મને હજી યાદ છે – ૮૨ (બાબુ સુથાર)


બેરોજગાર બન્યાના દિવસે ઘેર જતાં

જ્યારે રમ્યાએ મને કહ્યું કે ડીન સંમત થતા નથી. એથી યુનિવર્સિટી તમને આવતા શૈક્ષણિક વરસથી છૂટા કરે છે, ત્યારે મારે કોઈ દલીલ કરવાની હતી નહીં. અલબત્ત, અમેરિકન ઔપચારિકતા પ્રમાણે મારે એમનો આભાર માનવો પડે. એટલે મેં એમનો આભાર માનીને કહેલું કે તમે મને મદદ કરવાનો પ્રયાસ કર્યો એ બદલ આભાર. મેં સ્વીકારી લીધેલું કે કોઈકનું મરણ થાય તો આપણે મરણની સામે દલીલો નથી કરતા. અરે મરનારને પણ એમ નથી કહેતા કે મરતાં પહેલાં તમારે મને કહેવું જોઈએ ને. કેમ કે આપણને ખબર હોય છે કે દલીલો વડે મરણને હરાવી શકાય નહીં. પણ, મેં એક કામ કરેલું. મેં રેખાને ફોન કરીને તરત આ વાત ન હતી કરી. એ ત્યારે કામ પર હતી. એ કામ પર હોય ત્યારે મારે એને દુ:ખ ન હતું પહોંચાડવું. પણ મેં મારા સ્ટાફના બે મિત્રોને વાત કરેલી. એક તો દેવન પટેલને અને બીજા તે વાસુ રંગનાથનને. આખા સાઉથ એશિયા વિભાગમાં કેવળ દેવેન જ એવો હતો જે મને શાન્તિથી અને સહાનુભૂતિથી સાંભળતો. એને મારી આવડત પર અને મારી સમજણશક્તિ પર પૂરો વિશ્વાસ હતો. એ માનતો હતો કે મારા જેવા ‘વિદ્વાન’ માણસને ડિપાર્ટમેન્ટે રાખવો જોઈએ. પણ, એ મને સાંભળવા સિવાય બીજી કોઈ મદદ કરી શકે એમ ન હતો. જો કે, આ અમેરિકા નામના દેશમાં તમારી વાત કોઈ સહાનુભૂતિથી સાંભળે તો પણ તમને વૈકુંઠ મળ્યાની લાગણી થાય. જો કે, એ વખતે એ પણ ખૂબ વ્યસ્ત હતો. એને પોતાની નોકરી ટકાવી રાખવા માટે એણે પુસ્તક પ્રગટ કરવાનું હતું. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ત્યારે એવો નિયમ હતો કે જો આસિસ્ટન્ટ પ્રોફેસરે કાયમી નોકરી મેળવવી હોય તો એણે એનો શોધનિબંધ કોઈક અમેરિકન યુનિવર્સિટીમાંથી જ પ્રગટ કરવો પડે. આ નિયમ કદાચ અત્યારે પણ હશે. જો ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ યુનિવર્સિટી શોધનિબંધ પ્રગટ કરે તો એ ન ચાલે! દેવેનનો શોધનિબંધ Columbia University Press દ્વારા પ્રગટ કરવાનો હતો. પણ, દેવેનને કાયમી કરવાની તારીખ અને પ્રકાશનની તારીખ વચ્ચે બેએક અઠવાડિયાનો તફાવત હતો. દેવેન ડરતો હતો કે આ ટેકનીકલ બાબત આગળ ધરીને એ લોકો મને કાઢી તો નહીં મૂકેને? અમેરિકન યુનિવર્સિટીઓનું કંઈ કહેવાય નહીં. એમાં પણ ખાનગી યુનિવર્સિટીઓનું અને એમાં ય પણ આઈ વી લીગ યુનિવર્સિટીઓની તો વાત જ ન થાય. એ લોકો કોઈ પણ બહાનું કાઢીને તમને વિદાય કરી શકે. એમને પૈસાની કંઈ પડી નથી હોતી. આફ્રિકાના નાના દેશના અંદાજપત્ર કરતાં પણ એમનાં અંદાજપત્ર મોટાં હોય છે.

