મને હજી યાદ છે – ૮૫ (બાબુ સુથાર)


નોકરીની શોધ: ૩

હવે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા તરફથી મળતો પગાર સત્તાવર રીતે બંધ થવાનો હતો. મને એમ કે એ પગાર બંધ થાય ત્યાં સુધીમાં ક્યાંક તો કામ મળી જશે. પણ, એવું ન બન્યું. એટલે મારે બેકારી ભથ્થા માટે અરજી કરવાની હતી. કોણ જાણે કેમ હું માનસિક રીતે જરા પણ તૈયાર ન હતો. મને એવું લાગતું હતું કે હું એ ભથ્થું લઈને સરકારના પૈસા પર જીવીશ. મારા બેચાર મિત્રોએ મને સમજાવ્યું કે ના, એવું નથી. તમે જ્યારે નોકરી કરતા હો ત્યારે તમે બેકારી ભથ્થાના વીમાનું પ્રમિયમ ભરતા હો છો. સરકાર તમારા પર ઉપકાર નથી કરતી. સાચું જૂઠું રામ જાણે. પણ હું માનસિક રીતે એ માટે તૈયાર થઈ ગયો.

એ માટે મારે on line ફોર્મ ભરવાનું હતું. મેં એ કામ પણ કરી નાખ્યું. એમાં મારે દર પંદર દિવસે હજી હું બેકાર છું એવી જાણ સરકારને કરવાની હતી. ૨૦૦૮માં અમેરિકામાં નાણાંતંત્રમાં કટોકટી આવી ત્યારે અમેરિકન સરકારે બેકારી ભથ્થા માટેનો સમયગાળો વધારેલો. ત્યારે રાજ્ય સરકાર ૨૬ અઠવાડિયાં બેકારી ભથ્થું આપતી. ફેડરલ સરકારે એમાં બીજાં ૫૩ અઠવાડિયાં ઉમેરેલાં. એ કટોકકી વખતે ઘણા લોકો ઘર ખુલ્લાં મૂકી, એરપોર્ટ પર પાર્કીંગમાં કાર મૂકીને પોતાના દેશ પાછા ભાગી ગયેલા. સદ્‌નસીબે, હું એ કટોકટીના સમય દરમિયાન બચી ગયેલો. પણ એની after effectમાં હું ન બચી શક્યો. અને એમાં હું એકલો તો ન હતો જ. અનેક યુનિવર્સિટીઓએ શૈક્ષણિક સ્ટાફ પર કાપ મૂકેલો. જ્યારે પણ યુનિવર્સિટીઓને આપત્તિ પડે ત્યારે એ લોકો, મેં આ પહેલાં કોઈક પ્રકરણમાં કહ્યું છે એમ, ભાષા પર કાપ મૂકે. પછી સમાજશાસ્ત્રો પર અને છેલ્લે સૈદ્ધાન્તિક ગણિત કે સૈદ્ધાન્તિક વિજ્ઞાન પર. જો કે, હું જ્યારે બેકાર બન્યો ત્યારે ફેડરલ સરકારે બેકારી ભથ્થાનો સમયગાળો ઘટાડીને છ મહિના કરી નાખેલો. કેમ કે નાણાંતંત્રની કટોકટી હવે ઘણે અંશે હળવી થઈ ગઈ હતી.

       બેકારી ભથ્થાનો દાવો કર્યા પછી મારે ફરજિયાત ફિલાડેલ્ફિયામાં આવેલી રોજગાર કચેરીમાં નામ નોંધાવવાનું હતું. એ કચેરીનું સત્તાવાર નામ મને અત્યારે યાદ આવતું નથી. પણ હું ત્યાં ગયો ત્યારે મારા જેવા કંઈ કેટલાય લોકો એમનાં નામ નોંધાવા આવેલા હતા. એમને જોઈને મને થયેલું કે આવી આપત્તિમાંથી પસાર થનારાઓમાં હું એકલો નથી. એ લોકોમાં કેટલાક હાઈસ્કુલના શિક્ષકો પણ હતા. કેટલાક પ્રાથમિક શાળાના શિક્ષકો પણ હતા. કેટલાક કોઈક કંપનીઓમાં કામ કરતા હતા. બધા એકબીજાને ‘હલો’ કરી એકબીજાની પરિસ્થિતિ અંગે પૂછતા હતા. આમ તો અમેરિકનો ખૂબ અતડા. પોતાનું દુ:ખ ભાગ્યે જ બીજાને કહે. પણ જ્યારે સમદુ:ખિયા મળે ત્યારે આ જ પ્રજા પાછી જાણ્યેઅજાણ્યે privacyની સીમાઓ વિસ્તારી નાખે. એ દિવસે મને નહીં નહીં તો પાંચેક જણે પૂછ્યું હશે.

