સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧ (ડો. ભરત ભગત)


(ડો. ભરત ભગતનું આંગણાં ફરીવાર સ્વાગત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. આંગણાંની શરૂઆત લલિતકળાથી થઈ, થોડા સમયમાં જ એમાં સાહિત્ય વિભાગ ઉમેરવામાં આવ્યો. એપ્રીલ ૨૦૧૯ થી સમાજ સેવા વિભાગ શરૂ કર્યો, એમાં ડો. ભરત ભગના Health and Care Foundation દ્વારા થતાં સેવાકાર્યો રજૂ કરવામાં આવેલા. ટુંક સમયમાં વિજ્ઞાન વિભાગ ઉમેરવાની મારી ઈચ્છા છે, જેના માટે કોઈ ઊંચા દરજ્જાના વૈજ્ઞાનિક આ વિભાગમાં જોડાય એવા પ્રયત્નો ચાલે છે. વાચકોને વિનંતી છે કે એમની પસંદગીના વૈજ્ઞાનિકોના નામ સૂચવે. આજથી સમાજ સેવા વિભાગમાં ડો. ભગત દ્વારા સામાજીક સંસ્થાઓ અને વ્યક્તિઓ વિષે લખાયલ ૧૩ લેખ રજૂ કરવામાં આવશે. – સંપાદક) 

ફોન નંબર ૧૦૮ (ડૉ. ભરત ભગત)

       “ડિસેમ્બર મહિનાની ફુલગુલાબી ઠંડીવાળી સવાર હોય, લકઝરી કારમાં ઉત્તેજક સંગીત રેલાતું હોય તો સ્ટીયરીંગ ઉપર બેઠેલા યુવાનથી ગતિમર્યાદા કેવી રીતે જાળવી શકાય? આવી જ મસ્તીભરી પળોમાં એક યુવાને રસ્તામાં આવતાં પશુને બચાવવા પોતાની ગતિ મર્યાદા ઘટાડવા અને ગાડીને રોકવા જતાં ગાડી ઉપરનો કાબૂ ખોયો. દુર્ભાગ્યે તેની ગાડી રસ્તાના ડીવાઈડર સાથે અથડાઈ. ડીવાઈડરનો સળીયો આગળના કાચમાંથી નીકળી યુવાનની છાતીને ભેદી, સીટની પણ આરપાર નીકળી ગયો. ગાડી બંધ અને યુવાન બેભાન! મોર્નીંગ વોકમાં નીકળેલા એક પ્રૌઢે 108 ઉપર ફોન કર્યો અને ગણતરીની પળોમાં જ 108 હાજર. પાયલોટ અને ઈમરજન્સી મેડીકલ ટેકનીશીયને (E.M.T.) એ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અહીં શું કરવું એના બદલે શું ના કરવું એ આ બંને જાણતા હતા એટલે સળીયો ખેંચવાના બદલે પોતાની પાસેના રેસ્ક્યુ કીટના પસંદગીના સાધનોથી સળીયો કાપી યુવાનને સીટ સમેત એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં, એક પણ મિનિટ વેડફ્યા વિના પહોંચાડ્યો. તુરત જ ઓપરેશન થયું અને યુવાન નવજીવન પામ્યો. એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર મળી, અને ઓછામાં ઓછા સમયમાં હોસ્પિટલમાં પહોંચાડવાથી જિંદગી બચી એ જ GVK EMRI માટે ગૌરવની વાત છે. રોજે રોજ આવી અસંખ્ય જિંદગી બચાવતી સંસ્થાના કાર્યકર હોવાનું અમને સદ્દભાગ્ય મળ્યું છે તે ખુશીની વાત છે. કઠવાડા ખાતે આવેલા, 15 એકર જમીનમાં વિસ્તરેલા, અતિઆધુનિક, સુરક્ષિત અને 24 x 7 અદ્વિતિય સક્ષમતાથી કાર્યરત એના હાઈપ્રોફાઈલ સેન્ટરમાં સેવા આપતા નિસર્ગના હ્રદયમાંથી નીકળેલા શબ્દો હતા.

