મને હજી યાદ છે – ૮૦ (બાબુ સુથાર)


ગુજરાતી ભાષાશિક્ષણનાં વળતાં પાણી

આદિત્ય બહેલના અવસાન પછી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સાઉથ એશિયા વિભાગના વડા તરીકે દાઉદ અલી આવ્યા. દાઉદ અલી સાઉથ એશિયાના ઇતિહાસના, ખાસ કરીને મુગલ સમયના ઇતિહાસના, નિષ્ણાત છે. મેં એમને બે કે ત્રણ કોર્સિસ ઑડીટ કર્યા છે. એમનું મોગલ સમયના ઇતિહાસનું જ્ઞાન સાચે જ આપણને પ્રભાવિત કરી દે એવું હતું.

એમની સાથે બીજા પણ કેટલાક નવા પ્રોફેસરોની નિમણૂંકો થઈ હતી. એમાંના કેટલાક થોડોક વખતે રોકાયા ને ચાલ્યા ગયા. કોઈને સારી ઓફર મળી તો કોઈને ફાવ્યું નહીં. યુરોપમાં તૈયાર થયેલા સંસ્કૃતના એક વિદ્વાને મને અંગત વાતચિતમાં કહેલું કે એમને અહીંની શૈક્ષણિક આબોહવા જોઈએ એટલી intellectual લાગતી નથી. દેખીતી રીતે જ યુરોપિયન યુનિવર્સિટીઓ અને અમેરિકન યુનિવર્સિટીઓમાં એક પાયાનો ભેદ છે. યુરોપિયન યુનિવર્સિટીઓ વ્યવહારવાદને વરેલી નથી. મોટા ભાગની અમેરિકન યુનિવર્સિટીઓ વ્યવહારવાદને વરેલી છે. જે જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ ન થાય એ જ્ઞાનને અમેરિકન યુનિવર્સિટીઓ ભાગ્યે જ ઉત્તેજન આપે.

જે પ્રોફેસરો રહી ગયા એમાં લિઝા મિશેલ, દેવેન પટેલ અને રમ્યા શ્રીનિવાસનનો પણ સમાવેશ થાય છે. આમાંના દેવેન પટેલને બાદ કરતાં બીજા બધા જ ઇતિહાસ તરફ ઢળેલા. દેવેન પટેલ ગુજરાતી હ. એ સંસ્કૃતના પ્રોફેસર હતા. સંસ્કૃત ભાષા ઉપરાંત ભારતીય સાહિત્ય પણ ભણાવે. જ્યારે હું એમને પહેલી વાર મળ્યો ત્યારે મેં એમને કહેલું: “પટેલ અને સંસ્કૃત? મને તો નવાઈ લાગે છે.” જવાબમાં એમણે કહેલું કે “મારાં માબાપ કોઈને કહે કે મેં સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં પીએચ.ડી. કર્યું છે ત્યારે લોકો એવું માને છે કે હું હવે સાધુ થઈ જવાનો છું.” અમે બન્ને ખૂબ હસેલા.

આ ‘નવી પેઢીના’ પ્રોફેસરો આવ્યા એ સાથે જ સાઉથ એશિયા વિભાગનું focus પણ બદલાઈ ગયું અને એની સમાન્તરે સાઉથ એશિયા વિભાગનો ગુજરાતી ભાષા સાથેનો સંબંધ પણ બદલાઈ ગયો. એક જમાનામાં સાઉથ એશિયા વિભાગ ઓરિએન્ટાલિઝમ અને ફિલોલોજીને વરેલો હતો. દેખીતી રીતે જ, સાઉથ એશિયા વિભાગે એ જમાનામાં ગુજરાતી ભાષાના શિક્ષણના મહત્ત્વનો સ્વીકાર કરેલો. પછી ધીમે ધીમે ઓરિએન્ટાલિઝમ અને ફિલોલોજીનાં વળતાં પાણી થયાં. આ પ્રકારના અભ્યાસની સાથે સંકળાયેલા પ્રોફેસરો કાં તો પ્રભુને વહાલા થયા કાં તો નિવૃત્ત થયા.

