“આમ મુક્ત રીતે હવામાં, તરવા મળી રહ્યું છે, અને એ પણ અદ્રશ્ય રહીને! શું હું ચંદ્ર પર પહોંચી ગયો છું? ના, લાગતું તો નથી. આમ નીચે હું એમ્બ્યુલન્સમાં સૂતો છું તો આ હું અહીં તરું છું એવું કેમ બને? અને આ શું, હું મને કેમ સ્પર્શી નથી શકતો? મારી આંખ, નાક, કાન, શરીર ક્યાં છે? શું હું એક હવાના ઝોંકામાં ટ્રાન્સફોર્મ થઈ ચૂક્યો છું? હું સાવ ભારહીન થઈ ગયો છું તો બધો બોજો નીચે મારા શરીરમાં છોડીને નીકળી ગયો છું? વેઈટ અ મિનીટ! શું હું મરી ગયો છું? બધાં જ કાયમ કહે છે કે સૌથી વધુ કાતિલ અકસ્માત ઘરની પાસે જ થતા હોય છે, આજે પણ આમ જ થયું છે. અમે ઘરથી દૂર માંડ દસ માઈલ પણ ગયા હશું, ત્યારે એક ટ્રક સાથેના અકસ્માતમાં મારે જિંદગીથી હાથ ધોવા પડશે એની કલ્પના પણ ક્યાં હતી? હજુ દસ દિવસ પહેલાં જ તો મેં બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નને માંડ છ મહિના થયા હતાં અને મેનેન્જાઈટીસમાં, માત્ર ચાર દિવસની માંદગીમાં, મારી એ પત્નીનું અવસાન થયું. એના મરણ પછી બાર-તેર વર્ષો સુધી મને કોઈનેય મળવામાં રસ નહોતો, લગ્ન કરવાની વાત તો દૂરની હતી. અને હવે, મારા બીજા લગ્નના દસ દિવસમાં હું જતો રહ્યો! પણ, મારી બીજી પત્ની ક્યાં છે? મારા એ સાવકા દિકરાને એની નાનીમા પાસે મૂકીને અમે બેઉ અમારા હનીમૂન માટે નાયગરા જવા નીકળ્યા હતા! અરે, મારી પત્ની, નીચે મારા અચેતન શરીરની પાસે ઊભેલી દેખાતી નથી? હું જરા નીચે આવું તો આ બધાં જ ડોક્ટરો અને નર્સોની વાત સંભળાશે. લાવ નીચે ઊતરવા દે! આ રહી, મારી પત્ની, હાશ, સારુ થયું કે એને બહુ વાગ્યું નથી. ઓચિંતી જ ટ્રક સાઈડમાંથી આવી, અને ટક્કર મારી એજ વખતે પેસેન્જર સાઈડનો દરવાજો ખૂલી ગયો અને મેં મારી પત્નીને ગાડીની બાહર પડતાં તો જોઈ હતી, પણ પછી તો હું જ ન રહ્યો! જે થયું એ સારું જ થયું. એટ લીસ્ટ એ બચી ગઈ! પણ, આ લોકોના હોઠ તો ચાલે છે છતાં મને કઈં સંભળાતું કેમ નથી? “ઓ મારા ભાઈ, સોરી અહીં તો મારે ઈંગ્લીશમાં બોલવું પડશે! માય ડિયર બ્રધર, આઈ કેન ટોક ઈન ઈંગ્લીશ, ડુ યુ હીયર મી?” આઈ ડુ નોટ થીંક ધે કેન… સોરી, સોરી, હું મારી જાત સાથે તો ગુજરાતીમાં વાત કરી શકું છું, હું પણ સાચે જ હલી ગયો છું અને હલી કેમ ન જાઉં? હું મારી બધી જ ઈન્દ્રિયોની શક્તિ ખોઈ બેઠો છું અને બસ, હવામાં આમતેમ કોઈ લક્ષ્ય વિના ઊડતી પતંગ બની ગયો છું. આખી જિંદગી, અસ્તિત્વની ચિંતા કર્યા કરી અને હવે..? ક્યાં સુધી મારે આમ હવામાં ઊડ્યા કરવાનું છે? અને, હું એકલો જ આમ “ઊડતા પંજાબ” છું કે મારા જેવા બીજા કોઈ હવામાં તરી રહ્યા છે? કોને ખબર અને ખબર પડશે પણ કેમ? હું માત્ર પવન છું, કોઈ આકાર નહીં, કોઈ શબ્દ નહીં, કોઈ ચેતન નહીં, બસ એક અબોલ ખ્યાલ…! કદાચ, ભૂત બનવા અને એ રીતની ઈન્દ્રિયોની શક્તિ પામવા માટે મેં જરૂરી ખરાબ કાર્યો નહીં કર્યા હોય અને મોક્ષ પામવા માટે પૂરતા સારા કામ પણ નહીં કર્યા હોય! અરે, કોઈ છે જે મને એટલે કે ‘ખયાલી મને’ સાંભળી શકે, સમજી શકે, અને સમજાવી શકે કે આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે?