       સર્જન તરીકે હું જાણું છું કે અકસ્માતના સ્થાને સળીયો કાઢવાનો પ્રયાસ એટલે મોતને આમંત્રણ. આવી નાજુક પરિસ્થિતિને સફળતાપૂર્વક પાર કરનાર બંને સ્ટાફ કેવી રીતે આટલી કુનેહ દાખવી શક્યા એ મારી મૂઝંવણને દૂર કરતાં આ પ્રોજેક્ટના ચીફ ઓપરેટીંગ ઓફીસર શ્રી જસવંતભાઈ પ્રજાપતિએ સરસ માહિતિ આપી. અમે એમ્બ્યુલન્સ ડ્રાઈવર નથી કહેતા પણ એને પાયલોટ કહીએ છીએ, કારણકે દર્દીનો જીવ બચાવવાનું એનું મિશન છે. એની સાથે જે EMT હોય છે તે સંપૂર્ણ તાલીમબધ્ધ હોય છે. જેથી રોડ અકસ્માત, રેલ દુર્ઘટના, કુદરતી આફત, હ્રદય રોગ, પ્રસુતિ જેવા અનેક આપત્તિજનક પ્રસંગો કે પડકારોને પહોંચી વળવા GVK EMRI સંપૂર્ણ સજ્જ રહી શકે છે. તેનો ફિલ્ડ સ્ટાફ કે મેનેજરીયલ સ્ટાફ શિસ્તબધ્ધ, તાલીમબધ્ધ હોય અને સંપૂર્ણ રીતે કાર્યપ્રત્યે સમર્પિત હોય છે. અમે આ બધુ વિક્સાવી શક્યા છીએ કારણકે અમે પાયાના પ્રશ્નોને સમજી અદ્યતન તાલીમ કોર્સ તૈયાર કર્યો છે જેમાં સ્ટેનફર્ડ જેવી અનેક યુનિવર્સીટીઓ સાથે સહયોગ કેળવી તાલીમ અને મેનેજમેન્ટના મોડ્યુલ્સ બનાવ્યા છે. આ જ અમને તમામ ઈમરજન્સી સેવાઓ આપતી સંસ્થાઓમાં મોખરાનું સ્થાન અપાવે છે.

તાલીમનું દર વર્ષે એકવાર પુનરાવર્તન થાય, 6 D સ્ટીમ્યુલેશનથી પણ તાલીમ અપાય અને પછી પરીક્ષા લેવાય. સફળ ના થાય ત્યાં સુધી તેણે તાલીમ લીધા જ કરવી પડે. આ સિધ્ધાંત અમારા સ્ટાફને સમય સાથે ચાલતા વિકટ પરિસ્થિતિઓને પહોંચી વળવા સક્ષમ બનાવે છે. જરૂર પડે ત્યારે પરદેશમાં નિષ્ણાંતો પણ અહીં આવે અને અમારી ગુણવત્તાને વિશ્વકક્ષાની બનાવવા માટે સહાયરૂપ થાય. ફીલ્ડ વર્કરની ચપળતા, નિર્ણયશક્તિ અને કૌશલ્ય વધતું રહે એ અમારો કાયમી ધ્યેય છે. આ જ કારણે આ યુવાન જેવા લાખ્ખો લોકોની જિંદગી બચાવવા અમે સફળ રહ્યા છીએ.

       આંધ્રપ્રદેશનું જીવીકે ગ્રુપ, જે ઈન્ફાસ્ટ્રકચર, પાવર, એરપોર્ટ જેવા મોટા ઉદ્યોગોમાં અગ્રેસર છે તેમણે સેવા ભાવનાથી પ્રેરાઈ 108 નો પ્રોજેક્ટ મૂક્યો. એની સફળતાના પરિણમો જોઈ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીએ તેમને ગુજરાત માટે પણ આ સેવા છ મહિનામાં શરૂ કરવા પડકાર આપ્યો. GVK એ માત્ર 3 મહિનામાં પાયલોટ પ્રોજેક્ટ 2007માં શરૂ કર્યો અને ટુંકમાં જ આખા ગુજરાતમાં પોતાની પાંખો પ્રસરાવી દીધી. થોડી જ એમ્બ્યુલન્સથી શરૂ થયેલો, રાજ્ય સરકાર સાથેનો P.P.P. મોડલ પ્રોજેક્ટ આજે 587 એમ્બ્યુલન્સોનો કાફલો ધરાવે છે, 108 આમ તો ટેલિફોન નંબર છે, જે ઘરે ઘરે 108 એમ્બ્યુલન્સ નામથી પ્રસરી ગયો છે. આ માત્ર અકસ્માત – એમ્બ્યુલન્સ સાથે જ નહીં પરંતું પોલીસ અને ફાયરબ્રિગેડ સાથે પણ સંકળાયેલો નંબર છે. આવી વિશ્વસનીયતા પ્રાપ્ત કરવા પાછળ વૈજ્ઞાનિક અભિગમ, શ્રેષ્ઠ તાલીમ, ઉત્કૃષ્ઠ નિષ્ઠા અને જવાબદારી પ્રત્યેની સભાનતા કારણભૂત છે.

