હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) – ૩


કુછ લોગો કી કુછ બાતો મેં, ઇતના અસર હોતા હૈ,

કુછ દિલમેં ઉતર જાતે હૈ, કુછ દિલસે ઉપર જાતે હૈં.

 

 

 

 

 

 

 

 

 ડો. રોહિત દવે

એક ક્રિશ્ચિયન પાદરી એન્થની ડી – મેલોએ વિશ્વના ઘણા ધર્મોના અભ્યાસ પછી એક સુંદર પુસ્તક લખ્યું છે. એનું નામ છે “ધી સોંગ ઓફ બર્ડ.” ધર્મોનાં સારતત્ત્વોને એમણે એક જ પાનાની વાર્તાઓમાં મૂકયો છે. વાર્તા વાંચી તમારે જ મનોમંથન કરી એના મર્મને પકડવાનો છે. પુસ્તકનો એક સરસ પ્રસંગ યાદ આવે છે. એક ભરબપોરે, એક માછીમાર પોતાની હોડીને અઢેલીને આરામથી બેઠો હતો. ત્યાં એક મોટા શેઠ આવ્યા. માછીમારને સંબોધીને કહ્યું : ‘અલ્યા, આળસુની જેમ, કેમ પડી રહ્યો છે ? હજી તો બપોર છે, જા દરિયામાં અને બીજી ઘણી માછલીઓ પકડી લાવ.”

માછીમારે પૂછ્યું : “એથી શું થશે, શેઠસાહેબ ?

શેઠે કહ્યું : “તને એથી વધારે પૈસા મળશે.”

પ્રશ્ન આવ્યો : “એથી શું થશે ?”

શેઠનો ઉત્તર હતો કેઃ “તું બીજી હોડી અને જાળ લાવી શકીશ.”

માછીમારે એ જ પ્રશ્ન પાછો કર્યો : “એથી શું થશે ?”

શેઠે જવાબ આપ્યો : “તને વધારે પૈસા મળશે, મોટી બોટ લાવી શકીશ.”

પાછો એજ પ્રશ્ન આવ્યોઃ “એથી શું થશે ?”

શેઠ અકળાયા અને કહ્યું કેઃ “તું સ્ટીમર લાવી દરિયામાં ઊંડે જઈ શકીશ અને એથી તને ખૂબ પૈસા મળશે.”

માછીમારની પીન એ જ પ્રશ્ન ઉપર ચોંટેલી “એથી શું થશે ?”

શેઠે હરખથી કહ્યું : “તું આરામથી જિંદગી જીવી શકીશ.”

માછીમારે ખૂબ હળવાશથી પૂછી લીધું : “તો અત્યારે હું શું કરી રહ્યો છું ?”

પ્રસંગનો તાર્તિક અંત દરેક વ્યક્તિને પોતાની રીતે કાઢી જીવવાનો અધિકાર છે પરંતુ થોડામાં ઘણું માની, વર્તમાનને માણી લેવાનું ખોટું નથી – કદાચ એ જ સાચું હોઈ શકે !

સંતોષમય જીવન કદાચ ભૌતિક પ્રગતિથી દૂર રાખતું હશે પણ જે પોતાના જીવનને વધુ, આથી વધુની દોડમાંથી દૂર રાખી શકે છે તે જીવનના સૌન્દર્યને અચૂક માણી શકે છે.

આવો જ એક સંતોષી મિત્ર રોહિત દવે. પોતે ડેન્ટલ સર્જન. પત્ની જ્યોશના પણ ડેન્ટલ સર્જન. હું અને રોહિત દવે બાપુનગર હોસ્પિટલમાં ઓગણીસો ઈકોતેરમાં સાથે જ જોડાયેલા. એને કામથી કામ. સમયસર હૉસ્પિટલ આવવું, પોતાનું કામ યોગ્ય રીતે કરવું અને સમયસર પાછા જવું. વર્ષોના સંબંધ પછી મને થયું કે આવો સક્ષમ મિત્ર આખી જિંદગી નોકરી કરી ખાય એ ખોટું છે એટલે વારંવાર પ્રેક્ટિસમાં આવવા હું એને ધક્કો મારું. એ જમાનામાં ડેન્ટીસ્ટ ખૂબ ઓછા એટલે પ્રેક્ટિસ ધમધમી રહેશે એવો મને વિશ્વાસ, મારા જેવા ઉત્પાતિયા જીવને શાંતિથી બેસવું ગમે નહીં અને કોઈ અંગત વ્યક્તિ બેસે એ પણ ગમે નહીં. પરંતુ રોહિતની બ્રહ્મહઠ પાસે મારી હાર થઈ. એ એકનો બે ના જ થયો. છેવટે મેં પ્રયત્ન છોડ્યાં અને એણે અઠ્ઠાવન વર્ષ પૂરાં કરીને જ બાપુનગર હૉસ્પિટલ છોડી.

