કવિતામાં – ૨ (સંકલન – પી. કે. દાવડા)


(૨) કવિતામા ઋતુઓ

ગુજરાતી સાહિત્યમાં ઋતુઓનું વર્ણન એ કવિઓનો માનીતો વિષય છે. નર્મદ-દલપત યુગમાં અને ઉમાશંકર-સુંદરમ યુગમાં આ વિષય ઉપર ઘણાં સુંદર કાવ્યોની રચના થઈ છે. આજે પણ આ કૂચ થંભી નથી.

ભારતમાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ છે. શિયાળો, ઊનાળો અને ચોમાસું. પ્રત્યેક ઋતુ ચાર માસની ગણવામા આવે છે. દરેક ઋતુને બે પેટા ઋતુઓમા વહેંચવામા આવી છે. શિયાળામાં હેમંત અને શિશિર, ઊનાળામાં વસંત અને ગ્રીષ્મ, અને ચોમાસામાં વર્ષા અને શરદ.

હવે આપણે મુખ્ય ઋતુઓ અને પેટા ઋતુઓ વિષે લખાયલી જાણીતી પંક્તિઓને યાદ કરીએ. શરૂઆત શિયાળાથી કરીએ.

“શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.”

દલપતરામની આ કવિતા આઝાદી પહેલા જન્મેલા પ્રત્યેક જણ ગુજરાતી શાળામાં ભણ્યા હશે. આ સુંદર પંક્તિઓમાં શિયાળાનું સંપૂર્ણ વર્ણન આવી જાય છે. “ફાટે ગરીબ તણા પગ ગાલ” માં કવિનું સંવેદનશીલ માનસ ઊભરી આવે છે. એ જમાનાની કવિતાઓમાં શીક્ષણ એ મુખ્ય તત્વ હતું. શિયાળામાં કયો પાક થાય, હવામાન કેવું હોય વગેરે બહુ સુંદર શબ્દોમા દલપતરામે બાળકોને શિખવવાનો પ્રયત્ન કર્યો છે.

ઉમાશંકર જોષીએ શિયાળાની બે પેટા ઋતુઓનો અદભૂત ચિતાર આપ્યો છે. હેમંત માટે કવિ કહે છે,

“હેમંતમાં કોમળ સૂર્યતાપ,
વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.
ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે,
લીલાં તૃણે ઝાકળબિંદુ ડોલે.”

ઉપજાતિ છંદમાં લખાયલી આ પંક્તિઓમા ઠંડીની ઉગ્રતા દર્શાવવા કવિ કહે છે, “વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ”. માણસ તો શું પણ ઝાડ પણ ઠંડીથી વિલાપ કરે છે. કોમળ સૂર્યતાપ, હીમપાત અને ઝાકળ, કવિ કશુંય ભૂલ્યા નથી.

હેમંત વિષે યૉસેફ મેકવાન ની લખેલી આ પંક્તિઓ પણ બહુ સરસ છે.

“ઝાડના ડાંખળે ડાળીએ
સૂર્યના કિરણ ચોંટી રહ્યાં;
પાસમાં
ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !
ચોતરફ
વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે;
ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ
થૈ કરો કાનમાં વાગતો.એમ લાગે ઘડી
સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી.

અને કલાપીની શાર્દૂલવિક્રીડિતમા લખાયલી આ પંક્તિઓ

 ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

હેમંતની સવાર નઝર સામે ખડી કરી દે છે.

હેમંત પછી આવે શિશિર. શિશિર માટે ઉમાશંકર કહે છે,

“શિશિરવાયુ સુશીતળ સૂસવે,
તરુ તણાં થડથી રસ કૈં ઝવે.
ખરત પાન, રહ્યાં બસ ડાંખળાં,
સભર ધાન્ય થકી સુહતાં ખળાં.”

દ્ધુતવિલંબિતમાં લખાયલી આ પંક્તિઓ આપણી નજર સામે પાનખર ઋતુનું ચિત્ર ખડું કરે છે. સાથે સાથે લણાઈ ગયેલા પાકના ઢગલાને પણ ભૂલ્યા નથી.

શિયાળા પછી વારો આવે ઊનાળાનો. ઊનાળા વિષે પણ દલપતરામે બહુ સરસ પંક્તિઓ લખી છે.

“ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.”