જ્યારે ઓરિએન્ટાલિઝમ અને ફિલોલોજીની બોલબાલા હતી ત્યારે દેખીતી રીતે જ ભારતીય-આર્ય અને દ્રવિડીયન કૂળની ભાષાઓની પણ બોલબાલા હતી. ગુજરાતી ભાષા ભારતીય-આર્ય ભાષાકૂળની એક ભાષા. વળી કાર્ડોનાએ એને ગાંધીજીની ભાષા તરીકે પણ ઓળખાવેલી. એટલે લોકો ત્યારે ગુજરાતી ભાષાને એ રીતે પણ જોતા. પછી ઓરિએન્ટાલિઝમ અને ફિલોલોજીનાં ભલે વળતાં પાણી થયાં. તો પણ, એ ક્ષેત્રોમાં કામ કરતા કેટલાક પ્રોફેસરો ડિપાર્ટમેન્ટમાં હતા જ. એ નિવૃત્ત ન’તા થયા. એમાં પ્રો. સાઉથવર્થ, પ્રો. કાર્ડોના, પ્રો. શિપમેનનો સમાવેશ થતો હતો. એમાંના પહેલા બે પ્રોફેસરો ભારતીય-આર્ય કૂળની ભાષાઓના નિષ્ણાત હતા. સાઉથવર્થ મરાઠી ભાષાના નિષ્ણાત હતા અને કાર્ડોના, મેં આગળ નોંધ્યું છે એમ, સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષાના નિષ્ણાત હતા. એ ભાષાવિજ્ઞાન વિભાગમાં પણ ભણ઼ાવતા હતા. ત્યાં એ ઐતિહાસિક ભાષાવિજ્ઞાન તથા પાણિની અને ભર્તૃહરિ પણ ભણાવતા હતા. એને કારણે, ઓરિએન્ટાલિઝમ તથા ફિલોલોજીનાં વળતાં પાણી થયાં છતાં, ગુજરાતી ભાષાનું મહત્ત્વ સચવાઈ રહેલું હતું. આ બધા જ પ્રોફેસરો ગુજરાતી ભાષાને પ્રેમ કરતા. એથી બીજા તબક્કામાં પણ મને ખૂબ સલામતિ લાગતી. ત્યાર પછી, મેં કહ્યું એમ, આદિત્ય બહેલે સાઉથ એશિયા વિભાગની ધૂરા સંભાળી. એ સાહિત્યના જીવ હતા એટલે એમના, ભલે ટૂંકા તો ટૂંકા સમય માટે, ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઓછેવત્તે અંશે સચવાઈ રહેલું.

એ પરિસ્થિતિ દાઉદ અલીના આવ્યા પછી બદલાઈ. હવે સાઉથ એશિયા વિભાગે ઇતિહાસ પર ભાર મૂકેલો. એને કારણે ભાષાઓના શિક્ષણનું મહત્ત્વ ઘટવા લાગ્યું. કેમ કે આમેય ઇતિહાસકારોને જીવતી ભાષા કરતાં દસ્તાવેજી ભાષામાં વધારે રસ હોય. જો કે, દાઉદ અલીનું એક જમા પાસું હતું. એ ગુજરાતી પ્રોગ્રામને ટકાવી રાખવા માગતા હતા. પણ, એમનો અભિગમ મોટે ભાગે ડાર્વિનવાદી હતો. જે ભાષામાં તાકાત હોય એ ટકી રહે. એના જ એક ભાગ રૂપે એ ઇચ્છતા હતા કે મને ગ્રીન કાર્ડ મળે. એથી એમણે મારી ગ્રીન કાર્ડની અરજીને ટેકો આપવા માટે ડીનને પણ સમજાવેલા અને ડીન સંમત પણ થયેલા. એ વખતે, યોગાનુયોગ, અમારા ડીન પણ માનવવિદ્યા શાખાના હતા.

