ભાષાને શું વળગે ભૂર: ૬ (બાબુ સુથાર)


ગુજરાતી નામ:૧

વ્યાકરણનાં પુસ્તકોમાં આપણે નામની આ વ્યાખ્યા વાંરવાર વાંચી છે: “પ્રાણી, પદાર્થ, અને નામને ઓળખવા માટે જે નિશાની વાપરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે” (‘સરળ ગુજરાતી વ્યાકરણ’, ડૉ. ભરતકુમાર ઠાકર, ૨૦૦૪. પાન:૮૧). નામને આપણે ‘સંજ્ઞા’ તરીકે પણ ઓળખીએ છીએ. આ પ્રકારની વ્યાખ્યાઓને notional વ્યાખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. એમાં જે તે પારિભાષિક શબ્દને વિચાર વડે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે; નહીં કે એની સંરચના કે એના કાર્ય વડે. ભાષાશાસ્ત્રીઓએ અવારનવાર આ પ્રકારની વ્યાખ્યાઓની સામે ફરીયાદો કરી છે. એ કહે છે કે આ પ્રકારની વ્યાખ્યાઓ ક્યારેક નામ ન હોય એને પણ નામ કહેવા માટે અને નામ હોય એને નામ ન કહેવા માટે મજબૂર કરતી હોય છે. એથી એમણે નામ સહિત ભાષાના તમામ વ્યાકરણમૂલક વર્ગોની સંરચનામૂલક અને/અથવા કાર્યમૂલક વર્ણન કરવાની તરફેણ કરી છે. પણ આપણે એની ચર્ચામાં નહીં પડીએ. ભાષાશાસ્ત્રની, અને કદાચ બીજાં શાસ્ત્રોની પણ, આ એક મુશ્કેલી છે. ખૂબ સંવેદનશીલ બાબતોની વાત કરવાની આવે ત્યારે આપણે શાસ્ત્રીય બનવું પડે. અને જ્યારે પણ આપણે શાસ્ત્રીય બનીએ ત્યારે જે તે મુદ્દાની ચર્ચા કરનારી ‘મંડળી’ ખૂબ નાની બની જતી હોય છે.

એમ છતાં, હું એટલું જરૂર કહીશ કે ઉપર નામની જે વ્યાખ્યા આપી છે એ તો ‘નામ’ની સામાન્ય વ્યાખ્યા છે. એ નામ શું છે એ સમજાવે છે. પણ, એ ‘ગુજરાતી નામ’ શું છે એ બરાબર ન સમજાવી શકે. જો આપણે ‘ગુજરાતી નામ’ શું છે એ જાણવું હોય તો આપણે ગુજરાતી ભાષામાં નામની સંરચના (structure) શું છે અને એ સંરચના ગુજરાતી ભાષામાં કઈ રીતે કાર્ય (function) કરે છે એ જાણવું જોઈએ.

       આગળ વધતા પહેલાં આપણે આ ‘સંરચના’ અને ‘કાર્ય’ વચ્ચેનો ભેદ જાણી લઈએ. આપણે છેલ્લા લેખના આરંભમાં આ વાક્યનો ઉલ્લેખ કરેલો:

(૧) “શિક્ષકોએ વિદ્યાર્થીઓને પુસ્તકો વહેંચ્યાં.”

આપણે જોયું છે એમ આ વાક્યમાં ‘શિક્ષકો’, ‘વિદ્યાર્થીઓ’ અને ‘પુસ્તકો’ ત્રણેય નામ છે. આપણે એમ પણ જોયું કે આ ત્રણેય નામ અહીં બહુવચનમાં વપરાયાં છે. એટલું જ નહીં, આપણે એમ પણ જોયું કે અહીં ‘શિક્ષકો’ને ‘-એ’, ‘વિદ્યાર્થીઓ’ને -ને અને પુસ્તકોને -૦ વિભક્તિના પ્રત્યયો લાગેલા છે. આ ત્રણેય નામ છે છતાં ત્રણેયનાં કાર્ય અહીં જુદાં છે. ‘શિક્ષકોએ’ અહીં કર્તા છે; અને ‘વિદ્યાર્થીઓને’ તથા ‘પુસ્તકો’ બન્ને કર્મ છે.