ઊનાળાનું આનાથી સારૂં વર્ણન શું હોઈ શકે? પાણીની અછત, વસંતનો વૈભવ, કોયલના સૂર અને વધેલું તાપમાન; માત્ર ચાર પંક્તિઓમા આખે આખો ઊનાળો!!

ઊનાળાની પહેલી પેટા ઋતુ તે વસંત. વસંત વિષે જેટલું લખાયું છે, એટલું કદાચ બીજી કોઈ ઋતુ વિષે નહિં લખાયું હોય. પહેલા વસંતતિલકામાં લખયલી ઉમાશંકરની આ પંક્તિઓ જોઈએ,

“ખીલી વસંત, વન ફૂલભર્યાં મહેકે,
ગાતા ફરે ભ્રમર, કોકિલનાદ લ્હેકે.
ઊડે સુગંધકણ પુષ્પ તણા રસોના,
આઘા સુણાય ગગને સ્વર સારસોના.”

ફૂલો, ભમરા અને કોયલ ત્રણેનો વૈભવ એટલે વસંત. વસંતને વધાવતી બીજી એક જાણીતી કવિતા છે,

“રૂડો જુવો આ ઋતુરાજ આવ્યો,

 મુકામ એણે વનમા જમાવ્યો.

 તરુવરોએ શણગાર કીધો,

 જાણે વસંતે શિરપાવ દીધો.”

વસંતને ઋતુઓનો રાજા કહેવામા આવે છે. એના વિષે સૌથી વધારે લખાયું છે. વસંત વિષે કોકિલા પટેલ લખે છે,

“વસંતની વાંસળીઓ વાગી ટહૂકી ઊઠે પાન

લચક લહેરે ઝૂમી નાચે આખે આખું ગામ

આંખને ખેતર આભ ઝૂકે તો લીલું જંગલ ઊગે

ભીના પ્હોરનો પોચો તડકો ચકલી ચણમાં ચૂગે

ગુનગુન કરતો ભમરો ગજવે ઝીણું ઝીણું ગાન

વસંતની વાંસળીઓ વાગી ટહુકી ઊઠે પાન.”

અને ધૃતિ મોદી કહે છે,

“ધીરે ધીરે ચોરપગલે
બુઠ્ઠા બાવળિયા જેવા
વૃક્ષના ઠૂંઠે ઠૂંઠામાં આવીને બેસી ગઇ
આ વસંતના કામણ તો એવા કે
શણગારેલો બાવળિયો પણ સુંદર લાગે !”

વસંત ઋતુ પુરી થઈ ગઈ તેથી નારાજ થઈ નિરંજન ભગત કહે છે,

“વસત ગૈ રે વીતી,
ક્યાં છે કોકિલની કલગીતિ ?”

અને ચંદ્રકાન્ત ટોપીવાળા તો એનાથી પણ વધારે નારાજ થઈ કહે છે,

“પવન-કાંધ પર ચડ્યો જનાજો
કોયલ ગાય મરસિયા !
ઝાકળની આંખોમાં અનગળ
બારે મેઘ વરસિયા !
બહાવરી મંજરી શિર પટકે ને
ભમરાઓ દુ:ખ જલ્પે !
રડી રડીને લાલ સૂઝેલી
આંખે ખાખર વિલપે !
પરિમલનાં રેશમી કફનોને
લપટી અંગે ઓઢે !
ફૂલ ફૂલની કબરોમાં ઊંડે
વસંત આજે પોઢે !”

ઊનાળાની બીજી પેટા ઋતુ એટલે ગ્રીષ્મ. ફરી ઉમાશંકરની મંદાક્રાન્તામાં લખેલી આ પંક્તિઓ જોઈએ,

“આવ્યો આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.
ઝોળા ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;
પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.”

ઊનાળાની ઉગ્રતા દર્શાવવા એની જોગી સાથે સરખામણી કરી છે. દલપતરામની “ઊનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય” અને ઉમાશંકરની “પાણી ડુક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.” પંક્તિઓ એકની એક જ વાત કહે છે, છતાં સમય અનુસાર શબ્દોમાં આવેલું sophistication ધ્યાન દોરે છે.

ગ્રીષ્મની ગરમીને અહીં જ મૂકી આપણે ત્રીજી મુખ્ય ઋતુ ચોમાસાની વાત કરીએ.

ચોમાસાની વાત કરીએ તો સૌથી પહેલા યાદ આવે બચપણમા અનેક્વાર ઉચ્ચારેલી કવિતા,

“આવરે વરસાદ, ઘેવરિયો વરસાદ,

ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.”