જેવા મેં વાસુને સમાચાર આપ્યા કે તરત જ એ મને ડિપાર્ટમેન્ટમાં મળવા આવ્યો. ત્યારે વાસુ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની હૉસ્પિટલના કેન્સર વિભાગમાં data સાથે સંકળાયેલું કોઈક કામ કરી રહ્યો હતો. એ પણ એકેડેમિક વિભાગમાં જ હતો. પણ એના બોસે રીપોર્ટ કર્યો કે એનું અંગ્રેજી સમજવામાં અમને મુશ્કેલી પડે છે. એટલે એની નોકરી ગયેલી. પણ, ત્યાર પછીના થોડા જ દિવસોમાં એને યુનિવર્સિટી હૉસ્પિટલમાં નોકરી મલી ગયેલી. એણે આવતાની સાથે જ મને કહ્યું કે આ માટે સૌથી વધારે તો Penn Language Center જવાબદાર છે. મેં આ Center વિશે અગાઉ લખ્યું છે. એ યુનિવર્સિટીમાં ઓછી જાણીતી ભાષાઓ ભણાવવાનું કામ કરે છે. વાસુ કહે: જ્યારે પણ ભાષાના કોઈ અધ્યાપકને કાઢી મૂકવાનો હોય ત્યારે યુનિવર્સિટી Penn Language Centerના ડાયરેક્ટરને વાત કરે. પછી ડાયરેક્ટર યુનિવર્સિટીને પ્લીઝ કરવા જોઈએ એવો રીપોર્ટ આપે. પછી એ રીપોર્ટના આધારે યુનિવર્સિટી પેલા અધ્યાપકને કાઢી મૂકે. વાસુના મતે Penn Language Canter એક slaughterhouse છે. યુનિવર્સિટિએ ઊભું કરેલું. જ્યારે પણ કોઈ ભાષાના અધ્યાપકનો વધ કરવાનો હોય ત્યારે એ સેન્ટરના ડાયરેક્ટરને કહેવાનું. ડાયેરેક્ટર પણ હાજી હાજી કરતા જાય ને યુનિવર્સિટી કહે એ કામ કરતા જાય. અમેરિકન યુનિવર્સિટીઓનું આ માળખું સાચે જ સમજવા જેવું છે. અમુક સેન્ટરોમાં યુનિવર્સિટી લોકોને કામચલાઉ ડાયરેક્ટર બનાવે. પછી એને અમુક કામ સોંપે. પેલો કામચલાઉ ડાયરેક્ટર કાયમી થવા માટે યુનિવર્સિટીની ઇચ્છા પ્રમાણે કામ કરે.

વાસુ સાચે જ ખૂબ ગુસ્સામાં હતો. એણે કહ્યું કે બાબુ તું બે પીએચડી કરે તો પણ અમેરિકન યુનિવર્સિટીઓ તને નોકરી નહીં આપે. કેમ કે તારું અંગ્રેજી અમેરિકન નથી, તું અમેરિકન નથી અને તારી ચામડી શ્વેત નથી. એટલે જ તો વાસુએ ભાષાવિજ્ઞાનમાં પીએચડી કરતી વખતે વચ્ચે પીએચડી અટકાવી દઈ કૉમ્પ્યુટરનો કોઈક કોર્સ કરી લીધેલો. ત્યારે આઉટસોર્સિંગ ખાસ ન હતું. એથી કૉમ્પ્યુટરની એકાદ ભાષા જાણો તો પણ નોકરી મળી જતી. વાસુએ મને પણ એમ કરવાની સલાહ આપેલી. એ વિશે મેં આ પહેલાં લખ્યું છે. પણ મારા ગુજરાતી ભાષા પરત્ત્વેના પ્રેમના કારણે મેં મારું ક્ષેત્ર બદલવાની ના પાડેલી. વાસુએ એ દિવસે એ ઘટના યાદ દેવડાવેલી. એણે કહ્યું: મેં તને કહ્યું હતું કે તું ગુજરાતી ભાષા પરનો પ્રેમ છોડી દે. વ્યવહારુ બન. પણ તેં માનેલું નહીં. પછી એણે ઉમેર્યું: આ લોકો હવે ગુજરાતી ભાષા શીખવવા માટે કોઈ કક્કો-બારાખડી જાણતી ગૃહિણીને પકડી લાવશે. પાર્ટ ટાઈમ નોકરી આપશે. તને મહિને પાંચ હજાર આપે છે. એને સાતસો-આઠસો આપશે. કામ પૂરું. વાસુ જરા વધારે પડતું સાચું બોલનાર માણસ. એણે કહ્યું: આ લોકો – એટલે કે યુનિવર્સિટી – જાહેરાતોમાં એમ કહેશે કે અમે quality education આપીએ છીએ. પણ એ લોકો ભાષાશિક્ષણમાં quality સાચવતા નથી. કાચનાં પાટિયાં અપગ્રેડ કરે, કૉમ્પ્યુટર અપગ્રેડ કરે, પણ સ્ટાફ ઓછો કરે. હ઼મણાં થોડા વખત પહેલાં એક અહવેાલ આવેલો. એ પ્રમાણે અમેરિકન યુનિવર્સિટીઓમાં વહીવટી સ્ટાફના પ્રમાણમાં શિક્ષકોનો સ્ટાફ ખૂબ ઓછો છે.

