જાણું છું – (શયદા) મે 26, 2019ગઝલ, શયદાlilochhamtahuko હું મૌન રહીને એક અનાહદ નાદ ગજાવી જાણું છું, ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું. મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું, બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું. હું ફુલ ખીલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું, ત્યાં કાળે કહ્યું ગર્વ ન કર, હું ભસ્મ બનાવી જાણું છું. કોઈ ધરમ નથી કોઈ કરમ નથી, કોઈ ગ્નાન નથી કોઈ અગ્નાન નથી તું બુધ્ધિ છોડી બેસ તો હું સહું ભેદ બતાવી જાણું છું. અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહી આવે, હું એમ તો મારા અનુભવમાં ઈશ્વરને લાવી જાણું છું. હું બોલો બોલી પાળુ છું, તુ બોલો બોલી બદલે છે, તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું. તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે, તુ આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું. ઓ પ્રેમ રમતના રમનારા, તું પ્રેમ રમતને શું સમજે, તુ આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું. આભાર ભરેલા મસ્તકને ઉચકવું શાયદા સહેલ નથી, હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઊઠાવી જાણું છું. – શયદા. ShareEmailLike this:Like Loading...
સર્વાંગ સુંદર ગઝલ
ભાષાની સરળતા,
ભાવોની કોમળતા
અને
વિચારોની ગહનતા
ધન્યવાદ
LikeLike