(૧૯૭૫ માં અમદાવાદમાં જન્મેલા ભાવેશ ભટ્ટ આધુનિક કવિતા અને ગઝલ માટે સાહિત્યપ્રેમીઓમાં જાણીતા છે. માત્ર ૨૫ વર્ષની વયે જ એમણે સુંદર રચનાઓ આપવાની શરૂઆત કરી દીધેલી. ૨૦૦૯ માં એમનું પ્રથમ પુસ્તક “છે તો છે” અને ૨૦૧૪ માં એમનું બીજું પુસ્તક “ભીતરનો શંખનાદ” પ્રગટ થયા. ૨૦૧૪ માં એમને શયદા પુરસ્કાર એનાયત થયો હતો.
ગુજરાતી કવિતાઓ અને ગઝલમાં આધુનિકતા એ એમની ઓળખ છે. સરળ ભાષામાં લખેલી રચનાઓ વાચકને વિચારતા કરી દે છે. કવિતા અંગેની ટી.એસ. ઇલિયટની મશહૂર વ્યાખ્યા: ‘Genuine poetry can communicate before it is understood’ની જેમ જ એ વાંચતાવેંત પ્રત્યાયન સાધી લે છે અને તાળીઓ માંગી લે છે. પણ પછી થોડીવાર પછી એ બીજીવાર તાળી પાડવા મજબૂર કરી દે છે.
આજે ઉજાણીમાં મને ગમેલી એમની ત્રણ ગઝલ અને એમની એક આધુનિક કવિતાનો કવિ અને લેખીકા શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટ દ્વારા કરાવેલો રસાસ્વાદ રજૂ કરૂં છું – સંપાદક)
(૧) સૌ દિવા ની આવી લાચારી !! નહીં ચાલે.
સૌ દિવા ની આવી લાચારી !! નહીં ચાલે.
એ હવા દાદાગીરી તારી નહીં ચાલે.
ઓ દિવાલો સહેજ પણ ઘોંઘાટ ના કરશો
અંદરો-અંદર મગજમારી નહીં ચાલે.
છે પીડા, ડૂમો ,વ્યથા ,રઘવાટ, સૌ સાથે
અમને આ એકાંત વસ્તારી તારી નહીં ચાલે.
રોજ ભીંજવવા ના અમને વાયદા ના કર,
વાદળો જેવી વફાદારી નહીં ચાલે.
આ તણખલાઓ ની મૂર્ખામી કબૂલ અમને
વિજળી તારી સમજદારી નહીં ચાલે.
-ભાવેશ ભટ્ટ
(૨) જોઈ લે ભૂતકાળ મારા ભાગનો
જોઈ લે ભૂતકાળ મારા ભાગનો
ક્યાં હતો અવકાશ વાટાઘાટનો ?
ચાકડાની દુર્દશાને પણ જુઓ!
વાંક ના કાઢ્યા કરો કુંભારનો!
જેની સોબતથી અમે ડરતા હતા,
એ બન્યો પર્યાય તારા વ્હાલનો !
એ મથે છે વાદળો સળગાવવા
આશરો જેને હતો વરસાદનો!
પાણી પાણી થઈ જશે એકાંત પણ
લઈ શકો આનંદ જો આભાસનો!
એમનાં તો આંસુ પણ લાગે અનાથ
જે ન સમજે અર્થ પશ્ચાતાપનો!
હાથ જોડીને મળ્યો, જ્યારે મળ્યો
એ રીતે બદલો લીધો અપમાનનો !
– ભાવેશ ભટ્ટ
(૩) અમને ફરક પડે છે
એક પાંદડું ખરે, તો અમને ફરક પડે છે
કોઈ દિવો ઠરે, તો અમને ફરક પડે છે
થોડાક ભ્રષ્ટ પંખી ની ધાક થી ડરી ને
આકાશ થર-થરે, તો અમને ફરક પડે છે
પાણી ને કેમ વહેવું જે શીખવાડતો હોય
એ જણ ડૂબી મરે, તો અમને ફરક પડે છે
બહુ લાડ-કોડ થી જે સંબંધ ને વાવીએ,
ત્યાં ભેંકાર પાંગરે, તો અમને ફરક પડે છે
કાયમ સહન કઈ લઉં એ ખાનદાની તો છે
પણ દોસ્ત આખરે તો, અમને ફરક પડે છે
– ભાવેશ ભટ્ટ
(યુવાન કવિ શ્રી ભાવેશ ભટ્ટની એક અદભૂત રચના)
“તમે ક્યારેય તિરાડોનો ચિત્કાર સાંભળ્યો છે?
જો ના સાંભળ્યો હોય તો તમે બહેરાં છો.
તમે ક્યારેય લોહીલુહાણ ચીસોનાં ટોળાં જોયાં છે?
જો ના જોયાં હોય તો તમે આંધળાં છો.
તમે ક્યારેય ‘કોઈ નથી’ ની સાથે સંવાદ કર્યો છે?
જો ના કર્યો હોય તો તમે મૂંગાં છો.
મને ખરેખર અફસોસ છે કે
તમને બોલતા, દેખતા અને સાંભળતા કરવા માટે
હું કવિતા લખ્યા સિવાય
કશું જ કરી શકતો નથી !
-ભાવેશ ભટ્ટ
આસ્વાદઃ જયશ્રી મરચંટ
એક કવિ હ્રદયની સંવેદનશીલતા શું ચીરીને શું જોઈ શકે છે એનું એક અદભૂત ઉદાહરણ આ કવિતા છે. માણસની ઈન્દ્રિયો સાથે અનુભૂતિ વણાયેલી હોય છે. આ અનુભૂતિના રિફ્લેક્શનને સામાન્ય સમજદારીથી પરે થઈને જ્યારે એક કવિ, સાદગીસભર હ્રદયના કેનવાસ પર ઝીલે છે ત્યારે જ આટલું સુંદર કાવ્ય ઉદભવે!!
