મને હજી યાદ છે -૯૨ (અંતીમ)


(આજના એપીસોડ સાથે સાક્ષર શ્રી બાબુ સુથારની આતમકથાનો પ્રથમ ભાગ પૂરો થાય છે. મારી વિનંતીને માન આપી, અન્ય પ્રલોભનોને જતાં કરી, બાબુભાઈએ આંગણાંમાં સતત ૯૨ અઠવાડિયા સુધી આત્મકથાના પ્રકરણો સમયસર મોકલ્યા એ બદલ હું અહીં ૠણ સ્વીકાર કરૂં છું. – પી. કે. દાવડા)

ફિલાડેલ્ફિયાથી પાલો આલ્ટો

હવે દીકરાને સારી નોકરી મળી ગઈ હતી. એટલે એની ચિન્તા ન હતી. હું પણ ટીપે ટીપે સરોવર ન ભરાય તો કાંઈ નહીં પણ એકાદ કપ તો ભરાય છે ને – એવા કોઈક સમાધાન સાથે જીવી રહ્યો હતો. રેખા એનું કામ કરતી હતી. સુઘોષ હવે અમારા કુટુંબનો એક સભ્ય બની ગયો હતો.

એ દરમિયાન રેખાને પણ અભ્યાસ કરવાનું મન થયું. મારી પણ ખૂબ ઇચ્છા હતી કે એ પણ મારી જેમ જ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લે. પણ, શરૂઆતનાં વરસોમાં તો એ શક્ય ન હતું. કેમ કે મારે મારું પીએચ.ડી. પૂરું કરવાનું હતું. વળી અમારે દીકરાને ભણાવવાનો હતો. અને બાકી હોય એમ એ વખતે અમારી પાસે ગ્રીન કાર્ડ પણ ન હતું. એથી અમને બન્નેને થતું કે જે કંઈ બચત છે એ જો અમે વાપરી નાખીશું અને જો અમારે પાછા ભારત જવાનું આવશે તો અમે શું કરીશું?

રેખા પણ કહેતી હતી કે એક વાર ગ્રીન કાર્ડ આવી જાય પછી હું ભણવા જઈશ. હવે ગ્રીન કાર્ડ આવી ગયું હતું. પણ હવે મારી નોકરી ચાલી ગઈ હતી. એટલે એણે પણ વિચાર્યું કે હવે આ તબક્કે જો હું ત્રણ વરસની કૉલેજ કરવા જઈશ તો એને કારણે અમારા જીવનમાં એક પ્રકારની અસલામતિ ઊભી થશે. એથી એને બદલે એણે મદદનીશ નર્સનો કોર્સ કરવાનું નક્કી કર્યું. કેમ કે એમાં નોકરી માટે બહુ સંઘર્ષ કરવો પડે એમ ન હતો. એ માટે એણે ફિલાડેલ્ફિયાની કૉમ્યુનીટી કૉલેજમાં એડમીશન લીધેલું. એ સોમથી શુક્ર કામ કરતી અને શનિ-રવિ ક્લાસમાં જતી. બે કે અઢી મહિનામાં એના ક્લાસિસ પૂરા થઈ ગયા. ક્લાસમાં એ પહેલા નંબરે આવેલી. પણ, જ્યારે લાયસન્સની પરિક્ષા આપી ત્યારે પ્રેકટીકલમાં પાસ થઈ અને થિયરીમાં નાપાસ. એટલે એ ફરી એક વાર થિયરીની પરીક્ષા આપવા માટે તૈયારી કરવા લાગેલી.

એક દિવસે અમે બેઠાં બેઠાં વાતો કરતાં હતાં ત્યારે રેખા કહે કે હું આમાં આટલો બધો સમય બગાડું છું એના કરતાં મારે રજીસ્ટર્ડ નર્સનો (આર.એન.) કોર્સ કરવો જોઈએ. હું પહેલાં મદદનીશ નર્સનું લાયસન્સ લઈ લઉં. પણ, એની સમાન્તરે રજીસ્ટર્ડ નર્સના કોર્સ પણ લઉં. મદદનીશ નર્સનું લાયસન્સ મલી જાય પછી હું સ્ટોરની નોકરી છોડી દઈશ. પછી મદદનીશ નર્સની નોકરી કરતી જઈશ અને રજીસ્ટર્ડ નર્સના કોર્સ ભણતી જઈશ. ભલેને બે ને બદલે ત્રણ કે ચાર વરસ થાય. આપણે ક્યાં ઉતાવળ છે?