રોહિતનો એક સ્વભાવ મને ખૂબ ગમે, અને એ એની કામ પ્રત્યેની નિષ્ઠા, જે કામ એ હાથ ઉપર લે, એ કામ પતે નહીં ત્યાં સુધી એ જંપે નહીં. તમે ગમે તે કામ સોંપો- એક વાર હા પાડે પછી તમે સૂઈ જાવ અને એ જાગે. કામ પૂરું થાય જ. વધારામાં કંઈ કર્યાનું અભિમાન પણ નહીં. આવી શક્તિ વેડફાઈ જાય એ મારા જેવા વણિકપુરાને કેમ કરીને પાલવે ? ઓચિંતા જ એક રવિવારે સવારે મેં એને મારા ઘેર કોઈ પણ કારણ આપ્યા વિના બોલાવ્યો અને એ પણ પ્રશ્ન પૂછયા વિના આવી ગયો. વર્ષ હતું ઓગણીસો પંચ્યાશીનું ! નીચે હૉસ્પિટલમાં આવતાંની સાથે જ એણે વિકલાંગ દર્દીઓની ભીડ જોઈ. એની આંખમાં આશ્ચર્ય દેખાયું. એના હાથ ઉપર ઊભી થયેલી કંપન એના ચહેરા ઉપર ઊપસી આવી. મનમાં જાગેલી સંવેદના હવે એને કોઈ અંગુલીનિર્દેશ કરી રહ્યું છે એવું અનુભવાયું. મેં આ જોઈ લીધું અને તક ઝડપી કહ્યું : “રોહિત, મારે આ કાર્યને સુવ્યવસ્થિત કરવા તારી જરૂર છે. ? મારી પાસે સર્જન છે, એનેસ્થેટીસ્ટ છે, હૉસ્પિટલ છે, દર્દીઓ છે અને દાતાઓ મળી રહેશે એવો વિશ્વાસ છે પરંતુ મારે જરૂર છે એવા એક મિત્રની જે આ કાર્યનું વહીવટીય પાસું ઉપાડી લે. બધા મોરચે હું એકલો પહોંચી વળું એમ લાગતું નથી. હું એકલો કયાં સુધી…..” હજી મારું વાકય પૂરું થાય એ પહેલાં જ એણે કહી દીધું : “કોણે કહ્યું તમે એકલા છો ? હું તમારી સાથે જ છું. હવે આ કામમાંથી તમે મુકત.” મારી આંખ ભીની થઈ ગઈ. એ જ દિવસે એણે કામ સમજી લીધું અને મારી છુટ્ટી કરી દીધી.

રોહિતે તરત જ એની કાર્યદક્ષતાનો પરિચય આપી દીધો. ઑપરેશન માટે અમારી પાસે લાંબું વેઇટિંગ લિસ્ટ. અમે તારીખ આપીએ અને અભણ માતાપિતા કયાં તો ભૂલી જાય કયાં તો બીજું કામ અગત્યનું ગણીને આવે નહીં. કોઈક વાર ઘરનાં બીજાં બાળકોને કારણે આવવાનું મુશ્કેલ લાગે એટલે ઑપરેશન માટે તૈયાર થયેલા બાળકને એના નસીબ ઉપર છોડે. આ બધાનો એક જ ઈલાજ હતો, સારું કાઉન્સેલીંગ. ઑપરેશનના ફાયદા ગણાવી બાળકને ચાલતો થતો જોવાનું ચિત્ર એના મનમાં રોપી દેવાનું કામ સૌથી અગત્યનું. આ કામ રોહિતે ઉપાડી લીધું. જેને જેને તારીખ મળી હોય એ તમામ બાળકોના વાલીને રોહિત ભેગા કરે અને સમૂહમાં જ શીખવાડે અને છેલ્લે કહી દે કે જો તમે આ તક ચૂકશો તો ભવિષ્યમાં આ અપંગ બાળક પોતાની અપંગતા માટે તમને જ દોષિત માનશે, જો ગાળો બોલશે તો તમને જ દેશે માટે બધી ચિંતા છોડી- થોડી તકલીફ લઈ સમયસર આવી જશો, આ કારણથી અમારો ડોપઆઉટ રેઇટ ઘણો ઓછો થઈ ગયો.