સંબંધોના જ્વાલામુખીમાં જ્યારે તિરાડ પડે છે ત્યારે એ અવાજના વિસ્ફોટમાં ભડકે બળે છે. થોડાંક સાથે જીવાયેલાં, તો થોડાંક માત્ર સાથે જોવાયેલાં સપનાઓની સજાવટ! એમાં અરમાનોને બળતા જોઈને, એની રાખને ફંફોસવાની ક્રિયાનું અનુસંધાન કવિ સાધે છે, સાંભળવાની ઈન્દ્રિય સાથે. અને અહીં કાવ્યત્વ ઉર્ધ્વગામી બનીને આકાશ ચૂમી આવે છે. કવિ કહે છે,
“તમે ક્યારેય લોહીલુહાણ ચીસોનાં ટોળાં જોયાં છે?
જો ના જોયાં હોય તો તમે આંધળાં છો”
કવિતા અહીં દેશ, કાળ અને ભાષાના સઘળાં જ સીમાડા પાર કરીને વિશ્વ માનવીની શોધમાં નીકળવા માટે વાચકને લાચાર કરી મૂકે છે઼, અને કવિના શબ્દો અહીં પાવનતાનો પવન બની જાય છે.
આ જીવન સંગ્રામમાં ક્યાંક ધર્મ, જાતિ, જમીન તો ક્યાક ‘ઈગો સેંન્ટ્રીક’ ~ મિથ્યાભિમાન માટે લડાતાં “પર્સનલ” તો વળી ક્યારેક “પ્રોફેશનલ’, કોઈક હથિયાર સહિત તો કોઈક હથિયાર ને ઢાલ વિનાનાં યુદ્ધોમાં થતી પ્રત્યક્ષ અને પરોક્ષ જીવહાનિ ભયંકર છે. આ લોહીયાળ, ‘સો કોલ્ડ ક્રાંતિ’ જમા કરાવતી જાય છે, અદ્રશ્ય અને લોહીલુહાણ ચીસોનાં ટોળાં – જેને નીહાળવા માટે જરૂરી છે, ભગવતગીતાના સંજયની દિવ્ય દ્રષ્ટિ. જો આ નજર ન મળે સમસ્ત જીવન દરમિયાન, તો છતી આંખે જિંદગી અંધ બની જાય છે.
આ કહીને કવિ અહીં અંતિમ ‘માસ્ટર સ્ટ્રોક’ મારે છે, કે,
“તમે ક્યારેય ‘કોઈ નથી’ ની સાથે સંવાદ કર્યો છે?
જો ના કર્યો હોય તો તમે મૂંગાં છો !”
સાંભળવાની અને જોઈ શકવાની ઈન્દ્રિયોથી પરે છે, ટોળાંમાં રહીને કે પછી અનેક વિપરીત સંજોગોમાં રહીને પણ “સ્વ” સંગે સંવાદ” સાધી શકવાની શક્તિ!
જ્ઞાન, અતિ જ્ઞાન અને વિશેષ જ્ઞાન વચ્ચે માત્ર ફરક છે તે એટલો જ કે, અતિમ શ્રેણી, બાહરના સઘળા જ સારા-ખરાબ ફેક્ટર્સનું મંથન કરીને, એમાંથી નીકળેલા અમૃતને સ્વયં ની કુંડળીમાં સમાવિષ્ટ કરીને, જો સંવાદિતા સાધી શકાય તો જ બોલવાની ઈન્દ્રિય સાચા અર્થમાં કામ કરે છે. અહીં કવિ એક ‘બોલ્ડ’ એલાન કરે છે, એક જાગરૂક કવિ તરીકે અને એ પણ છાતી ઠોકીને, કે,
“મને ખરેખર અફસોસ છે કે
તમને બોલતા, દેખતા અને સાંભળતા કરવા માટે
હું કવિતા લખ્યા સિવાય
કશું જ કરી શકતો નથી !”
કવિના શબ્દોમાં તો પાળિયાંને ઊભાં કરવાની તાકાત છે, તો યંત્ર સમાન જીવનારા માણસને જાગતા કરવા એ કઈ મોટી વાત છે? અને કવિકર્મ અહીં “વેદ વ્યાસ કર્મ”ના ચરણ સ્પર્શ કરી આવે છે.
સૃષ્ટિના આરંભથી આજ સુધીના દરેક કવિને શત શત નમન!
ક્લોઝ અપ:
જો સાચા કવિનું શબ્દ-સત્ય એની સીમા સુધી ન પહોંચે તો શું થાય? અમૃતા પ્રિતમની કલમ આ લાલ બત્તી ધરે છે:
“When to the tip of this tongue of
flesh, some word comes,
it kills it self
If saved from killing it self, it descends to the paper,
અત્યંત સુંદર કવિતાઓ અને આસ્વાદ. આ કવિ ભીતરથી હચમચાવી દે છે.
LikeLiked by 1 person
વિચાર પ્રધાન રચનાઓનો સંપુટ મનનીય છે…ઉત્તમ રચનાઓ અભિનંદનને પાત્ર છે.
રમેશ પટેલ(આકાશદીપ)
Sent from my iPhone
>
LikeLike
સુંદર રચનાનો વધુ સુંદર આસ્વાદ
LikeLike
par-excellent..
LikeLike