રેખા ભટ્ટીની વાર્તાઓ –૨


આશા અને વિજય

ગંગાપ્રસાદની ચાની દુકાન નવસારી રેલવે સ્ટેશન સામે જ. ઘણા વારસો પહેલા તેની ત્યાં જ ચાની લારી હતી. તેની ચા વખણાતી એટલે લારી સારી ચાલતી પછી ત્યાં જ તેણે દુકાન કરી. વર્ષોથી એક ધારી કવોલિટી એટલે ઘરાકી ઘણી અને એટલે જ તે લારીમાંથી દુકાન કરી શક્યો હતો. આટલા વર્ષે પણ કોઈને તેના વિષે જાજી ખબર ન હતી કે તે કોણ છે? ક્યાંનો મૂળ રહેવાસી છે? કેટલાક લોકોને તો ચા પીવા સાથે જ મતલબ હતો; તો કેટલાક ખંણખોદીયા એમ માનતા કે નામ પરથી તો લાગે છે કે તે બિહારનો હોવો જોઈએ. તો બીજો ખણખોદીઓ પૂછતો પણ તો આટલા વર્ષમાં ક્યારેક તો બિહાર જાય ને? છેલ્લા કેટલાય વર્ષોથી કોઈએ તેને સવારના પાંચ થી રાતના અગ્યાર સુધી આ દુકાન સિવાય ક્યાંય જોયો નથી. રાતે ઘરે જાય. બપોરે તેનો દીકરો વિજય  ટિફિન આપી જાય. તો કોઈ વળી કહેતું બિહાર જાય તો પોલીસ કદાચ વોરંટ બજાવે તેવું કૈક હશે. કોણ જાણે કોઈકનું ખુન બુન કરીને ભાગી આવ્યો હશે. તો કોઈ કહેતું દાળમાં કાળું તો છે જ. કેટલાક તેના દીકરાને પૂછવાની કોશિશ કરતા. પણ દીકરો અઢી વરસનો હતો ત્યારથી તો અહીં જ છે. તેને પણ કઈ જ ખબર નહોતી.

આમ ગંગાપ્રસાદનું રાઝ ગૂંચવાતું જતું. ગંગાપ્રસાદને કોઈ મિત્રો પણ ન હતા. તે બહુ જ ઓછું બોલતો; માત્ર સ્મિત કર્યા કરતો. ચાની લારી વખતે પણ કોઈ નોકર ન હતો અને દુકાન કર્યા પછી પણ કોઈ નોકર ન હતો. તે જાતે જ ચા બનાવતો. જાતેજ સર્વ કરતો અને જાતે જ કાઉન્ટર પણ સંભાળતો. તેનો યુવાન દીકરો હવે તો કોલેજમાં આવી ચુક્યો હતો. ગંગાપ્રસાદની પત્ની વિષે કોઈને કઈ જ માહિતી ન હતી. વિજયને પણ નહિ. વિજય પૂછતો પણ ગંગાપ્રસાદ ક્યારેય જવાબ આપતો નહિ.  ઘરમાં તેનો એકેય ફોટો પણ ન હતો. ગંગાપ્રસાદ માનતો કે વિજયે ભણીગણીને ખુબ જ આગળ વધવું જોઈએ એટલે તે તેને ચાની દુકાન પર પણ આવવા દેતો નહિ.