પણ,

“ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર,  ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.”

દલપતરામની ભીંજવી નાખે એવી આ પંક્તિઓ; આનાથી વધારે સ્પષ્ટતાથી ચોમાસાનું વર્ણન કરવું શક્ય નથી, એટલે આપણે એની બે પેટા ઋતુઓ તરફ વળીએ.

પહેલી પેટા ઋતુ એટલે વર્ષા. ફરી ઉમાશંકરની શિખરીણીમા લખાયલી આ પંક્તિઓ,

“ચઢી આવ્યાં ક્યાંથી દળ પર દળો વાદળ તણાં?
કરે ઈશાને શી ઝબક ઝબકી વીજ રમણા !
પડયાં પામી ધો ધો, જળભર થઈ ધન્ય ધરણી;
હસે વર્ષા; શોભા શુભ નભ વિશે મેઘધનુની.”

ધોધમાર વરસાદ અને વીજળીના ચમકારા બધું જ ચાર પંક્તિઓમા સમાઈ ગયું!!

વર્ષા ઋતુ પર બીજા અનેક કવિઓએ પણ બહુ સારી રચનાઓ આપી છે. રમેશ પટેલ (આકાશદીપ) ની આ પંક્તિઓ પણ બહુ સુંદર છે,

“દશે દિશાએ વાયુ વાયે

કાળાં ડિબાંગ વાદળ ઉમટે

અંબર ગાજે, વીજ ઝબૂકે

ધરતીનો ધબકાર પુકારે

આવરે મેઘા મારે દ્વારે(૨)

કેવો વરસે…

ઝરમર ઝરમર ધારે વરસે

વાયુના વીંઝણાએ વરસે

આસમાનથી ત્રાંસો વરસે

સાંબેલાની ધારે વરસે

રાજાશાહી ઠાઠે વરસે…આવરે મેઘા”

હવે છેલ્લી પેટા ઋતુ શરદ. ઉમાશંકર શરદ ઋતુને આ રીતે બિરદાવે છે.

“શરદ શી સુહે ! વાદળાં ગયાં.
જળ નદી તણાં નીતરાં થયાં.
ગગનથી સુધા ચંદ્ધની ઝરી,
રસભરી રમે રાસ ગુર્જરી.”

તો ગુર્જરીને રાસ રમતિ છોડીને આ લેખ અહીં સમાપ્ત કરૂં છું.

5 thoughts on “કવિતામાં – ૨ (સંકલન – પી. કે. દાવડા)

 1. મા દાવડાજીનું સુંદર સંકલન

  શિયાળામાં હું તને હથેળીની ઉષ્માની વાત કરતો હોઉં
  ત્યારે તું એને તારી ઠંડી વાતોથી થીજવી દેતી હતી,
  ઉનાળામાં આપણા સંબંધો ગુલમોર બનીને મોર્યા હોય
  અને તારા મૌનને બારણે ઊભા ઊભા
  એય થાકીને ખરી જતા હતા.– સૌરભ શાહ
  આ સઘળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
  પતંગિયાને પણ કહી દો સાથે દફ્તર લાવે,
  મન ફાવે ત્યાં માછલીઓને આમ નહિં તરવાનું,
  સ્વીમિંગ પૂલના સગળા નિયમોનું પાલન કરવાનું,…….

  Like

 2. દાવડાજી, તમારી આ શાળામાં ઘેર બેઠાં બેઠાં અમારા જેવા સીનીઅરોને આ અમુલ્ય સાહિત્યનું ભાથું પિરસવા માટે ટોપલોભરીને ઘન્યવાદ.

  Liked by 1 person

 3. ઋતુઓ ને કવિઓનું એક સહજ આલેખન , નજરાણા જેવું અનુભવ્યું… એક સાહિત્ય પ્રસાદી સમ લેખ માટે અભિનંદન ને આભાર શ્રી દાવડા સાહેબ

  Sent from my iPhone

  >

  Liked by 1 person

 4. સરસ સંકલન.મેં એકવાર કવિતા લખી હતી -પોષ જેવી ઠંડી છે તારી હથેળી ને મુઠ્ઠીમાં ઉભરાતાં ઘઉં. દોરી પર સુકાતી ભીની ઇચ્છાઓને શિયાળો કેમ કરી કહું?

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s