સાઉથ એશિયા વિભાગની અસ્થિરતા હવે ધીમે ધીમે ઓછી થઈ રહી હતી. યુનિવર્સિટીએ પણ આ વિભાગને ટેકો આપવા માટે ઘણાં પગલાં લીધેલાં. એમાં એક પગલું હતું: સાઉથ એશિયા વિભાગની સમીક્ષાઓ કરાવવાનું. એના એક ભાગ રૂપે બહારથી વિદ્વાનો આવતા. સાઉથ એશિયા વિભાગના શૈક્ષણિક અને વહીવટીય સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા અને ત્યાર બાદ આ વિભાગમાં શું કરવું જોઈએ એ વિશે પોતાનો અહેવાલ લખીને યુનિવર્સિટીને સુપ્રત કરતા. મને યાદ છે ત્યાં સુધી આવી ત્રણ સમીક્ષાઓ થયેલી. એમાં અમે જે ભાષાઓ ભણાવતા હતા એમની સમીક્ષાઓનો પણ સમાવેશ થતો હતો. એ દરમિયાન, ગુજરાતી અને હિન્દીમાં પણ વિદ્યાર્થીઓ ઘટતા જતા હતા. એની સામે છેડે મરાઠી અને તમિલ જેવી ભાષાઓમાં વિદ્યાર્થીઓ વધતા જતા હતા. તો વળી બંગાળી જેવી ભાષાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ સ્થિર રહેતી હતી. મરાઠી અને તમિલ ભાષામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા પાછળ ઇમિગ્રેશન પણ જવાબદાર હતું.

જ્યાં સુધી ગુજરાતી ઇમિગ્રન્ટ પ્રજાને લાગેવળગે છે ત્યાં સુધી એ પ્રજા કદાચ અત્યારે ત્રીજી પેઢીમાં પ્રવેશી ચૂકી છે. ત્રીજી પેઢીનાં ગુજરાતી સંતાનો હવે બધી જ રીતે અમેરિકન બની ગયાં છે. એમને ગુજરાત કે ગુજરાતી ભાષા સાથે ખાસ સંબંધ રહ્યો નથી. જો કે, એમને હજી ગુજરાતી લોકપ્રિય સંસ્કૃતિ સાથે સંબંધ રહ્યો હતો ખરો. એના એક ભાગ રૂપે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતીઓનું નવરાત્રી ગરબા ગ્રુપ મળે, પણ ગુજરાતી ભાષા ગ્રુપ ન મળે. પણ, મરાઠી અને તમિલ ઇમિગ્રન્ટ, હું સમજું છું ત્યાં સુધી પહેલી કે બીજી પેઢીના હતા. એમને હજી મરાઠી અને તમિલ ભાષા વાપરવી હતી. જ્યારે સાઉથ એશિયા વિભાગની સમીક્ષાઓ થઈ ત્યારે એક પણ સમીક્ષકે ગુજરાતી ભાષાની ભારપૂર્વક તરફેણ ન’તી કરી. એક સમીક્ષકે લખેલું કે અમેરિકામાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા એક માત્ર ગુજરાતી ભાષા ભણાવતી યુનિવર્સિટી છે. એથી આ ભાષાના શિક્ષણને ટકાવી રાખવું જોઈએ. બીજા બે સમીક્ષકોએ લખેલું કે ગુજરાતી ભાષા નથી તો સુરક્ષા સાથે સંકળાયેલી, નથી તો વિદ્વતા સાથે. એ સંજોગોમાં એ ભાષા ભણાવવાનો ખર્ચ ન કરવો જોઈએ. એમણે એમ પણ લખેલું કે જે ભાષા સંશોધનમાં કામ ન લાગતી હોય એ ભાષા ન ભણાવવી જોઈએ. દેખીતી રીતે જ, ગુજરાત કે ગુજરાતી ભાષા કે ગુજરાતી સાહિત્યમાં પણ સંશોધન કરતા વિદ્યાર્થીઓ સાઉથ એશિયા વિભાગને મળતા ન હતા. અને જો થોડાક મળતા તો એ ભારત/ગુજરાત જઈને જરૂરી એટલી ગુજરાતી ભાષા શીખી લેતા.