       આપણામાંના કેટલાકને થશે કે પણ આ ‘કર્તા’, ‘કર્મ’ વળી શું છે. કોઈ કદાચ ફરીયાદ પણ કરે કે તમે એક બાજુ પારિભાષિક શબ્દો ઓછા વાપરવાની વાત કરો છો ને બીજી બાજુ દરેક લેખમાં બેચાર પારિભાષિક શબ્દો મૂકી દો છો. એટલું જ નહીં, ઘણાને પ્રાથમિક કે હાઈસ્કુલના ગુજરાતીના શિક્ષકો પણ યાદ આવી જશે. એ કહેતા હતા કે કર્મ કરે તે કર્તા અને કર્તાની ક્રિયાનું ફળ ભોગવે એ કર્મ. સાચું કહું તો જ્યારે મારા શિક્ષક ક્રિયાનો કરનાર અને ક્રિયાનું ફળ ભોગવનારની વાત કરતા હતા ત્યારે હું તો ખૂબ મુંઝાઈ જતો. કેમ કે એક કામ કરે ને બીજો ફળ ભોગવે એ વાત જ મારા મગજમાં ઉતરતી જ ન હતી. મને તો એમાં અન્યાય લાગતો. પણ એ જમાનામાં ગુરુ દેવ ગણાતા. એમને પ્રશ્નો પૂછી શકાતા ન હતા. ભાષાશાસ્ત્રમાં કર્તા અને કર્મ કોને કહેવાય એ વિશે ઘણાં સંશોધનો થયાં છે. ગુજરાતીમાં પણ પી. જે. મીસ્ત્રીએ એ બન્ને વિષય પર સંશોધન લેખ લખ્યા છે. જો કે, ફરી એક વાર આપણે એ લેખોની ચર્ચામાં નહીં પડીએ. પણ, આપણે એટલું ચોક્કસ નોંધીશું કે ‘કર્તા’, ‘કર્મ’ જે તે નામનાં કાર્ય છે. જો આપણે વાક્ય (૧)ને વાક્ય (૨)ની રીતે લખીશું તો આ ભેદ વધારે સરળતાથી સમજાશે:

(૨) વિદ્યાર્થીઓએ શિક્ષકોને પુસ્તકો વહેંચ્યાં.

અહીં ‘વિદ્યાર્થીઓ’ને -એ પ્રત્યય લાગ્યો છે. વાક્ય (૧)માં ‘શિક્ષકો’ને -એ પ્રત્યય લાગ્યો છે. આના આધારે આપણે એવું કહી શકીએ ખરા કે ગુજરાતીમાં ‘કર્તા’ને કે કર્તાને જ -એ લાગે? તમે વિચારજો. કેમ કે આ મુદ્દાની ચર્ચા આપણે હવે પછી કરીશું.

આ સંરચના અને કાર્યએ ભાષાશાસ્ત્રીઓને પણ બે વર્ગમાં વહેંચી નાખ્યા છે. કેટલાક કેવળ સંરચનાના આધારે જ ભાષાને સમજાવવાનો પ્રયાસ કરે છે તો વળી કેટલાક કેવળ કાર્યના આધારે ભાષાને સમજાવવાનો પ્રયાસ કરે છે. એથી જ તો ઘણી ભાષાઓનાં આપણને સંરચનાકેન્દ્રી (structuralist) અને કાર્યકેન્દ્રી (functionalist) વ્યાકરણો પણ મળે. જો કે, ગુજરાતી ભાષાનાં મોટા ભાગનાં વ્યાકરણો આ બન્ને વચ્ચેનો ભેદ જાળવતાં નથી. સદ્‌નસીબે, ભાષાશાસ્ત્રમાં પણ હવે કેટલાક ભાષાશાસ્ત્રીઓ ભાષાને સમજાવવા માટે અનિવાર્ય બની જાય તો આ બન્ને વચ્ચેનો ભેદ બાજુ પર મૂકતા હોય છે.

હવે મૂળ વાત. આપણા માટે જે પ્રશ્ન છે તે આ છે: ગુજરાતીમાં નામ કોને કહેવાય? અથવા તો ગુજરાતી નામનાં લક્ષણો કયાં કયાં છે; એ લક્ષણો કઈ રીતે વ્યક્ત થાય છે અને એ કઈ રીતે કામ કરે છે?

જો આપણે ગુજરાતી ભાષા પરનાં પુસ્તકો જોઈશું તો આપણને જોવા મળશે કે ઘણાં બધાં પુસ્તકો નામને વ્યંજનાન્ત નામો કે સ્વરાન્ત નામોમાં વહેંચતાં હોય છે. વ્યંજનાન્ત નામો એટલે એવાં નામો જેના અન્તે વ્યંજન આવતો હોય. જેમ કે, ‘હાથ’, ‘નાક’, ‘કાન’, ‘પગ’, ‘વાળ’. અને સ્વરાન્ત નામો એટલે એવાં નામો જેના અન્તે સ્વર આવતો હોય. જેમ કે, ‘છોકરો’, ‘છોકરી’ ‘છોકરું’, ‘પાણી’, ‘ઘો’.

