‘હું પણ ત્યાંજ જાઊં છું. આપનું નામ શિલ્પાબેન જ ને!’
‘તમે કેવી રીતે જાણ્યું?’ શિલ્પાને નવાઈ લાગી.
‘હૉલવૅના ટૅનન્ટ લિસ્ટિંગમાં માત્ર એક જ ગુજરાતી નામ, શિલ્પા દેસાઈ છે. માની લીધું કે તમે જ છો. હું આપનો નવો પાડોશી તુષાર ત્રિવેદી. ૭૨૦ મેં ગઈ કાલથી જ રેન્ટ કર્યો છે.’
સેવન્થ ફ્લોર આવતા વાતો અટકી. ‘લેટ મી હેલ્પ યુ’ કહેતા તુષારે શિલ્પાની હાથમાંની બેગ લઈને ૭૨૧ના બારણાં પાસે મુકી દીધી.
હવે શિલ્પાને ખ્યાલ આવ્યો કે પાડોશણ એલિઝાબેથ, નર્સિગહોમમાં ગઈ પછી એક મહિનાથી બાજુનો એપાર્ટમેન્ટ ખાલી જ હતો.
બીજી સવારે, શનિવારે, તુષારે કોઈ અમેરિકન યુવતિ સાથે શિલ્પાને ટેનિસ આઉટફિટમાં, રેકેટ સાથે બહાર જતા જોઈ. તુષાર પરિચય કેળવવા અધીરો થઈ રહ્યો હતો. તે જ બપોરે એનો ડોરબેલ વાગ્યો. તુષારે બારણું ઉઘાડ્યું. શિલ્પા હતી.
‘તુષાર! હજુ બધો સામાન અનપૅક ન કર્યો હોય અને કોઈ વસ્તુની જરૂર હોયતો મને જણાવજે. ડોન્ટ હેઝીટેટ્. વી આર નાવ નૅઇબર. અને જો સમય હોય તો ત્રણ વાગ્યે સાથે કૉફી લઈશું. માઈ વેલ્કમ ટ્રીટ.
તુષારને એ જ જોયતું હતું. ‘સ્યોર, હું આવીશ્.’
‘ધેન સી યુ લેટર’ કહી બારણાંમાથી જ શિલ્પાએ વિદાય લીધી.
તુષાર શિલ્પાને જોતો જ રહ્યો. ગૌર વર્ણ. પાતળો અને સપ્રમાણ બાંધો. આંજી નાખતું વ્યક્તિત્વ. ડિઝાઇનર વ્હાઈટ જીન્સ…. અને ખાસ તો બ્લેક ટી-શર્ટમાંથી ઉભરાતા ઉત્તુંગ ઉરોજ. પોતે હતો છવ્વીસનો. શિલ્પા હશે, ત્રીસ બત્રીસની…. સીધી જ વાત…. શિલ્પા બ્યૂટિફૂલ અને સેક્સી હતી.
એ મનોમન, ભણેલી પણ સાધારણ દેખાવની, સીધી સાદી ‘મણીબેન’ જેવી પોતાની પત્નિ સરોજ અને શિલ્પાની સરખામણી કરતો રહ્યો. …ત્રણ વાગવાની રાહ જોતો રહ્યો.
બરાબર ત્રણને ટકોરે, તુષાર શિલ્પાના લિવીંગ રૂમમાં ગોઠવાઈ ગયો. કૉફીને ન્યાય આપતા તુષારે પોતાનો પરિચય આપવાનું શરૂ કર્યું.
હું સુરતનો. મારા પિતા હાઈસ્કુલમાં પ્રિન્સીપાલ હતા. હમણાં જ રિટાયર્ડ થયા. મેં ફર્સ્ટ ક્લાસમાં બી.કોમ કર્યું પછી બોમ્બે દલાલ સ્ટ્રીટમાં સરસ જોબ મળી ગઈ. પછીતો અહીં ‘વોલ સ્ટ્રીટ’ની ફર્મમા કોન્ટ્રાક્ટ મળ્યો. એચ-વન વિઝા પર બે વર્ષ પહેલા ન્યુયોર્ક આવ્યો. પંચાણું હજારથી સ્ટાર્ટ કરેલું. આજે એકસોપચ્ચીસ પર પહોંચ્યો છું. કંપનીએ ગ્રીનકાર્ડ માટે પ્રોમિસ આપ્યું છે. મારી વાઈફ સરોજ ચાર-પાંચ મહિનામા, દિવાળી સુધીમાં અહીં આવશે. એટલે તો આ એપાર્ટમૅન્ટ રાખી લીધો.’