અરેરે, મારી વાઈફ, બિચારી! એના બિમાર દિકરાને પોતાની મા પાસે મૂકીને અમારા હનીમૂન પર આવી! સાવ એકલી એ કેવી રીતે હવે ડીલ કરશે? મારી આ વાઈફની સાથે છેલ્લા બે વરસથી હું પ્રેમમાં હતો અને એ? એ તો ‘મારામય’ હતી, સંપૂર્ણપણે…! મારી પત્ની સાથેના છ મહિનાના લગ્ન પછી મને પાછા લગ્ન કરવા જ નહોતા પણ, હું મારી વાઈફને મળ્યો, મારા ઘરના ઈન્સ્યોરન્સ માટે, અને અમે બેઉ ‘હેડ ઓવર હીલ’ – પગથી માથા સુધી ગળાડૂબ પ્રેમમાં પડ્યાં. પછી તો એક ઘડી પણ એકેમેકથી દૂર રહેવાનું મુશ્કિલ થઈ ગયું હતું, અને હવે? એનું શું થશે? ક્યાં છે માય ડિયરેસ્ટ વાઈફ? હું એનો ગુનેગાર છું. મેં એને કોલ આપ્યો હતો કે એને છોડીને ક્યારેય, ક્યાંય એકલો નહીં જાઉં અને આ શું થઈ ગયું ઓચિંતુ જ?
હું, એટલે કે હવાનો ઝોંકો, એને શોધતો શોધતો હોસ્પિટલમાં પહોંચ્યો. મારી પત્નીને તો બહુ ઈજા નહોતી થઈ તે એને તો ઓવર નાઈટ રાખી હતી. હોસ્પિટલના રૂમમાં હું પ્રવેશ્યો અને એને સૂનમૂન હોસ્પિટલ બેડ પર સૂતેલી જોઈ અને મને હાશ થયું. થોડોક બેકગ્રાઉન્ડ આપું. પહેલા લગ્ન દ્વારા થયેલો એનો દિકરો કોન્જીનેટલ હાર્ટની કન્ડીશન સાથે જન્મ્યો હતો. એના પતિ અને એના પતિના પરિવારે, એને અને એના દિકરાને ત્યજી દીધી હતી. એનો પ્રથમ પતિ અને એનો પરિવાર ઈન્ડિયાથી બહાર, અમેરિકામાં તો આવી ગયા પણ ઈન્ડિયાને પોતાની અંદરથી બહાર આ લોકો અનેક વર્ષોના અમેરિકાના વસવાટ પછી પણ કાઢી નહોતા શક્યા. મારી વાઈફ જ્યારે એના પહેલા પતિની અને એના કુટુંબીઓની વાતો કરતી, અમારા લગ્ન પહેલાંના ડેટિંગ પિરિયડના સમયમાં, તો મને એના “એક્સ” પતિ પર ખાસ કરીને ખૂબ જ ગુસ્સો આવતો હતો. હું પણ એને મારા ઈન્ડિયા સ્થિત કુટુંબની વાત કરતો અને એને પણ મારા મોટાભાઈ પર ખૂબ જ ગુસ્સો આવતો. અમે બેઉ એકમેક સાથે અજાણ દોરથી બંધાતા જતાં હતાં. મને આજે પણ એના ખૂબ જ ભાવવિભોર આલિંગનો યાદ છે. મને હવે માત્ર એક વાર એને એક એવું જ ભાવવિભોર આલિંગન આપવું છે, ચુંબનોથી એને નવડાવી દેવી છે, પણ આ લાચારી…! કોઈ પણ ઈન્દ્રિયોના બંધન વિહીનનો, એક ખ્યાલ માત્ર બનીને રહી ગયેલો હું, કેવી રીતે અને શું કરી શકું? મારા મા