આવા અહેવાલો આમ તો ગુપ્ત રહેતા હોય છે. પણ, ક્યારેક વિભાગીય બેઠકોમાં એના ઉલ્લેખ થાય. બહુ લાંબી ચર્ચા ન થાય. અને ઉલ્લેખ કરતી વખતે જેના વિશે હકારાત્મક લખાયું હોય એનો હોંશે હોંશે ઉલ્લેખ થાય. એના પરથી આપણા જેવા ‘શાણા’ બધું સમજી જાય. ત્રીજા અહેવાલમાં ગુજરાતી ભાષાની સંપૂર્ણ તરફેણ પણ ન હતી કે એનો વિરોધ પણ ન હતો. આ અહેવાલ સમજવા જેવો છે. એના પરથી કોઈને પણ ખ્યાલ આવી જશે કે અમેરિકન યુનિવર્સિટીઓમાં પણ ઘણી વાર સોયના નાકામાં થઈને ઊંટ પસાર થઈ જતાં હોય છે. મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે એમ સાઉથ એશિયાની ભાષાઓના કોર્ડીનેટરે ભાષાશિક્ષકોને ખાસ સૂચનાઓ આપેલી. વ્યાકરણ નહીં ભણાવવાનું. સીધા ભાષા જ ભણાવવાની. હું મોટે ભાગે બન્નેનો સમન્વય કરતો. વિદ્યાર્થીઓને વ્યાકરણના હેન્ડઆઉટ આપતો. જે મહિલા પ્રોફસર સમીક્ષા કરવા માટે આવેલાં એ પણ એક ભાષા ભણાવતાં હતાં અને એ વ્યાકરણ વધારે ભણાવતાં હતાં. એમણે એમના અહેવાલમાં લખ્યું કે મને એ જાણીને આનંદ થયો છે કે ગુજરાતી ભાષાના શિક્ષક વ્યાકરણ ભણાવે છે. બીજી ભાષાના શિક્ષકોએ પણ એમની પાસેથી ધડો લેવો જોઈએ! એક પ્રોફેસરની દૃષ્ટિએ હું ખોટું કામ કરતો હતો; બીજા પ્રોફેસરની દૃષ્ટિએ હું સાચું કામ કરી રહ્યો હતો. અને એ બન્ને પ્રોફેસરો પાછા એક જ વિષયના હતા!

પણ એ ત્રણ અહેવાલો પછી મને ખ્યાલ આવી ગયેલો કે હવે ગુજરાતી ભાષાનું વહાણ ગમે ત્યારે ડૂબી જશે. એ દરમિયાન, દાઉદ અલીએ મને કહ્યું કે મારે ગુજરાતી ભાષા સિવાય બીજું કશું ભણાવવાનું નહીં. એટલે કે મારે કોઈ Independent course (સ્વતંત્ર અભ્યાસ) આપવો નહીં. એમણે તો મને ત્યાં સુધી કહ્યું કે કેવળ પ્રોફેસરો અને આસિસ્ટન્ટ પ્રોફેસરો જ એવા કોર્સ આપી શકે. અધ્યાપકો, અર્થાત્ લેક્ચરરો, ન આપી શકે. એ અરધા સાચા હતા અને અરધા ખોટા હતા. ખોટા એ રીતે કે બીજા વિભાગોમાં અધ્યાપકો independent course આપતા હતા. સાચા એ રીતે કે એ સાઉથ એશિયા વિભાગના વડા હતા. એ જે નિયમ બનાવે એ અમારે સ્વીકારવો જ પડે. પણ, એવી સૂચના મળ્યા પછી મને જે સ્વતંત્ર કોર્સના વિદ્યાર્થીઓ મળતા હતા એ બંધ થઈ ગયા. હું સાચે જ હતાશ થઈ ગયેલો. કેમ કે મેં સ્વતંત્ર કોર્સ દ્વારા મારા ઘણા વિદ્યાર્થીઓને આગળ વધવામાં મદદ કરેલી.