આથી આગળ વધી એણે બીજું કામ ઉપાડી લીધું અને તે દરેક દર્દીના વાલીને ઑપરેશનની તારીખ આવે તે પહેલાં પોસ્ટકાર્ડ લખી યાદ દેવડાવવાનું. હું કહું, આપણે ઇનલૅન્ડ છપાવી દઈએ જેથી તારી મહેનત ઓછી થાય. તારે ફકત કાગળમાં તારીખ જ નાંખવાની- પણ એ માને શાને ? મને કહેઃ “જુઓ સાહેબ, પોસ્ટકાર્ડથી ચાલતું હોય ત્યાં ઇનલેન્ડ નહીં લખવાનું અને જયાં ઇનલૅન્ડથી ચાલતું હોય ત્યાં કવર નહીં વાપરવાનું. મને સમયનો અભાવ નથી અને અઠવાડિયામાં થોડા પોસ્ટકાર્ડ લખવાથી મને કંઈ નાનમ નથી આવવાની. આજે ય બિનજરૂરી ખર્ચ નહીં કરવાની પોલિયો ફાઉન્ડેશનની કાર્યપદ્ધતિ રોહિતે પાયામાં નાંખેલી વિચારધારાને આભારી છે.

રોહિતના સ્વભાવની તકલીફ એના પરિવારને ઘણી. એ જયારે કોઈ કામ હાથમાં લે ત્યારે એના મગજ ઉપર એક ધૂન સવાર થઈ જાય. ઊઠતાં–બેસતાં, ખાતાં-પીતાં અરે સ્કૂટર ચલાવતાં પણ એ જ વિચાર. આવામાં એક કેમ્પનું આયોજન અમે કરેલું. કેમ્પનું સ્થળ એક નાનકડું ગામ. સુવિધાઓનો અભાવ, સાધનોની મર્યાદાઓ અને દર્દીઓની સંખ્યા ખૂબ એટલે મેં એને ચેતવેલો કે આપણે ખૂબ ધ્યાન રાખવું પડશે. ખલાસ, આ મિત્રની ઊંઘ ઊડી ગઈ. મજાની વાત તો ત્યારે થઈ જ્યારે જ્યોસ્નાએ એને જમવામાં કારેલાનું શાક પીરસી દીધું અને વગર ફરિયાદે એ ખાઈ ગયો. વર્ષો પહેલાં એણે કારેલાં ચાખ્યા પછીય કયારેય અડકયો ન હતો.’

જોકે આવા જ માણસો ધ્યેયસિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. દાનમાં આવેલા એક એક રૂપિયાનો સદ્ઉપયોગ કરવો જ પડે એ સિદ્ધાંત આજના મૉર્ડન જમાનામાં જુનવાણી ગણાય છે, પરંતુ પોલિયો ફાઉન્ડેશન પ્રગતિશીલ હોવા છતાંય દાનના એક એક રૂપિયાના યથાયોગ્ય ઉપયોગથી સમાજમાં ઉચ્ચસ્થાન પ્રાપ્ત કરી શકયું છે તે આવા મિત્રો, કાર્યકર્તાઓના પ્રદાનને કારણે જ.

રોહિતની વિશેષતા એ હતી કે એ ઇશારે સમજી જાય. અમારા બંને વચ્ચે કહ્યા વિના સમજી જવાની આવડત વિકસી ગયેલી. આજથી વર્ષો પહેલાં જ્યારે મોબાઇલ અને ઇન્ટરનેટનું માધ્યમ ન હતું ત્યારે કૅપ્સનું આયોજન સરળ ન હતું. પહેલાં દાયકામાં અમે ખૂબ કૅમ્પ કરતાં. દરેક કૅમ્પમાં નવા પ્રશ્નો આવે જ છતાં યે રોહિતે સામાન્ય પ્રશ્નોનું લિસ્ટ બનાવી એના ઉકેલ તૈયાર કરી નાંખ્યા. એક સ્ટાન્ડર્ડ ચાર્ટ બનાવી દીધો , ચેક લીસ્ટ તૈયાર કરી દીધું જેમાં પ્રચાર- પ્રસારની પત્રિકાઓ– પોસ્ટરની માહિતી પણ હોય. સાધનોનું લિસ્ટ સામેલ હોય. આવનાર ટીમના સભ્યોની સંખ્યા અને કાર્યપદ્ધતિ તથા સગવડની જરૂરિયાતની માહિતી પણ હોય. કેમ્પ પહેલાં સ્થાનિક સંસ્થાને બધું જ પહોંચી જાય. દરેક કેમ્પમાં જયારે કામ ચાલતું હોય ત્યારે બે કલાક આગળનું વિચારી લે. શું જોઈશે એની તૈયારી એની પાસે હોય જ. કેમ્પ માટે રોહિતે સિસ્ટીમ સેટ કરી રાખેલી. મુશ્કેલ પરિસ્થિતિઓનો નિવેડો લાવવાનું કામ અમારા બંનેનું.

