મને હજી યાદ છે – ૮૩ (બાબુ સુથાર)


નોકરીની શોધમાં: ૧

પછીના થોડા દિવસો સાચે જ ખૂબ ખરાબ ગયા. મને સતત એમ લાગ્યા કરતું હતું કે હું એક અર્થહીન વ્યક્તિ છું અને મેં સૌ પહેલાં તો ભણીને અને ત્યાર બાદ ગુજરાતી ભાષા ભણાવવાનું સ્વીકારીને ભૂલ કરી છે. જો કે, હજી હું નિયમિત કૉલેજ જતો ખરો. ભણાવતો પણ ખરો. કોઈ સનિયર અધ્યાપક મળે તો એને મારી પરિસ્થિતિની જાણ પણ કરતો. પણ મોટા ભાગના અધ્યાપકો મને બહુ બહુ તો આશ્વાસન આપતા ને કહેતા કે કોઈકને કોઈક માર્ગ નીકળશે. મને એમની ભાષામાં રહેલી ઔપચારિકતા તો ખ્યાલ આવી જતો. થોડા દિવસ પછી તો મેં મારી વાત બીજા લોકોને કહેવાનું પણ બંધ કરી દીધું. કેમ કે મને હવે ખાતરી થઈ ગયેલી કે આ બધાનો કોઈ અર્થ રહ્યો નથી. અમેરિકનો મોટે ભાગે પોતાનું દુ:ખ બહુ ઓછા લોકોને કહેતા હોય છે. એ લોકો એકલા એકલા બધું સહન કરતા હોય છે. એને કારણે એ લોકો બીજા લોકોના દુ:ખને પણ ઔપચારિકતા સિવાયની બીજી નજરે જોઈ શકતા નથી. એને કારણે એ લોકો જ્યારે આપણને આશ્વાસન આપે ત્યારે એમાં આત્મિયતાનો અભાવ લાગે. જો કે, એની સામે છેડે ભારતીયો આત્મિયતાનો એવો તો ઢોંગ કરે કે આપણને એમ લાગે કે આ માણસ જ મારો સાચો તારણહાર છે. એ જ મારો ઈશ્વર છે. એના સિવાય મારું કોઈ જ નથી. પછી એ કંઈજ ન કરે.

       એ દરમિયાન એક બીજી ઘટના પણ બનેલી. સુઘોષ હવે સુચીબેનના ત્યાં ઓછું ને મારા ત્યાં વધારે રોકાતો હતો. એના વ્યવસાયમાં પણ એક મોટું પરિવર્તન આવેલું. પહેલાં સહાયક ફિઝિયોથેરાપિસ્ટ સ્વતંત્ર રીતે કામ ન’તો કરી શકતો. એણે કોઈક ડીગ્રીધારી ફિઝિયોથેરાપિસ્ટના હાથ નીચે જ કામ કરવું પડતું. હવે સરકારે સહાયક ફિઝિયોથેરાપિસ્ટને પણ સ્વતંત્ર રીતે કામ કરવાની પરવાનગી આપી. પણ ગ્રામિણ વિસ્તાર પૂરતા જ. એને કારણે સુઘોષને ગ્રામિણ વિસ્તારમાં કામ મળવાનું ઓછું થયું. એને મોટા ભાગનું કામ ફિલાડેલ્ફિયા અથવા તો એની આસપાસના વિસ્તારમાં જ મળતું હતું. કેમ કે એ ડીગ્રીધારી ફિઝિયોથેરાપિસ્ટ હતો. એને ગ્રામિણ વિસ્તારો ખૂબ ગમતા. શહેર એને કંટાળાજનક લાગતું. ટ્રાફીક એને અકળાવી મૂકતો. આમ જુઓ તો એણે મોટા ભાગની જીંદગી ગ્રામિણ વિસ્તારોમાં ગાળેલી. એ ઘણી વાર કહેતો કે મુંબઈથી કંટાળેલો માણસ અહીં ગામડું જ પસંદ કરે. જો કે, એ વાત સુઘોષ જેવા માણસો પૂરતા જ સાચી હતી. બાકી અમેરિકામાં આવતા મુંબઈગરા અહીં બધે જ ‘મુંબઈ જેવું’ શોધે. સુઘોષ એમાંનો એક ન હતો. એ ગામડું માણતો. એટલે સુધી કે એક ગામમાં તો એણે ઘોડો રાખેલો. એ ઘોડા પર બેસીને કામે જતો. એને શહેરમાં તો પેરેલલ પાર્કીગ કરવામાં પણ મુશ્કેલી પડતી. પણ, એની પાસે બીજા વિકલ્પો ઓછા હતા. એ મને વારંવાર એક જ વાત કરતો હતો: નોકરી ગઈ તો વાંધો નહીં. ગ્રીનકાર્ડ છે ને. આપણે બધા ભેગા થઈને પહોંચી વળીશું.

