હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) – ૨


એ ન ચાલે, ચાલવા દે પણ નહીં

એક પણ પગલું ગલત, એ કોણ છે ?

              ડો. પ્રકાશ અમીન

અમારી ટીમના ખૂબ નિષ્ઠાવાન અને પોતાના વ્યવસાયની ઉચ્ચતમ કુશાગ્રતા ધરાવતા તબીબોની ઑપરેશનની કામગીરી અને ત્યાર બાદની સારવાર અને એ પણ વિના મૂલ્ય મળતી હોય, પરિણામો અદ્દભૂતઆવતાં હોય ત્યારેલાભાર્થીઓની લાઇન લાગે એ તદ્દન સ્વાભાવિક છે. રવિવારની અમારી પોલિયો ફાઉન્ડેશનની કાર્યવાહીનો આશય એટલો જ હતો કે પોલિયોથી અપંગ થયેલાં વધુમાં વધુ બાળકોને નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક સારવાર આપવી. અમે બધા જ એને કર્મયોગ માનતા. સંપૂર્ણ અપેક્ષારહિત ભાવથી સહુ, માનવસેવાની આ તક મળે છે એ માટે ધન્યતા અનુભવતા.

એકાદ વર્ષને અંતે અમારું વેઇટિંગ લિસ્ટ બે-ત્રણ વર્ષ સુધી લંબાઈ ગયું. અમારા માટે સ્થળ અને સમયની મર્યાદા. સામે પક્ષે અપેક્ષાઓનો પહાડ. અમેબધા જ પ્રેક્ટિસમાં વ્યસ્ત એટલે બધી મર્યાદાઓ સમજીએ. પણ મારા મનમાં તોફાન જાગે. એક વખત વિચાર આવ્યો કે આટલા બધા દર્દીઓને આપણે જગ્યાના અભાવે સેવા આપવા રાહ જોવડાવીએ છીએ તો શા માટે આપણે નાનાં મોટાં શહેરોમાં જઈ કેમ્પ ના કરવા ? મેં આ વિચાર મૂકયો અને સહુ પ્રથમ ડૉ. પ્રકાશ અમીન ભડકયા. સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. “સાહેબ, આ કેટરેકટ કૅમ્પ નથી કે તે ગમે ત્યાં થઈ શકે. અહીં આપણે કોઈની જિંદગી સાથે રમીએ છીએ. હાડકામાં ચેપ લાગી જાય તો કાયમ માટે દર્દી પીડાય. એની સેવા કરતાં કુસેવા વધુ થાય એટલે એ વિચાર માત્ર ખંખેરી નાંખો.” ડૉ. પ્રકાશ અમીન, ઑર્થોપેડીક સર્જરીમાં એસો. પ્રોફેસર તરીકે કામ કરી ચૂકેલા અને ગુણવત્તામાં કયારેય કસર ના રાખે કે ના રાખવા દે. કેમ્પ સર્જરી માટેનો સ્પષ્ટ અભિપ્રાય આપી એ કામે ચઢી ગયા પરંતુ મારા મગજમાં વિચારોના વંટોળ સર્જી ગયા. હું પણ સર્જન એટલે ગુણવત્તાનું મૂલ્ય જાણું, એનેસ્થેસિયાનું જોખમ પણ સમજું. સાથે સાથે આંકડાની મોહજાળમાં પડવાના બદલે જેટલું થાય એટલું સારું જ થાય એવું માનું. ખૂબ મનોમંથનના અંતે મેં પ્રકાશભાઈને પૂછ્યું : “તમારે ગુણવત્તા જાળવવા શું જોઈએ ?” જવાબ સીધો અને ત્વરિત. “અહીંના જેવું ઓપરેશન થિયેટર, ટ્રેઇન્ડ સ્ટાફ, પાછળની સારવાર,કેલિપર્સની વ્યવસ્થા. “મેં સામે પૂછી લીધું : “ધારો કે તમને એ બધું જ મળે તો?” તો હવે એ ગૂંચવાયા. હજી મારા શબ્દોમાં વિશ્વાસ ન પડ્યો એટલે હસીને કહે તમે એક તો કરી બતાવો, બાકીની વાત પછી. સાથે સાથે બીજા વાકયમાં ચેતવણી પણ આપી દીધી કે સહેજ પણ કચાશ હશે તો અડધેથી છોડીને અમે બધા પાછા આવી જઈશું.