       રોજગાર કચેરીમાં ફોર્મ ભરવાની પ્રાથમિક વિધિ કર્યા પછી અમને બધાંને એક કૉન્ફરન્સ રૂમમાં લઈ જવામાં આવેલાં. જેમ મોટા ભાગના કૉન્ફરન્સ રૂમ હોય છે એમ એ રૂમ પણ કૉમ્પ્યુટર, પ્રોજેક્ટર વગેરે અત્યાધુનિક સાધનોથી સજ્જ હતો. જો કે, હું તો આપણી ભારતની રોજગાર કચેરીની વિભાવના લઈને ગયેલો. મને ત્યારે યાદ આવેલું કે હું એસ.એસ.સી. થયો પછી આગળ ભણી શકું એમ ન હતું. એ વખતે કોઈકે મારાં માબાપને કહેલું કે બાબુનું નામ રોજગાર કચેરીમાં નોંધાવી દો. ક્યાંક નોકરી હશે તો એને મળી જશે. મેં એમ કરેલું પણ ખરું. રોજગાર કચેરીએ મને નોંધણી નંબર સાથેનું નોંધણી કાર્ડ પણ આપેલું. મને એમ કે અહીં પણ આ લોકો એમની જેમ જ આપણું નામ નોંધી લેશે અને નોંધણી કાર્ડ આપશે. પછી કોઈ એમનો સંપર્ક સાધશે તો આ લોકો એમને આપણું નામ સૂચવશે. પણ, મારી એ સમજ ખોટી હતી.

       હું કૉન્ફરન્સ રૂમમાં બેઠો હતો ત્યારે ત્યાં પંદરેક માણસો હતા. પછી તો જોતજોતામાં એ રૂમ ભરાઈ ગયેલો. એટલા બધા લોકોને જોઈને મને પહેલી લાગણી આવી થયેલી: આ બધા લોકો નોકરી નામની એક જ વ્યક્તિની લૌકિક ક્રિયાએ આવ્યા છે. મને મારા ગામમાં લૌકિક ક્રિયાએ આવતા અને ગામના ઝાંપે બેસતા પુરુષો યાદ આવી ગયેલા. કોઈક માથા પર રૂમાલ બાંધીને બેસતું તો કોઈ ખભે રૂમાલ નાખીને બેસતું. આ વિચિત્ર તુલના કર્યા પછી મને જરાક હસવું પણ આવી ગયેલું. પણ પછી તરત જ મને બીજી લાગણી થયેલી: ઓહ, આવી આપત્તિઓ સહન કરવામાં હું એકલો નથી. ઘણા બધા છે. જો અત્યારે આટલા છે તો આખા દિવસમાં તો કેટલા બધા આવતા હશે.

       અમેરિકનોની એક ખાસિયત પર હું સાચે જ વારી ગયો છું. એ લોકો આપણને એમ કહેવા માગતા હોય કે હવે છ મહિનામાં જ તમારું અવસાન થવાનું છે તો પણ તમને એ રીતે કહે કે જાણે કે તમારા કરતાં એને વધારે દુ:ખ થઈ રહ્યું ન હોય. તમે ઘડી ભર તો તમારું મરવાનું દુ:ખ ભૂલી જાઓ. એની ભાષામાં એ પ્રકારની ઔપચારિકતા હોય છે. એના ચહેરા પરના હાવભાવ પણ એવા જ હોય છે. કૉન્ફરન્સ રૂમમાં પણ એવું જ થયું. મંડળી શરૂ થઈ એટલે એક અમેરિકન બાઈ આવી. સૌ પહેલાં તો એણે પોતાનો પરિચય આપ્યો. પછી નોકરી જવા બદલ એણે અમને બધાંને આશ્વાસન આપ્યું. એમ પણ કહ્યું કે અમે અહીં તમને મદદ કરવા માટે તત્પર છીએ. એ વખતે મને એમ લાગેલું કે આ લોકો કેટલા ભલા માણસો છે! આપણા માટે એ લોકો કેટલું કામ કરે છે! મને તો એ બહેન અને એમનાં મદદનીશ પણ કોઈક દૈવી માનવ જેવાં લાગેલાં. મને થયેલું કે નોકરશાહીમાં પણ પરોપકારી જીવો હોય છે ખરા. આવા માણસો આ સંસારમાં હોય ત્યાં સુધી મારા જેવા માણસે દુ:ખી થવાની જરૂર નથી. પ઼ણ, હકીકત એ હતી કે એમને આવું વર્તન કરવાનું કહેવામાં આવેલું. એમને એનો જ પગાર મળતો હતો.