વિજયને તેની સાથે જ ભણતી આશા ગમતી. આશા ભાવનગરની હતી અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી. આશાને પણ વિજય ગમતો. બંને એક બીજાને ખુબ જ ચાહતા હતા. આશાને લોન્ગ ડ્રાઈવ પર જવું બહુ જ ગમતું. તે વિજયની મોટર સાઇકલ પર એકાંતરે તો લોન્ગ ડ્રાઈવ પર જતી જ. અને જેવી મોટર સાઇકલ શહેરની બહાર જાય ત્યારે વિજયને વળગીને બેસી જતી. આમ વિજયને વળગીને બેસવાનું તેને ખુબ જ ગમતું. વિજય પણ મોટરસાઇકલ ક્યારે શહેરની બહાર નીકળે તેની આતુરતા પૂર્વક રાહ જોતો. બંને અવારનવાર ફિલ્મ જોવા પણ જતા. તેમના 3 થી 4 કોમન ફ્રેન્ડ્સ પણ હતા તેમની સાથે પિકનિકમાં પણ જતા. અને એક વાર તો પાવાગઢ માઉન્ટેન ટ્રેકિંગ પણ કરી આવ્યા. વિજય નાનો હતો ત્યારથી એક આયા વિજયાબેન તેને ત્યાં નોકરી કરતા। વિજય મોટો થઇ ગયા પછી પણ તેજ ઘરમાં બધું કામ કરતા. તેમને ગંગાપ્રસાદ સાથે મળવાનું ભાગ્યે જ બનતું. એક દિવસ તેઓ ગંગાપ્રસાદની દુકાને જઈ ચડ્યા. આટલા વરસમાં ક્યારેય તેઓ દુકાને ગયા ન હતા. એટલે વાત કૈક ગંભીર હોવી જોઈએ તેમ સમજીને ગંગા પ્રસાદ પ્રસ્નસૂચક નજરે તેમની પાસે આવ્યો. વિજયા બહેન બોલ્યા ”ભાઈ તમારું ધ્યાન તો રાત દિવસ ધંધામાં જ હોય છે પણ મારા પતિ કહેતા હતા કે વિજય આજકાલ એક છોકરી સાથે અવારનવાર દેખાય છે એટલે આજે તો મેં પણ બરાબર ધ્યાન રાખ્યું. ભાઈ વાત સાચી છે બસ એટલું જ કહેવા આવી છું.”

ગંગા પ્રસાદ તેની ટેવ મુજબ કઈ બોલ્યો તો નહિ પણ તેની આંખોના ભંવા તંગ થઇ ગયા. તે દિવસે રાત્રે તે 11 ને બદલે 9 વાગે ઘરે ગયો અને વિજય સાથે વાત કરી કે આ છોકરી કોણ છે. વિજયે બધી જ પેટછૂટી વાત કરી દીધી. પણ ગંગા પ્રસાદે વિજયને કાલથી આ છોકરીને મળવું નહિ એવો હુકમ કરી દીધો. ગંગા પ્રસાદનું આવું વર્તન વિજય માટે આશ્ચર્યકારક હતું.

વિજયને આખી રાત ઊંઘ ન આવી. સવારના 4 વાગ્યા સુધી તે અત્યંત દુઃખી હૈયે હવે શું કરવું તે વિચારી રહ્યો. તેના પપ્પાએ ખુબ જ મહેનત કરીને તેને કોલેજ સુધી ભણાવ્યો હતો. તે પોતાના પપ્પાની બહુ જ ઈજ્જત કરતો હતો અને તેમને ખુબ જ પ્રેમ પણ કરતો હતો. સવારે 4 વાગે તેની આંખ મળી ગઈ તેને ઝોકું આવી ગયું અને જયારે તે ઉઠ્યો ત્યારે 9 વાગી ચુક્યા હતા. વિજયાબેનને આવવાનો ટાઈમ થઇ ગયો હતો. કાલની વાત વિષે વિચાર કરતા તે ફરીથી ખુબ જ દુઃખી થઇ ગયો. વિજયાબેન આવ્યા અને 12 વાગે ગયા પણ ખરા. વિજયને બપોરની કોલેજ હતી. જમવા બેઠો પણ તેને જમવાનું બિલકુલ ભાવ્યું નહિ. તે ટિફિન લઈને દુકાને આપીને નીકળ્યો. પણ તેને કોલેજ જવાનું મન થયું નહિ. તે નિરૃદેશ્ય આમથી તેમ આંટા મારતો રહ્યો. આશા કોલેજમાં તેની રાહ જોઈ રહી હતી. વિજયને ખબર હતી કે આશા તેને ફોન કરશે જ. પણ તે તેને શું જવાબ આપશે? બીજા મિત્રો પણ તેને કોલેજ નહિ જુએ એટલે ફોન તો કરશે જ; આમ વિચારીને તેણે મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો. આમનામ 3 થી 4 દિવસ વીતી ગયા. આશા બેબાકળી બની ગઈ. તેણે દીપકને કહ્યું ”યાર, તું તેના ઘરે જઈને જો તો ખરો તે કેમ કોઈના ફોન ઉપાડતો નથી; કે કોલેજ પણ આવતો નથી?” પણ વિજયને શંકા હતી જ કે કોઈ ને કોઈ તેને ઘરે પણ આવશે જ. એટલે તે ખાસ ઘરે રહેતો જ નહિ. બસ નિરુદ્દેશ્ય આમતેમ રખડ્યા કરતો. પરીક્ષા માથા પર હતી એટલે બધા જ વાંચવામાં મશગુલ થઇ ગયા. પણ આશાનું મન વાંચવામાં લાગતું નહિ. તે ચુપચાપ રડ્યા કરતી. આશાએ જેમ તેમ પરીક્ષા આપી. તેણે જોયું તો વિજય તો પરીક્ષા આપવા પણ ન આવ્યો. અમંગળની આશંકાઓએ આશાને ઘેરી લીધી. પરીક્ષા પુરી થતા વેકેશનમાં તે ભાવનગર જતી રહી.