ડૉકટરોને મેડિકલ સિવાય બીજું કંઈ કામ આપવાનું નહીં એટલે અમે બીજી કાર્યકર્તાઓની ટીમ પણ સાથે રાખીએ. બધાને સંપૂર્ણ માહિતી આપી હોય, કામની વહેંચણી પણ થઈ ગઈ હોય . રોહિતનો નિયમ કે કૅમ્પના સ્થળ ઉપર પહોંચીએ ત્યાં સુધી પિકનિક. ખાવા-પીવા અને મસ્તીમજા જ કરવાની પરંતુ જેવા કેમ્પના સ્થળે પહોંચીએ એટલે મિલિટરી ડિસિપ્લિન. ચૂપચાપ દરેક પોતાના કામે ગોઠવાઈ જાય, પાછા આવતાં મારો નિયમ કેમ્પનું પૃથક્કરણ કરવાનો. બધા જ બોલે અને એથી ભવિષ્યનો કેમ્પ વધારે સારો થાય.

રોહિત સાથે એક વાર સંભારણાં વાગોળતા બેઠા હતા ત્યારે મેં એને પૂછ્યું : અલ્યા, હું તો પાગલ હતો પણ તું કેમ મારી સાથે પાગલ થયો ?” એનો જવાબ હતો : “સાહેબ, તમારા ત્યાં પહેલી વાર હૉસ્પિટલમાં આવ્યો અને અસંખ્ય વિકલાંગોને તમારી સાથે વળગેલા જોયા ત્યારે મારી આંખ પણ ભીની થઈ હતી. મને થયું કે આ અજ્ઞાન-અભણ માણસોએ જાણે અજાણે પોતાનાં બાળકોને પોલિયોની રસી પીવડવી નહીં અને એનો ભોગ બન્યાં આ ભૂલકાંઓ. મારા મનમાં પારાવાર વેદના હતી અને સંસ્થાનું કામ આવા અપંગોને પોતાના પગે ચાલતા કરવાનું હતું. આ તો મારી હદયના ઊંડાણમાં પડેલી એક સુષુપ્તા ઇચ્છા હતી અને એ દિવસે મને ધક્કો લાગી ગયો. બસ, બીજી ઘડીની રાહ ના જોઈ. ડર એ હતો કે ઘરે જાઉં અને વિચાર બદલાઈ જાય તો ? એટલે એ દિવસથી પોલિયો ફાઉન્ડેશનનો સૈનિક બની ગયો.

રવિશંકર દાદાએ કહ્યું હતું કે સાંજ પડે તારી જાતને પૂછ કે તું આજે કોને કેટલો ખપ્યો ? એ જ દિવસથી આજ દિન સુધી આ સંસ્થા દ્વારા કોઈને ખપવાનો પ્રયાસ કરી રહ્યો છું.”

સમાજ માટે ખપી છૂટનાર આવા સામાન્ય દેખાતા પરંતુ સાચા અર્થમાં વિશેષ ગણાય એવા માનવીઓ સમાજ અને સંસ્થા માટે મોટી મૂડી સમાન છે. આવા અનેક સજજનો સંસ્થાને મળ્યા છે એ સંસ્થાનું સદ્ભાગ્ય જ ગણાય ને ? પોલિયો ફાઉન્ડેશનનું ટ્રસ્ટ શરૂ થયું ઓગણીસો સત્યાસીથી અને એના પાયાના સ્થાપકમાં ડૉ. રોહિત દવેનું નામ મારા હદયમાં આજ સુધી અંકાયેલું પડ્યું છે.

3 thoughts on “હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) – ૩

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s