 બીજું તો વાસુ શું કરી શકે? એ મને કૉફી પીવડાવવા લઈ ગયો. એ વખતે મેં એને કહ્યું કે તું Penn Language Centerને કતલખાનું કહે છે પણ હું તો એને શેરડીનું ખેતર કહું છું. જેમ એક જમાનામાં ભારતીયો શેરડીના ખેતરમાં ગુલામ તરીકે કામ કરતા એમ આપણે પણ Penn Language Centerમાં ગુલામ તરીકે કામ કરવા આવ્યા છીએ. આવું બીજા પણ કરે છે. એ ગુલામોનો માતૃભાષાપ્રેમ એમને ગુલામ બનવા માટે મજબૂર કરતો હોય છે. આવું કહેતી વખતે મને પોતાને મારા માટે પણ ધિક્કારની લાગણી થઈ આવેલી.

એ દિવસે મારે સાંજે ક્લાસ હતો. એટલે મેં ક્લાસમાં પણ મારા વિદ્યાર્થીઓને આ વાત કરેલી. એ સેમેસ્ટરમાં ગુજરાતી ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી ઓછી હતી. વર્ગમાં ચારેક વિદ્યાર્થીઓ હશે. એમાંના એક વિદ્યાર્થીએ મને કહેલું કે બાબુભાઈ, દુ:ખી ન થતા. અમેરિકન કોર્પોરેટ સંસ્કૃતિનો એક નિયમ છે. જ્યારે પણ તમારો પગાર વધી જાય ત્યારે એ લોકો તમને કાઢી મૂકે. કારણ કે એટલા પગારમાંથી એ લોકોને બીજા બે યુવાન માણસો મળે. એટલું જ નહીં, એણે મને એમ પણ કહ્યું કે એ લોકો પહેલાં તમને કાઢી મૂકવાનો નિર્ણય લેતા હોય છે અને પછી એ માટેનાં કારણો શોધતા હોય છે. અને એ કારણોમાં એ તમારો જ દોષ કાઢે. તમને પોતાને પછી એમ લાગે કે આ માટે હું જ જવાબદાર છું. આ એક જાણીતી ટેકનીક છે. મારા માટે આ એક નવી વાત હતી. કેમ કે મેં કદી પણ આવા પ્રશ્નો વિશે વિચાર્યું જ ન હતું. મારે એવી જરૂર પણ ઊભી થઈ ન હતી. વળી મને એમ પણ હતું કે જે શિક્ષણ સંસ્થાઓ નૈતિકતાના પાઠ ભણાવતી હોય એ જ શિક્ષણ સંસ્થાઓ અનૈતિક કઈ રીતે બની શકે. એ વિદ્યાર્થીએ જ્યારે મને આ વાત કરી ત્યારે મને સમજાયેલું કે કોર્પોરેટ ક્ષેત્રમાં નાણાં અને નૈતિકતા બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો નાણાંની જ પસંદગી થાય. કેમ કે એમનો પહેલો ધ્યેય નાણાં કમાવાનો હોય છે. નૈતિકતાનો એની આડપેદાશ હોય છે. જો કે, અમેરિકાની બધી જ યુનિવર્સિટીઓ આટલી અને આવી ક્રુર નથી હોતી. ઘણી વાર વિદ્યાર્થીઓ ઓછા હોય તો યુનિવર્સિટી શિક્ષકને છેવટે વહીવટમાં પણ ગોઠવી દે. જેથી એને મેડીકલના લાભ મળતા રહે અને એનો નિવૃત્તિકાળ સાવ બગડે નહીં. જો કે, વિદ્યાર્થીઓએ ત્યારે કહેલું કે અમે ડીનને પત્ર લખીને આ નિર્ણયનો વિરોધ કરીશું. મેં એમને કહ્યું કે મને નથી લાગતું કે એનાથી કાંઈ વળે. મને બીજો પણ ડર લાગતો હતો કે કદાચ યુનિવર્સિટીને એમ થશે કે મેં વિદ્યાર્થીઓને ચડાવ્યા છે. એમ છતાં મેં એમને કહેલું કે એ વિશે તમારે વિચારવાનું છે. હું કંઈ ન જાણું. મને યાદ છે કે અમારી યુનિવર્સિટીના જ કદાચ Political Scienceના એક પ્રોફેસર ખૂબ જ લોકપ્રિય હતા પણ એ એમનું સંશોધનકાર્ય સમયસર પૂરું ન’તા કરી શક્યા તો યુનિવર્સિટીએ એમને કાઢી મૂકેલા. જો કે, એમને કાઢી મૂક્યા એના બીજા જ અઠવાડિયે એક યુનિવર્સિટીએ એમને સામેથી બોલાવેલા. કેમ કે એ એમના વિષયમાં ખૂબ લોકપ્રિય હતા. હું પણ મારા વિદ્યાર્થીઓમાં તો ખાસ્સો લોકપ્રિય હતો. કેવળ એક જ સેમેસ્ટરમાં મારો લોકપ્રિયાનો આંક જરાક નીચે ગયેલો. બાકી, ૪માંથી ૩.૫ કે ૩.૮ રહેતો. યુનિવર્સિટી બધા જ અધ્યાપકોના આવા લોકપ્રિયતાના આંક રાખતી હોય છે.