આશાએ ઘણા વખત પહેલા કોલેજ બદલીને જો ભાવનગરમાં જગ્યા હોય તો પોતાને ભાવનગર શિફ્ટ કરી આપવી એવી અરજી કરેલ હતી. તેનો જવાબ આવી ગયો અને નવા સેમેસ્ટર થી તેને ભાવનગર કોલેજમાં ભણવાનું હતું. તેના મમ્મી પપ્પાને અને ઘરના બધાને આનાથી ખુબ જ આનંદ થયો. આનંદ ન થયો એક માત્ર આશાંને. તે હજી પણ વિજયને ફોન કર્યા કરતી પણ તેનો ફોન બંધ આવતો અને તે દર વખતે રડી પડતી.

દિવસો વીતતા ગયા. વિજય કોલેજે જતો નહિ અને રખડ્યા કરતો તે વાત વિજયાબેનના ધ્યાનમાં આવી. તેમણે વિજયને સમજાવવાની ઘણી કોશિશ કરી; પણ વિજયનું મન ક્યાંય માનતું નહિ. આખરે થાકીને ફરીથી વિજયાબેન ગંગાપ્રસાદની દુકાને ગયા અને બધી વાત કરી. પોતાની આદત મુજબ ગંગાપ્રસાદ કઈ બોલ્યો નહિ; પણ તેના મોઢા પર ચિંતાના વાદળો ધસી આવ્યા. તે દિવસે પણ ગંગાપ્રસાદ ઘરે વહેલો આવ્યો, વિજયને સામે બેસાડીને બહુ જ પ્રેમથી તેને સમજાવવાની કોશિશ કરી. વિજયે કહું ”પણ પપ્પા આમાં આશાનો બિચારીનો શું વાંક? અને તમે શા માટે મને આશાની ના પાડી? કોઈ ખુલાશો પણ ન કર્યો? તમે આશાને જોઈ પણ નથી; અને એકદમ જ ના પડી દીધી? શા માટે પપ્પા શા માટે? પપ્પા મારે શું સમજવું?” બાપનું હૈયું દીકરાના વલોવાતા દિલને જોઈ રહ્યું. બંનેની આંખો ભીની થઇ આવી.