આ બધી ઘટનાઓની સમાન્તરે મારે એક બીજી પણ વાત કરવી છે. એ છે સાઉથ એશિયા વિભાગના વહીવટીતંત્રની. હું ઘણી વાર કહેતો હોઉં છું કે અમેરિકામાં ભારતીયો અમેરિકનો કરતાં ભારતીયો દ્વારા વધારે અપમાનિત થતા હોય છે. આ એક બીજા પ્રકારનો racism છે જેના પર કોઈ સમાજશાસ્ત્રી કે નૃવંશવિજ્ઞાનીએ સંશોધન કર્યું નથી. એક ભારતીય અને એક અમેરિકન પાડોશી હશે તો એ લોકો અવારનવાર મળશે, કદાચ પેલો અમેરિકન ‘ઈન્ડિયન ચા’ કે ‘ઇન્ડિયન સ્પાઈસી ફૂડ’ ખાવા ભારતીયના ત્યાં જશે પણ ખરો અને તમારી જાણ બહાર તમારું કામ પણ કરી નાખશે. હું જાણું છું કે અમેરિકનો પણ racial હોય છે પણ મોટા ભાગના એવા નથી હોતા. બીજે તો ખબર નથી પણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કાંઠે મને ભાગ્યે જ એવો અનુભવ થયો છે. પણ ભારતીયો? કોઈને મારી વાત સાચી નહીં લાગે પણ અમેરિકામાં ભારતીયો અમેરિકનો કરતાં ભારતીયોના હાથે વધારે સહન કરતા હોય છે. હું જ્યાં ફિલાડેલ્ફિયાની જે સ્ટ્રીટમાં રહું છું એમાં એક ભારતીય કુટુંબ પણ રહે છે. પણ આટલાં, વીસેક વરસ દરમિયાન, અમે પાંચેક વાર હલો કર્યું હશે. મેં એમને ઘણી વાર આમંત્રણ આપ્યું છે પણ એમણે કદી આમંત્રણનો સ્વીકાર કર્યો નથી.

લગભગ આવો જ અનુભવ મને સાઉથ એશિયાના વહીવટીતંત્રનો પણ થયો છે. જો એમાં કોઈ અમેરિકનો હોય તો મને કોઈ મુશ્કેલી ન પડે. એ મને સાઉથ એશિયા વિભાગના એક કર્મચારી તરીકે જુએ. પણ, જો એમાં કોઈ ભારતીય હોય તો? તો એ મને ભારતીય તરીકે પણ નહીં, ગુજરાતી તરીકે જુએ અને એ રીતે વર્તે. એમાં પણ જો એ કર્મચારીઓમાં એકબે બંગાળીઓ હોય તો ગુજરાતીઓનું તો આવી જ બને. મારી પણ એવી જ દશા હતી.

