”હાય, ગુડ મોર્નિંગ!” રોજ સવારે અમે બસ સ્ટોપ પર મળીએ અને આ અમારો રોજનો ઔપચારિક સંવાદ. હું ઘણા વર્ષોથી એજ માર્ગે પ્રવાસ કરું એટલે મારા સહ પ્રવાસી મિત્રો અને સખીઓ બદલાતા રહે. પણ આ જ બસ સ્ટોપ ને લીધે મને ઘણી સારી સખીઓ મળી અને એક બે સારા મિત્રો પણ.
મંગળાબેન એટલે આવી રીતેજ મારા ઔપચારિક સખી વૃંદમાં જોડાયેલી એક સ્ત્રી. આમ તો મને એ પહેરવેશ અને દેખાવ પરથી મારાથી ઘણા મોટા લાગ્યા, પણ એમના મળતાવડા સ્વભાવને વશ થઇને હું પણ મારું અતડાપણું છોડીને ક્યારથી રોજ સવારે એમની સાથે ગપ્પા હાંકવા માંડી તેની મને કે એમને ખબરજ નાં રહી. આમ તો અમારો રોજ નો પાંચ કે વધુ માં વધુ ૧૦ મીનીટ નો સાથ, અને એમાં પણ મુખ્ય તો પોતાની બસ ગઈ કે આવવાની છે એ વિષેની તપાસ કરવાનોજ મૂળ હેતુ. ધીમે ધીમે મને ખબર પડી કે એ તો મારા ઘરની નજીકનાં બિલ્ડીંગમાં જ રહે છે. એટલે પછી અમે એકજ રીક્ષામાં કોઈક વાર સાથે જવાનું શરુ કર્યું.
મને મંગળાબેન તેમના આમ તો બહુ સાદા, ખરેખર તો થોડા “ગામડિયા” લાગતાં, પણ મને પોતાને ટાપટીપનો બહુ શોખ હોવાને લીધે એક વસ્તુ મારા ધ્યાન બહાર ન રહી, અને એ એટલે એમના મંગળસૂત્ર માં રોજ ઝૂલતા નવા નવા આકર્ષક પેન્ડન્ટ, અને એની સાથે કાનમાંની મેચિંગ બુટ્ટી. હું એમના આ શોખ પ્રત્યે આકર્ષિત થઇ અને ખુલ્લા દિલે તેમના વખાણ પણ કરતી.
ધીમે ધીમે વાતો થોડી વધુ અંગત જીવન પ્રત્યે વળવા માંડી અને વાતમાં ને વાતમાં મને ખબર પડી કે એમનો એકનો એક છોકરો અમેરિકામાં નોકરી કરે છે અને અહિયાં એ એમના રીટાયર પતિ સાથે રહે છે.
રોજ સવારે અમે બધા મળીએ એટલે કામ વિષે, રજાઓ વિષે, ક્યાંક ફરવા જવા વિષે એવી અનેક વિષયો પર અમારી ચર્ચાઓ થતી રહેતી. હું પોતે મારા વ્યવસાયમાં ઘણીજ ઓતપ્રોત હોવાને લીધે ક્યારેક બહુ કામનાં દિવસો દરમ્યાન રજા આવી જાય તો મને વ્યત્યય જેવું વધુ લાગતું અને જરા અકળામણ થઇ જતી. પણ આવે વખતે મને મંગળાબેન પર હમેશા થોડુ હસવું આવતું કેમકે જયારે કોઈક દિવસ એમની બસ ન આવે કે બીજા દિવસે રજા હોય કે કોઈક વાર “મુંબઈ બંધ”, “રીક્ષા હડતાલ “ કે “બસ હડતાલ “ ની ઘોષણા થાય ત્યારે એ એટલા બધા ખુશ થઇ જતા કે મને મન માં તો અચૂક એમ થાયજ કે આ બેન તો કેવળ સમય પસાર કરવાજ ઓફિસે જતા હશે અને અલબત્ત ત્યાં પણ કોઈ મોટી જવાબદારીનું કામ નક્કી જ નહીં કરતા હોય. મોટા ભાગના “બૈરાઓ “ એટલે આવા જ હોય. ઘરે કહે કે ઓફીસમાં કામ છે અને ઓફીસમાં જઈને ઓછામાં ઓછું કામ કરીને જલ્દીમાં જલ્દી પાછા ઘર ભેગા! મંગળાબેન પણ એમાના જ એક છે એમાં મને કઈ શંકા નહતી.
