ભાવિન અધ્યારૂની કટાર -૧


(MBA ની ડીગ્રી ધરાવતા શ્રી ભાવિન અધ્યારૂ વ્યવસાયે માર્કેટિંગ પ્રોફેશનલ છે. ૨૦૦૯ માંસંદેશદૈનિકમાંયંગિસ્તાનનામની સાપ્તાહિક કોલમ લખવાની એમણે  શરૂઆત કરી. ‘ફૂલછાબ’, ‘સાંજ સમાચાર’, જેવા અખબારો અનેમોનિટરઅનેસાધનાજેવા સામયિકોમાં પણ તેમના લેખો પ્રકાશિત થયા છે.

દેશ વિદેશની મુસાફરીના શોખીન ભાવિનભાઈએ રોજિંદા વિષય અને હોરર ફીકશનમાં વધારે કલમ ચલાવી છે. પોતાને Freelance Columnist & Content Writer તરીકે ઓળખાવે છે.

એમણે અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટનો વિશેષ અભ્યાસ કરી ચાર શહેરોની ખાસિયતો વિષે પોતાની કોલમ્સમાં ઘણું લખ્યું છે. આજથીભાવિન અધ્યારૂની નજરે ABSR” શ્રેણીમાં આવા લેખ દર રવિવારે પ્રગટ કરવામાં આવશે.)

ગુજરાતી નાઈટ લાઈફ :

ગુજરાત એટલે આમ ઔપચારિક રીતે ડ્રાય સ્ટેટ, અને એટલે જ ગુજરાતીઓને પીવાનું મન બહુ થાય. કોઈ પણ વિકેન્ડમાં ગુજરાતીઓ રતનપુર કે દમણ તરફ દોટ લગાવે! જગજાહેર સત્ય છે કે ગુજરાતમાં આઈટી અને બીજી મલ્ટીનેશનલ કંપનીઓ ન આવવાનું કારણ લિકર બેન છે. પણ અહીં આપણે દારૂની વાત નથી કરતા, વાત છે નાઈટ લાઈફની!

ગુજરાતીઓ મુંબઈ, બેંગ્લોર કે હૈદરાબાદ જાય ત્યારે ત્યાંની નાઈટ લાઈફની તારીફ કરતાં થાકતાં નથી. મોડે સુધી ડિસ્કોથેક, બાર વગેરે ચાલુ રહેતા હોવાથી માહોલ વધુ હેપનિંગ રહે એ સ્વાભાવિક છે. તો ગુજરાતીઓ ગુજરાતમાં રહીને ખાસ કરીને આવા કાળઝાળ ઉનાળામાં રાત્રે ટહેલવા નીકળી શું કરે છે? નાઈટલાઈફની તાસીરને ચકાસવા ચાલો થોડું ઊંડા ઊતરીએ!

આપણે ત્યાં પુસ્તકમેળો હોય કે ફ્લાવર શો, હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન હોય કે સાહિત્યિક મેળાવડાઓ, લોકો બસ ખાવાનું જ શોધતા હોય છે. ડિટ્ટો, નાઈટલાઈફમાં પણ ઝાઝા ઓપ્શન ન હોવાથી ગુજરાતીઓ રાત્રે જમી લીધા પછી બહાર નીકળે, અને ફરી ખીચું-ગોળા-ગાંઠિયા-ફાફડા-પાસ્તા-મેગી-સેન્ડવિચ-નાચોઝ ગળચતા જ રહે છે. એમ પણ દિલ ખુશ હોય ત્યારે માણસ પાર્ટી કરે છે અને જયારે સ્ટ્રેસમાં ડિપ્રેસ્ડ હોય ત્યારે ખાઉધરો બની જાય છે.

રાત્રે સાડા અગિયાર થતાં જ પોલીસ રાજાપાઠમાં આવી જાય છે. લોકો સાડા દસ આસપાસ બહાર નીકળે અને આઈસ્ક્રીમ ખાવા કે સૌરાષ્ટ્ર સ્ટાઈલમાં ચાર રસ્તે સાઈડમાં કાર કે બાઈક પાર્ક કરી ગપ્પા મારતા હોય ત્યારે પોલીસ દંડાઓ અને સિટી વગાડવાનું ચાલુ કરી બધું બધ કરાવવા નીકળે! અમદાવાદમાં જજીસ બંગલો રોડના ‘ગોળા’ હોય કે રાજકોટના જોકરના ગોલા, ઉનાળો ત્યારે ગુલમહોરની જેમ ખીલે છે અને રોજ ઊજવાતો રહે છે.