અમે બધાં એને જે ભણવું હોય એ ભણવામાં મદદ કરવા તૈયાર હતાં. આખરે એક દિવસે એણે કૉમન્યુનીટી કૉલેજમાં જ રજીસ્ટર્ડ નર્સના કોર્સમાં પ્રવેશ માટે અરજી કરી. ત્યારે ફિલાડેલ્ફિયામાં કૉમ્યુનીટી કૉલેજનો એ કોર્સ ખૂબ વખણાતો. આજે તો ત્રણ વરસનું waiting list છે. એથી એમાં પ્રવેશ મેળવવાનું કામ જરા અઘરું હતું. પણ, સદ્‌નસીબે રેખાને કોઈ મુશ્કેલી ન પડી. એણે એક વરસ required courses કરવાના હતા જેમાં ગણિત, જીવવિજ્ઞાન અને અંગ્રેજીના કોર્સનો સમાવેશ થતો હતો. રેખાએ દરેક સેમેસ્ટરમાં બબ્બે કોર્સ લઈને એ બધા જ કોર્સ એક વરસમાં પૂરા કરવાનું નક્કી કરેલું. એ ઉનાળાના વેકેશનમાં પણ કોર્સ લેવાની હતી.

એ દરમિયાન સુઘોષને ખબર પડી કે મધુ રાય એમની કાર વેચવા માગે છે. સુઘોષ પાસે બે કારો હતી. પણ બેઉં જૂની. એને ત્રીજી કારની જરૂર ન હતી. પણ એણે મધુ રાયની એ કાર ખરીદી લીધી. પછી જરૂરી રીપેરીંગ કરાવીને એણે એ કાર રેખાને આપી. કહ્યું: તમે ફેરવો.  રેખા એ કાર લઈને નોકરી પર જતી. એને કારણે એને થોડો આત્મવિશ્વાસ પણ આવી ગયેલો. પછી તો કૉલેજ પણ કાર લઈને જ જતી.

સુઘોષ તો વારંવાર એક જ વાત કરતો હતો: “રેખાબહેને નોકરી છોડી દેવી જોઈએ અને ભણવા સિવાય બીજું કશું જ ન કરવું જોઈએ.” એ કહેતો કે ઘરની આર્થિક જવાબદારી હું અને હેતુ લઈ લઈશું. તમે ચિન્તા ન કરો. પણ અમે એ માટે તૈયાર ન હતાં. રેખાને તો આમેય કોઈના પર આધાર રાખવાનું ગમતું નથી. અમુક બાબતોમાં તો એ મારા કરતાં વધારે સ્વંતત્ર મિજાજી છે. એણે સુઘોષને કહી દીધું કે હું મારું કામ નહીં છોડું. હું સામે ચડીને કોઈના પર આધાર રાખવા માગતી નથી.

       જોતજોતામાં એનું પહેલું સેમેસ્ટર પૂરું થઈ ગયું. રેખા ગણિતમાં તો A+ લઈ આવેલી. પણ અંગ્રેજીમાં એને પુનરાવર્તન કરવાનું આવેલું. અહીં કેટલીક કૉલેજોમાં તમે પાસ થાઓ તો પણ તમને કહી શકે કે તમે બહુ ઓછા ગ્રેડથી પાસ થયા છો એટલે તમારે એ કોર્સ ફરીથી લેવો પડશે. રેખાને વાંધો ન હતો. અમને પણ. આમેય અંગ્રેજી ૧૦૧ કોર્સ ઘણો અઘરો હોય છે.

       હવે રેખાએ બીજા સેમેસ્ટરના કોર્સ લેવાનું પણ શરૂ કરી દીધેલું.