       ક્લાસ પૂરો કરીને ઘેર જવાનું કામ મારા માટે સાચે જ ખૂબ અઘરું બની ગયેલું. એ વખતે હું યુનિવર્સિટીથી બે માઈલ દૂર વેસ્ટ ફિલાડેલ્ફિયામાં મારી કાર પાર્ક કરતો. કેમકે મને યુનિવર્સિટીની પાર્કીગ વ્યવસ્થા પરવડે એમ ન હતી. ત્યાંથી હું ચાલીને યુનિવર્સિટી જતો. ક્યારેક ટ્રોલી લઈ લેતો. હું ચાલતો ત્યાં ગયો. રસ્તામાં કંઈ કેટલાય વિચારો આવેલા. પછી કાર લઈને ઘેર જવા નીકળ્યો ત્યારે મગજમાં એક સાથે અનેક નાનાંમોટાં વાવાઝોડાં ઊભાં થયેલાં. એ વખતે મને જે વિચારો આવેલા એ બધા જ જો મેં રેકોર્ડ કરી લીધા હોત તો કદાચ બીજી યુલિસિસ નવલકથા લખાઈ ગઈ હોત.

       મને સૌ પહેલી તો ધિક્કારની લાગણી થયેલી. એ પણ કોઈ વ્યક્તિ કે સંસ્થા માટે નહીં. મારી જાત માટે. મને પહેલો પ્રશ્ન એ થયેલો: હું શા માટે ભણ્યો? બીજો પ્રશ્ન એ થયેલો કે ભણ્યો તો ભલે ભણ્યો પણ મેં શા માટે ગુજરાતી ભાષા અને સાહિત્ય જ પસંદ કર્યાં? મને હું એક બીનઉપયોગી પદાર્થ બની ગયો હોય એવું લાગતું હતું. મને થયું: ચાલો ભાષાવિજ્ઞાનમાં ક્યાંક નોકરી મળી જશે. પણ, ના એ પણ શક્ય ન હતું. ભાષાવિજ્ઞાનમાં પીએચ.ડી. કર્યા પછી તમે ગુજરાતી ભાષા ભણાવો એટલે ભાષાવિજ્ઞાનના અધ્યાપક માટેનો ઇન્ટરવ્યુ કોલ પણ ન આવે. કેમ કે તમે જે ક્ષેત્રમાં ડીગ્રી મેળવી છે એ ક્ષેત્રમાં નોકરી કરી નથી. એટલે, દેખીતી રીતે જ, હું ભાષાવિજ્ઞાન વિભાગમાં નોકરી મેળવવા આમ જુઓ તો ગેરલાયક હતો. જો કે, મેં ભારતમાં ભાષાવિજ્ઞાન ભણાવેલું. પણ અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓ એ અનુભવને ધ્યાનમાં ન લે. એમના મતે ભારતના અનુભવો ઝાઝા કામના નહીં.