તુષારે વગર પૂછ્યે પોતાનો બોસ્ટિંગ-બાયોડેટા આપી દીધો. ‘અરે! આતો હું જ બોલ્યા કરું છું. તમારી વાત કરોને! તમે ક્યાંના ?’
શિલ્પા મનમાં હસી.
આપણા દેશીઓનો આ ટીપીકલ સવાલ. “તમે ક્યાંના?” આ સવાલ દ્વારા અલ્પ સમયમાં, અપરિચિત વ્યક્તિની સાત પેઢીના ઈતિહાસની આપલે થઈ જાય. નોકરી ધંધા, કુટુંબ-કબીલા, માલ-મિલ્કત અને આવકની માહિતીની લેવડ-દેવડ થઈ જાય.
‘હું તો અહીં જ જન્મી છું. બાળપણ કંટકીમા પસાર થયું. કૉલેજકાળ પેન્સિલવેન્યામા અને પ્રોફેશનલ જીવન અહીં ન્યુજર્સીમા.’ શિલ્પાએ જવાબ વાળ્યો.
‘અને ફેમિલી?’ તુષારથી પૂછ્યા વગર રહેવાયું નહીં
‘ફાધર ડીસ્ટ્રીક્ટ ઍટર્ની હતા. હાલ ફ્લોરિડામાં રિટાયર્ડ લાઈફ માણે છે. મોટાભાઈ અને ભાભી બન્ને અહીં ન્યુ જર્સીમાં ડૉક્ટર છે. ભત્રીજો એલ.એ. માં મૅડિકલના લાસ્ટ યરમાં ભણે છે. હું અહીં હેલ્થ ઈન્સ્યુરન્સ કંપનીમાં સીનીયર ડાયરેકટર છું. બીજું કાંઈ?‘
તુષારને બીજી ઘણી જીજ્ઞાસા હતી પણ શિલ્પાના ‘બીજું કાંઈ’ ના વેધક ટોનથી દબાવી દેવી પડી.
તુષાર વાત સાંભળતાં સાંભળતાં રૂમમાં નજર ફેરવતો હતો. લીવીંગરૂમ નાના આધૂનિક ફરનિચરથી સાદો અને સુઘડ લાગતો હતો. દિવાલ પરની ગ્લાસ સેલ્ફ પર ટ્રોફીઓ હતી. નીચેની સેલ્ફ પર આરસની એક સરખી સાઈઝની રાધા-કૃષ્ણ, બુદ્ધ, જીસસ, ગાંધીજી અને જરથુષ્ટ્રની પ્રતિમાઓ હતી. એની નીચેની સેલ્ફ પર ઈલેકટ્રોનિક ડિજિટલ ફોટોફ્રેમમાં દર પંદર સેકંડે ફોટા બદલાયા કરતા હતા. સોફા પાછળની દિવાલ પર મીરાંનું રાજસ્થાની આર્ટનું પૉર્ટ્રિટ હતું. કોર્નરમાં એક નાનો પ્લાન્ટ અને ટુ ટાયર બુકકૅઈસ પર ઈંગ્લીસ બુક્સ, વ્યવસ્થીત ગોઠવેલા ન્યુઝ પેપર્સ અને મેગેઝિન હતા.
તુષારને થોડીવાર પહેલા મારેલી બડાશ બાલિશ લાગી. શિલ્પાની સરખામણીમાં તે ઘણો વામણો હતો. કૉફી પછી પોતની રૂમ પર આવ્યો. હજુ જાણવાની ઘણી જીજ્ઞાસા હતી. સુંદર અને સફળ હોવા છતાં ‘સીંગલ’ કેમ છે! પૂછવું હતું પણ, શિલ્પાના વ્યક્તિત્વની રેડ લાઈટ સામે આગળ વધી શક્યો નહીં.
તે રાત્રે ફરીવાર શિલ્પા અને સરોજની સરખામણી કરતો રહ્યો. પત્ની અને પડોશણના કોમ્પ્લેક્ષન, કલર, ફિગર, હાઈટ અને ખાસતો ભરાઉ વક્ષસ્થળોમાં આસમાન જમીનનો તફાવત હતો. તેના વિકૃત માનસમાં, સિંગલ અને સુંદર શિલ્પાની વસ્ત્રહીન કાલ્પનિક પ્રતિમાને મનોમન માણતો રહ્યો.