       એ દરમિયાન મારી નોકરી પૂરી થવાનો ઔપચારિક કાગળ પણ આવી ગયો. મારે હવે ઓફિસ ખાલી કરવા સિવાય અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાને ‘આવજો’ કરવા સિવાય બીજું કશું કરવાનું ન હતું. કાગળ મળ્યા પછી મેં સૌ પહેલાં તો યુનિવર્સિટી પુસ્તકાલયનાં પુસ્તકો પરત કરી દીધાં. મારી પાસે, મારા અંગત પુસ્તકાલયમાં, આમ જુઓ તો પૂરતાં પુસ્તકો હતાં. પણ દેખીતી રીતે જ આપણે યુનિવર્સિટી પુસ્તકાલયની સાથે તો સ્પર્ધા ન જ કરી શકીએ. પછી મારે યુનિવર્સિટી ઓફિસ પણ ખાલી કરી આપવાની હતી. એ કામ પણ મેં કર્યું. અલબત્ત, રેખાની મદદથી.

       હવે ઉનાળાનું વેકેશન પણ શરૂ થઈ ગયું હતું. જો કે, મને હજી, મેં અગાઉ લખ્યું છે એમ, ત્રણ કે ચાર મહિના પગાર મળવાનો હતો. આરોગ્યનો વીમો પણ. મને એમ હતું કે આ વેકેશન દરમિયાન મને કોઈકને કોઈક કામ મળી જશે. એથી મેં સૌ પહેલાં તો મારા મિત્રોનો સંપર્ક સાધ્યો અને બધ્ધાંને કહ્યું કે મારી નોકરી ગઈ છે ને હવે હું બીજી નોકરી શોધું છું. હું કોઈ પણ કામ કરવા તૈયાર હતો. જો કે, હું સ્ટોર પર કામ કરું એ રેખાને જરા પણ પસંદ ન હતું. એ કહેતી કે તારે જો કોઈ કારકુની કામ કરવાનું હોય તો કર પણ કેશિયરનું કામ તારે નથી કરવાનું. એ એવું માનતી હતી કે હું એ કામ નહીં કરી શકું. કદાચ એને એમ હતું કે એવું કામ મને એટલું બધું નીચોવી નાખશે કે હું મારું વાંચવાનું કે લખવાનું કામ હું બિલકુલ નહીં કરી શકું. જો કે, આમેય મારા માટે લખવાવાંચવાનું કામ હવે ગૌણ બનવા લાગેલું. હું કવિતા લખતો, વાર્તા પણ લખતો, પણ ઉત્સાહ વગર. કોણ જાણે કેમ મને સર્જક હોવાનો ક્યારેય કોઈ રોમાંચ નથી થયો. અત્યારે પણ નથી થતો. મને અત્યારે પણ ઘણી વાર તો એવું લાગતું હોય છે કે હું સર્જક છું એ સાચે જ મારા માટે અને મારા કુટુંબ માટે પણ એક શરમજનક ઘટના છે. ગુજરાતી સમાજમાં સર્જક મોટે ભાગે સરકારની નજીક હોય ત્યારે વધારે પોંખાતો હોય છે. આ બાબતમાં આપણે હજી ગુમાસ્તા સંસ્કૃતિમાંથી બહાર નથી આવી શક્યા. એથી જ તો કદાચ સર્જક કોઈનો ગુમાસ્તો હોય તો જ વધારે સ્વીકાર્ય બનતો હોય છે. સ્વતંત્ર સર્જક દરેકને ભારરૂપ લાગતો હોય છે.