મારા માટે આ પડકાર હતો. સહુને સંતોષ અને આનંદ થાય એવો પહેલો કૅમ્પ સિદ્ધપુરમાં થયો. ત્યારબાદ બીજા એકસો ને ચોસઠ કેમ્પ આજ લગી થયા. બધું સાજું સમું ઊતર્યું. ડૉ. પ્રકાશ અમીને ગુણવત્તાને નિયમ બનાવી દીધો. સ્વામી વિવેકાનંદના શબ્દમાં “નિયમ, એટલે પરંપરાનું પુનરાવર્તન.” બસ એમ જ ‘Quality’ became our keyword. અમે હંમેશાં માનીએ કે ગરીબને પણ કયારેય Second best ના મળવું જોઈએ. આ અમારો નિયમ બની ગયો.

ડૉ. પ્રકાશભાઈ પછી તો બે રાત-ત્રણ દિવસના કેમ્પની જવાબદારી ઉપાડી લે. એમની અને તમામ ડૉક્ટર્સની પ્રાઇવેટ પ્રેક્ટિસ છતાં એ બધા હસતા મોઢે, નુકસાન વેઠીને પણ કેમ્પમાં આવે.

‘કર્મયોગ’ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે જગતમાં જોવા મળતા માનવીઓના ચાર વર્ગ બતાવ્યા છે.

પ્રથમ દેવતુલ્ય, જે સંપૂર્ણ સ્વાર્થ ત્યાગથી, પોતાનું નુકસાન થાય તો તે વેઠીને પણ અન્યનું શુભ કરે. બીજા ક્રમે સારા માણસ, જે પોતાને હાનિ ન થાય ત્યાં સુધી બીજાનું શુભ કરે.

ત્રીજા ક્રમે આવનારા માણસો પોતાના લાભ સારુ બીજાને હાનિ કરે.

ચોથા પ્રકારના માણસો હાનિ કરવા ખાતર બીજાને હાનિ કરે.

અમારા તમામ સાથી તબીબ મિત્રો દેવતુલ્ય. એમાંયે ડૉ. પ્રકાશ અમીન અવ્વલ. સેવાને ગુણવત્તા સભર બનાવનાર મંત્ર આપનાર એ. પોતે ઈશ્વર કે મૂર્તિપૂજામાં ન માને પણ માનવી માત્રને મદદરૂપ થવા બધું જ કરી છૂટે. અભ્યાસ અને વ્યવસાય, બંનેમાં આજસુધી અવ્વલ રહ્યા છે. વિષયમાં રોજ નવું શીખવાની એમની ધગશ પ્રશંસનીય છે. સમયનો ખૂબ અભાવ પરંતુ એક વાર હળવાશના સમયે અમે પચ્ચીસ-ત્રીસ વર્ષના સાથે ગુજારેલા સમયને વાગોળતા હતા ત્યારે એમણે પોતાની લાગણીઓના પ્રવાહને ધોધની જેમ વહેવડાવી દીધ.

“સાહેબ, પોલિયો ફાઉન્ડેશનમાં નિ:શુલ્ક સેવા આપવા તમે મને આમંત્રણ આપ્યું ત્યારે હું સિવિલ હૉસ્પિટલમાં પૂર્ણકાલીન ઑર્થો. સર્જન હતો. પિતાજી કાયદામાં માનનાર, સરળ પણ આધ્યાત્મિક જીવન જીવતા માનવી એટલે મને સૂચના આપી કે તારે સરકારને જાણ કરવી જોઈએ. મને અસંખ્ય તકલીફો પડી પરંતુ કાયદાની મર્યાદામાં રહીને જ કામ કરવાનું બળ એમણે મને આપ્યું. અહીં મારા સંસ્કાર ખીલી ઊઠવા માટેનું આકાશ મળ્યું.

બીજું મને પોલિયો ફાઉન્ડેશને ખૂબ આપ્યું છે. એક તો મારા વ્યવસાય થકી જરૂરિયાતમંદોનું કાર્ય હું અહીં કશાય બંધન વિના કરી શકું છું. જે સગવડ માંગું તે મળે છે. નવું કરવાની અહીં પૂરેપૂરી સ્વતંત્રતા છે એથી મનોમન આનંદ અનુભવું છું.