બીજી સવારે તે શિલ્પાના એપાર્ટમેન્ટમાં એક રોમૅન્ટિક ગઝલનું પુસ્તક લઈને પહોંચી ગયો. ‘આમાં સરસ ગુજરાતી ગઝલો છે. મને ખાત્રી છે કે તમને ગમશે જ.’
‘ઓહ! થેન્કસ બટ નો થેન્કસ. મને ગુજરાતી લખતાં વાંચતા નથી આવડતું. ગુજરાતી પોએટ્રિ તો કોઈ વાંચી સંભળાવે તોયે સમજાતી નથી. સોરી, આઈ હેવ નો યુઝ ઓફ યોર બુક.’
‘એન્ડ તુષાર, આઈ એમ સોરી. આઈ એમ લિટલ લેટ ફોર માઈ મીટિંગ. આઈ મસ્ટ ગો નાવ’ કહેતા શિલ્પા તુષાર પહેલા જ બહાર નીકળી ગઈ. છોભીલા પડેલા તુષારને એની પાછળ નીકળવું પડ્યું.
એક આખું અઠવાડિયું કોઈપણ સંપર્ક વગર શાંતિથી પસાર થયું.
તુષારને આશા હતી કે આ વીકએન્ડમાં મળવાનું થશે; પણ આ લૅબર ડે નું લોંગ વીકએન્ડ હતું.
શુક્રવાર સાંજથી શિલ્પાને ત્યાં ગેસ્ટ હતા. એક કપલ અને પાંચેક વર્ષનો છોકરો.
શનીવારે સવારે શિલ્પા લોબીમાં છોકરા સાથે દોડાદોડી કરીને રમતી હતી. બાળકની કિકિયારીમાં એ પણ નાચતી કુદતી સાથ પુરાવતી હતી. પ્રભાવશાળી અને શાંત શિલ્પાનું આ નવું રમતિયાળ સ્વરૂપ હતું.
તુષારે બહાર નીકળીને જોયું તો ગેસ્ટ-કપલ સ્મિત સાથે છોકરાને અને શિલ્પાને રમતાં જોઈ રહ્યા હતા. નજર મળતાં તુષારે બન્નેને ‘ગુડ મૉર્નિંગ’ કહ્યું. તેના ધ્યાનમાં આવ્યું કે આ યુવતી તો શિલ્પાની ટૅનિસ પાર્ટનર હતી.
સોમવારની સાંજ સુધી શિલ્પા મહેમાનો સાથે રોકાયલી હતી. છેક મોડી સાંજે બાળકનો અને શિલ્પાનો અવાજ સંભળાયો. બાય ફિરોઝ, બાય આન્ટિ. એમના ગયા પછી થોડી વારમાં તુષાર શિલ્પાને ત્યાં પહોંચી ગયો.
‘તમે ગેસ્ટ સાથે બિઝિ હતા એટલે તમને મળાયું જ નહીં. જો તમે ફ્રી હો તો નેક્સ્ટ સનડે આપણે સાથે ડિનર લઈએ.’
શિલ્પા જરા વિચાર કરવા રોકાઈ. પછી કહ્યું. “સ્યોર, આઈ’લ મેઈક માયસેલ્ફ અવેઇલેબલ. થેન્કસ ફોર યોર ઇન્વિટેશન.”
તુષારને ‘અવેઇલેબલ’ શબ્દ ગમ્યો. રવિવારની પ્રતિક્ષા કરવા લાગ્યો.
શુક્રવારે માંકડું મન હાથમાં ન રહ્યું. તદ્દન નવું શર્ટ કાઢ્યું…. પહેર્યું….જાતે તેના બે બટન તોડ્યાં…. પાડોશમાં પહોંચી ગયો.
‘આઈ નીડ યોર ફૅવર શિલ્પા! તારી પાસે સોય-દોરો છે? ખરી વખતેજ આ બટન તૂટી ગયા.’ સંબોધનમાં શિલ્પાબેનમાંથી ઈરાદા પૂર્વક શિલ્પા થઈ ગયું. આત્મીયતા સ્થાપવાનો સભાન પ્રયાસ થયો.
‘નો પ્રોબલેમ! વેઈટ, હમણાં ફીક્ષ કરી આપું.’ શિલ્પા સોય-દોરો લાવી. પહેરેલા શર્ટ પર બટન લગાવવાનું શરૂ કર્યું.
બન્ને ખૂબ નજીક હતા.
