peના લિંગ અને વચન પ્રમાણે બદલાતાં હોય છે. દાખલા તરીકે: ‘મારું ઘર’, ‘મારાં ઘર’.

          આ સર્વનામો ગુજરાતી વિશેષણો સાથે, ખાસ કરીને વિકારી વિશેષણો સાથે, ઘણું સામ્ય ધરાવે છે. એ વિશેષણો પણ નામના પહેલાં આવતાં હોય છે. એટલું જ નહીં, એ વિશેષણો પણ જે તે નામનાં લિંગ અને વચન લેતાં હોય છે. ભાષાશાસ્ત્રમાં આ સામ્યતા એક કોયડો છે. ઘણા ભાષાશાસ્ત્રીઓએ એની ચર્ચા કરી છે. પણ, એક વાત નક્કી છે કે એ વિશેષણ નથી. ભાષાશાસ્ત્રમાં વ્યાકરણમૂલક કોટિઓ નક્કી કરવા માટે જે વિવિધ પ્રયોગો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે એમાંનો ‘સંયોજક પ્રયોગ’ અહીં કામ લાગે. એ પ્રયોગ કહે છે કે જો બે શબ્દોને ‘અને’થી જોડી શકાય તો એ બન્ને એક જ વ્યાકરણમૂલક કોટિના શબ્દો છે. આપણે ‘લીલું અને સુકું ઘાસ’ કહી શકીએ. એમાં ‘લીલું’ અને ‘સુકું’ને ‘અને’ વડે જોડી શકીએ પણ ‘મારું અને સુકું ઘાસ’ એમ ન કહી શકીએ. એ બતાવે છે ‘મારું’ અને ‘સુકું’ એક જ વ્યાકરણમૂલક કોટિના શબ્દો નથી.

          જેમ નામ તથા બીજાં કેટલાંક સર્વનામોને વિભક્તિના બધા કે કેટલાક પ્રત્યયો લાગે એમ આ સ્વામિત્વવાચક સર્વનામોને વિભક્તિના પ્રત્યયો લાગતા નથી. એ રીતે એ નામ તથા બીજાં કેટલાંક સર્વનામોથી જુદાં પડે છે.

          ગુજરાતીમાં વાક્યકેન્દ્રી સ્વામિત્વદર્શક સર્વનામો ખરેખર ખૂબ જ સંકુલ છે. એ સર્વનામો સ્વામિત્વના ભાવને પણ બે વર્ગમાં વહેંચી નાખે છે. એક તે inalienable ((સ્વામિત્વનો સબંધ બદલી ન શકાય એવાં) અને બીજો વર્ગ તે alienable ((સ્વામિત્વનો સબંધ બદલી શકાય એવાં). દાખલા તરીકે આ બે વાક્યો લો:

(૧) મારે એક ભાઈ છે.

(૨) મારી પાસે એક ઘર છે.

આમાંનું પહેલું વાક્ય ‘મારે’ અને ‘ભાઈ’ વચ્ચેના inalienable સંબંધ વ્યક્ત કરે છે જ્યારે બીજું વાક્ય ‘મારી’ અને ‘ઘર’ની વચ્ચેના alienable સંબંધને વ્યક્ત કરે છે. હું મારું ઘર બીજાને આપી શકું. પણ હું મારા ભાઈને બીજાને ન આપી શકું. એ જ રીતે નીચે આપેલાં બીજાં બે વાક્યો જુઓ:

(૩) મારે બે હાથ છે.

(૪) !મારી પાસે બે હાથ છે.

પહેલા વાક્યમાં ‘મારે’ અને ‘હાથ’ વચ્ચેનો inalienable સંબંધ વ્યક્ત થાય છે. આ સંબંધ ખંડ અને સમગ્ર વચ્ચેનો સંબંધ છે. બીજું વાકય ‘મારી’ અને ‘હાથ’ વચ્ચેના alienable સંબંધને વ્યક્ત કરે છે. હું નથી માનતો કે હું મારો હાથ બીજાને બે દિવસ માટે વાપરવા આપી શકું. વાક્ય (૪)ની આગળ મૂકેલું આશ્ચર્યચિહ્ન ! દર્શાવે છે કે એ વાક્ય કદાચ કોઈકને સ્વીકાર્ય લાગે પણ ખરું.

          જોકે, આ inalienable અને alienable સંબધો ક્યારેક સાંસ્કૃતિક લાગે. નીચે આપેલાં (૫) અને (૬) વાક્યો જુઓ:

(૫) મારે એક ઘર છે.

(૬) મારી પાસે એક ઘર છે.

આપણે બન્ને વાક્યો વાપરીએ છીએ. એવું કહી શકાય કે જ્યારે આપણે આવાં વાક્યો વાપરીએ ત્યારે એ વાક્યો આપણી અને ‘ઘર’ વચ્ચેનો inalienable કે alienable સંબંધ વ્યક્ત કરતાં હોય છે. પણ, નીચે આપેલાં વાક્ય (૭) અને (૮) જુઓ:

(૭) *મારે એક પુસ્તક છે.

(૮) મારી પાસે એક પુસ્તક છે.

