કવિતામાં – ૩ (સંકલન – પી. કે. દાવડા)


(૩) કવિતામાં બાળબોધ

આ વિષય માટે મેં પાંચ કવિતાઓ પસંદ કરી છે.

                                (૧)

આ કવિતામાં દલપતરામે બાળકોને એ શીખવવાનો પ્રયત્ન કર્યો છે કે પોતાની અનેક ખામીઓ પ્રત્યે દુર્લક્ષ કરી, બીજા લોકોની નાની નાની ખામીઓ પ્રત્યે આંગળી ચીંધવી ન જોઈએ, કારણ કે ક્યારેક કોઈ એવું નીકળી આવે કે જે આપણી બધી ખામીઓ એક સાથે ગણાવી દે.

ઊંટ કહે આ સભામાં

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;

કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;

ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

                                                           (૨)

આ કવિતામાં દલપતરામે બાળકોને એ સમજાવ્યું છે કે કંજૂસ માણસ પાસેથી કંઈ ઇનામ મેળવવાની આશાથી, આપણે આપણી શક્તિઓનો વ્યય કરવો નહિં, કારણ કે એ કંઈપણ આપવાનું ટાળવા બેહૂદી દલીલ કરશે.

એક શરણાઈવાળો
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાયો છે;

એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક
શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;

કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ
ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે:

પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી,
સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે.

                                                             (૩)

દલપતરામની આ ખૂબ જ જાણીતી કવિતામાં બાળકોને અવ્યહવારૂ અને મૂરખ લોકોની વચ્ચે ન રહેવા અંગેની સલાહ ખૂબ જ હળવી રીતે આપી છે.

પહેલી વાત તો એ કહી છે કે અપરાધી કેવી રીતે ફરિયાદી થઈ જાય છે. પછી સમજાવ્યું છે કે દરેક વ્યક્તિ પોતાને બચાવવા બીજા ઉપર દોષારૂપણ કેવી રીતે કરે છે. ચેલાની વાત કરી, લોભનું શું પરિણામ આવે, એ સમજાવ્યું છે. એક જ કવિતામાં અનેક બોધ આપ્યા છે.

અંધેરી નગરી

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

જહાં ભણેલ ન ભૂપતિ, નીપજે એવો ન્યાય;
દેશસુધારાની તહાં, આશા શી રખાય ?

                                                               (૪)

બાળકોને રખડવાની આદત સામે લાલબત્તી ઘરતી એક લોકસાહિત્યમાંથી મળેલી કવિતા રજૂ કરૂં છું. આ કવિતામાં ભમરાનું ઉદાહરણ આપી, રખડવાથી શું પરિણામ આવી શકે તે સમજાવ્યું છે.

ભમરાને ફરવાની લાલચ, રખડે દિન આખો એ;
સાંજ પડે પણ ઘેર ન હોય, ભટકભટક કરતો એ.

વનમાં એક તળાવ મજાનું, સુંદર કમળ ખીલ્યાં’તાં,
એક ફૂલે જઇ ભમરો બેઠો, મધ લાગ્યો ચૂસવા ત્યાં.

સાંજ પડી અંધારું જામ્યું, ભમરો ગુલ જમવામાં,
ધીમે ધીમે ફૂલ બિડાયું, લોભી કેદ પડ્યો ત્યાં.

પાંખ સમારી પગ ખંખેરી, કરી છેવટ તૈયારી,
ઊડતાં શિર ભટક્યું નવ સૂઝી બહાર જવાની બારી.

અકળાયો, ગભરાયો, લાગ્યો પોક મૂકીને રડવા,
કોણ બહાર સૂણે ઉજ્જડમાં, કે દોડે છોડાવવા.

છેવટ ધીર ધરીને બેઠો, “રાત પૂરી થઇ જાશે,
રવિ ઊગશે, ખીલશે, ફૂલ પાછું, મુજથી ઝટ નીકળાશે.”

એમ વિચાર કરે ભમરો ત્યાં, હાથીનું ઝુંડ આવ્યું,
કમળવેલ જડમૂળથી તોડી, આવ્યું તેવું ચાલ્યું.

                                                          (૫)

પ્રેમશંકર ભટ્ટની આ સરસ કવિતામાં અન્ય લોકો કરતાં પોતાને વધારે મહત્વના દેખાડતા લોકોને દાખલા આપીને સમજાવ્યું છે કે માત્ર અમુક બાબતમાં બીજા કરતાં કંઈ વિશેષ હોવાથી તમે ઉત્તમ થઈ જતા નથી. ખરેખર તો ઉત્તમ ગુણ એ વધારે મહત્વના છે.

કોણ મોટું?

તું નાનો હું મોટો ! એવો ખ્યાલ જગતનો ખોટો.
આ નાનો, આ મોટો, એવો મૂરખ કરતાં ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો,
તરસ્યાને તો દરિયાથીયે, લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે, કેવો ગુલાબ-ગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને, જડશે એનો જોટો?

મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો.
પાપીને ઘેર પ્રભુ જનમિયા, બડો બાપ કે બેટો?

છે ને બાળબોધવાળી કવિતાઓ?

3 thoughts on “કવિતામાં – ૩ (સંકલન – પી. કે. દાવડા)

 1. દલપતરામની કવિતામાં બાળબોધ” ખૂબ સ રસ સકલન
  મોટા ભાગની રચનાઓ બોધપ્રધાન હોવા છતાં હાર્દમાં રહેલો વિનોદ રચનાઓને કંટાળાજનક બનતી અટકાવે છે;એમની મોટા ભાગની કવિતા પ્રાસંગિક, દ્રષ્ટાંતાત્મક, ઉપદેશાત્મક, સુધારાવાદી વલણવાળી, શબ્દ અને અર્થની ચાતુરીવાળી, લોકગમ્ય, સભારંગની અને લોકપ્રિય બની.
  ધન્યવાદ મા દાવડાજી

  Like

 2. પૂરી એક અંધેરી ….. આ દેશમાં આવ્યા પછી કાંઈક અઘટિત લાગે ત્યારે આ કવિતા યાદ આવી જતી અને અહીં રહેવું યોગ્ય છે કે નહીં એવા સવાલ ઊઠતા.
  ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
  સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
  હશે ચોરને શાહનો ન્યાય એકે,
  નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s