       એ દરમિયાન, મને પણ થયું કે મારે પણ કંઈક ભણવું જોઈએ. હું ક્યાં સુધી એચ.આર.ના ભરોસે રહીશ? એટલે મેં પણ કૉમ્યુનીટી કોલેજમાં Accountancyના બે વરસના કોર્સમાં પ્રવેશ લીધો. મને એમ કે accountancy કદાચ મને સારી નોકરી મેળવવામાં મદદ કરશે. અમેરિકામાં કેટલીક નોકરીઓમાં સિનિયર માણસો વધારે શોભતા હોય છે. Accountantની નોકરી એમાંની એક છે. એ કોર્સ કર્યા પછી ઘેર બેઠાં પણ કેટલીક પેઢીઓનું નામું લખવાનું કામ પણ કરી શકાય. મેં પીએચ.ડી. કરેલું હતું એટલે મારે અંગ્રેજીના કોર્સ લેવાની જરૂર ન હતી. ગણિતનો એક જ કોર્સ લઈ હું બીજા કોર્સ માટે placement test લેવાનો હતો. આ testમાં તમે સાબિત કરો કે તમને બીજા કોર્સમાં નક્કી કરેલા અભ્યાસક્રમ પ્રમાણે ગણિત આવડે છે તો એ કોર્સ તમારે લેવો ન પડે. એ રીતે હું આ બે વરસનો કોર્સ દોઢ વરસમાં જ પૂરો કરવાનો હતો.

       એ દરમિયાન સુઘોષની જીદ પણ વધારે આક્રમક બની ગઈ હતી. એ રોજે રોજ સવારસાંજ એક જ વાત કરતો: બસ, રેખાબેન નોકરી છોડી દે અને ભણે. એ આક્રમકતા હવે લગભગ ‘કકળાટ’ સુધી પહોંચી ગઈ હતી. એ માટે અનેક કારણો હતાં. સુઘોષ ઘણી વાર રેખાને કહેતો કે તમે જ મારાં બહેન છો. તમારા સિવાય મારું કોઈ નથી. વગેરે. જો કે, સુઘોષ જ્યારે પણ આવું કંઈક બોલતો ત્યારે હું રેખાને કહેતો કે એ નાટકીયો છે. એની દરેક વાતને તારે નાટકની એક ઊક્તિ તરીકે જોવી. સુઘોષ પોતે પણ ઘણી વાર એવું કહેતો કે એ તો rhetoricનો માણસ છે. “મારું સત્ય મારી વાક્પટુતા.”

સુઘોષે ઘણા લોકોને સેટ થવામાં મદદ કરી છે. કેટલીક મદદની તો વાત પણ કરાય એમ નથી. આમાં એ કદાચ એના બાપુજી હરિકૃષ્ણદાદાને અનુસરતો હતો. હરિકૃષ્ણ દાદા પણ ઘણા લોકોને મદદ કરતા પણ એ ગાંઠનું ભાગ્યે જ ખર્ચતા. આમેય એમની કોઈ મોટી આવક તો હતી નહીં. જે હતી તે પેન્શનની અને કેલિફોર્નિયા રાજ્યના સામાજિક કલ્યાણની. પણ એમની મદદ કરવાની પદ્ધતિ જરા જુદા પ્રકારની હતી. જો કોઈને મદદની જરૂર હોય તો દાદા પોતે જેને મદદ કરી હોય એને કહેતા કે તું બદલામાં આને મદદ કર. દાદા પર એમના દાદાનો પ્રભાવ હતો. એક વાર એમણે મને કહેલું કે એમના દાદાએ એમને કહ્યું છે કે બીજાને મદદ કરવા તારે ભીખ માગવી પડે તો માગવાની. એ એમ કરતા પણ ખરા. સુઘોષ એ પણ એ જ પરંપરાનો જીવ. અમે છેલ્લાં ચારેક વરસથી કેલિફોર્નિયામાં છીએ. એ દરમિયાન પણ સુઘોષે એકબે કુટુંબોને સેટ થવામાં મદદ કરી છે.