       મેં સૌ પહેલાં તો સુચીબેનને વાત કરી. સુચીબેને બીજા બેચાર મિત્રોને વાત કરી. કોઈક સ્ટોરવાળા હતા, કોઈક મોટલવાળા હતા. પણ, કોઈએ કોઈ ઉત્સાહ ન બતાવ્યો. બધાંએ કહ્યું કે કંઈક હશે તો જણાવીશું. એક દિવસ સુચીબહેન કહે કે ચાલો, રાહુલ શુક્લને મળીએ. રાહુલ શુક્લ S.S. White Technologiesના પ્રેસિડન્ટ અને CEO. એ સાહિત્યના પણ રસિક જીવ. સુચીબેન કહે, “કદાચ તમારો ક્યાંક મેળ પાડી દેશે.” મને સુચીબેનનો આશાવાદ બહુ કામ લાગતો. ડૂબી રહેલા માણસને કોઈ કહે કે ચિન્તા ન કરતો. તને બચાવવા માટે કાગળની હોડીઓ રવાના થઈ ગઈ છે. એના જેવો એ આશાવાદ. પણ સુચીબેન માટે મને ખૂબ માન. એ બોલકાં બહુ. જે હોય તે કહી શકે. હું એમાં નબળો. આખરે એક દિવસે અમે રાહુલ શુક્લની ઑફિસમાં ગયાં. રાહુલભાઈએ ખૂબ સારી રીતે અમને આવકાર્યા. પછી જ્યારે સુચીબેને એમને મારી વાત કહી અને કહ્યું કે તમે એમને મદદ કરો. રાહુલભાઈએ કહ્યું કે એમની પાસે મોટા ભાગની ટેકનીકલ નોકરીઓ છે. હું એમાં ક્યાંય બંધ ન બેસું. એમ છતાં એમણે એમના Human Resource વિભાગને ફોન કરીને પૂછ્યું પણ ખરું કે મારા લાયક કોઈ કામ છે ખરું? Human Resource વિભાગે ના પાડેલી. એમ છતાં એમણે મને એક વાતનું આશ્વાસન આપેલું કે જો તમને ક્યાંય કોઈ કામ ન મળે તો હું ત્રણેક મહિના તમને કોઈક કામ આપીશ. પછી તમે ફરી એક વાર unemployed બની જશો ને સરકાર બીજા છ મહિના સુધી તમને unemployment વીમા હેઠળ અરધો પગાર આપશે. રાહુલભાઈના ત્યાં ગયો ત્યારે મને સુદામા અને કૃષ્ણ યાદ આવી ગયેલા. હું સુદામા ન હતો. રાહુલભાઈ કૃષ્ણ ન હતા. અમે એક ગુરુના વિદ્યાર્થી ન હતા. અમારી વચ્ચે એવી કોઈ ભાઈબંધી ન હતી. એ મને ઓળખતા. એ પણ મધુરાય અને સુચીબેનના કારણે. તો પણ મારી હાલત સુદામા જેવી હતી. જો કે, ત્યારે મને પ્રશ્ન થયેલો કે શા માટે કોઈ માણસે મને મદદ કરવી જોઈએ? અને નોકરી કોઈ નાની વાત નથી. મને કદાચ બેપાંચ હજાર ડૉલરની જરૂર હોય તો કોઈક આપી પણ દે. છેલ્લે, એમણે કહ્યું કે બાબુભાઈ, તમારા લાયક કોઈ કામ હશે તો હું તમને ચોક્કસ જણાવીશ. મને સાચે જ ખૂબ સારું લાગેલું.