રસ્તામાં હું મારા વિશે કશું સારું વિચારી શકતો જ ન હતો. મને એક જ લાગણી થયા કરતી હતી કે યુનિવર્સિટીએ એમના સ્વાર્થ માટે મને અહીં બોલાવ્યો, મને એમના સ્વાર્થ માટે ઉપયોગી બનાવ્યો, પણ એ કામને બદલે એમણે મને બીજું કામ આપીને સાવ બિનઉપયોગી બનાવી દીધો.

       આખા અમેરિકામાં ત્યારે કેવળ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં જ ગુજરાતી પ્રોગ્રામ હતો. એટલે કે અમેરિકામાં હું ‘અદ્વિતીય’ હતો. જ્યારે તમે અદ્વિતીય હો ત્યારે ઘણી વાર તમે વધારે બીનઉપયોગી બની જાઓ. કેમ કે એનો અર્થ એ પણ થાય કે તમારી પાસે જે છે એવા જ્ઞાનની કે આવડતની બીજા કોઈને જરૂર નથી.

       હું ભારતમાં, ખાસ કરીને મારા વિસ્તારમાં, અને જે સમૂદાય મને જાણતો હતો એ સમૂદાયમાં પણ ઘણા લોકો માટે એક ‘રોલ મોડલ’ હતો. મેં આગળ નોંધ્યું છે એમ, લોકો એમનાં સંતાનોને વાત કરતા ત્યારે મારું ઉદાહરણ આપતા. મને થયું: મારે એ બધા જ લોકોને એક કાગળ લખીને કહેવું જોઈએ કે તમે મને ‘રોલ મોડલ’ ન ગણતા. તમારાં બાળકોને મારું ઉદાહરણ ન આપતા. એમને મારી જેમ ભણવાનું ન કહેતા. એમાં પણ તમે કદી પણ એમણે ગુજરાતી ભાષા ભણવાની તો વાત તો કરતા જ નહીં. વ્યવહારુ બનજો. જ્ઞાની બનવાનો કોઈ અર્થ નથી. મને રસ્તામાં ગુજરાતી ભાષા માટે, મારી બી.એ.ની ડીગ્રી માટે, મારી એમ.એ.ની બન્ને ડીગ્રીઓ માટે તથા મારી પીએચ.ડી.ની ડીગ્રીઓ માટે નફરત થવા લાગી. મને થયું કે ઘેર જઈને એ કાગળિયાં બધાં કચરાપેટીમાં નાખી દઉં અથવા સળગાવી દઉં. મને એમ પણ થયું કે આપણે ગરીબોને ભણવાની સલાહ આપીને એમની સાથે દગો કરી રહ્યા છીએ. જે ભણતર બે સમયનો રોટલો ન આપી શકે એ ભણતરનો કોઈ અર્થ નથી. એ ઘડીએ જ મેં મારું સિનેમાનું એમ.એ. પણ પૂરું ન કરવાનો નિર્ણય લીધો. મારે એમ.એ.નું એક dissertation જ બાકી હતું. એટલે કે એક સ્વતંત્ર અભ્યાસનું પેપર જ બાકી હતું. એ કામ હું એક મહિનામાં જ પૂરું કરી શકું એમ હતો. પણ, મને થયેલું: શા માટે એક વધુ એમ.એ.? લોકો મારી ડીગ્રીઓ જોઈને હસશે. કહેશે કે જોને ત્રણ ત્રણ એમ.એ. અને એક પીએચ.ડી. તો પણ બેકાર.