આખરે રેખાને પણ થયું કે ચાલો. વધારે નહીં તો મારા required કોર્સ પૂરા થઈ જાય ત્યાં સુધી હું કામ પર ન જાઉં. અમારી પાસે થોડી બચત તો હતી જ. વળી હેતુ પણ કામ કરતો હતો. અને મારી આવક પણ આવતી હતી. એટલે રેખાએ નોકરી છોડી દીધી. હવે એ ભણવા સિવાય બીજું કોઈજ કામ કરવાની ન હતી.

       એ દરમિયાન, બીજી એક ઘટના બની. કદાચ એ માટે પણ સુઘોષ જ જવાબદાર હશે.

સુઘોષનાં માબાપ, મેં આગળ નોંધ્યું છે એમ, કેલિફોર્નિયાના પાલ્ટો આલ્ટોમાં રહેતાં હતાં. પાલો આલ્ટો એટલે એપલ, ફેઈસબુક, ગૂગલ વગેરેના સીઈઓનું શહેર. વિશ્વ વિખ્યાત સ્ટેનફર્ડ યુનિવર્સિટી પણ અહીં જ. સુઘોષનાં માબાપ અહીં સુઘોષનાં બહેનબનેવી, માત્રાબેન અને રાજેશભાઈની સાથે, રહેતાં હતાં. એમનું ઘર પાલો આલ્ટોના પોશ વિસ્તારમાં. પાંચ છ ગલી આ બાજુ જાઓ તો ગૂગલવાળા, પાંચ છ ગલી બીજી બાજુ જાઓ તો એપલવાળા ને પાંચ છ ગલી ત્રીજી બાજુ જાઓ તો ફેઈસબુકવાળા. સ્ટેનફર્ડ યુનિવર્સિટી પણ ત્યાંથી ચાલતાં જવાય. એ ઘર પણ વિશાળ બગીચામાં.

એક દિવસે રાજેશભાઈનો અમારા પર ફોન આવ્યો. કહે: અમારે સુઘોષનાં માતાપિતાની કાળજી રાખવા માટે એક દંપતી જોઈએ છે. જો તમે બન્ને ફિલાડેલ્ફિયાથી કેલિફોર્નિયા આવવા તૈયાર હો તો આપણે એ વિશે વિચારીએ. મેં આગળ કહ્યું છે એમ રેખા અને પ્રેમલતાબેન વચ્ચે ઘણી માયા બંધાઈ ગયેલી હતી. રેખા મુઝવણમાં મૂકાઈ ગઈ. હું પણ. કેમ કે રેખાને ભણવું હતું. જો અમે પાલો આલ્ટો જઈએ તો એણે ભણવાનું છોડી દેવું પડે. હું પણ બે કારણથી મુઝાયેલો હતો. એક તે મારી ટીવી એશિયાની નોકરી હતી. મને હજી આશા હતી કે એક દિવસે એચ.આર. છાપું કાઢશે અને મને ફૂલ ટાઈમ નોકરી આપશે. બીજું તે મારું accountancyનું ભણતર. હું દોઢેક વરસમાં જ એ ભણતર પૂરું કરી શકું એમ હતો. મારે એ તક જતી કરવી ન હતી.