ઓછાબોલો ગંગાપ્રસાદ દુઃખી હૈયે કઈ પણ બોલ્યા વગર જ ઉભો થઇ ગયો. લાગલગાટ 7 દિવસના મનોમંથન પછી ગંગાપ્રસાદે વિજયને કહ્યું ”વિજય હું તે છોકરીને મળવા માંગુ છું. મારાથી તારું આ દુઃખ જોઈ શકાતું નથી.” વિજયનું હૈયું ખુશીનું માર્યું એક ધડકારો ચુકી ગયું. રાત ઘણી વીતી ચુકી હતી. બીજે દિવસે સવારે તેણે પોતાનો મોબાઈલ ચાલુ કરી આશાનો નંબર લગાવ્યો. આશા તો વિજયનું નામ સ્ક્રીન પર જોઈને ઉછળી પડી. વિજયે બધી વાત કરી તો આશાએ કહ્યું કે તે તો ભાવનગર કોલેજમાં શિફ્ટ થઇ ગઈ છે. વિજયે બધી વાત તેના પપ્પાને કરી. આશાનું ભાવનગરનું સરનામું લઈને ભાવનગર જવું એવું નક્કી થયું. આશાએ પણ ઘરે વાત કરી. તારીખ નક્કી થઇ અને તે દિવસ પણ આવી ગયો. બંને યુવાન હૈયાના આનંદની તો શું વાત કરવી. અને આશા બસ સ્ટેન્ડે તેમને લેવા સામે આવી હતી. આશાને જોઈને ગંગાપ્રસાદનું  હૈયું ઠર્યું. બધા આશાને ઘરે પહોંચ્યા.

આશાના પપ્પા તેઓની રાહ જ જોઈ રહ્યા હતા. જેવો ગંગાપ્રસાદને જોયો કે તેઓ તાડુકી ઉઠ્યા ”તું ? ગેટ આઉટ હરામખોર. તારી હિમ્મત કેવી રીતે થઇ મારા ઘરે આવવાની?” વીજય અને આશા તો એકદમ આભા જ બની ગયા. એકપણ શબ્દ પ્રગટ સ્વરૂપે બોલ્યા વગર મનમાં ને મનમાં ગંગા પ્રસાદ બબડ્યો ”મને આ જ બીક હતી” અને તે, તે જ ક્ષણે પાછો વળી ગયો. હતપ્રભ વિજય પણ તેની પાછળ ઘસડાયો. દિગ્મૂઢ આશા તેઓને જતા જોઈ રહી. થોડી ક્ષણો આમ જ પસાર થઇ. આશાને કળ વળતા વાર  લાગી. તેના પપ્પાએ બહુ જ પ્રેમથી પોતાની એકની એક વહાલી દીકરીના માથા પર હાથ ફેરવીને કહ્યું ”બેટા તું નથી જાણતી કે આ ગંગાપ્રસાદ કોણ છે?’’

‘’હું અને ગંગાપ્રસાદ બંને આર્મીમાં સાથે જ હતા. ગંગાપ્રસાદને એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેણે તેની સાથે લગ્ન પણ કર્યા હતા. આ છોકરી તો દુશ્મન દેશની જાસૂસ હતી; અને ખાસ મિલ્ટ્રીના ઓફિસરોને હનીટ્રેપમાં ફસાવવાની ટ્રેનિંગ સાથે ભારત આવી હતી. પછી તો આપણા દેશના એકપછી એક રાઝ દુશ્મનોની જાણમાં આવતા ગયા. આપણું મિલિટ્રી ઇન્ટેલિજન્સ પણ કામે લાગી ગયું અને ગંગાપ્રસાદની પત્નીની કરતૂતોનો પર્દાફાશ થઇ ગયો. બંનેની ધરપકડ થાય તે પહેલા તેની પત્નીને છુપી બાતમી મળી જતા તે નાશી છૂટી. ગંગાપ્રસાદની ધરપકડ થઇ અને તેને સજા પણ થઇ અને તેને મિલ્ટ્રીમાંથી કાઢી મુક્યો, આવા દેશદ્રોહી ગદ્દારના દીકરા સાથે મારે મારી દીકરીનો સંબંધ કરવો તેના કરતા તો મોતને વહાલું કરી લેવું સારું. તું મારી ભાવનાઓને સમજી શકતી હોઈશ બેટા.”