       સામાન્ય રીતે વ્યક્તિ કે સંસ્થા જ્યારે સેલ્ફ રાઈટીયસનેસમાં પડી જાય છે, પૃથક્કરણ છોડી દે છે, અને નવા વિચાર માટે દરવાજા બંધ કરી દે છે, ત્યારે તેની પ્રગતિ અટકે છે; પરંતું આ સંસ્થા ખૂબ જાગૃત રીતે પોતાનું પૃથક્કરણ કરી વિકસતી રહે છે. મારા મનમાં, સામાન્ય માનવીની જેમ અનેક પ્રશ્નો અને ઉત્કંઠા હતી. જેને સમાવવા જસવંતભાઈએ વધુ માહિતી આપતા કહ્યું : “અમારી પાસે એનાલીટીક્સની ટીમ છે જે સતત અમારી એમ્બ્યુલન્સો, સ્ટાફ, દર્દી, કોલ્સ વિગેરેનું મોનીટરીંગ કરે, એનો અભ્યાસ કરી આગળની દિશા નક્કી કરે. આ ટીમની માહિતિ ઉપરથી એમ્બ્યુલન્સ ક્યાં ઊભી રાખવી તે નક્કી થાય જેથી જલ્દીમાં જલ્દી લોકો સુધી પહોંચાય. અમારા કેન્દ્રમાં એક મોટો કોમ્પ્યુટરાઈઝડ વીડીયો સ્ક્રીન છે જેમાં કેટલા વાગે કોલ આવ્યો, કેટલી મિનિટ ચાલ્યો તે નોંધાય. 99% કેસમાં પ્રથમ બે મિનિટમાં જ ફોન એટેન્ડ કરાય.

સ્ટાફને પૂરી તાલીમ હોય કે ત્રણ જ મિનીટમાં બધી માહિતિ એકત્રિત કરી ઘટના સ્થળથી નજીક ની ૧૦૮ એમ્બ્યુલન્સને સૂચના અપાય. અમારે ત્યાં એ પણ નોંધાય કે અમારી સૂચના પછી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે કેટલા સમયમાં પહોંચી, હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગને સોંપ્યો અને કેટલા સમયમાં પોતાના નિયત સ્થાને પરત પહોંચી. એ સાથે એમ્બ્યુલન્સમાં આપેલી સારવારની વિગત નોંધાય. દર્દીને તેની ઈચ્છા મુજબ અગર નજદિકની હોસ્પિટલમાં પહોંચાડાય. EMT એટલો સક્ષમ હોય કે એમ્બ્યુલન્સમાં જ તે સારવાર આપી શકે, ઈન્જેક્શન આપી શકે, પ્રસૂતિ કરાવી શકે, અકસ્માતના સમયે રક્તસ્ત્રાવ રોકી શકે. તદ્દઉપરાંત જરૂર પડે અમારા 24 x 7 ના ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરમાં બેઠેલા તબીબ સાથે વાત કરી જરૂરી સારવાર પણ આપી શકે જેથી જીવન બચી જાય.

       અમારી પાસે બીજી ટીમ ક્વોલીટી કન્ટ્રોલ માટેની છે જે દર્દી, સગા કે હોસ્પિટલ પાસે 108ની સેવાઓના ફીડબેક મેળવી સુધારા – વધારા સૂચવે. આ બંને ટીમોના સહયોગથી અમે સતત અમારા કાર્યને ઉચ્ચતમ દિશામાં લઈ જવા કોશિશ કરીએ છીએ. પ્રથમ બે રીંગમાં કોલ્સ એટેન્ડ કરવાનું અમારું ધોરણ આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવત્તા ધરાવે છે.

“જસવંતભાઈના શબ્દોથી હું અભિભૂત થઈ રહ્યો હતો ત્યારે બીજા ઓફિસરે માહિતિ આપી કે પ્રતિ 32 સેકન્ડે એક એમ્બ્યુલન્સ મોકલાય છે અને પ્રતિ કલાકે 11 જિંદગી બચાવાય છે. કોલ આવે અને એમ્બ્યુલન્સ પહોંચે એનો રીસ્પોન્સ ટાઈમ શહેરોમાં 12.16 મિનીટ અને ગ્રામ્ય વિસ્તારમાં 22.03 મિનિટ છે. દરરોજ 3200 થી 3500 કેસ અમે એટેન્ડ કરીએ છીએ.” મેં કહ્યું કે વારંવાર 108 મોડી આવવાની ફરિયાદ ઊઠે છે તો તેના જવાબમાં અધિકારીએ ગંભીરતાથી ચોખવટ કરી “શહેરનો ટ્રાફિક, જગ્યા નહિ આપવાની વાહન ચાલકોની મનોવૃત્તિ ઉપરાંત નજીકની એમ્બ્યુલન્સ બીજા કોલ ઉપર ગઈ હોય તો તેને અમારે બીજા સ્થળેથી મોકલવી પડે એટલે સમય જાય પરંતુ અમે સતત આ દિશામાં કામગીરી કરી ઓછામાં ઓછા સમયમાં દર્દી સુધી પહોંચીએ છીએ.”