તો પણ અમે એક બે દિવસ વિચાર કરવા માટે માગ્યા. રાજેશભાઈએ કહેલું કે અમારે દંપતી જ જોઈએ. કેવળ રેખાબહેન નહી કે કેવળ બાબુભાઈ નહીં. એમની એ ફિલસૂફી મને ગમી ગયેલી. એ જ દિવસે સાંજે એમણે અમને બધી વીગતો પણ મોકલી આપી. એ પ્રમાણે અમારે ત્યાં એમની સાથે જ રહેવાનું હતું. પગાર પણ સારો હતો. હું મારો પગાર વાપરું તો પણ અમે વરસે દહાડે સાઈઠેક હજાર ડૉલર બચાવી શકીએ એમ હતાં. એ રકમ અમારા માટે નાની ન હતી. રેખા કહે કે આપણે એક કામ કરીએ. બે વરસ માટે જઈ આવીએ. બે વરસની કમાણીથી જ આપણે ઘરની લોન ભરી શકીશું. પછી કોઈ ચિન્તા જ નહીં કરવાની. અમેરિકામાં ઘર અને ગાડીની લોન ભરવાની ન હોય તો કોઈ પણ માણસ સરળતાથી અને મોજથી જીવી શકે. એટલું જ નહીં, રાજેશભાઈએ એમ પણ લખેલું કે તમે કોઈ વધારાનું કામ કરો અને જો તમને એમાંથી કોઈ આવક થાય એ તમારી. મારે હરિકૃષ્ણદાદાને સાથ આપવાનો હતો; રેખાએ પ્રેમલતાબેનને. તદ્ઉપરાંત, મારે ગુજરાતી સ્પેલ ચેકર પર પણ કામ કરવાનું હતું. એટલે મારો પગાર ત્રણ ઠેકાણેથી આવવાનો હતો: એક તે ટીવી એશિયામાંથી; બીજો હરિકૃષ્ણદાદાના સાઉથ એશિયા ફાઉન્ડેશનમાંથી અને ત્રીજું તે સ્પેલ ચેકરની કામગીરીમાંથી.

 આખરે અમે રાજેશભાઈ સાથે સંમત થયાં અને અમે બન્નેએ પાલો આલ્ટો જવાનું નક્કી કર્યું. રેખાનું ભણતર ત્યાં અટક્યું. મારું ભણતર શરૂ ન થયું. એ દરમિયાન પ્રેમલતાબેન એકાએક બિમાર પડ્યાં. રાજેશભાઈનો ફોન આવ્યો કે પહેલાં રેખાબેનને મોકલો. એમને એક મહિનાનો અનુભવ લેવા દો. જો એમને ફાવે તો જ તમે અહીં આવો. મને પણ એમની વાત સાચી લાગેલી.

રેખા પહેલી જાન્યુઆરી, ૨૦૧૬થી કામ શરૂ કરી શકાય એ રીતે પાલો આલ્ટો ગઈ. એ ત્યાં હતી એ દરમિયાન પ્રેમલતાબેનની તબિયત વધારે બગડી અને અમે ધાર્યું ન હતું એવું થયું. પ્રેમલતાબેનનું અવસાન થયું. એ વખતે રેખા એમની સાથે હતી. રેખાને એક મહિનો થઈ ગયો પછી એણે મને કહ્યું કે મને બહુ ફાવતું નથી પણ આપણે બે વરસ કાઢી નાખીએ. એને ઘર યાદ આવતું હતું. બીજું, હેતુ પણ યાદ આવતો હતો. અને ત્રીજું, એણે આ રીતે કોઈના ઘેર રહીને આ પૂર્વે કદી કામ કર્યું ન હતું. એણે મને કહ્યું કે તું આવી જા પણ તને ફાવશે કે કેમ એ એક પ્રશ્ન છે. એણે ઉમેરેલું: આપણે ઘણો સંઘર્ષ કર્યો છે. તો આ વધુ એક સંઘર્ષ.

મેં એચ.આર.ને વાત કરી. કહ્યું કે હું અહીં રહીને જે કામ કરું છું એ જ કામ હું પાલો આલ્ટોમાં રહીને પણ કરી શકીશ. જો તમે મને મદદ કરો તો મારી આવક પણ વધે અને અમે પતિ-પત્ની સાથે રહી શકીએ. એ વખતે એચ.આરે. ફરી એક વાર મને કહ્યું કે તમે અહીં જ રહી જાઓ. હું તમને ફૂલ ટાઈમ રાખવા તૈયાર છું. એમણે વરસે ચાલીસ હજાર ડૉલરની ઓફર પણ કરી. પણ, કોણ જાણે કેમ હું એચ.આર. પર વિશ્વાસ મૂકવા તૈયાર ન હતો. મેં એમની એ ઓફરનો અસ્વીકાર કર્યો.

જો કે, એચ.આરે. મને બધી વ્યવસ્થા કરી આપી. એમણે મને કહ્યું કે ભલે તમે જાઓ. પાછા આવો ત્યારે તમારે અહીં જ કામ કરવા આવવાનું છે. એમણે હું પાલો આલ્ટોમાં બેઠો બેઠો એમનું કામ કરું એવી વ્યવસ્થા પણ ગોઠવી આપી.