અહીં (૭) પર મૂકવામાં આવેલી * દર્શાવે છે કે એ વાક્ય સ્વીકાર્ય નથી. ‘ઘર’ અને ‘પુસ્તક’ બન્નેની માલિકી બદલી શકાય. તો પણ ‘પુસ્તક’ સાથે આપણે ‘મારે’ પ્રકારનાં સર્વનામ નહીં વાપરીએ. આ ઉદાહરણોના આધારે આપણે કહી શકીએ કે વાક્યતંત્રના સ્તર પર વપરાતાં સ્વામિત્વદર્શક સર્વનામો inalienable અને alienable વચ્ચે ભેદ પાડે છે. ગુજરાતીમાં inalienable સ્વામિત્વાચક સર્વનામો નીચે પ્રમાણે છે:

એકવચન

બહુવચન

પહેલો પુરુષ

મારે

અમારે/આપણે

બીજો પુરુષ

તારે

તમારે

ત્રીજો પુરુષ

તેને/એને

તેમને/તેઓને/એમને

આ સ્વામિત્વવાચક સર્વનામો પણ એકવચન અને બહવચન વચ્ચે અને પહેલા, બીજા અને ત્રીજા પુરુષ વચ્ચે ભેદ પાડે છે. એટલું જ નહીં, આ સર્વનામો પણ પહેલા પુરુષ બહુવચનમાં શ્રોતા સમાવેશી અને શ્રોતા અસમાવેશી વચ્ચે ભેદ પાડે છે. તદ્ઉપરાંત, અહીં પણ ત્રીજા પુરુષમાં આપણને કેટલાંક variations મળી આવે છે. ફરી એક વાર, અહીં પણ આપણે એક વાતની નોંધ લેવાની કે આપણને ખબર નથી કે આમાંનાં કયાં સર્વનામ free છે અને ક્યાં bound. ભવિષ્યમાં કોઈક વિદ્વાન આના પર સંશોધન કરીને આપણને કંઈક કહે ત્યાં સુધી આપણે રાહ જોવાની.

          Alienable સ્વામિત્વદર્શક સર્વનામોમાં નીચેનાં સર્વનામોનો સમાવેશ થાય છે:

એકવચન

બહુવચન

પહેલો પુરુષ

મારી

અમારી/આપણી

બીજો પુરુષ

તારી

તમારી

ત્રીજો પુરુષ

તેની/એની

તેમની/એમની/તેઓની

આ સર્વનામો પણ વચન અને પુરુષ બદલાતાં બદલાય છે. એટલું જ નહીં, આ સર્વનામો પણ પહેલા પુરુષ બહુવચનમાં શ્રોતા સમાવેશી અને શ્રોતા અસમાવેશી વચ્ચે ભેદ પાડે છે. તદ્ઉપરાંત, આ સર્વનામોનાં ત્રીજા પુરુષનાં સ્વરૂપોમાં પણ veriations જોવા મળે છે અને આ variations કયા પ્રકારનાં છે એની પણ આપણને ખબર નથી.

          Alienable સ્વામિત્વનો ભાવ વ્યક્ત કરતી વખતે આ સર્વનામો કદી પણ એકલાં વપરાતાં નથી. એ હંમેશાં ‘પાસે’ સાથે વપરાય છે. એટલું જ નહીં, આ સર્વનામોનું સ્વરૂપ પણ નિશ્ચિત છે. એમને વિકારી કે અવિકારી ન કહી શકાય. આવાં નિશ્ચિત સ્વરૂપો કઈ રીતે વિકસ્યાં છે એ એક તપાસનો વિષય છે. એટલું જ નહીં, ‘પાસે’નું સ્વરૂપ પણ નિશ્ચિત છે. એને લાગેલો -એ પણ ઘણા પ્રશ્નો ઊભા કરે છે.

          ટૂંકામાં, ગુજરાતી ભાષામાં સ્વામિત્વદર્શક સર્વનામો બે પ્રકારનાં છે: (૧) નામપદ કેન્દ્રી અને (૨) વાક્યતંત્ર કેન્દ્રી. એટલું જ નહીં, વાક્યતંત્ર કેન્દ્રી સ્વામિત્વદર્શક સર્વનામો પણ બે પ્રકારનાં છે: (અ) inalienable અને (૨) alienable આમાંનાં alienableનું સ્વરૂપ નિશ્ચિત છે. એમની પ્રકૃતિ અને એમના વ્યાકરણમૂલક વર્તનની વા કરતી વખતે વિકારી/અવિકારી પરિભાષા કામ લાગે એમ નથી.

1 thought on “ભાષાને શું વળગે ભૂર -૧૫ (બાબુ સુથાર)

 1. સ્વામિત્વનો ભાવ રચનામા યાદ આવે ડૉ મુકુલની રચના
  પ્રેમ એટલે કે,
  સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
  સ્વપ્નમાં પળાય એવો કાયદો…
  પ્રેમ એટલે કે,
  તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો
  ક્યારે નહીં માણી હો,
  એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
  એ પ્રેમ છે.
  દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
  એ પ્રેમ છે.
  પ્રેમ એટલે કે,
  સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…
  કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
  એક છોકરીને તે શ્યામવર્ણી
  વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
  મને મૂકી આકાશને તું પરણી
  પ્રેમમાં તો
  ઝાકળ આંજીને તને જોવાની હોય
  અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s