       મેં પહેલાં કહ્યું છે એમ મેં નક્કી કરેલું કે મારે દરેક ઓળખીતાને નોકરી માટે વાત કરવી. કોઈ એમ ન કહે કે બાબુભાઈ, મને પહેલેથી કહ્યું હોત તો હું તમને કોઈક કામ શોધી આપત. એના જ એક ભાગ રૂપે મેં દરેકેદરેક મિત્રોને ફોન કરીને કે ઇમેઈલ કરીને જણાવ્યું કે હું નોકરી શોધું છું. એ દરમિયાન હું ઇન્ટરનેટ પર પણ નોકરીઓ શોધવા લાગેલો. કદાચ કોઈક યુનિવર્સિટીમાં મેળ પડી જાય. મેં ઘણી બધી યુનિવર્સિટીઓમાં અને કૉલેજોમાં પણ Student Adviserની જગ્યા માટે અરજી કરેલી. મને એમ કે મારો આટલાં વરસોનો અનુભવ કદાચ મને કામ લાગી જાય. પણ, એક પણ યુનિવર્સિટીમાંથી મારો ઇન્ટરવ્યુ પણ આવ્યો નહીં. મને પછીથી ખબર પડી કે Student Adviser બનવા માટે મારે અલગ એમ.એ. કરવું પડે.

       મેં પુસ્તકાલયોમાં પણ કામ શોધેલું. કેમ કે એ કામ મને ગમે એવું હતું. પણ ક્યાંય મેળ ન પડ્યો. એ જ સમયગાળામાં એક બે યુનિવર્સિટીઓમાં દક્ષિણ એશિયા વિભાગના પુસ્તકાલયમાં માણસોની જરૂર હતી. ટેકનીકલી જોતાં એવી જગ્યા પર Information Scienceનો માણસ જોઈએ. પણ મોટા ભાગના સાઉથ એશિયા વિભાગને એવા માણસો નથી મળતા. એથી એ લોકો ઘણી વાર South Asiaમાં પીએચ.ડી. કરેલા માણસોને એ કામ માટે રાખતા હોય છે. પણ આવી જગ્યાઓમાં એ લોકો મોટે ભાગે તો ઓળખીતાઓને જ રાખતા હોય છે. અમેરિકન યુનિવર્સિટીઓમાં, એમાં પણ ખાસ કરીને ખાનગી યુનિવર્સિટીઓમાં, બધું આપણે માનીએ છીએ એમ નથી ચાલતું. ઘણી યુનિવર્સિટીઓ કેટલાક વિદ્વાનોને સામેથી નોકરીની ઓફર કરતી હોય છે. ત્યારે એ વિદ્વાનો પણ કેટલીક માગણીઓ મૂકતા હોય છે. એમાંની એક માગણી પત્નીને કે ગર્લફ્રેંન્ડને નોકરી આપવાની હોય છે. પુસ્તકાલયોની ઘણી બધી જગ્યાઓ એ રીતે ભરાઈ જતી હોય છે. મેં ત્રણ યુનિવર્સિટીઓના દક્ષિણ એશિયા વિભાગના પુસ્તકાલયમાં અરજી કરેલી. એમાંની બે જગ્યાઓ એ રીતે ભરાઈ ગયેલી! એકમાં Information Science કરેલો માણસ મળી ગયેલો.