એક દિવસ આમ જ અમે સવારની પાંચ મીનીટ નાં ગપ્પા મારતા બસ ની વાટ જોતા ઉભા હતા, ત્યારે મેં મારે ત્યાં રોજ સવારે કામ કરવા આવનારી રસોઈયણ બાઈની અનિયમિતતા વિષે ઉભરો ઠાલવ્યો. મંગળાબેન મને હસીને કહે, “એમાં ચિંતા શું કામ કરો છો ? આ લો મારુ વિઝીટીંગ કાર્ડ, તમે મને કહેશો તો તરત ઘરે ખાવાનું પહોંચતું કરી દઈશ.” હું કેવળ આશ્ચર્યથી મોટી મોટી આંખો કરીને એમની સામે જોઈ રહી.
“અરે, એ તો હું છેલ્લા કેટલાક વર્ષોથી કેટરિંગ નો નાનો બિઝનેસ કરું છું.” મારી નજરમાં થી ડોકાઈ રહેલા અતિશય બોલકા પ્રશ્ન નો તેમણે હસીને જરા સંકોચથી જવાબ આપ્યો. “ઘરની બાજુમાંજ એક જગ્યા લીધી છે અને ત્યાં પંદર માણસો રાખ્યા છે. શું કરવાનું, બેઠા બેઠા ટાઈમ પાસ કરવો અને ગામની પંચાત કરવી તેના કરતા આ શું ખોટું છે? અમે આજુબાજુના એકલા રહેતા વૃદ્ધ યુગલોને અત્યંત માફક દરે સવાર સાંજ ખાવાનું પહોચાડીએ છીએ, અને પાર્ટી અને લગ્ન સમારંભમાં પણ અવનવી વાનગીઓ બનાવીને મોકલીએ છીએ. તમને ક્યારેક પણ જરૂર હોય તો નક્કી મને કહેજો હં ! હું તમને એક ટીફીન ચાખવા માટે મોકલી આપીશ. જુઓ તો ખરા તમને ભાવે છે કે નહિ તે…” બોલતા બોલતા તેમની બસ આવી અને મને આવજો કહેતા તે બસમાં ચડી ગયા.
કેવળ ઉપરછલ્લા દેખાવને આધારે મેં તેમના વિષે બાંધેલા અભિપ્રાય વિષે હું એ આખો દિવસ વિચાર કરતી રહી. આ સાવ ગામડિયા જેવા દેખાતા બેન મારા જેવી “કરીઅર ઓરીએન્ટેડ” અને “ફેશનેબલ” અનેક મહિલાઓ કરતા તો નક્કીજ વધુ કામ કરતા હતા અને વધુ સ્માર્ટ પણ હતા! એક આખા દિવસની નોકરી સાથે એક આખો વ્યવસાય! અને આટલી મોટી જવાબદારી એમણે કેટલી સહજતાથી ઉપાડી હતી ! અને એ પણ કેવળ શોખ ખાતર! મારો તેમના વિશેનો મત તેમના પ્રત્યેના માનમાં બદલાઈ ગયો.
એ પછી થોડા દિવસોમાં મંગળાબેન અચાનક બસ સ્ટોપ પર દેખાતા બંધ થઇ ગયા. તપાસ કરતા ખબર પડી કે તેમની કંપની બંધ થઇ ગઈ છે અને બધા કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે. પણ મને ખાતરી હતી કે જે ઘટના મંગળા બેનના સહકર્મચારીઓને અતિશય મુસીબતકારક લાગી હશે એજ ઘટનાને મંગળાબેન એમનો વ્યવસાય આગળ વધારવા માટેની એક સુવર્ણ તકમાં નક્કી જ બદલી નાખશે. અને ખરેખર એમજ થયું. મંગળાબેન બીજા કોઈ નકારાત્મક વિચારો ન કરતા પોતાના વ્યવસાયમાં ગળાડૂબ વ્યસ્ત થઇ ગયા.
એક દિવસ અમે બસ સ્ટોપની સખીઓ મંગળાબેનને અને તેમનાં રોજની સાડી સાથેનાં મેચિંગ મંગળસૂત્રનાં પેન્ડન્ટ ને યાદ કરતી, વાતો કરતી ઉભી હતી, ત્યારે મને એમાંની એક જણીએ ધીમેથી કહ્યું, “તમને ખબર નહિ હોય અને બીજા પણ કોઈને ખબર નથી, પણ ખરેખર તો આ મંગળાબેન એકલાજ રહે છે. તેમના પતિનો તો આજથી એક વર્ષ પહેલાજ દેહાંત થઇ ગયો છે. પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે એમણે કેટરિંગ નું કામ વધારી દીધું છે.” મારા આશ્ચર્ય ની અવધિ ન રહી.