આ સેવાની આંકડાકીય માહિતી પણ અદ્દભૂત છે. જસવંતભાઈએ કહ્યું : “ આજ સુધીમાં અમે ૯૮,૯૬,૪૮૭ ઈમરજન્સી કેસીસમાં સેવા આપી છે જેમાં પ્રસૂતિની લગતી ૩૪,૫૨,૮૨૯ રોડ અકસ્માત ૧૩,૧૦,૫૯૭ સામેલ છે. ગંભીર પરિસ્થિતિના ૮,૨૪,૧૧૪ લોકોનું જીવન બચાવી શક્યા છીએ. ૯૧,૭૫૫ બહેનોની પ્રસુતિ અમારા E.M.T. સ્ટાફે કરાવી છે.

       આ સેવાની ઉપયોગી જાણવાથી પ્રસન્નતા અનુભવાઈ પરંતું વધુ આનંદ થયો એ જાણીને કે આ સંસ્થા સમયની સાથે આધુનિક ટેકનોલોજીનો કેવો સરસ ઉપયોગ કરે છે જે જસવંતભાઈના જ શબ્દોમાં : “ અમે 108 મોબાઈલ એપ્લીકેશન શરૂ કરી છે જે ડીજીટલ ઈન્ડિયાના સ્વપ્નાને માત્ર સાકાર કરવાં જ નહીં પરંતું લોકોની સુવિધાઓને વધારવા, તત્કાલિક સેવાઓ માટે ઉપલબ્ધ કરાઈ છે. આ સેવાથી, ઘટના સ્થળેથી ઉપયોગમાં લેવાથી, ઘટના સ્થળનું સરનામું તરત મળે, ગુગલ મેપ સાથે જોડાય એટલે ટેલિફોન દ્વારા માહિતિ મેળવવાનો સમય બચે. 108 ઘટના સ્થળે કેટલીવારમાં પહોંયશે તેનો અંદાજીત સમય મળે, નજદીકની હોસ્પિટલ કે બ્લડ બેંકની માહિતી મળે અને નજદીકની હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય કરવાની તક મળે. આ એપનો લાભ લેનાર વર્ગ વધી રહ્યો છે એ જ એની ઉપયોગીતા માટેનું બેરોમીટર છે.

       GVK EMRI પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારતું રહ્યું છે જેમાં 108 બોટ એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈનથી લઈ અનેક સેવાઓનું વિસ્તૃતિકરણ થયું છે. જે ક્યારે સમાજ સમક્ષ મૂકવું ગમશે પરંતું એ વિચારમાં હતો ત્યાં નિસર્ગે આવી એક સફળ રેસ્ક્યુ ઓપરેશનની વાત કરી. “સાહેબ, એક વાર એક અદ્યતન કાર, ડ્રાઈવર સાથે તળાવમાં ડૂબી ગઈ. ઓટોમેટીક લોક સીસ્ટીમથી બધા દરવાજા બંધ થઈ ગયા. ડ્રાઈવરને ગૂંગળાઈ મરવા સિવાય બીજી કોઈ પરિસ્થિતિ ન હતી ત્યારે અમારી 108 વાન રેસ્ક્યુ સાધનો સાથે પહોંચી ગઈ. તેમની પાસે હથોડી, કોદાળી, પાવડા સમેત અનેક સાધનો હતાં જેની મદદથી કારમાંથી ડ્રાઈવરને સહીસલામત બહાર લઈ આવ્યા. આવા પ્રસંગો જ અમારો ઉત્સાહ વધારે છે.”

જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતા માનવી માટે જીવવાની તક આપતી GVK EMRI સંસ્થા બધી જ સેવાઓ વિના મૂલ્યે આપે છે અને એ શક્ય બન્યું છે રાજ્ય સરકારની ગ્રાન્ટથી. અનેક રાજ્યોમાં સેવારત GVK EMRIના પ્રણેતા અને તમામ સ્ટાફને સેલ્યુટ!

 (GVK -Gunupati Venkata Krishna Reddy)

(EMRI -Emergency Management and Research Institute)

 

4 thoughts on “સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧ (ડો. ભરત ભગત)

  1. કોઈ તબીબી સેવા લએવાની જરુર પડે ત્યારે સૌ પ્રથમ ફીની વ્યવસ્થા કરવી પડે ! આ જમાનામા આટલી કુશળ સેવા…’જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતા માનવી માટે જીવવાની તક આપતી GVK EMRI સંસ્થા બધી જ સેવાઓ વિના મૂલ્યે આપે છે
    ધન્ય ધન્ય

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s