       એ જ રીતે મેં નટવરભાઈને (નટવર ગાંધી) પણ વાત કરેલી. જો કે, ત્યારે તો એ નિવૃત્ત થઈ ગયા હતા. તો પણ એમણે મને એમની ઑફિસની વેવસાઈટ આપીને કહેલું કે જો તમારા લાયક કોઈ પોઝિશન હોય તો મને કહેજો. હું પ્રયત્ન કરીશ. પણ, મેં એમની પાસેથી કોઈ અપેક્ષા ન’તી રાખી. એટલા માટે કે એક તો એ સરકારમાં હતા. વળી ઊંચા હોદ્દા પર હતા. આવા ઊંચા હોદ્દાવાળા અધિકારી જો મારા જેવાને એક કારકુનની કે એ પ્રકારની નોકરી માટે ભલામણ કરે અને સામેનો માણસ એમની ભલામણનો સ્વીકાર પણ કરે તો એ માણસ નટવરભાઈ પાસે વળતરમાં કંઈક વધારે જ  માગે. તો પણ, જેમ ડૂબતો માણસ તણખલા પાસે પણ આશા રાખે કે એ મને સામે પાર લઈ જશે એમ મેં એમની પાસે પણ આશા રાખેલી. જો કે, એમણે બે કામ કરેલાં. એક તો મને એક સરસ ઇમેઈલ લખીને આશ્વાસન આપેલું. એમાં એમણે Don’t let the bastards grind you down જેવું કંઈક લખેલું. અત્યારે મને શબ્દો યાદ નથી આવતા. પણ મને એ ખૂબ ગમેલું. જો કે, મને પાછળથી ખબર પડેલી કે આ તો એક રૂઢિપ્રયોગની જેમ વપરાતું વાક્ય છે. બીજું, એ જ્યારે મને ફિલાડેલ્ફિયામાં રૂબરૂ મળવા આવ્યા ત્યારે મને એક કોટ આપીને કહેલું કે જ્યારે પણ ઇન્ટરવ્યુ આપવાનો આવે ત્યારે આ કોટ પહેરજો. શુકનિયાળ છે. એમના માટે એમાં કદાં humor હતી, હું એમની વાત સાચી માની બેઠેલો. મને થયેલું કે આ કોટ ભલે આપણને એમના જેવડી મોટી પદવી નહીં અપાવે પણ બે ટાઈમનો રોટલો અપાવે તો પણ ઘણું.

       હું યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભણાવતો હતો ત્યારે મારે BAAPSના સ્વામી મંગળનિધિદાસજી સાથે ઓળખાણ થયેલી. એક વાર એમનો મારા પર ફોન આવેલો. એમણે કહેલું કે એમને ગુજરાતી ભાષા વિશે કેટલાક પ્રશ્નો છે અને એ પ્રશ્નોની ચર્ચા કરવા માટે એ મને મળવા લાગે છે. હું આમ તો નાસ્તિક માણસ છું. પણ જ્યારે સાધુ, સન્તોની વાત આવે ત્યારે હું આસ્તિકો કરતાં એમને વધારે માનથી જોતો હોઉં છું. મેં એમને કહેલું કે તમે મારા ત્યાં પધારો એ તો મને ગમે જ પણ જો તમને વાંધો ન હોય તો હું તમને મળવા આવું. તમે શું કામ તસ્દી લો છો? પણ, આપણે ગુજરાતી ભાષા સિવાય બીજી વાતો નહીં કરીએ. એ સંમત થયેલા. પછી હું એમને મળવા ગયેલો. મંગળનિધિદાસજી સાધુ બન્યા એ પહેલાં હાર્વર્ડમાં ભણતા હતા. એમને વિદ્વાનો માટે માન હતું. મેં એમની સાથે સહભોજન પણ લીધેલું અને ગુજરાતી ભાષાની ઘણી બધી વાતો પણ કરેલી. એમની વિદ્વતાથી હું સાચેજ પ્રભાવિત થયેલો. એમણે સ્વામીનારાયણ સંપ્રદાયનાં નહીં નહીં તો વીસેક જેટલાં પુસ્તકો પણ ભેટ આપેલાં. ત્યારે એમણે મને કહેલું કે “મારા લાયક કંઈ કામકાજ હોય તો કહેજો.” મેં એમને પણ ફોન કરેલો. મેં અગાઉ નોંધ્યું છે એમ મેં નક્કી કરેલું કે મારે જેની પણ પાસેથી મદદ મળે એવી શક્યતાઓ હોય એની પાસે મદદ માટે હાથ લંબાવવો.

