ગીતા (મારી સમજ) – ૧ (પી. કે. દાવડા)


નિવેદન

ગીતા વિષે જેટલું લખાયું છે, એટલું ભારતના કોઈપણ પુસ્તક કે ગ્રંથ વિષે લખાયું નથી. ગીતા વિષયના નિષ્ણાતોએ, ગીતાના એક એક શ્ર્લોક ઉપર કલાકોના કલાકો સુધી વ્યાખ્યાનો આપ્યા છે. જેમ શેરડીનો રસ વેંચનાર, શેરડીના Practically dehydrated કુચા ન નીકળે ત્યાં સુધી પીલે રાખે, તેમ આ નિષ્ણાતોએ ગીતાને પીલી પીલીને રજૂ કરી છે. અને તેમ છતાં આયુષ્યના એંસી વરસ સુધી ગીતાનું કોઈ ખાસ જ્ઞાન મારે કોઠે પડ્યું નહીં. હા, ઠાલા શબ્દો જેવાકે જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ વગેરે હું પણ વારતહેવારે બોલતો રહ્યો.

હાલમાં મને ઇચ્છા થઈ, લાવ હવે હું જાતે ગીતા સમજવા પ્રયત્ન કરૂં. જેમ જેમ વાંચતો ગયો, તેમ તેમ મને લાગવા માંડ્યું કે ગીતા એક સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનને લગતો ગ્રંથ છે. વ્યાસજીએ વિચાર્યું હશે, કે હું કહીશ તો કદાચ લોકો માનશે નહિં, એટલે એમણે કૃષ્ણે કહ્યું હોય અને અર્જુને સાંભળ્યું હોય એવી રચના કરી છે, જેથી ધર્મ સાથે જોડીને એમની વાત લોકોને સ્વીકાર્ય બને. હું માનું છું કે મોટાભાગના સંવાદોમાં કૃષ્ણ કહે છે એટલે ગીતા કહે છે. અને જ્યાં જ્યાં કૃષ્ણનો ઉલ્લેખ છે, ત્યાં ત્યાં એક પ્રચંડ શક્તિનો ઉલ્લેખ છે, આટલું સમજીને વાંચશો તો આજના જ્ઞાન વિજ્ઞાનના યુગમાં ગીતા વધારે ઉપયોગી જણાશે.

સાથે સાથે એ પણ જણાવી દઉં કે જે વાતમાં આપણને વિશ્વાસ ન હોય, શ્રધ્ધા ન હોય, એ વિષય ઉપર સમય અને શક્તિનો વ્યય ન કરવો જોઈએ. અહીં શ્રધ્ધાનો અર્થ અંધશ્રધ્ધા નથી, માત્ર માનસિક તૈયારી છે.

ગીતા અર્જુન માટે કહેવાઈ નથી. ગીતા આપણાં માટે રચાઈ છે. અર્જુનને તો ગીતા સમજાવવાને બદલે શરૂઆતમાં જ ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી દેત, તો અર્જુન ચૂપચાપ લડવા તૈયાર થઈ જાત. અથવા કૌરવોને વિરાટ સ્વરૂપ દેખાડી દેત તો કૌરવો યુધ્ધનું મેદાન તો શું, હસ્તીનાપુર છોડીને ભાગી જાત. ગીતા કુરૂક્ષેત્રના યુધ્ધ માટે નહીં, આપણાં જીવનસંગ્રામ માટેનો ગ્રંથ છે.

આજે, સતત મોહ, સ્વાર્થ, જૂઠ, અહં, ક્રોધ, અછત, ઈર્ષા અને આવા અનેક નકારાત્મક તત્વો સાથે સંગ્રામ જેવી પરિસ્થિતિ વચ્ચે જીવવું પડે છે. અર્જુનને થયો એના કરતાં પણ અનેકઘણો વિષાદ, અનેક વાર, આપણને થાય છે. આવા સમયે ગીતાની કર્મ, જ્ઞાન અને ભક્તિની શીખ સમજવા કોશીશ કરીયે, તો એમાં આજની પરિસ્થિતિમાંથી રાહત મેળવવાના ઉપાયો મળી રહેવાનો સંભવ છે. બધા ઉપાયો, બધાને માટે શક્ય નથી, અને બધા ઉપાયોનો અમલ પુરેપૂરી રીતે કરવાની જરૂર પણ નથી. નિર્વાણ જેવા ઉચ્ચ લક્ષને નજર સામે રાખી, ગીતા સમજવાની કોશીશ કરશો તો મુંજાઈ જશો. પરિસ્થિતિમાંથી રાહત મેળવવાના Practical Solutions શોધશો તો એ એમાંથી મળી રહેશે.