આખરે હું પણ પાલો આલ્ટોમાં, અર્થાત્ બે એરિયામાં, અર્થાત્ સિલિકોન વેલીમાં, કામ કરવા માટે આવ્યો.

***

હું ૨૦૧૬થી બે એરિયામાં છું. અત્યાર સુધીમાં હરિકૃષ્ણદાદાની કાળજી લીધી. થોડોક વખત મહેન્દ્ર મહેતાની કાળજી લીધી અને ૨૦૧૮થી અમે બન્ને આલ્ઝાઈમેરથી પીડાતાં એક માજીની કાળજી લઈ રહ્યાં છીએ. આ ચાર વરસ દરમિયાન અમને જે અનુભવ થયા છે એ વિશે જો વીગતે વાત કરવા બેસું તો મારી આત્મકથાનો મારે એક અલગ જ ભાગ કરવો પડે. એવું આયોજન પણ મેં કરી રાખ્યું છે. પણ, એ માટે આ આત્મકથા એક પુસ્તક રૂપે પ્રગટ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. પણ, એના થોડાક અંશો નોંધવા જેવા ખરા: હરિકૃષ્ણ દાદાનું અવસાન થયું. પછી અમે મહેન્દ્રભાઈની કાળજી લીધી. પણ, થોડો વખત પૂરતા. જો કે, એનો પણ એક ઇતિહાસ છે. પછી તો મહેન્દ્રભાઈનું પણ અવસાન થયું. પછી અમે ફ્રિમોન્તમાં આવ્યાં. એ પણ મેં આગળ નોંધ્યું છે એમ એક માજીની કાળજી લેવા. ત્યારે એ ૯૪ વરસનાં હતાં. ઘેર હોસપીસ કેરમાં હતાં. અમારી કાળજીને પગલે એમને થોડા વખતમાં જ હોસપીસ કેરમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં. એ દરમિયાન ટીવી એશિયાનું કામ અનિયમિત બનવા લાગ્યું. એક તબક્કે તો એ કામ સંપૂર્ણપણે બંધ થઈ ગયું. જો કે, એચ.આર. દર પંદર દિવસે મને પગાર મોકલ્યા કરતા હતા. એ દરમિયાન, એચ.આરે. ગુજરાતમાંથી પ્રગટ થતા એક સમાચાર પત્રમાં ભાગીદારી કરી. એમણે મને કહ્યું કે હવે મારે એ સમાચાર પત્ર માટે કામ કરવું પડશે. હું કાગને ડોળે એ કામની રાહ જોતો રહ્યો. થોડા વખત પછી એચ.આરે. પગાર મોકલવાનું પણ બંધ કર્યું. દેખીતી રીતે એ મને કોઈ કામ સોંપતા ન હતા એટલે મને પગાર લેવાનો પણ કોઈ અધિકાર ન હતો. પણ, હું હવે ટી.વી. એશિયામાં કામ કરતો નથી એ વાતની ખબર મને એચ.આરે. કે ટી.વી. એશિયાએ ન હતી આપી. એ ખબર મને અમદાવાદમાં રહેતા મારા એક જૂના પત્રકાર મિત્રએ આપેલી. જો કે, મને એનાથી કોઈ આશ્ચર્ય ન હતું થયું. એચ.આર.ની આ શૈલીની મને ખબર હતી. પણ એમણે મને જે સહકાર આપ્યો એ હું કદી પણ ભૂલીશ નહીં.