‘’બેટા તને તો ખબર જ છે કે હું એક પ્રખર દેશભક્ત છું અને મને વિરતા પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે.” આશા તેના પિતાની વાત ઉદાસ ચિત્તે સાંભળી રહી. વિજયને કોઈ જ વાતની ગતાગમ પડતી ન હતી. તેને માત્ર એટલી ખબર પડી કે આશાના પપ્પા તેના પપ્પા ને બહુ જ સારી રીતે જાણે છે. તેણે તેના પપ્પા ને પૂછવાની ઘણી કોશીશો કરી પણ તેને કોઈ જ સફળતા ન મળી.

છેવટે ત્રણ દિવસ પછી તેણે આશાને ફોન લગાવ્યો. આશાએ તેને બધી જ વાત કરી. અને હવે પછી ક્યારેય ફોન ન કરવા કહ્યુ. ઉદાસ મને વિજય સામે છેડે થી કપાઈ ગયેલા મોબાઇલ સામુ જોઈ રહ્યો. ત્યાર બાદ વિજયે આશાનો અનેકવાર સંપર્ક કરવાની કોશિશ કરી પણ આશાએ એક પણ વખત ફોન ઉપાડ્યો નહી.

દિવસો વિતતા ગયા. વિજયનુ આવારાપણુ વધતુ ચાલ્યુ. આ વાતથી વીજયાબેન બહુ જ દુખી થઈ ગયા. તેમણે વિજયને પોતાના દિકરાની જેમ પ્રેમ કર્યો હતો. વિજયની સ્થિતિ તેમનાથી જોઈ ન શકાઈ. તેમણે વિજયને આશ્વાસન આપતા કહ્યુ કે તે આશાને ફોન કરશે અને તેને સમજાવશે.

આશાનો નંબર વિજય પાસેથી મેળવી વિજયાબેને પોતાને ઘરે જઈને આશાને ફોન કર્યો. તેમણે આશાને સમજાવ્યુ કે તેઓ કોણ બોલે છે. તેમણે આશાને ઘણી સમજાવી. અને છેવટે તેમણે કહ્યુ “જે કંઈ પણ બન્યુ છે તેમાં વિજયનો તો કોઈ વાંક નથી ને? બેટા તેં વિજયને પ્રેમ કર્યો છે. અને પ્રેમની પહેલી શરત એ છે કે સામેની વ્યક્તિ જેવી છે તેવી તેને સ્વીકારી લેવી”

અવારનવારની એક મહીના સુધીની સમજાવટ પછી આશાએ ડરતા ડરતા તેના પપ્પાને વીજયાબેનના કહેવાથી ફોન આપ્યો. ખુબ જ લાંબી સમજાવટ અને એકની એક દીકરીની હાલત જોઈને આશાના પપ્પાનુ દિલ પીગળ્યુ અને તેમણે સાચા પ્રેમની જીતને સ્વીકારી. રંગેચંગે આશાના અને વિજયના લગ્ન થયા.

સુહાગ રાત્રે આશાએ કહ્યુ “મારાથી દુર જ રહેજે. તારા જેવા ખોટાબોલા એ મારી પાસે પણ ન આવવુ.” વિજય કંઈ પણ સમજ્યો નહી તેણે કહ્યુ “હું શું ખોટુ બોલ્યો? ” આશા એ કહ્યુ “એક વાર નહી સાડી સત્તર વાર જુઠ્ઠો જુઠ્ઠો જુઠ્ઠો. તું તો કહેતો હતો ને કે મારે તો મમ્મી નથી. પણ તારી આ વિજયા મમ્મી જેવી મમ્મી તો કોઈ ને પણ ન હોય.” કહેતા જ તે વિજયની બાહોં મા સમાઈ ગઈ.

—–રેખા ભટ્ટી

                                         —–0—-

3 thoughts on “રેખા ભટ્ટીની વાર્તાઓ –૨

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s