અને બાપુના મૃત્યુ પછી, મોટાભાઈએ મારી સાથે બધાં જ સંબંધ કાપી નાંખ્યા હતા. આગળ પાછળ કોઈ બીજું નહોતું. હું પહેલા લગ્ન કરવા અમેરિકાથી ભારત ગયો હતો અને ધેટ વોઝ ઈટ! લઈ દઈને સ્વજનોમાં હવે માત્ર મારી આ જીવનસંગિની અને મારો સાવકો પુત્ર, બીજું કોઈ તો હતું નહીં. અરે હા, આઈ હોપ કે એણે મારા ખાસ મિત્ર સમીરને ફોન કર્યો હોય, એ તો અહીં આવશે, એને હેલ્પ કરવા. મીડ ફોર્ટીસમાં પણ સમીર સિંગલ છે અને પોતાને એવરગ્રીન બેચલર કહેવડાવવામાં ગર્વ લે છે. સમીર કાયમ જ એને મારી ‘બીવી’ કહીને બોલાવતો. એ મને કહેતો, મારી પત્નીની હાજરીમાં, “યાર, તું દગાબાજ નીકળ્યો! તારી ‘બીવી’એ તારા પર ઈશ્કનું ભૂત સવાર કરી દીધું, નહીં તો તું મારી બેચલર કંપનીનો વફાદાર મેમ્બર હતો!” અને મારી પત્ની મારી સામે, નજરના ઈશારા કરતી અને હસી પડતી. અમારી એ સંવનનની રાતો, એ અનેક સાંજ જ્યારે હાથમાં હાથ લઈને ઘરમાં જ ટીવી જોતાં બેઠાં રહેવું, એ શનિવારની અને રવિવારની આળસભરી બપોર, કે જેમાં કઈં પણ કર્યા વિના એકમેકને અઢેલીને પલંગમાં પડ્યા રહેવું… ઉફ.., મને એકવાર માણસનું રૂપ ધારણ કરવા મળે તો હું એને આ બધું જ કહી શકું કે મેં એની સાથે વિતાવેલો સમય, ડેટિંગ પિરિયડથી માંડીને આજ સુધીનો, મારા માટે અદભૂત હતો. મારે ક્યાં સુધી આમ વિચાર બનીને હવામાં ભટકવાનું છે રામ જાણે! મને એ પણ ખબર નથી કે મૃત્યુ પછીના આ સ્ટેજમાંથી સાલું પ્રમોશન શું હશે કે આમ જ અહીંથી, આ સ્ટેટમાંથી કદી નીકળી જ નહીં શકીશ? મને આ અજાણ ભોમકાની બીક લાગે છે. મારે કેટલું બધું એને કહેવું છે! એ કાયમ મને કહેતી કે બીજા લગન કરવાની એની બિલકુલ જ મરજી ન હતી કારણ એનો દિકરો કોઈનેય સ્વીકારવા તૈયાર નહોતો. હું એને ગમતો હતો એવું નહોતું પણ મારો વિરોધ પણ નહોતો કરતો. એ મને મળી ત્યારે એને અને એના પુત્રને મારો સેન્સ ઓફ હ્યુમર બહુ ગમી ગયો હતો. સમીરને મેં જ્યારે આ વાત કરી ત્યારે મને કહે, “એવું તો લોકો કહે એટલે માની લેવું જરૂરી નથી. અત્યાર સુધી સાંભળ્યું હતું કે પ્રેમ આંધળો છે પણ યાર, હવે સમજાય છે કે પ્રેમ બહેરો પણ છે! તું શું બોલતો હશે અને એ શું સાંભળતી હશે!”