એ જ રીતે, કેટલાંક પુસ્તકો વળી નામને વિકારી નામો અને અવિકારી નામો એવા બે વર્ગોમાં વહેંચી નાખતાં હોય છે. એમના મતે ‘છોકરો’, ‘છોકરી’ અને ‘છોકરું’ વગેરે વિકારી નામો છે અને ‘આંખ’, ‘પગ’, ‘નખ’ વગેરે અવિકારી નામો છે. હરિવલ્લભ ભાયાણીએ એમના ‘થોડોક વ્યાકરણ વિચાર’ પુસ્તકમાં ગુજરાતી નામોને આ બે વર્ગમાં વહેંચી નાખ્યાં છે.

આ બન્ને વર્ગીકરણની ઘણી બધી મર્યાદાઓ છે. દા.ત. પહેલા પ્રકારનું વર્ગીકરણ તમને આમ કહેશે. ‘છોકરો’, ‘છોકરી’, ‘છોકરું’ વગેરે સ્વરાન્ત. જો એમને અન્તે -ઓ હોય તો એ પુલ્લિંગ, -ઇ હોય તો એ સ્ત્રીલિંગ અને -ઉં હોય તો એ નપુસંકલિંગ એકવચન. પછી એ કેટલાક અપવાદ પણ આપશે. કહેશે: ‘પાણી’ અને ‘ઘો’ અપવાદ ગણવા. એકના અન્તે -ઇ આવે છે પણ એ નપુસંકલિંગ છે અને બીજાના અન્તે -ઓ આવે છે પણ એ સ્ત્રીલિંગ છે. આપણામાંના ઘણા આવું ભણ્યા હશે.

એ જ રીતે, ભાયાણી સાહેબનું વર્ગીકરણ પણ કેટલાક પ્રશ્નો ઉભા કરે એવું છે. ‘છોકરો’ અને ‘છોકરું’ને બહુવચનનો કે વિભક્તિનો પ્રત્યય લાગે તો એ બદલાય પણ ‘છોકરી’ને લાગે તો એ શબ્દ નથી બદલાતો. તો પછી ‘છોકરી’ને વિકારી નામ કઈ રીતે કહી શકાય? તમે વિચારજો.

આપણે આ બન્ને પ્રકારનાં વર્ગીકરણો થોડી વાર માટે ભૂલી જઈએ અને એમને બદલે એક ત્રીજા જ પ્રકારનું વર્ગીકરણ આપીએ. એ વર્ગીકરણ ‘પાણી’ અને ‘ઘો’ જેવા શબ્દોને અપવાદ નહીં ગણે અને બીજું, એ ‘છોકરી’ જેવા શબ્દોને વિકારી ગણવા કે અવિકારી એવી મુંઝવણ પણ ઊભી નહીં કરે.

હું માનું છું કે ગુજરાતી નામને આપણે બે વર્ગમાં વહેંચી શકીએ: (૧) વ્યક્ત લિંગવાળાં નામ. જેમ કે, ‘છોકરો’, ‘છોકરી’, ‘છોકરું. અને (૨) અવ્યક્ત લિંગવાળાં નામ. જેમ કે, ‘કાન’, ‘આંખ’, ‘નાક’. યાદ રાખો કે ગુજરાતીમાં કોઈ પણ નામ હોય એ કાં તો પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય અથવા તો નપુસંકલિંગ હોય. લિંગ વગરનું નામ ગુજરાતીમાં શક્ય નથી.

આ વાતને આપણે આ રીતે મૂકી શકીએ: ગુજરાતી નામની સંરચના આ પ્રકારની છે: નામ મૂળ (root) + લિંગ (gender). લિંગ વ્યક્ત કે અવ્યક્ત હોય. આ વાત સમજવા નીચેનાં ઉદાહરણો જુઓ:

(અ)

છોકરો

cʰokro

cʰokr.o

પુલ્લિંગ

છોકરી

cʰokri

cʰokr.i

સ્ત્રીલિંગ

છોકરું

cʰokrũ

cʰokr.ũ

નપુંસકલિંગ

ઉપરના ત્રણેય શબ્દોમાં નામમૂળ cʰokr- છે અને લિંગ પ્રત્યય અનુક્રમે -o (પુલ્લિંગ), -i (સ્ત્રીલિંગ) અને -ũ (નપુસંકલિંગ) છે.

હવે નીચે (બ)માં આપેલા શબ્દો જુઓ:

(બ)

કાન

kan

kan.∅

પુલ્લિંગ

આંખ

ãkh

Ãkh.∅

સ્ત્રીલિંગ

નાક

nak

Nak.∅

નપુંસકલિંગ

ઉપર (બ)માં આપેલા ત્રણેય શબ્દોમાં નામમૂળ kan, ãkh અને nak છે અને લિંગપ્રત્યય -∅ અર્થાત્ શૂન્ય છે. આ નામોને લિંગ પ્રત્યય નથી એમ કહેવાને બદલે આપણે એમ કહેવું જોઈએ કે આ નામોને શૂન્ય લિંગ પ્રત્યય લાગ્યો છે.