આ ચારેક વરસમાં અમે બન્નેએ ઘણું જોયું, ઘણું અનુભવ્યું. જે અમારાં ન હતાં એમને અમે અમારાં બનાવ્યાં. એમનાં મરણનાં અમે કેવળ સાક્ષી જ નહીં, અમે એમાં સહભાગી પણ બન્યાં. અમે અમારા દર્દીઓ પાસેથી બીજે ક્યાંયથી ન શીખવા મળે એવા માનવતાના પાઠ શીખ્યા. દાદા પાસેથી હું બીજું તો ઠીક પણ વૃદ્ધ બનવાની કળા શીખ્યો. મહેન્દ્રભાઈ પાસેથી પણ મરણની સામે લડવાની કળા શીખ્યો. મારાં આલ્ઝેઈમેરનાં દરદી પાસેથી હું અઢળક શીખી રહ્યો છું. અમે બન્નેએ નક્કી કર્યું છે કે અમે ઈશ્વરને પણ એ વાતની ખાતરી કરાવીશું કે તું જેને ભૂલી ગયો છે એની અમે કાળજી રાખી રહ્યાં છીએ.

 આ માનવતાના પાઠ અમને કોઈ યુનિવર્સિટીઓમાં શીખવા ન મળત.

4 thoughts on “મને હજી યાદ છે -૯૨ (અંતીમ)

  1. આ કદાચ ભાગ એકનું અંતિમ પ્રકરણ છે, પણ એના પરથી જ પરદેશમાં રહી સંઘર્ષ સાથે એકબીજાને મદદરૂપ થતાં કેમ આગળ વધાય એ નોંધ્યું.

    Like

  2. ડો બાબુ સુથાર ગુજરાતી ભાષાનું એક વીરલ વ્યક્તિત્વ છે. વીરલ એટલા માટે કે એમનામાં સાહિત્ય, ભાષાવિજ્ઞાન, અને પત્રકાર-સંપાદન, એમ ભાષાનાં અનેકવિધ પાસાંઓનો સંગમ છે અને એ દરેક પહેલુ ઉપર એમનું પ્રભુત્વ, એમને એક અગ્રણી ભાષાવિદનું સ્થાન આપે એવું છે. તેઓની ભાષાવિજ્ઞાન અને ગુજરાતી ભાષા સંદર્ભે કરેલ વાતો માણવા જેવી હોય છે ,
    આજના લેખ અંગે …
    ‘સુઘોષ પોતે પણ ઘણી વાર એવું કહેતો કે એ તો rhetoricનો માણસ છે. ‘ યાદ આવે આપણા ઘણાખરા કવિઓની પણ દર્શન કાવ્યની રચના દરમિયાન સિદ્ધ થતું આવે છે કે એની પાસે પહેલેથી હોય જ છે? એઓ સ્વીકારે છે ખરા કે વર્ણન પૂરું થયા પહેલાં દર્શન શું હતું તે ચોક્કસપણે કહી શકાય નહીં, એનું આન્તરરૂપ ને બાહ્ય આકાર એવા આથી ભેદ પાડવાના રહે છે.એઓ ‘સ્વરૂપાનુસંધાન’ને ‘કાવ્યાસ્વાદનું’ પરિણામ લેખે છે. આ અર્થમાં આચાર્યોએ કાવ્યાનન્દને ‘બ્રહ્માસ્વાદ’ જેવા તરીકે ઓળખાવ્યો તેનું એઓ સમર્થન કરે છે. આ સ્વરૂપાનુસંધાનની મદદથી નીતિનો મુદ્દો એક rhetorical પ્રશ્ન પૂછીને એઓ સમેટી લે છે. ‘સ્વરૂપાનુસંધાન…. શક્ય બનાવતી કાવ્યકળા એકંદરે નીતિવિરોધી શી રીતે હોઈ શકે? સુન્દર રૂપે જે સત્ય પ્રગટતું હોય તે શિવ – કલ્યાણકારક ન હોય એમ શી રીતે બને?’
    સેન હોજે કેલિફોર્નિયા બે એરીયાના પાલો આલ્‍ટો ઉપનગરમાં અમે રહેલા તે દિવસો યાદ આવ્યા! ‘ ‘અમારી કાળજીને પગલે એમને થોડા વખતમાં જ હોસપીસ કેરમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં’જાણી આશ્ચર્યાનંદ ! અમારા અનુભવોમા હોસપીસમાંથી મુક્ત થતા કોઇને જોયા નથી! માનવતાના પાઠ અંગે વધુ લેખોની રાહ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s