બે વર્ષથી દેહસુખથી વંચિત રહેલા તુષારે ભાન ભૂલી એક હાથ વક્ષસ્થળ પર મુક્યો અને બીજા હાથે ખેંચીને શિલ્પાને કિસ કરવાની કોશિશ કરી.
…..પણ તેના ગાલ પર શિલ્પાના સોય વાળા હાથની લોખંડી થપ્પડ પડી ચુકી હતી. વાગેલી સોયથી અને ચમચમતા તમાચાથી ડાબો ગાલ લોહીયાળ થઈ ગયો હતો. એક ધક્કે તે ફ્લોર પર ફસકાઈ પડ્યો. શક્તિહીન થઈ ધ્રુજતો હતો.
‘સ્ટ્યૂપિડ જર્ક…
ડુ યુ નૉ, ધેટ યુ કેન ગો ટુ જેલ ફોર ધીસ?…..
આઈ એમ ગોઈંગ ટુ કોલ પોલિસ.’…. શિલ્પા ફોન પાસે જતી હતી.
તુષાર રડતાં રડતાં કરગર્યો. ‘આઈ એમ સોરી…. પ્લીઝ ફરગીવ મી….. પાર્ડન મી પ્લીઝ. પ્લીઝ ડોન્ટ કોલ પોલીસ. આઈ એમ રિયલી સોરી….. બહેન મને એક વાર માફ કરો.’
ઠંડું પાણી એસિડ જેવું ધગધગતું લાગ્યું પણ નીચું જોઈને બે ઘૂંટડા પી ગયો.
‘બહેન! મને માફ કરી દો. હું ભાન ભૂલી ગયો હતો.’
‘તારી કેટલીક નફ્ફ્ટાઈ અને લોલુપ નજર મારાથી અજાણ ન્હોતી. અહીં અમેરિકાના કલચરને ઓળખવામાં તેં થાપ ખાધી છે. તને મારી અંગત જીંદગીમાં પણ જરૂર કરતાં વધારે રસ છે. સાંભળ! આજે તને કહીશ…. કંઈક શીખશે તો આજની માફી સાર્થક થશે.’
‘હું એકતાલીસ વર્ષની છું. માં નહીં તો મોટી બહેન જેવી તો ખરી જ.’
‘કૉલેજમાં હતી ત્યારે ગુજરાતી યુવાન ‘જેડી’, જિમી દેસાઈ સાથે પરિચય થયો. હું પણ દેસાઈ અને જિમી પણ દેસાઈ. પાછળથી ખબર પડી કે પારસીઓમાં પણ દેસાઈ અટક હોય છે. સંબંધ ફ્રેન્ડશીપમાંથી લવ અને લવમાંથી મૅરેજમાં પરિણમ્યો. મોટાભાઈ પણ અમેરિકન એલિઝાબેથને પરણ્યા છે. અમને બધાના આશિર્વાદ મળ્યા. અમે ખુબજ સુખી હતાં. સુખ ઝાઝું ન ટકયું. મને બ્રેસ્ટ કૅન્સર નીકળ્યું. ટોટલ બાયલેટરલ માસેક્ટોમીમાં બન્ને બ્રેસ્ટ ગુમાવ્યા. જેના પર તારી વિકૃત નજર મંડાતી તે તે મારા બ્રેસ્ટ નહિ પણ આ સ્પેશિયલ માસેક્ટોમી બ્રા છે.”….. લે…આ જો. રમવું હોય તો રમી લે.’
શિલપાએ બેડરૂમમાંથી લાવેલી એક કાળી બ્રાનો તુષારના મોં પર ઘા કર્યો.
તુષારને લાગ્યું કે એના પર જાણે બે ફેણનો કાળો નાગ ફેંકાયો છે.
‘હું જીમીને ચાહતી હતી’ શિલ્પાએ આગળ ચલાવ્યું. ‘હજુ પણ ચાહું છું. જીમીની યુવાનીનું બલીદાન મને માન્ય ન હતું. મોટાભાઈએ અને મેં જીમીને બીજા લગ્ન કરવા ખુબ સમજાવ્યો. એ ન સમજ્યો. આખરે મારે સ્યુસાઈડની ધમકી આપવી પડી. મોટાભાઈની ક્લિનીકમાં કામ કરતી બ્યુટિફુલ ડોલી સાથે જીમીના લગ્ન કરાવ્યા. ડોલી મારી મિત્ર છે. મારી સ્પોર્ટ પાર્ટનર છે. સાથે જીમમાં જઈએ છીએ. ટૅનિસ અને ગોલ્ફ રમીએ છીએ. દર લોંગ વિકએન્ડ નાના ફિરોઝ સાથે ગાળીયે છીએ.’
