ભાષાને શું વળગે ભૂર: ૭ (બાબુ સુથાર)


ગુજરાતી લિંગવ્યવસ્થા

ભાષાશાસ્ત્રીઓ બે પ્રકારની લિંગવ્યવસ્થાની વાત કરતા હોય છે. એક તે અર્થમૂલક (semantic) અને બીજી તે આકારમૂલક (formal) અથવા તો વ્યાકરણમૂલક (grammatical).

જો કોઈ ભાષામાં નરવાચક શબ્દો પુલ્લિંગ, માદાવાચક સ્ત્રીલિંગ હોય અને બાકીનાં બધાં નામ નપુસંકલિંગ હોય તો એ ભાષામાં અર્થમૂલક લિંગવ્યવસ્થા છે એમ કહી શકાય. તમિળ આ પ્રકારની ભાષા છે. જો કે, એમાં પણ ક્યારેક અપવાદો મળી આવે ખરા. જો કે, બધી જ અર્થ઼મૂલક લિંગવ્યવસ્થા ધરાવતી ભાષાઓમાં આવી ભાત નથી હોતી. કેટલીક ભાષાઓ નર, માદા, પશુ અને અન્ય એવા ભેદ પણ પાડતી હોય છે. જેમ કે ઝાન્દે નામની ભાષા લો. આ ભાષા સજીવ/નિર્જીવ ભેદ પાડે છે અને સજીવમાં પણ માનવ અને માનવેતર પ્રાણીઓ વચ્ચે ભેદ પાડે છે. આ ભેદની સમાન્તરે આ ભાષામાં ‘છોકરો’, ‘છોકરી’, ‘કાગડો’ અને ‘ઝાડ’ એમ ચારેયનાં લિંગ અલગ અલગ છે.

આકારમૂલક લિંગવ્યવસ્થામાં જે તે શબ્દના લિંગને એના અર્થ સાથે સંબંધ નથી હોતો. એટલે કે એમાં શબ્દોનાં લિંગ નર અને માદા જેવા જીવવૈજ્ઞાનિક માપદંડો પ્રમાણે નક્કી નથી થતાં. ગુજરાતી ભાષાની લિંગવ્યવસ્થા એ પ્રકારની છે. જો કે, ગુજરાતીમાં પણ એવાં ઘણાં નામ છે જેનાં લિંગ આપણે નર કે માદાના આધારે નક્કી કરી શકીએ. ઉદાહરણ તરીકે ‘માતા’ અને ‘પિતા’ શબ્દો લો. આ બન્ને શબ્દો અનુક્રમે સ્ત્રી અને પુરુષનું સૂચન કરે છે એટલે આપણે એમ કહી શકીએ કે એમનાં લિંગ અનુક્રમે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ છે. જો કે, આ વર્ગના શબ્દો ભાષાની લિંગવ્યવસ્થામાં કેવું વર્તન કરે છે એ પણ એટલો જ મહત્ત્વનો મુદ્દો છે. જો આપણે ધ્યાનથી એનો અભ્યાસ કરશું તો આપણને સમજાશે કે આ વર્ગના શબ્દો પણ આકારમૂલક લિંગવ્યવસ્થાના વ્યાકરણ પ્રમાણે જ વર્તે છે. જેમ કે, ‘પિતા આવ્યા’માં ‘પિતા’ નર છે પણ ‘આવ્યા’ શબ્દમાં એ જ માહિતી પાછી પુલ્લિંગ બનીને આવે છે. ગુજરાતી ભાષા અહીં નર/માદા જેવા ભેદ પાડતી નથી.

જો કે, ગુજરાતીમાં બધા શબ્દોનાં લિંગ નર અને માદા પ્રમાણે નક્કી નથી થતાં. દાખલા તરીકે ‘હાથ’ અને ‘આંખ’ શબ્દો લો. એ જ રીતે, ‘વિચાર’ અને ‘’બીક’ જેવા અમૂર્ત શબ્દો લો. એમને અનુક્રમે પુલ્લિંગ કે સ્ત્રીલિંગ કહેવા પાછળ કોઈ કુદરતી કે તાર્કીક કારણ નથી.