મેં એમને રોકીને કહ્યું : ઑપરેશનની નવી પદ્ધતિ વિકસાવી તમે, ડૉ. કલ્પન દેસાઈ તથા અન્ય ડોક્ટરોએ કેવું કામ કર્યું છે તે યાદ દેવડાવ્યું. “યુ.કે ના નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન ડો. વિલિયમે, એન્કલ માટે એક પદ્ધતિ વિકસાવી હતી. તમે એ જ પદ્ધત્તિને મોડીફાઇડ કરી વધારે સારાં પરિણામ આપ્યાં હતાં. ડૉ. વિલિયમ જ્યારે અમદાવાદ ભગત નર્સિંગ ઉપર આવ્યા અને એમની જ પદ્ધતિનું મોડીફાઇડ વર્ઝનના પરિણામો જોયાં ત્યારે આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા.” નમ્રતાથી પ્રકાશ અમીને આ પ્રશંસાનો સ્વીકાર કર્યો પણ જશ તમામ સાથીઓને વહેંચી દીધો. પ્રકાશભાઈ પાછા પોતાની વાત ઉપર આવી ગયા.

સાહેબ, અહીં કામ કરતાં કરતાં અને જીવનની ઘણીબધી બાજુઓને વિકસાવી શક્યા છીએ. તમારી સાથે કામ કરતાં કરતાં એટલું બધું શીખ્યો છું જે મારા માટે ખૂબ ઉપયોગી બન્યું છે. મને યાદ છે કે પ્રાંતિજના એક કેમ્પની પૂર્ણાહૂતિ પ્રસંગે તમે મને ઓચિંતા જ બોલવા ઊભો કરી દીધો. મને ખબર ન પડી કે હું કેવું બોલ્યો પણ તમે ધક્કો મારી દીધો અને ત્યાર બાદ હું, ગમે ત્યાં ગમે ત્યારે બોલવાનું આવે તો આત્મવિશ્વાસથી બોલું છું.’

બીજો એક એમનો વ્યક્તિગત-કૌટુંમ્બિક પ્રસંગ એમની સ્મૃતિઓના ભંડારમાંથી બહાર આવી ગયો. “વર્ષો પહેલાં મારી દીકરીનું આરંગેત્રમ હતું. મારા પરિવાર માટે પણ આ મોટો પ્રસંગ હતો. ટાગોર હૉલમાં દીકરીનો સોલો પરફોમન્સ હતો. મેં આમંત્રણ આપેલા તેમાંથી અપેક્ષિત સહુ હાજર. હોલ ચિક્કાર. દીકરીએ ઉચ્ચતમ કક્ષાના નૃત્યથી આરંગેત્રમને નયનરમ્ય અને ચિત્તાકર્ષક બનાવ્યો. સામાન્ય રીતે આરંગેત્રમના કાર્યક્રમમાં આમંત્રિતો હાજરી પુરાવી નીકળી જાય છે પણ અમારાપ્રસંગે એક પણ વ્યક્તિ કાર્યક્રમ પૂરો ન થયો ત્યાં સુધી હોલ છોડીને ગયો નહીં. તમારું ટૂંકું પ્રવચન બહુ યાદગાર રહ્યું. બપોરના આટલા બધા લોકોનો ભોજન સમારંભ સરસ રીતે પાર પડ્યો. મારા અને મારા પરિવાર માટે આ પહેલો જ પ્રસંગ હતો અને જયારે ભાર વિના, આપો આપ બધું ગોઠવાઈ ગયેલું જોયું ત્યારે મને આશ્ચર્ય થયું. વિચારને અંતે સમજાયું કે આ આયોજન શકિત તો પોલિયો ફાઉન્ડેશનમાં તમારી સાથે કામ કરતાં કરતાં આવી ગઈ હતી.”

એ પ્રસંગને યાદ કરતાં મેં ઉમેર્યું કે હા, મારા માટે એક અમૂલ્ય ઘટના હતી જયારે તમે છ મહિના પહેલાં મને મુખ્ય મહેમાન તરીકે આવવા બાંધી લીધો હતો. તમે ગુજરાતના કોઈ પણ વી.આઇ.પી ને બોલાવી શક્યા હોત પરંતુ તમે કળશ મારા ઉપર ઢોળ્યો હતો. મને મુખ્ય મહેમાન બનાવવાનો નિર્ણય તમારો જ નહીં- દીકરી, પત્ની અને માતા-પિતા સહુનો સાથે થયેલો નિર્ણય હતો. આ નિર્ણય થયો કારણ કે પોલિયો ફાઉન્ડેશન તમારા સમગ્ર પરિવારના કણેકણમાં પ્રસરી ગયેલા હતું. એનું કાર્ય પરિવારની રગેરગમાં સ્થાન પામ્યું હતું. હું તો માત્ર નિમિતરૂપે પોલિયો ફાઉન્ડેશનના પ્રતિનિધિ તરીકે આવ્યો હતો.