       પણ પછી થોડીજ વારમાં મને જ્ઞાન લાધ્યું: આ તો નરી ઔપચારિકતા છે. કેમ કે એમણે તો રોજેરોજ અમારા જેવા કંઈ કેટલાય બેકારો સાથે કામ કરવાનું આવે. મને લાગે છે કે જો દેવો પણ બેકારો સાથે કામ કરે તો એમનું દૈવત્વ પણ સુકાઈ જાય. તો પછી આ તો સાદા માણસો હતા. જ્યારે પણ દૈવત્વ સુકાઈ જાય ત્યારે એનું સ્થાન ઔપચારિકતા લે.

       પછી એ મહિલાએ અમને CV, resume, cover letters વગેરે કઈ રીતે તૈયાર કરવા; એ પ્રકારનાં ન઼મૂનારૂપ કાગળિયાં ઇન્ટરનેટ પર કઈ રીતે સર્ચ કરવાં વગેરેની ટૂંકી તાલિમ આપી. અને ત્યાર બાદ ઇન્ટરનેટ નોકરી કઈ રીતે સર્ચ કરવી એની તાલિમ આપેલી. એ માટે એમણે અમને બધાંને એક બુકલેટ પણ આપેલી. આ બધી વિધિઓ જોતાં મને લાગેલું કે અમેરિકન સરકારની આ બેકારી નિવારણ કસરત સાચે જ લોકોના પૈસાનો બગાડ છે. કેમ કે, એમણ઼ે અમને જે શીખવ્યું એની તો ઘણાને ખબર હોય. બધા ઓછામાં ઓછી એક વાર નોકરી કર્યા પછી જ બેકાર થતા હોય છે. એ નોકરી મેળવવા માટે એમણે અરજી તો કરી જ હશે ને. હું જે આશાએ એ કચેરીમાં ગયેલો એ આશા પૂરી ન થઈ. પણ, બેકારી ભથ્થા માટેની એક જરૂરી શરત મેં એ સાથે પૂરી કરી.

મેં આગળ નોંધ્યું છે એમ આ દિવસો દરમિયાન મારા જીવનમાં બનેલી મોટા ભાગની ઘટનાઓનો ક્રમ મને યાદ નથી રહ્યો. કેટલીક ઘટનાઓ તો એક જ સમયે બની હોય. એટલે અનુક્મ પ્રમાણે પણ વર્ણવી શકાય નહીં. પણ, આ જ દિવસો દરમિયાન મેં પેન્સિલવેનિયા રાજ્યની સરકારી નોકરી મેળવવા માટે પણ પ્રયાસો કરેલા. અમેરિકામાં, ભારતની જેમ જ, સરકારી નોકરી મળે એટલે લોકો રાજીના રેડ થઈ જાય. કેમ કે એમાં સલામતિ પ઼ણ વધારે અને સામાજિક કલ્યાણના ફાયદા પણ ઘણા.

       જેમ ગુજરાતમાં ગુજરાત રાજ્ય સેવા પસદગી મંડળ છે એમ અહીં પણ એક સરકારી સંસ્થા છે. મેં એ સંસ્થાની વેબસાઈટ પર જઈને શિક્ષણ વિભાગની નોકરીઓ શોધી. એમાં એક શિક્ષણ અધિકારીની જગ્યા પણ હતી. હું એ જગ્યા માટે લાયક હતો. જો કે, એ માટે મારે પરીક્ષા દેવી પડે. તો પણ મેં એ જગ્યા માટે અરજી કરી. એ જગ્યા, આપણી ગુજરાતની વ્યવસ્થા પ્રમાણે જુઓ તો બીજા વર્ગની જગ્યા હતી. મને કોઈ આશા ન હતી. પણ આપણો જીવ ગુજરાતી. અરજી નાખી રાખવામાં શું વાંધો? એટલે મેં એ જગ્યા માટે અરજી પણ કરી.