       કોઈને થશે કે આ શૂન્ય પાછું ક્યાંથી લાવ્યા? ઘણાને જાણીને આશ્ચર્ય થશે કે શૂન્ય પ્રત્યયની વિભાવના પાણિનીએ પણ વાપરેલી. જ્યારે વ્યાકરણને આપણે એક વ્યવસ્થા તરીકે, અર્થાત્ એક system તરીકે જોઈએ ત્યારે ઘણી વાર શૂન્ય આપણને ઘણું કામ લાગતું હોય છે.

       અત્યાર સુધીમાં ગુજરાતી નામ વિશે આપણે આટલી વાત કરી:

(ક) દરેક ગુજરાતી નામને લિંગ હોય છે.

(ખ) લિંગ કાં તો વ્યક્ત હોય, કાં તો અવ્યક્ત હોય.

(ગ) જો વ્યક્ત હોય તો પુલ્લિંગ -ઓ વડે, સ્ત્રીલિંગ -ઈ વડે અને નપુસંકલિંગ -ઉં વડે વ્યક્ત થાય છે;

(ઘ) જો અવ્યક્ત હોય તો લિંગ શૂન્ય પ્રત્યય વડે વ્યક્ત થાય છે.

(ચ) ગુજરાતી નામની સંરચના નામમૂળ + લિંગ છે.

       હવે આપણે ‘પાણી’ અને ‘ઘો’ શબ્દ લઈએ. આપણે કહ્યું છે કે દરેક ગુજરાતી નામને લિંગ હોય છે. આ નામોનાં પણ લિંગ છે. એક નપુંસકલિંગ છે અને બીજું સ્ત્રીલિંગ. આપણે એમ પણ કહ્યું છે કે દરેક નામની સંરચના ‘નામમૂળ + લિંગપ્રત્યય’ની બનેલી હોય છે. આ રીતે જોતાં, ‘પાણી’ અને ‘ઘો’ની સંરચના આ રીતે થશે:

(ક)

પાણી

paɳi

paɳi+∅

ઘો

gʰo

gʰo+∅

હવે તમે એક વાત તો અવશ્ય નોંધી હશે. ‘પાણી’ અને ‘ઘો’માં અન્ત્યે આવતા -ઈ અને -ઓ હકીકતમાં તો નામમૂળનો જ એક અંશ છે. એમને અને લિંગવ્યવસ્થાને નાહ્યેધોયે પણ સંબંધ નથી. જો એમ હોય તો એ શબ્દોને અપવાદ ગણી ન શકાય.

       જો કે, હજી આપણે નામમૂળની પ્રકૃતિ વિશે કોઈ ચર્ચા નથી કરી અને આ લેખમાં એ ચર્ચા કરવી પણ નથી. કેમ કે એ ચર્ચા આપણને પાછી સિદ્ધાન્તચર્ચા તરફ લઈ જશે. દા.ત. કોઈ આપણને આવો પ્રશ્ન પૂછી શકે કે cʰokr.o, cʰokr.i અને cʰokr.ũમાં આવતું નામ મૂળ cʰokr- હશે કે cʰokər? અને જો cʰokər હોય તો એમાં આવતા -ə-નો લોપ કઈ રીતે થાય? આ વ્યવસ્થા માનવચિત્ત વિશે શું કહે છે? વગેરે. પણ, આ પ્રશ્નો આપણે વિદ્વાનો પર છોડીએ.

       હવે આવતા લેખમાં આપણે ગુજરાતી નામની લિંગવ્યવસ્થા વિશે વાત કરીશું.

1 thought on “ભાષાને શું વળગે ભૂર: ૬ (બાબુ સુથાર)

 1. યાદ આવે
  જો રસના રસ ના બિલસૈ તેવિં બેહુ સદા નિજ નામ ઉચારૈ|
  મો કર નીકી કરૈં કરની જુ પૈ કુંજ કુટીરન દેહુ બુહારન|
  સિધ્દિ સમૃધ્દિ સબૈ રસખાનિ લહૌં બ્રજ-રેનુકા અંગ સવારન|
  ખાસ નિવાસ મિલે જુ પૈ તો વહી કાલિન્દી કૂલ કદમ્બ કી ડારન||

  રસખાન પોતાના આરાધ્ય ને વિનંતી કરે છે કે મને સદા તમારા નામનું સ્મરણ કરવા દો જેથી મારી જિવ્હા ને રસ મળે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s