એક્ચ્યુઅલી, આઈ એમ સો પ્રાઉડ ઓફ હેર. વેરી કેપેબલ વુમન. પોતે અમેરિકામાં રિયલ એસ્ટેટ અને હોમ મોરગેજ ના એજન્ટ્નું કામ છેલ્લા આઠેક વરસથી કરે છે અને પોતાના પગ પર ઊભી છે એટલે એના ભરણપોષણની કોઈ ચિંતા મને નથી. એને ખબર તો છે કે મારો લાઈફ ઈન્સ્યોરન્સ છે અને આ ટ્રકની વિમા કંપની પણ એને કોમ્પેનસેશન આપશે તો એની જિંદગી સુખમાં જશે. મારું ઘર પણ ઓલમોસ્ટ પેઈડ અપ છે. બસ, મારે એને કહેવું છે, હું કાયમ જ એને પ્રેમ કરતો રહીશ. અહીંથી મારી સફર ક્યાંની છે એ નથી ખબર પણ, હું એનો જ રહીશ. મને ખાત્રી છે કે એ પણ મને અનહદ પ્રેમ કરે છે! એ આઘાતથી સૂન થઈ ગઈ છે. હોસ્પિટલના સોશ્યલ સર્વીસના કાર્યકર્તા પણ એની પાસે આવીને કઈંક કહી રહ્યાં છે પણ અગેઈન, હું ખૂબ જ ફ્રસ્ટ્રેટેડ છું કે હું એ લોકોના શબ્દો સાંભળી નથી શકતો. મારે એ લોકોને કહેવું છે કે કેટલી ખરાબ તમારી ટ્રેઈનીંગ છે કે એક સ્ત્રીને રડાવી નથી શકતા! એને જે અઘાત લાગ્યો છે તે હું જાણું છું! અરે, રડાવો એને, કહું છું અંદર અને અંદર ઘૂંટાઈને એ પાગલ થઈ જશે! અને આ શું, એના પહેલા પતિનું અહીં શું કામ છે, કેમ આવ્યો છે અહીં? એ પણ ખૂબ ગુસ્સામાં પેલાને કઈં કહી રહી છે. પેલો પણ પગ પછાડતો જતો રહે છે. મારી પત્ની હજી રડી નથી. અરે, અંતે સમીર આવ્યો. હાશ, હવે એ બધું જ સંભાળી લેશે અને મારી પત્નીની આંખોમાંથી આંસુ વહેશે અને ડૂમો બહાર નીકળી જશે…! બસ, મારે એને ખુશ જોવી છે. એની જોડે મને તો અનહદ સુખ મળ્યું છે, એ હવે સુખેથી રહે. એકવાર એનો ડૂમો નીકળી જશે પછી તો સમીર બધું જ સાચવી લેશે. સમીર આવ્યો, એના પલંગ પર બેઠો, એનો હાથ હાથમાં લઈને કઈંક તો બોલ્યો અને મારી પત્ની હસતી હસતી એની બાહોંમાં સમાઈ ગઈ…!”
1 thought on “એક અનુભવ, કલ્પનાતીત – (જયશ્રી વિનુ મરચંટ)”
‘એક સ્ત્રીને રડાવી નથી શકતા! એને જે અઘાત લાગ્યો છે તે હું જાણું છું! અરે, રડાવો એને, કહું છું અંદર અને અંદર ઘૂંટાઈને એ પાગલ થઈ જશે! ‘ખરેખર રડવાથી વેદના સહન કરવાનું બળ મળે છે
હસીને નહીં રડીને થાવ ટેન્શન મુક્ત, સુરતમાં ક્રાઇંગ ક્લબ … આવા જ કન્સેપ્ટ પર એક અનોખો કાર્યક્રમ સુરતના લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલા દ્વારા કાપડિયા હેલ્થ ક્લબ ખાતે યોજવામાં આવયો હતો.
‘એક સ્ત્રીને રડાવી નથી શકતા! એને જે અઘાત લાગ્યો છે તે હું જાણું છું! અરે, રડાવો એને, કહું છું અંદર અને અંદર ઘૂંટાઈને એ પાગલ થઈ જશે! ‘ખરેખર રડવાથી વેદના સહન કરવાનું બળ મળે છે
હસીને નહીં રડીને થાવ ટેન્શન મુક્ત, સુરતમાં ક્રાઇંગ ક્લબ … આવા જ કન્સેપ્ટ પર એક અનોખો કાર્યક્રમ સુરતના લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલા દ્વારા કાપડિયા હેલ્થ ક્લબ ખાતે યોજવામાં આવયો હતો.
LikeLike