મુખ્ય તો મન અને બુધ્ધિ વચ્ચેનો ફરક સમજી લેવાની જરૂર છે. વૈજ્ઞાનિકો તો આ બન્નેનું ઉદભવ સ્થાન એક જ (Brain) હોવાથી બહુ ફરક સમજાવી શકતા નથી. Intellect અને Emotion એવા બે શબ્દો જરૂર વાપરે છે. બુધ્ધિ એ જાગૃત અવસ્થાનું સાધન છે. મન એ અર્ધજાગૃતિમાં મોહ, લોભ, અહં, ક્રોધ અને આવા અનેક દુર્ગુણોનો શિકાર થઈ જાય એવું નબળું છે. ગીતા બુધ્ધિને સંબોધીને બહુ ઓછું કહે છે, ગીતા મનને વશમાં રાખવાની સલાહનો ગ્રંથ છે. જો તમે મનને વશમાં કરી શકો, તો વગર વાંચ્યે તમે ગીતા સમજી ગયા.

ગીતા માત્ર યોગીઓ અને તપસ્વીઓ માટે નથી. તમારા મારા જેવા સાંસારીક જીવન જીવતા લોકો માટે પણ એમાં ઘણી ઉપયોગી સલાહ છે. ગીતા સમજવી બહુ અઘરી છે એમ કહી કહીને વિદ્વાનોએ અનેક લોકોને ગીતાથી દૂર રાખ્યા છે. ગીતામાં ત્રણ જગ્યાએ ગૂઢ શબ્દનો ઉપયોગ થયો છે, બસ એનો સહારો લઈ આવા લોકો “તમને નહિં સમજાય, ગીતામાં જ કહ્યું છે એ બહુ ગૂઢ છે.” કહી, પોતાની પાસે ગીતાનો ઈજારો રાખ્યો છે.

આ ત્રણ ગૂઢ રહસ્યમાંથી પહેલું રહસ્ય કર્મ વિષે છે. ગીતા કહે છે કે જે કર્મ (કામ) કરવાની તારી ફરજ છે, એ કર્મ તો તારે કરવું જ જોઈએ. બીજું રહસ્ય છે, તમારી જાતને ઓળખવાનું. દરેક મનુષ્યમાં ઓછે વત્તે અંશે બે વૃત્તિઓ હોય છે, દૈવી અને આસુરી. આ વૃત્તિઓને સારી પેઠે ઓળખી લઈ, યોગ્ય દિશામાં વાળવાની વાત છે. ત્રીજું રહસ્ય છે પરમાત્માને ઓળખી એનો સ્વીકાર કરવાનું. આમાં પ્રથમ રહસ્ય માટે ગુહ્ય (Secret) શબ્દ વાપર્યો છે, બીજા રહસ્ય માટે ગુહ્યતર (Very secret) શબ્દ વાપર્યો છે, અને ત્રીજા રહસ્ય માટે ગુહ્યતમ (Most secret) શબ્દ વાપર્યો છે.

આમાંનું પહેલું રહસ્ય બીજા, ત્રીજા, ચોથા, પાંચમાં અને આઠમાં અધ્યાયમાં સમજાવ્યું છે. બીજું રહસ્ય બીજા, છઠ્ઠા,અને તેરમાથી અઢારમા અધ્યાયોમાં સમજાવ્યું છે, અને ત્રીજું રહસ્ય ત્રીજા, સાતમા, આઠમા, નવમા અને દસમાથી અઢારમા અધ્યાયોમાં સમજાવ્યું છે. ગીતામાં દરેક વાતનું પુનરાવર્તન ખૂબ જ છે, અને દરેક શ્લોકનો અર્થ દરેક વ્યક્તિ પોતાની સમજ પ્રમાણે કરી શકે. હું માનું છું કે ગીતા ઉપર લખાયલા અલગ અલગ પુસ્તકો વાંચી, આપણી પોતાની સમજ અનુસાર ધારણા બાંધીયે તો ગીતા એક આનંદદાયક વિષય છે.