કોઈ પણ સંસ્થા માટે આથી વિશેષ ગર્વની કઈ વાત હોઈ શકે જ્યારે એનોકાર્યકર્તા જ નહીં પણ પૂરો પરિવાર એકરૂપ થઈ જાય ? સમાજ ત્યારે જ સાચા અર્થમાં એવી સંસ્થાનો સ્વીકાર કરે છે જ્યારે એના જ કાર્યકર્તા અને કાર્યકર્તાના પરિવારો સંસ્થા માટે ગૌરવ અનુભવતા હોય. સંસ્થાના કાર્યમાં એકરસ થતાં હોય અને કોઈ પણ ભોગ આપવા હંમેશાં તત્પર હોય. પોલિયો ફાઉન્ડેશન આવા પરિવારજનોથી સમૃદ્ધ છે અને એટલે જ ક્યારેય સંસ્થાને પોતાનું માર્કેટિંગ કરવાની જરૂર નથી પડી. કામ જ બોલે છે, કાર્યકર્તાઓનાં કાર્યો બોલે છે અને પરિવાર, સંસ્થા સાથે જોડાવાથી ગર્વ અનુભવે ત્યારે સમાજ સામેથી સંસ્થાને ખભે ઉપાડી લે છે.

ડૉ. પ્રકાશભાઈ માત્ર પોતાનો સમય અને, સ્કીલ જ નહીં પણ ખુદ સારું દાન આપે છે અને લાવી આપે છે. એમનું બીજું ઉમદા પ્રદાન તો એ રહ્યું છે કે સંસ્થામાં નવા ઑર્થોપેડિક સર્જનોને જોડે, સંસ્થાના ઉદ્દેશો અને નીતિઓ એમને સમજાવે અને પોતાના અનુભવથી તેમને અસામાન્ય ઑપરેશનો માટે તૈયાર કરે.

ડૉ. પ્રકાશભાઇની પ્રમાણિકતા પ્રસંશનિય, કાર્યદક્ષતા અદ્ભૂત, સમયની શિસ્ત સહુને માટે પ્રેરક રહી છે. પોતાના વિષયમાં નિષ્ણાત અને નિયમ પાલનના અદ્દભૂત આગ્રહી રહ્યાં છે. વિચાર અને આચારના સમન્યથી જીવનાર આવામિત્ર અને સાથી મળે એ કેટલું મોટું સદ્ભાગ્ય ગણાય ? સંસ્થાને આવા વ્યક્તિઓની કેમ જરૂર હોય છે તે એક ગુરૂ સાથેના વાર્તાલાપથી કહેવાનું ગમશે.

એક મુલાકાતી સદ્દગુરૂનેપૂછે છે ગુરૂની જરૂર જ શું છે ?

એને જવાબ મળ્યો : ‘પાણીને ગરમ કરવા અગ્નિ અને પાણી વચ્ચે જેમ વાસણની જરૂર પડે છે તેમ સદ્દગુરૂની પણ આધ્યાત્મિક વિકાસ માટે જરૂર પડે છે.’

આમ જ ઉત્તમ પરિણામો માટે પણ સંસ્થાને આવા સાથીઓની જરૂર પડે છે.

આવો સક્ષમ સાથી જ્યારે કોઈ એક મુદે તમારી ઇચ્છા મુજબ ન ચાલે ત્યારે તમારે ચર્ચા કર્યા વિના એના અભિપ્રાય સાથે જોડાઈ જવું એ સત્ય મને યોગ્ય લાગ્યું છે કારણ કે

એ ના ચાલે, ચાલવા દે પણ નહીં

એક પણ પગલું ગલત, એ કોણ છે ?

હાથમાંથી દોર સરે એ સમે

હાથ ઝીલીલે તરત, એ કોણ છે ?

એ છે ડૉ. પ્રકાશ અમીન !

 

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s