“ અને મંગળસૂત્ર?” સપૂર્ણ મહારાષ્ટ્ર માં કેવળ સૌભાગ્યનાં પ્રતિક તરીકે પહેરાતા આ ઘરેણાં વિષેનો મારો પ્રશ્ન સ્વાભાવિક જ હતો.
“ ઓહ, એ તો બહારના લોકો હજાર પ્રશ્નો પૂછીને સતાવે નહિ ને એટલા માટે… “
મંગળાબેનને ઠેકાણે બીજી કોઈ પણ સ્ત્રી હોત તો પતિ નાં દેહાંત પછી પોતાના દીકરાને ગમે તેમ કરી ને પોતાની પાસે બોલાવી લીધો હોત, કાંતો પોતે એની પાસે જતી રહી હોત. કઈ પણ સકારાત્મક કામ કરવાનો વિચાર તો મોટા ભાગની સ્ત્રીઓનાં મનને પણ સ્પર્શ્યો ન હોત. પણ આ ઉમરે કેવળ પોતાની આર્થિક નિર્ભરતા માટેજ નહિ પણ એક વ્યસ્ત કારકિર્દી ઉભી કરવા માટે એ કેટલા રસથી પોતાનું કામ કરી રહ્યા હતા! એમના જીવનમાં આવી પડેલી એકલતા વિષે વિચારો કરીને રોદણા રડવાનો, દુખી રહેવાનો અને કોઈની પણ દયા ને પાત્ર બનવાનો મોકો પણ એમણે પોતાની જાતને આપ્યો નહતો. એટલુંજ નહિ પણ બીજાઓ પણ પોતાના વિષે કોઈ નકારાત્મક વિચાર ન કરે એની પણ એમણે ભલે પોતાની રીતેજ કેમ ન હોય પણ દરકાર તો જરૂર લીધેલી.
અને મંગળાબેન ના મંગળસૂત્રમાં ના ચમકતા પેન્ડન્ટની યાદથી મારી આંખોમાં અને મારા મનમાં પણ – થોડો વધુ પ્રકાશ છવાઈ ગયો!!
ભીડમાં એકલા પડી જવાની લાચારી પ્રતિક્ષણ થતી રહે છે.ત્યારે ધન્ય મંગળાબેનને જીવનમાં આવી પડેલી એકલતા વિષે વિચારો કરીને રોદણા રડવાનો, દુખી રહેવાનો અને કોઈની પણ દયા ને પાત્ર બનવાનો મોકો પણ એમણે પોતાની જાતને આપ્યો નહતો. એટલુંજ નહિ પણ બીજાઓ પણ પોતાના વિષે કોઈ નકારાત્મક વિચાર ન કરે એની પણ એમણે ભલે પોતાની રીતેજ કેમ ન હોય પણ દરકાર તો જરૂર લીધેલી..
.પ્રેરણાદાયી વાત
રોદણાં રડવાને બદલે રચનાત્મક અને સાથે સામાજીક કામ કરનાર મંગળાબેનની વાર્તાદ્વારા એક સરસ સંદેશો આપ્યો છે.
LikeLike
ભીડમાં એકલા પડી જવાની લાચારી પ્રતિક્ષણ થતી રહે છે.ત્યારે ધન્ય મંગળાબેનને જીવનમાં આવી પડેલી એકલતા વિષે વિચારો કરીને રોદણા રડવાનો, દુખી રહેવાનો અને કોઈની પણ દયા ને પાત્ર બનવાનો મોકો પણ એમણે પોતાની જાતને આપ્યો નહતો. એટલુંજ નહિ પણ બીજાઓ પણ પોતાના વિષે કોઈ નકારાત્મક વિચાર ન કરે એની પણ એમણે ભલે પોતાની રીતેજ કેમ ન હોય પણ દરકાર તો જરૂર લીધેલી..
.પ્રેરણાદાયી વાત
LikeLike
પ્રત્યેક જીવ પોતાની એક કહાની સાથે ફરે છે. અને સરસ નાની કહાની માં સંજોવું તે પણ એક કળા છે.
LikeLiked by 1 person
મંગળસૂત્રનો આધાર લઈ મંગલમય જીવન જીવનારા મંગળાબેન ખરેખર જ મંગલમય લાગ્યા. તેની ખુમારીને નમસ્કાર ! ઇંદિરા અનૂપ ભાયાણી
LikeLike
મંગળ અમંગળ થી પર છે એની દુનિયા જે રહે છે ગળા ડુબ પોતાની મંગળાવૃતિ માં !
દરેક વ્યક્તિ નો આગવો હોયછે અવાજ, જો સાંભળવા ની રાખીએ આપણે દરકાર !!
LikeLike
Very inspiring small story- motivating to many ladies or gents- to keep them self busy instead of getting depressed and dependent.
LikeLike