આ અઢાર લેખમાં મેં અઢાર અધ્યાયમાંથી મને જેટલુ સમજાયું, અને મને જેટલું ગમ્યું, એના વિષે જ લખ્યું છે. મારી સમજણ શક્તિની મર્યાદા અને આ લેખની મર્યાદા બન્ને એક જ છે. હું જે સમજ્યો છું, એ સાચું છે એવો દાવો જરા પણ નથી. હું એક એંજીનીઅર છું. વિજ્ઞાન અને ગણિતને જીવનમાં ધર્મ કરતાં મેં જરીક વધારે મહત્વ આપ્યું છે, એની અસર પણ આ લેખોમાં દેખાશે.

ગીતાનાં દરેક અધ્યાયને જીવનમાં કોઇ સામાન્ય વ્યક્તિ ઉતારી ન શકે.

આથી ગીતામાં Options આપવામાં આવ્યા છે, જેથી દરેક પ્રકારનો માનવ પોતાના કલ્યાણનો માર્ગ શોધી શકે.

જે ભક્ત છે તેના માટે ભક્તિયોગ છે. એ માણસ હ્રદય પૂર્વક ઈશ્વરની આરાધના કરે, જે માણસ પોતાની જીવન જરૂરિયાતો મેળવવા માટે જરૂરી સમય સિવાયનો સમય ઈશ્વર ભક્તિમાં ગાળે, એને પણ જીવનમાં શાંતિ અને આનંદનો અનુભવ થઈ શકે.

જેને ભક્તિ કરવાનો સમય નથી, મંદિરે જવામાં કે દર્શન કરવામાં એને રૂચી નથી, એને માટે ગીતામાં કર્મયોગ આપવામાં આવ્યો છે. જે વ્યક્તિ સાત્વિક કર્મ કરશે, એ પણ આનંદથી જીવી શકશે. જે વ્યક્તિ પોતાનો બધો જ ફાજલ સમય જ્ઞાન પ્રાપ્તિ માટે આપે છે, અને જ્ઞાન પોઝીટીવ અભિગમને પોષતું હોય, તો એ માણસ પણ સુખ શાંતિથી જીવન પસાર કરી શકે છે.

આધુનિક સમયમાં જે કોઇ વ્યક્તિ તેના સ્વભાવ અનુસાર ગીતા ના આ ત્રણમાંથી કોઈપણ એક યોગને અનુસરશે, અને એ વિચારો પોતાના જીવનમાં લાવશે, તો એને જીવન જીવવામાં ક્યાંકને ક્યાંક મદદરૂપ થશે.

હું મુંબઈની એક આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું કંન્સ્ટ્રકશન સુપરવાઈઝ કરતો હતો, ત્યારે એ કોલેજના પ્રિનસિપાલ ડો. પંડ્યાના સંપર્કમાં આવેલો. પ્રાધ્યાપક હતા, એટલે એમની પાસે જરૂરી જ્ઞાન હતું. કુટુંબના ભરણ્પોષણ માટે નોકરી કરતા હતા, એ એમનું કર્મ હતું. એક દિવસ ઘાટકોપરથી ફ્લોરા ફાઉન્ટન જતી વખતે એમણે મને પોતાની કારમાં રાઈડ આપેલી. રસ્તામાં કેટલીએ વાર એમણે અમુક દિશા તરફ હાથ જોડી માથું નમાવેલું. પછી મને ખ્યાલ આવ્યો, કે એ દિશાઓ તરફ મુંબઈના પ્રખ્યાત મંદિરો હતા. મારા એમની સાથેના દસ મહિનાના પરિચયમાં ક્યારે પણ મેં એમને Disturb થયેલા જોયા ન હતા.

જેમ અન્ન પકાવવા અગ્નિની જરૂર પડે, તેમ મનુષ્યમાં ગીતા સમજવા માટે તીવ્ર આકર્ષણ  પ્રગટવાની જરૂર છે.