એકદમ વિષમ ગરમી વચ્ચે હવે તો કેટલાય લોકો એવા છે જે રાત્રે એ.સી. ચાલુ કરી ઘરમાં જ ભરાઈને બેસી રહે છે, તો કેટલાય રાત્રે કાનમાં હેડફોન ભેરવી ચાલવા-દોડવા નીકળી પડે છે. ચારેકોર સ્માર્ટફોનનાં સ્ક્રિન ચાલુ હોય, ચા ની ચૂસકી વચ્ચે રાત્રે કેટલાય લવર્સ ઘરની બહાર નીકળી શાંતિથી ફોન પર વાત કરતા પણ જોવા મળે. બેઝિકલી, દારૂ કે ડિસ્કોથેક વગરની અહીંની આ શાંત નાઈટલાઇફમાં ખાસ્સું ડિસિપ્લિન જોવા મળે છે. ગુજરાતી પ્રજા શાંત અને વેપારી દિમાગની, એટલે રાત્રે નાઈટ લાઈફમાં પણ દોઢ-બે કલાક બેસવા કે બહાર નીકળે ત્યારે પણ સવારે જલ્દી ઊઠવાનો હિસાબ મગજમાંથી જતો નથી!

અમદાવાદનો એસ.જી. હાઈવે હોય કે રાજકોટનો કાલાવાડ રોડ, રાત્રે એકદમ ધમધમે છે! યંગ કન્યાઓ કારનાં બોનેટ પર બેસીને સેલ્ફી લેતી રહે છે, જુવાનિયાઓ અલકમલકની માંડે છે, વ્હોટ્સએપ પર ચેટિંગ પણ ચાલતા હોય છે, અને જુવાનિયાઓના ગ્રુપમાં ફ્લર્ટ પણ ચાલે છે. સિનિયર સિટીઝન્સ પણ અહીં રાત્રે ચાલવા નીકળી મોદી-અમિત શાહનો ટોપિક કાઢી રાજકીય વિશ્લેષણ કરતા રહે છે.

સૌરાષ્ટ્ર બાજુ અગાસીઓ (અમદાવાદમાં ધાબા!) પર લોકો કેરમ-ચેસ-પત્તા રમે છે, ટેણીયાઓ પ્લાસ્ટિકના દડાથી ક્રિકેટ રમતા નજરે પડે છે, તો ડોસીઓ નવરા બેઠા ગામ આખાની પંચાત લઈને બેસે છે! શનિવારની રાત હોય તો લગભગ બે વાગ્યા સુધી પણ હસવાનાં અવાજ સોસાયટીઓમાં ગુંજતા રહે છે. કાણાવાળા ગંજી પહેરી ગુજરાતી પુરુષો પીઠ અને પેટ વલુરતા, પાન, માવો, સિગરેટ ચલાવતા રહે છે, સ્ત્રીઓને જાણે બે કલાકની પેરોલ મળી હોય એમ ખુશખુશાલ દેખાય છે!

નાઈટલાઈફ એ ગુજરાતી સ્ત્રીઓને મળતી બે કલાકની પેરોલ છે! હવે તો ઠીક છે, નવી પેઢી ઘરે રસોઈયાઓ રાખતી થઇ ગઈ છે પણ જરા વિચારજો કે ૪૪ ડિગ્રી ગરમીમાં રસોડામાં રોટલી કે ભાખરી કેવી રીતે થઇ શકતી હશે? રાત્રે ચાલવા જવામાં સારું ને સોલફુલ મ્યુઝિક આત્માને ખોરાક પૂરો પાડે છે, નવા વિચારો આવે છે. કેટલાક કપલ દરેક નાઈટને ‘ફર્સ્ટ નાઈટ’ બનાવતા રહે છે! ગુજરાતીઓ એમ પણ જિંદગીની મોટા ભાગની મોજ બંધ બારણે જ કરી જાણે છે!

નાઈટ તો કોલ સેન્ટર કે કેપીઓનાં કર્મચારીઓની પણ હોય છે, રાત તો ૨૪ કલાક ખુલ્લા રહેતા ઈમરજન્સી વોર્ડનાં કર્મચારી કે રાત્રે સફાઈ કરવા નીકળતાં સફાઈ કામદારોની પણ હોય છે. એ રાત જ છે, જે, બે ઘડી માણસને ચાંદ કે તારાઓ જોવા નજર ઉપર તાકતા કરે છે! એ રાત જ છે, જે, હેમંત કુમાર થી અરિજિત સિંઘ સુધીનાં ગીતો સાંભળવા સમય અને માહોલ પૂરો પાડે છે!

શિયાળાની રાત્રે ઠંડોગાર આઈસ્ક્રીમ ખાતા આવડે, ચોમાસાની રાત્રે ધોધમાર વરસાદમાં ભીંજાતા આવડે અને ઉનાળાની રાત્રે આખી રાત એક કોફી કે ચા ના સથવારે એક પુસ્તક સાથે નીકળી જાય ત્યારે નાઈટલાઈફ સાકાર થઇ જતી હોય છે!

2 thoughts on “ભાવિન અધ્યારૂની કટાર -૧

  1. ‘શિયાળાની રાત્રે ઠંડોગાર આઈસ્ક્રીમ ખાતા આવડે, ચોમાસાની રાત્રે ધોધમાર વરસાદમાં ભીંજાતા આવડે અને ઉનાળાની રાત્રે આખી રાત એક કોફી કે ચા ના સથવારે એક પુસ્તક સાથે નીકળી જાય ત્યારે નાઈટલાઈફ સાકાર થઇ જતી હોય છે!’
    અમારા વર્ષોના અનુભવો નું સુંદર આલેખન

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s