       ત્યાર પછીનાં બે અઠવાડિયાંમાં જ એક કાગળ આવ્યો. કોરેમોરે સલામું લખેલી. અને વચ્ચે ચાકરીની ઓફર. લખ્યું હતું: તમારી શૈક્ષણિક લાયકાત અને તમારો શૈક્ષણિક અનુભવ જોતાં તમારે લેખિત પરીક્ષા આપવાની રહેતી નથી. અમે તમને શિક્ષણ અધિકારીની જ્ગ્યા માટે પસંદ કરીએ છીએ અને ટૂંક સમયમાં જ અમે તમને રૂબરૂ મુલાકાત માટે બોલાવીશું.

       કાગળ વાંચતાં જ બાબુલાલને થયું કે હાશ, હવે દુ:ખના દહાડા વહી જવાના. ચાલો. આનંદમંગળ થઈ જવાનો. જો કે, ત્યાર પછી પણ મેં બીજે નોકરીઓ શોધવાનું તો ચાલુ રાખેલું.

       એ જ સમયગાળામાં રોચેસ્ટર યુનિવર્સિટીમાં અને યેલ યુનિવર્સિટીમાં Language Coordinatorની જગ્યાઓ પડેલી. મેં ત્યાં પણ અરજીઓ કરી રાખેલી. કેમકે, મેં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં પણ બે વરસ દક્ષિણ એશિયાની ભાષાઓના Coordinator તરીકે કામ કરેલું હતું. એટલે કે આ બન્ને જગ્યાઓ મારી લાયકાત સાથે બંધ બેસતી હતી. એમાં પહેલો ઇન્ટરવ્યુ રોચેસ્ટર યુનિવર્સિટીનો આવેલો. મારે એ ઇન્ટરવ્યુ સ્કાઈપ પર આપવાનો હતો. એકબે મિત્રોએ કહ્યું કે મારે ઔપચારિક વસ્ત્રો પહેરીને ઇન્ટરવ્યુ આપવો. પણ, એવાં વસ્ત્રો મેં વસાવ્યાં ન હતાં. એટલે મેં મારા દીકરાનો કોટ પહેરીને ઇન્ટરવ્યુ આપેલો. ઔપચારિક પેન્ટ પહેરવાની જરુર ન હતી. કેમ કે હું ખુરશી પર બેસીને ઇન્ટરવ્યુ આપવાનો હતો. એ પણ મારા ઘરમાં, એક ઓરડામાં જ બેઠા બેઠા. એ દિવસે મેં જીંદગીમાં પહેલી વાર કોટ પહેરેલો. કારણ કે મારે નોકરી જોઈતી હતી. એ માટે હું આવું સમાધાન કરવા તૈયાર હતો. એ ઇન્ટરવ્યુ ખાસ્સો પોણો કલાક ચાલેલો. ખૂબ સારો રહેલો. સામે ઇન્ટરવ્યુ લેનારા પ્રોફેસરો પણ ખૂબ સારા હતા. એમના કેટલાક પ્રશ્નો પડકારરૂપ હતા. પણ મેં ખૂબ જ વિશ્વાસપૂર્વક એ પ્રશ્નોના જવાબ આપેલા.

       એની સામે છેડે યેલ યુનિવર્સિટીનો ઇન્ટરવ્યુ ખૂબ ખરાબ ગયેલો. એ પણ સ્કાઈપ પર હતો. એ લોકો શું બોલતા હતા એ મને સંભળાતું જ ન હતું. કોઈક યાંત્રિક મુશ્કેલી હતી. મેં એમને બેચાર વાર કહ્યું કે કોઈક યાંત્રિક મુશ્કેલી છે. એ પણ તમારા ત્યાં હોવાની પૂરી શક્યતાઓ છે. કેમ કે ઈન્ટરવ્યુ પહેલાં મેં ટેસ્ટ કરીને મારું કૉમ્પ્યુટર બરાબર તૈયાર રાખેલું. સામે કોઈક મહિલા હતી. એ જરા તોછડી પણ હતી. મેં જ્યારે કહ્યું કે મને નથી સંભળાતું તો એ મને કહે: મને સંભળાય છે તો તમને કેમ નથી સંભળાતું. મેં એમને કહ્યું કે one way communication problem is very common. હું ટેલિફોન ઓપરેટર હતો ત્યારે મેં આવી પરિસ્થિતિનો અનેક વાર સામનો કર્યો હતો. એટલે મને એના કારણની ખબર હતી. જે હોય તે. એ ઇન્ટરવ્યુ દસેક મિનિટ ચાલ્યો હશે. પછીના બીજા જ અઠવાડિયે એ લોકોએ એક ઇમેઈલ લખીને મને જણાવેલું કે એ લોકો બીજા ઉમેદવાર સાથે કામ કરી રહ્યા છે અને મારું નામ શોર્ટ લિસ્ટમાં નથી.