આખી ગીતા વાંચ્યા પછી, પોતાને શું ઉપયોગી છે, એ શોધી અને એનો અમલ કરનારને જ ગીતા મદદરૂપ થઈ શકે.

ગીતાની રચના જ એવી છે, કે કહ્યું છે બધું અર્જૂનને, પણ સમજાવ્યું છે સમગ્ર માણસ જાતને. માણસ પોતાની પ્રકૃતિ અનુસાર ગીતાનો અમલ કરી, એનાથી ફાયદો મેળવે.

ગીતાની ખૂબી એ જ છે, કે એનું Destination એક જ છે, પણ ત્યાં પહોંચવાના અલગ અલગ રસ્તા દેખાડ્યા છે. માત્ર એટલું જ નહિં, દરેક માર્ગમાં આવનારી બાધાઓ, અને એ કેમ પાર કરી શકાય એના ઉપાયો પણ બતાવ્યા છે.

માત્ર ગીતા વાંચવાથી કશો ફાયદો નહિં થાય, ગીતાના શ્ર્લોક મોઢે કરી, રોજ એનો પાઠ કરવાથી બહુ ફાયદો નહિં થાય, પણ ગીતાએ સુચવેલા સારૂં જીવન જીવવાના અનેક માર્ગમાંથી, કોઈ એક માર્ગે ચાલવાથી જરૂર ફાયદો થશે.

4 thoughts on “ગીતા (મારી સમજ) – ૧ (પી. કે. દાવડા)

 1. ‘ગીતાએ સુચવેલા સારૂં જીવન જીવવાના અનેક માર્ગમાંથી, કોઈ એક માર્ગે ચાલવાથી જરૂર ફાયદો’ મા દાવડાજીએ મુખ્ય વાત કરી હવે સરળ ભાષામા સૌને તર્ક શુધ્ધ વાત સમજ પડે તેની રાહ્

  Like

 2. SHRI DAVDAJI. HERE ARJUN MEANS ALL PUBLIC, MUST UNDERSTAND PUBLIC FOR HAPPY LIFE. ALL RELIGIOUS SAID KAM-KROTH,MOH-MAYA,RAG-DRESH,LOBH-IRSHYA ETC. NASH KARO, THAN YOUR MIND WILL BE HAPPY, BUT ADOPTING IS DIFFUCLT FOR PEOPLE, SO TRY STEP BY STEP WITH FRESH MIND.

  Like

 3. best beginning: “ગીતા મનને વશમાં રાખવાની સલાહનો ગ્રંથ છે. જો તમે મનને વશમાં કરી શકો, તો વગર વાંચ્યે તમે ગીતા સમજી ગયા.”
  “ત્રણ ગૂઢ રહસ્યમાંથી પહેલું રહસ્ય કર્મ વિષે છે.”
  “બીજું રહસ્ય છે, તમારી જાતને ઓળખવાનું. દરેક મનુષ્યમાં ઓછે વત્તે અંશે બે વૃત્તિઓ હોય છે, દૈવી અને આસુરી. આ વૃત્તિઓને સારી પેઠે ઓળખી લઈ, યોગ્ય દિશામાં વાળવાની વાત છે.”
  ” ત્રીજું રહસ્ય છે પરમાત્માને ઓળખી એનો સ્વીકાર કરવાનું.”

  we need intense passion:
  “જેમ અન્ન પકાવવા અગ્નિની જરૂર પડે, તેમ મનુષ્યમાં ગીતા સમજવા માટે તીવ્ર આકર્ષણ પ્રગટવાની જરૂર છે.”

  “આખી ગીતા વાંચ્યા પછી, પોતાને શું ઉપયોગી છે, એ શોધી અને એનો અમલ કરનારને જ ગીતા મદદરૂપ થઈ શકે.”

  very nicely explained..
  thx Davda Saheb.

  Like

 4. I always wanted to understand Shreemad Bhagavat Gita. I tried to read synopsis of many books on that subject by different authors but none of them met my own thinking. This is the best and most logical introduction about Gitaji I have read! Being an engineer myself, this introduction makes the most sense to me. Thank you sir for writing this series.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s