રસ્તામાં મને સુઘોષના શબ્દો પણ યાદ આવી ગયા. એ વારંવાર મને એક જ વાત કહેતો: ગ્રીનકાર્ડ થઈ ગયું છે ને? તો કોઈ પણ રસ્તો નીકળશે. ભારત પાછા તો નથી જવાનું ને? પણ અમુક પ્રકારની પીડાઓ વખતે આશ્વાસન આપતા શબ્દો પણ આપણને લોહીલુહાણ કરી નાખે. આપણા ઘા પર મીઠું ભભરાવે. મરચું ભભરાવે. એટલે ગ્રીનકાર્ડ મારા માટે એક આશ્વાસન હતું. બરાબર. પણ એથી શું? એક વાર રેખાએ વાતમાંથી વાત નીકળતાં કહેલું કે જો તારી નોકરી જાય તો હું બેઠી છું. તું ઘેર બેઠાં બેઠાં તારું લખવાવાંચવાનું કામ કરજે. આપણને બે જણને કેટલું જોઈએ? એની વાત સાચી હતી. હું પણ ઘણી વાર મારા મિત્રોને કહેતો કે હું મિલિયોનર બનવા માટે અમેરિકામાં નથી આવ્યો; હું જ્ઞાન મેળવવા માટે આવ્યો છું અને જે મેળવવા માટે આવ્યો હતો એ મેં મેળવી લીધું છે. જો કે, મારી જ્ઞાનની વ્યાખ્યા જરા જુદી હતી. હું જ્ઞાન મેળવવાની આવડતને જ્ઞાન ગણું છું. જ્ઞાન કોઈ રેડીમેઈડ પેકેજ નથી હોતું. એ માણસ જ સાચો જ્ઞાની કહેવાય જેને સતત એવું લાગ્યા કરે કે એ અજ્ઞાની છે અને એણે વધારે જ્ઞાન મેળવવાની જરૂર છે. હું એ પ્રકારનો ‘જ્ઞાની’ હતો અને આજે પણ છું.

       યુનિવર્સિટીથી નીકળીને ઘેર આવતાં આવા વિચારોની વચ્ચે મને બીજા, નકારાત્મક વિચારો પણ, આવતા હતા. મને થતું હતું: હું કાર લઈને જઈ રહ્યો છું ને જો મને અકસ્માત થાય ને હું રસ્તામાં જ મરી જાઉં તો કેવું? મારે ઘેર જઈને કોઈનેય મારું મોં બતાવવું જ નહીં પડે. એ ક્ષણે મને આત્મહત્યાનો વિચાર આવ્યો. અને મેં બધું જ ભૂલી જઈને પંચાવન માઈલની ગતિમર્યાદાવાળા ધોરી માર્ગ પર નેવું માઈલની ઝડપે કાર હંકારી. મને જીવનનો કોઈ અનુભવ જ થતો ન હતો. પણ ત્રણ઼ેક માઈલ ગયા પછી કોણ જાણે કેમ મને એકાએક ભાન થયું. મારી જાત પર મને આવેલો રોષ થોડો ઓછો થયો. મેં કાર ધીમી પાડી. મને થયું કે રસ્તામાં ક્યાંક કાર ઊભી રાખી જરા રડી લઉં. એકલાએકલા પોક મૂકીને રડવાથી સારું લાગે. પણ, હાઈવે પર એવી જગ્યા ન હતી. હું મનમાં મનમાં બોલ્યો: આ દેશમાં રસ્તાઓ પર રડવાની પણ જગ્યાઓ નથી. ખૂબ ખરાબ. પછી મને થયું: હાશ, સારું થયું કે મને ઓવરસ્પીડમાં જવા બદલ કોઈ પોલીસે પકડ્યો નહીં. અત્યારે હું આ લખી રહ્યો છું ત્યારે પણ મને એવું લાગે છે કે મારો એક પગ એક્સિલેટર પર છે.

પછી હાઈવે-૭૬ પરથી US-1 પર આવતાં વચ્ચે વૉલમાર્ટ અને બીજા સ્ટોર આવ્યા. મેં કાર ત્યાં વાળી. પાર્કિંગમાં કાર પાર્ક કરી મન શાન્ત ન થાય ત્યાં સુધી હું ત્યાં જ રોકાયો. એક આંટો વૉલમાર્ટમાં પણ માર્યો. મને થયું: હું એક જમાનામાં આ વૉલમાર્ટનો ideological વિરોધ કરતો હતો. એટલે જ તો હું બને ત્યાં સુધી ત્યાંથી વસ્તુઓ ઓછી ખરીદતો. જો શક્ય હોય તો હું સ્થાનિક દુકાનોમાંથી વસ્તુઓ ખરીદતો. પણ હવે? વૉલમાર્ટમાં ફરતાં મને થયું: હવે વૉલમાર્ટ જ મારા માટે અન્નદાતા બની રહેશે. ઊંચા આદર્શો કેવળ શ્રીમન્તોને જ પરવડે. ગરીબોને નહીં.