       કોઈને થશે કે શા માટે મારે આ બધા લોકોની આગળ હાથ લંબાવવો પડે? એનો જવાબ બહુ સ્પષ્ટ છે: અમેરિકામાં તમે કોઈ એક જ ક્ષેત્રમાં વરસો સુધી નોકરી કરો પછી બીજા ક્ષેત્રમાં તમને ભાગ્યે જ નોકરી મળે. તમારી પાસે લાયકાત હોય તો પણ. જો કે, અહીં પણ માંગ અને પૂરવઠાનો નિયમ તો લાગુ પડે જ. બીજું, મેં આખી જીંદગી ભાષાના અભ્યાસ પાછળ જ ખર્ચી નાખેલી. એને કારણે પણ હું બીજાં કામો માટે ઉપયોગી હોઉં તો પણ સત્તાવાર રીતે તો હું બીનઉપયોગી હતો. આ પરિસ્થિતિની સામે લડવાનું સાચે જ અઘરું હતું. કેમ કે એ પરિસ્થિતિ મેં પોતે ઊભી કરેલી હતી. એ મારી પસંદગીનું પરિણામ હતી. એથી મારે શોધવાનું હતું કે મને કયા ક્ષેત્રમાં કામ મળે. જો હું કોઈ વૉલમાર્ટ જેવી કંપનીમાં કૅશિયર કે એવી કોઈ જગ્યા માટે અરજી કરું તો મને જરૂર કરતાં વધારે ભણ્યો હોવાથી ત્યાં નોકરી ન મળે. જો હું મારી લાયકાત છુપાવું તો પણ મુશ્કેલી ઊભી થાય. કેમ કે મારા વિષે મારા કરતાં પણ ગૂગલ મહારાજ વધારે જાણે છે. એ લોકો બધું શોધી કાઢે. પણ, જો કોઈ ઓળખીતા માણસની દુકાન પર કામ મળે તો એમાં મને વાંધો ન આવે. આ મુદ્દો સાચે જ ખૂબ સંકુલ છે. માંહી ગબડે એ જ મહાદુ:ખ ભોગવે.

ન્યૂ જર્સીમાં કેટલાક ગુજરાતીઓએ Day time ઘરડાઘર બનાવ્યાં છે. ત્યાં ગુજરાતી બોલતા સમાજસેવકોની જરૂર હોય. એટલું જ નહીં, ત્યાં વૃદ્ધો માટે Activity Managersની પણ જરૂર હોય છે. એ લોકો આમ જુઓ તો શિક્ષકો જેવું કામ કરે. વૃદ્ધોને ભાતભાતની પ્રવૃત્તિઓમાં જોડવાના. ભણાવવાનું નહીં. પણ તમે ધાર્મિક, સાંસ્કૃતિક વ્યાખ્યાનો રાખી શકો. આપી પણ શકો. કવિતા, વાર્તા લખાવી વંચાવી શકો. વગેરે. હું માનતો હતો કે હું એ કામ ખૂબ સારી રીતે કરી શકું. મંગળનિધિદાસજીએ એવા કોઈક ઘરડાઘરના માલિકને મારી વાત કરેલી. એમણે મને ફોન નંબર પણ મોકલેલો. મેં એ ભાઈ સાથે એક વાર વાત કરેલી. એમણે કહેલું કે હું વિચારીને તમને કહું છું. પછી મેં એમને ઘણા ફોન કર્યા અને સંદેશા પણ છોડ્યા. પણ વળતો કોઈ જવાબ ન મળ્યો. હું મંગળનિધિદાસજીને વારંવાર હેરાન કરવા ન’તો માગતો. તો પણ મેં એમને એકાદ વાર ફોન કરીને સંદેશો મૂક્યો હશે. પણ, એ દિશામાં કશું થયું નહીં.