‘અમારું જીવન તારા જેવા નવા દેશીઓ ન સમજી શકે.’
‘ઈંડિયાના કેટલાક ભૂંડ અમેરિકામાં મનગમતી ગંદગી શોધીને, આળોટીને, વાસના સંતોષવા જ ફાંફા માર્યા કરતા હોય છે…. તું પણ એમાંનો જ નીકળ્યો. અમે ગંદકીથી દૂર રહીને અહીંની સારપ પચાવી છે. ભ્રષ્ટાચારના સંસ્કારમા ઉછરેલા તારા જેવા નાલાયકો સારા ઈમિગ્રાન્ટસનું પણ નામ બગાડે છે.’
તેં જે રવિવારે મને ડિનરનું ઈન્વીટેશન આપ્યું તે બળેવ છે! ખબર છે? રક્ષાબંધનને દિવસે હું તને આ રક્ષા બાંધવાની હતી… પણ હવે તું એને લાયક રહ્યો નથી.” શિલ્પાએ હાથમાંની રાખડી વૅસ્ટ-બાસ્કેટમાં ફેંકતા કહ્યું.
“પાડોશી કે મિત્ર તરીકે તારું કલ્ચર મને અનૂકુળ આવે એવું નથી… નાઉ લીવ મી એલોન…. સ્ટે અવે ફ્રોમ મી…. એન્ડ કીપ યોર માઊથ શટ, એબાઉટ ધીસ ઇન્સિડન્ટ… એન્ડ એબાઉટ મી,… ફોર એવર…. પ્લીઝ ગો અવે ફ્રોમ માય સાઈટ.”
તુષારે શિલ્પાની ચરણરજ માથે ચઢાવી. દયામણા ચહેરે, નત મસ્તકે, આંખમાં પસ્તાવાના આંસુ સાથે વગર બોલ્યે લથડાતા પગે બહાર નીકળ્યો.
NICE STORY TO LEARN YOUNG & OLD SEX MINDED MEN ALL WOMEN IS NOT BAZARU TO SELL SEX. CONTROL MIND & EYE TO LOOK WOMEN, UNDERSTAND WOMEN. NOW SELF DEPENDED.
પ્રવીણભાઈ ની આ વાર્તા અમેરિકન સમાજ વિશે માની લીધેલી અનેક માન્યતાઓ અને ભ્રમણાઓથી મુક્ત કરશે. સ્ત્રી -પુરુષ વચ્ચે નિખાલસ મૈત્રીને માત્ર શારીરિક આકર્ષણના માપદંડથી જોનારા ના ગાલ પર પણ આ ચમચમતો તમાચો છે જ.
NICE STORY TO LEARN YOUNG & OLD SEX MINDED MEN ALL WOMEN IS NOT BAZARU TO SELL SEX. CONTROL MIND & EYE TO LOOK WOMEN, UNDERSTAND WOMEN. NOW SELF DEPENDED.
LikeLiked by 1 person
ઇન્ડો-અમેરિકન સમાજની આવી વધુ વાર્તાઓ આપતા રહો
સરસ અને સુંદર વાર્તા !
અભિનંદન !
LikeLiked by 1 person
વાહ ભાઈ વાહ! વાર્તામાં વળાંક!! પ્રવીણેતો વાંચકોની પણ પરીક્ષા કરી લીધી! વાંચક વર્ગ જે ધારી બેઠો હતો એ ખોટો પડ્યો! અભિનંદન, આતુરતા જગાડી અમને ખોટા પાડ્યા!
LikeLiked by 1 person
વડીલ મિત્ર “ચમનજી” પ્રજ્ઞાબહેન અને અનિલભાઈનો પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર.
LikeLike
પ્રવીણભાઈ ની આ વાર્તા અમેરિકન સમાજ વિશે માની લીધેલી અનેક માન્યતાઓ અને ભ્રમણાઓથી મુક્ત કરશે. સ્ત્રી -પુરુષ વચ્ચે નિખાલસ મૈત્રીને માત્ર શારીરિક આકર્ષણના માપદંડથી જોનારા ના ગાલ પર પણ આ ચમચમતો તમાચો છે જ.
LikeLike
વાર્તા ખુબ ગમી! ઉત્તમ લેખન શૈલી અને અંદર છુપાયેલ બોધ……સોનામાં સુગંધ,
LikeLike