       હજી રોચેસ્ટર યુનિવર્સિટીએ જવાબ ન’તો આપ્યો. ખાસ્સા ત્રણ મહિના થઈ ગયા હતા. જ્યારે કોઈ યુનિવર્સિટી ના ન પાડે તો સમજવાનું કે તમારું નામ હજી વિચારણા હેઠળ છે. એ દરમિયાન મારે ભારત જવાનું આવ્યું એટલે મેં ખૂબ વિવેકી ભાષામાં રોચેસ્ટર યુનિવર્સિટીને લખ્યું કે મારે ભારત જવાનું છે. જો તમે નિર્ણય ન લીધો હોય તો હું રાહ જોવા તૈયાર છું અને જો નિર્ણય લીધો હોય તો મને જણાવવા વિનંતી. જેથી હું મારો ભારતનો પ્રવાસ ગોઠવી શકું. એ ઇમેઈલનો પણ વીસેક દિવસે જવાબ આવેલો. એમણે પણ બીજા ઉમેદવારને પસંદ કરેલો. જો કે, એમણે એવું લખેલું કે તમે બીજા નંબરે છો. જો એ ઉમેદવાર કોઈક કારણસર નહીં આવે તો અમે તમને રૂબરૂ મુલાકાત માટે બોલાવીશું.

       એ દરમિયાન, પેન્સિલવેનિયા રાજ્ય તરફથી પેલી શિક્ષણ અધિકારીની જગ્યા માટે પણ એક પત્ર આવ્યો. એમાં પૂછ્યું હતું: તમે હજી આ નોકરી માટે ઉલબ્ધ છો? મેં હા પાડી. જ્યારે મેં એ વિશે એક મિત્રનાં પત્નીને વાત કરી ત્યારે એમણે મને કહ્યું: બહુ આશા ન રાખતા. એ લોકો તમને દર છ મહિને આવો કાગળ મોકલ્યા કરશે.

       અને એવું જ બન્યું. દર છમહિને એ લોકો મને પૂછતા: તમે હજી ઉપલબ્ધ છો. અને દર છ મહિને હું લખતો: હા. હું ઉપલબ્ધ છું. હું કેલિફોર્નિયા આવ્યો ત્યારે પણ એમના પત્રો દર છ મહિને આવતા રહ્યા. આખરે એક તબક્કે મેં એ પત્રોના જવાબ આપવાનું બંધ કર્યું.

આ બધી ઘટનાઓની વચ્ચે રેખા અને હું બન્ને એક પછી એક સ્ટોર જોયા કરતાં હતાં. મેં કહ્યું એમ અમારે શનિ-રવિ રજા હોય અને ઑફિસ સમય દરમિયાન જ ખુલ્લો રાખવો પડે એવો સ્ટોર જોઈતો હતો.

2 thoughts on “મને હજી યાદ છે – ૮૫ (બાબુ સુથાર)

  1. અમેરિકા ની ગવર્મેન્ટ પોતાની નાણાકીય તાકાત કરતા વધુ ડોલર ખર્ચીને ગરીબી રેખા નીચે જીવતા લોકોને તેમની જિંદગીભર મદદ કરે છે. આ વાતનો ફાયદો આવા લોકો બરાબર ઉઠાવે છે.અહીના હોમલેસ માણસો બીમારીનું બહાનું કરી એક બે દિવસ માટે સારુ ખાવાનું અને શાંતિ થી સુવાનું મળે એટલા માટે હોસ્પીટલમાં ભરતી થઇ જાય છે.આટલા બધા હુમલાઓ , લુંટ અને ખૂન થતા હોવા છતાં ગુજરાતીઓ સ્ટોર ચલાવે છે અને ઘણા ખરા દાન પણ કરતા હોય છે. તમારી કશ્મકશ અનુભવાય છે !
    આવતા લેખમા આ પ્રશ્ન હલ થઇ જવાની આશામા રાહ્

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s