          આકારમૂલક લિંગવ્યવસ્થા કાંતો ધ્વનિતંત્ર (phonology) સાથે કાં તો રૂપતંત્ર (morphology) સાથે સંબંધ ધરાવતી હોય છે. ધ્વનિતંત્રને જે તે ભાષાની ધ્વનિવ્યવસ્થા સાથે જ્યારે રૂપવિન્યાસને જે તે ભાષાની રૂપવ્યવસ્થા સાથે સંબંધ હોય છે. આ બન્ને તંત્રોને સમજવા માટે આપણે એક જ ઉદાહરણ લઈએ: ‘છોકરાઓ’. તમે જાણો છો એમ મૂળ શબ્દ છે ‘છોકરો’. એનું બહુવચન કરવા આપણે એને -ઓ લગાડ્યો. એટલે આમ તો ‘છોકરોઓ’ થવું જોઈએ. પણ એવું નથી થયું. ‘છોકરો’માં અન્ત્યે આવતો -ઓ બદલાઈને -આ થઈ ગયો. આ પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કરે એને ધ્વનિતંત્ર કહેવામાં આવે છે. પણ, ‘છોકરો’ને ‘ઓ’ લગાડવાથી ‘છોકરો’ના અર્થમાં વધારે થયો. એકવચન બહુ વચન બન્યું. આ પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કરતા શાસ્ત્રને રૂપતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જો કે, રૂપતંત્રમાં બીજા પણ ઘણા મુદ્દાઓનો સમાવેશ થાય છે. જેમ કે, ‘છોકરાઓએ પરીક્ષા આપી’માં ‘છોકરાઓ’ને -એ લાગે છે પણ એનાથી ‘છોકરાઓ’ના અર્થમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. છતાં એ -એ અનિવાર્ય છે. કેમ? એ પ્રશ્નનો જવાબ પણ રૂપતંત્રએ આપવો પડતો હોય છે.

ઇથોપિયાના ઉત્તરપૂર્વ વિસ્તારમાં અને ઝિબોતીમાં બોલાતી Qafar (Afar) નામની ભાષામાં ધ્વનિતંત્ર સાથે સંબંધ ધરાવતી લિંગવ્યવસ્થા છે. એ ભાષામાં જો નામને અંતે ભારવાળો સ્વર હોય તો એ સ્ત્રીલિંગ ગણાય અને ન હોય તો એ પુલ્લિંગ ગણાય. આ ઉપરાંત, વ્યંજનાન્ત નામ બધાં પુલ્લિંગ ગણાય. એની સામે છેડે ગુજરાતી લિંગવ્યવસ્થા રૂપતંત્ર સાથે સંબંધ ધરાવે છે. એમાં, આપણે આગળ જોયું એમ, -ઓ પુલ્લિંગ વ્યક્ત કરવા માટે, -ઈ સ્ત્રીલિંગ વ્યક્ત કરવા માટે અને -ઉં નપુંસકલિંગ વ્યક્ત કરવા માટે વપરાય છે.

          ગુજરાતી વ્યાકરણનાં મોટા ભાગનાં પુસ્તકો સ્ત્રીલિંગ તરીકે એક વધારાના પ્રત્યયની વાત પણ કરે છે. એ છે -આ. આ પુસ્તકો કહે છે કે અન્તે -આ આવતાં નામો મોટે ભાગે સ્ત્રીલિંગ હોય છે. આમ કહીને આ પુસ્તકો ‘પિતા’ જેવા શબ્દોને અપવાદ તરીકે મૂકતાં હોય છે. એ હકીકત છે કે ઘણાં -આ અંત્યવાળાં નામ સ્ત્રીલિંગી હોય છે પણ, આપણને જે પ્રશ્ન થાય તે એ કે શું ‘-આ’ સાચેસાચ લિંગવાચક પ્રત્યય છે ખરો? આ સાચે જ એક તપાસનો વિષય છે.

તમે વિગતે તપાસ કરશો તો તમને સમજાશે કે જેમ ‘છોકરો’, ‘છોકરી’ અને ‘છોકરું’ એમ ત્રિપાંખિયા લિંગવ્યવસ્થા મળે છે એવી વ્યવસ્થા આપણને ‘-આ’વાળા શબ્દોમાં નથી મળતી. એટલું જ નહીં, ‘માલા આવી’ જેવાં વાક્યોને બદલે આપણને ‘માલા આવ્યા’ જેવાં વાક્યો પણ નથી મળતાં. એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં -આ સ્ત્રીલિંગવાચક પ્રત્યય નથી. આ દલીલના સમર્થનમાં એક ત્રીજું કારણ પણ આપી શકાય. જો કે, આ કારણ જરાક ટેકનીકલ છે પણ જો તમે થોડોક રસ લેશો તો તમને એ સમજાશે. એટલું જ નહીં, તમને મજા પણ આવશે. દાખલા તરીકે, ‘છોકરમત’ શબ્દ લો. એમાં આવતો -મત પ્રત્યય ‘છોકરો’ શબ્દને નહીં પણ ‘છોકર્-’ મૂળને લાગ્યો છે. એનો અર્થ એ થયો કે ગુજરાતી ભાષામાં કેટલાક પ્રત્યયો શબ્દના મૂળને લાગે છે. આપણને અન્ત્યે -આ આવતો હોય એવો એક પણ શબ્દ નહીં મળે જેમાંથી -આ કાઢીને કોઈ પ્રત્યય લગાડી શકાતો હોય. એનો અર્થ એ થયો કે જેને પરંપરાગત વ્યાકરણો સ્ત્રીલિંગના પ્રત્યય તરીકે ઓળખાવે છે એ -આ પ્રત્યય છે જ નહીં. આપણે હવે આમાં ઊંડા નહીં ઊતરીએ. કેમ કે વધારે ઊંડા ઊતરીશું તો આખી ચર્ચા વધારે પડતી સૈદ્ધાન્તિક બની જશે.