       જો કે, હજી મને ચાર મહિના પગાર મળવાનો હતો. આરોગ્યનો વીમો પણ એટલા જ મહિના મળવાનો હતો. પછી હું સત્તાવાર બેરોજગાર બનવાનો હતો. વૉલ માર્ટમાં લટાર મારતાં મને થયેલું: ચાર મહિના તો પૂરતા છે. હું કશુંક શોધી કાઢીશ. કંઈ નહીં મળે તો ભારત પાછો ચાલ્યો જઈશ. ત્યાં પણ હવે તો ગ્લોબલાઈઝેશનને કારણે ક્યાંક નોકરી મળી જશે.

       મને થયું: ભારતનાં બે એમ.એ. મને અમેરિકા લઈ આવ્યાં; અમેરિકાના એક પીએચડીએ મને બેરોજગાર બનાવ્યો. મને મારા ભારતના ભણતર પર ગર્વ લેવાનું મન થયું.

       પછી હું વૉલમાર્ટમાંથી ઘેર આવવા નીકળી પડ્યો.

       ઘેર આવી. બહાર જાહેર રસ્તા પર કાર પાર્ક કરી. કારમાંથી ઘરના બારણા સુધી પહોંચતાં મને કદાચ એક યુગ લાગેલો. મને લાગતું હતું કે હું એક મૃતદેહ છું. હું કોઈક અજાણ્યા ઘરમાં જઈ રહ્યો છું. ત્યાં મારી કોઈને કોઈ જ જરૂર નહીં હોય. હું મારા કુટુંબને હવે ભારરૂપ બનીશ. મારા પગ થોડાક લથડતા હતા. પછી હું બારણું ખોલી ઘરમાં પ્રવેશ્યો. રેખા રસોડામાં હતી. મેં એને સમાચાર આપીને કહ્યું: મેં ભણવાની જ નહીં; મનુષ્ય દેહે જનમવાની જ ભૂલ કરી છે. તારે મારી સાથે લગ્ન કરવા જેવું ન હતું. હું હવે એક બીનઉપયોગી માણસ થઈ ગયો છું.

       રેખા લડવૈયાની જેમ બોલી: થઈ રહેશે. આટલું લડ્યાં છીએ તો થોડું વધારે.

       મને એના શબ્દો પથ્થરની જેમ વાગતા હતા. કેમ કે મને એવું લાગતું હતું કે એ મને સારું લગાડવા જ આમ કહી રહી છે.

       જીવનમાં ક્યારેક એવા બનાવો પણ બને કે એમને કારણે કોઈ સ્વજનના બોલેલા શબ્દો સાચા હોય તો પણ એ આપણને ખોટા લાગે.

       મારા જીવનમાં એવી અનેક ઘટનાઓ બની છે. આ એમાંની એક હતી. આજે પણ બની રહી છે.

3 thoughts on “મને હજી યાદ છે – ૮૨ (બાબુ સુથાર)

 1. ‘…પછી ડાયરેક્ટર યુનિવર્સિટીને પ્લીઝ કરવા જોઈએ એવો રીપોર્ટ આપે. પછી એ રીપોર્ટના આધારે યુનિવર્સિટી પેલા અધ્યાપકને કાઢી મૂકે. .’ અહીંની હાયર-ફાયર પ્રમાણે તો આ લાંબી વિધી કહેવાય
  અમારા અનેક કુટુંબી જનો અન્ર સ્નેહીઓને ફાયરની નવાઇ ન લાગે !કહેવાય છે કે પહેલા ગનથી ફાયર
  કરતા !
  રેખા લડવૈયાની જેમ બોલી: થઈ રહેશે. આટલું લડ્યાં છીએ તો થોડું વધારે…’
  વાહ્

  Like

 2. શું કહેવું કંઇ સમજાતું નથી. ભણતર કામમાં ન આવવાની તમારી વ્યથા ઊંડે સુધી ખૂંપી ગઇ.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s