       હવે મને મારી મર્યાદાઓ સમજાવા માંડી હતી. છતાં મારે પ્રયાસો તો કરવા જ હતા. મેં નહીં નહીં તો સોએક જગ્યાએ અરજી કરી હશે. અરધી તો કદાચ સમજ્યા વિના જ. સાચું કહું તો મને અમેરિકાના જોબ માર્કેટની સંસ્કૃતિની પણ કોઈ ખબર ન હતી. હું દરેકને એક જ, એટલે કે generic CV મોકલતો. પછી મને કોઈકે કહ્યું કે એવું ન ચાલે. દરેક નોકરી માટે નવા resume તૈયાર કરવાના. નવા CV તૈયાર કરવાના. એ પણ એક કળા છે. એ પણ એક આવડત છે. એટલે મેં CV અને Resume કઈ રીતે તૈયાર કરવા એ વિષય પર પુસ્તકો વાંચવા માંડ્યાં. એ પુસ્તકો વાંચતી વખતે મને લાગેલું કે દરેક resume એક દલીલ જેવો હોય છે. એમાં તમારે દલીલ કરવાની હોય છે કે તમે કેમ જે તે કામને લાયક છો. મને લાગે છે કે એ પુસ્તકોના સેવનથી મને CV કે resume લખતાં તો આવડ્યા પણ વધારે તો CV અને resume કઈ રીતે લખતા એ ભણાવતાં વધારે આવડ્યું. આખરે તો માસ્તરને. બધું એ રીતે જ વાંચું.

       આ બધાની સમાન્તરે એક બીજી ઘટના પણ બનેલી. ડિજિટલ ટેકનોલોજીના કારણે જોબ માર્કેટનું સ્વરૂપ બદલાઈ ગયેલું. હવે નોકરીની શોધ કરતા માણસે સૌ પહેલાં તો ડિજિટલ અધિકારીઓના હાથ નીચેથી પસાર થવું પડતું. આ અધિકારીઓ મનુષ્યો ન હતા. સોફ્ટવેર હતાં. મોટા ભાગની કંપનીઓ હવે સોફ્ટવેરની મદદથી યોગ્ય ઉમેદવારોની યાદી તૈયાર કરતી. નોકરી માટે અરજી કરનારે એ સોફ્ટવેરને ‘છેતરવું’ પડે. દરેક સોફ્ટવેરનાં એનાં પોતાનં algorithms. એ algorithms તમારો CV કે resume જુએ અને એ તમે એ નોકરીને માટે લાયક છો કે નહીં એ અંગેનો નિર્ણય લે. હું ક્યાંય પણ અરજી કરું તો મારે સૌ પહેલાં તો આ algorithms નામના મહાદેવને રાજી કરવા પડે. કદાચ હું એ બધું કરી શકું એમ ન હતો.

       તો પણ, હું હારવા માગતો ન હતો. મેં કામની શોધ ચાલુ રાખી. હજી મારે એકબે અગ્રગણ્ય ગુજરાતીઓને મળવાનું હતું. હજી મારે indeed.com જેવી વેબસાઈટની રોજેરોજ જાતરાઓ કરવાની હતી.

2 thoughts on “મને હજી યાદ છે – ૮૩ (બાબુ સુથાર)

  1. ‘ નોકરીની શોધમાં…’અમારા કુટુંબમા અને સ્નેહીઓમા તેની સંવેદનશીલતા અનુભવાઇ છે ત્યારે
    Illegitimi non carborundum આશ્વાસન હતાશામાંથી ઉગારે છે. ‘નોકરી માટે અરજી કરનારે એ સોફ્ટવેરને ‘છેતરવું’ પડે !.અમારા એમ ડી સ્નેહીને આ ડીગ્રી ઓવર ક્વોલીફાઈડ લાગે તેથી ટેકનીશીયન તરીકે અરજી કરવી પડેલી ! મીલીટરીમા નોકરી મળવી સરળ રહે તો કેટલાકને ડ્રગમા પડતા જોયા છે ત્યારે આપણા ગુજરાતી સમાજે અને ધાર્મિક પંથોએ કામ આપી તકલીફમાંથી ઉગારતા જોયા છે…

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s