          એ જ રીતે, ગુજરાતી ભાષા અને વ્યાકરણ પરનાં ઘણાં પુસ્તકો લિંગવ્યવસ્થાની વાત કરતી વખતે ‘વાઘ’ અને ‘વાઘણ’ કે ‘બ્રાહ્મણ’ અને ‘બ્રાહ્મણી’ જેવાં નામોનો ઉલ્લેખ કરીને -અણ અને -અણી જેવા પ્રત્યયોને પણ લિંગવાચક પ્રત્યયો તરીકે ઓળખાવતાં હોય છે. ગુજરાતીમાં આવા બીજા પ્રત્યયો પણ છે. જેમ કે: -અણી (નાગ ~ નાગણી), -આણી (ગોર~ગોરાણી). આ નામો પણ લિંગ વ્યક્ત કરે છે એ વાત સાચી પણ એ લિંગ વ્યાકરણમૂલક નથી; એ તો જીવવૈજ્ઞાનિક છે. એનો અર્થ એ થયો કે આપણે એ પ્રત્યયોને -ઓ/-ઈ/-ઉં લિંગવાચક પ્રત્યયોથી જુદા પાડવા પડે. મારી દૃષ્ટિએ આ પ્રત્યયો અર્થમૂલક છે; આકારમૂલક નથી. જો કે, એમનું વર્તન આકારમૂલક કરતાં જુદા પ્રકારનું નથી. દાખલા તરીકે, આપણે કદી પણ ‘વાઘણ આવ્યણ’ નથી કહેતા. એને બદલે, ‘વાઘણ આવી’ કહીએ છીએ.

          આના પરથી આપણે આટલું તો અવશ્ય કહી શકીએ: ગુજરાતી લિંગ વ્યવસ્થામાં બે પેટાવ્યવસ્થાઓ મળી આવે છે: એકમાં લિંગ જીવવૈજ્ઞાનિક છે; બીજામાં આકારમૂલક કે વ્યાકરણમૂલક છે. જો કે, જે શબ્દોનાં લિંગ જીવવૈજ્ઞાનિક છે એમનું વ્યાકરણમૂલક વર્તન આકારમૂલક હોય છે. એથી આપણે કહી શકીએ કે ગુજરાતી લિંગવ્યવસ્થા પાયામાંથી જ આકારમૂલક છે.

          ગુજરાતી લિંગવ્યવસ્થામાં એક ત્રીજી લિંગવ્યવસ્થા પણ જોવા મળે છે. એને ભાષાના ઉપયોગ સાથે સંબંધ છે. ભાષાશાસ્ત્રમાં ભાષાના ઉપયોગનું વિશ્લેષણ કરતી એક અલગ શાખા વિકસી છે જે Pragmaticsના નામે ઓળખાય છે. દા.ત. કોઈ પુરુષનું અપમાન કરવું હોય તો આપણે એને ‘તું જતી હોય તો જાને’ એમ કહી શકીએ. જ્યારે આપણે એમ કહેતા હોઈએ છીએ ત્યારે એના માટે વપરાવી જોઈએ એ લિંગવ્યવસ્થાને બદલે આપણે બીજી જ લિંગવ્યવસ્થા વાપરતા હોઈએ છીએ. લિંગવ્યવસ્થાનો આ પ્રકારનો ઉપયોગ અલગ વિશ્લેષણ માગી લે છે. આ લેખમાળાનો મૂળ આશય ગુજરાતી ભાષાના શબ્દોનું વ્યાકરણમૂલક વર્ગીકરણ કરવાનો છે. એમ હોવાથી આપણે pragmaticsમાં નહીં પડીએ. પણ, એનો ઉલ્લેખ ખૂબ જરૂરી છે.

          એ જ રીતે, એક બીજો મુદ્દો પણ નોંધવો જોઈએ. ગુજરાતી ભાષામાં અર્થ ન બદલાય અને એક કરતાં વધારે લિંગમાં વપરાતા હોય એવા શબ્દો પણ છે. એવા શબ્દોને આપણે ઉભયલિંગી શબ્દો તરીકે ઓળખાવીએ છીએ. જેમ કે, ‘નાવ’ કે ‘માણસ’ શબ્દ લો. ‘નાવ’ નપુસંકલિંગ પણ છે ને સ્ત્રીલિંગ પણ છે. એ જ રીતે, ‘માણસ’ પણ. ‘માણસ’ નપુસંકલિંગ પણ છે ને પુલ્લિંગ પણ. મને લાગે છે કે આધુનિક ભાષાવિજ્ઞાનના વિકાસને પગલે આપણે હવે આ ઉભયલિંગી નામો વિશે નવેસરથી વિચારવું જોઈએ. કેમ કે, ભાષાશાસ્ત્રમાં હવે સમાજભાષાશાસ્ત્ર (Sociolinguistics) નામની એક શાખા વિકસી છે. એ શાખા ભાષામાં આવતાં આવાં variationsનો અભ્યાસ કરે છે. એ શાખાના મત પ્રમાણે variations બે પ્રકારનાં હોય. એક તે મુક્ત અને બીજાં તે બદ્ધ. જે variationsને સમાજના કોઈક વર્ગ સાથે જોડી શકાતાં હોય એ બધાં બદ્ધ variations. બની શકે કે કોઈક ભૌગોલિક હોય, કોઈક સામાજિક હોય. કોઈક સૌરાષ્ટ્રની બોલીમાં હોય (જેમ કે ‘ચા’ સૌરાષ્ટ્રમાં પુલ્લિંગ છે, જ્યારે બીજે એ જ ‘ચા’ સ્ત્રીલિંગ છે) તો કોઈક ચરોતરીમાં હોય. એ જ રીતે, કોઈ variation સમાજના ઉપલા વર્ગમાં જોવા મળતું હોય તો વળી કોઈ મધ્યમવર્ગમાં. કોઈ વળી ઔપચારિક ભાષામાં જોવા મળતું હોય, કોઈ અનૌપચારિક ભાષામાં. ટૂંકામાં, આ ખજાનો સાચે જ એક સંશોધનનો વિષય છે. આશા રાખીએ કે ગુજરાતી ભાષાને આવાં variationsનો અભ્યાસ કરતા વિદ્વાનો આજે નહીં તો કાલે પણ મળી રહેશે ખરા.

          આટલી ચર્ચાના આધારે નીચે આપેલા નિર્ણય પર આવી શકીએ.

૧. ગુજરાતીમાં દરેક નામને લિંગ હોય છે.

૨. લિંગ કાં તો વ્યક્ત હોય, કાં તો અવ્યક્ત.

૩. વ્યક્ત લિંગ બે પ્રકારનાં: અર્થમૂલક અને આકારમૂલક.

૪. અર્થમૂલક લિંગવ્યવસ્થાના કેટલાક પ્રત્યયો છે: જેમ કે -અણ, -અણી,

૫. આકારમૂલક લિંગવ્યવસ્થામાં પુલ્લિંગ -ઓ વડે, સ્ત્રીલિંગ -ઈ વડે અને નપુસંકલિંગ -ઉં વડે વ્યક્ત થાય છે.

૬. ગુજરાતીમાં લિંગવ્યવસ્થાનું વર્તન આકારમૂલક છે. એમ હોવાથી સમગ્ર લિંગવ્યવસ્થા આકારમૂલક છે એમ કહી શકાય.

હવે પછીના લેખમાં આપણે ગુજરાતી નામોના બીજા એક લક્ષણની ચર્ચા કરીશું. એ છે: વચન. આપણે નોંધ્યું છે એમ દરેક ગુજરાતી નામ કાં તો એકવચન હોય કાં તો બહુવચન. સવાલ એ છે કે આ બન્ને વચનો ગુજરાતીમાં કઈ રીતે વ્યક્ત થાય છે અને એ વ્યાકરણમાં કઈ રીતે ભાગ લે છે.

1 thought on “ભાષાને શું વળગે ભૂર: ૭ (બાબુ સુથાર)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s