ત્યારે (અને કદાચ અત્યારે પણ નીકળતું હશે) સાઉથ એશિયા વિભાગનો એક Newsletter પ્રગટ થતો. કોઈ સ્ટાફ મેમ્બરને જો કોઈ સિધ્ધી પ્રાપ્ત થાય તો એ વિશેની માહિતી Newsletterમાં પ્રગટ થતી. ઘણી વાર કેટલા સ્ટાફની નાનકડી મુલાકાતો પણ પ્રગટ થતી. એ સામયિકના સંપાદનનું કામ બેએક બંગાળી યુવતિઓના હાથમાં હતું. મારાં આટલાં પુસ્તકો પ્રગટ થયાં, મેં એક સામયિકનું સંપાદન કર્યું, મને બેચાર એવોર્ડ પણ મળ્યા, મારી એકબે નવલકથાઓ અને એક કાવ્યસંગ્રહ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક થયાં. મેં એ બધી ઘટનાઓની માહતી એ લોકોને આપી છે પણ એમાંની એક પણ માહિતી એ લોકોએ કદી ય Newsletterમાં પ્રગટ કરી નથી! આપણે એકબે વાર પૂછીએ કે કેમ આ માહિતી આવી નથી. તો કહે: સૉરી રહી ગઈ. હવે પછીના અંકમાં. અને પછીનો અંક પણ પહેલાંના જેવો જ હોય. એમાં બાબુભાઈ ક્યાંય ન હોય. પણ, મારા મિત્ર વાસુ રંગનાથન કોઈ સેમિનારમાં પેપર વાંચવા જાય તો એ સમાચાર એના ફોટા સાથે પ્રગટ થાય. હું ઘણી વાર વાસુને કહેતો કે યાદ, બેત્રણ મહિના તારું નસીબ મને આપને. કેમ કે મારા નસીબમાં આવું પણ લખાયેલું ન હતું. વિજયજી નિવૃત્ત થયાં પછી મારા ડીપાર્ટમેન્ટે મને સાઉથ એશિયાની ભાષાઓનો કોઓર્ડીનેટર બનાવેલો. બે વરસ માટે. હું બને ત્યાં સુધી કશાકના ‘હેડ’ બનવાનું નથી સ્વીકારતો. કેમ કે તમે ‘હેડ’ બનો પછી તમારે બીજા કર્મચારીઓ અને તમારા હેડની વચ્ચે શટલની જેમ દોડતા રહેવું પડે. કેટલાક લોકોને એ કામ ગમતું હોય છે. ત્યારે સાઉથ એશિયા વિભાગમાં એક અણલખ્યો નિયમ હતો. કોઈ કર્મચારીને અમુક પ્રકારનું કામ સોંપવામાં આવે તો Newsletterમાં એની જાહેરાત કરવી અને શક્ય હોય તો એનો ઇન્ટરવ્યુ કરવો. મને કોર્ડીનેટર બનાવ્યો પછી એની કોઈ જાહેરાત પણ નહીં અને મારો કોઈ ઇન્ટરવ્યુ પણ નહીં. પણ મારા પછી (કે કદાચ મારા પહેલાં. મારે ચકાસવું પડશે) એક હિન્દી/ઉર્દુ ભાષાનાં અધ્યાપક કોઓર્ડીનેટર બન્યાં તો એની જાહેરાત ફોટા સાથે. સાથે એમનો ઇન્ટરવ્યુ પણ ખરો.

કોણ જાણે કેમ મને હવે મારા ડીપાર્ટમેન્ટમાં એવું લાગવા માંડ્યું હતું કે હું સાવકી માતાનો/ભાષાનો દીકરો છું. ૧૯૯૭માં હું યુનિવર્સિટી પેન્સિલવેનિયામાં આવ્યો ત્યારે કાર્ડોના, વેલબોન અને બીજા પ્રોફેસરોએ મારું જે સન્માન કરેલું એ ક્યાંક તણાઈ ગયેલું. મને ખબર હતી કે જે તણાઈ જાય છે એ ક્યારેય પાછું આવતું નથી.

ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે મારાં ત્રણ વરસ હવે પૂરાં થવા આવેલાં. મને એમ હતું કે બે વરસ પૂરાં થશે એટલે મારા કામની સમીક્ષા થશે અને એના આધારે યુનિવર્સિટી કાં તો મને બીજા ત્રણ વરસ રાખશે કાં તો મને ઘેર વિદાય કરી દેશે. હવે અમારી પાસે ગ્રીનકાર્ડ હતું એટલે હું આમાંની બીજી પરિસ્થિતિ માટે પણ તૈયાર હતો.

પણ, એવી કોઈ સમીક્ષા થઈ નહીં. એટલું જ નહીં, મને બીજા ત્રણ વરસનો ઓર્ડર પણ યુનિવર્સિટીએ આપ્યો નહીં. પણ, મારું કામ ચાલું રહ્યું.

સાઉથ એશિયા વિભાગમાં એટલી બધી અનિશ્ચિતતાઓ પ્રવર્તતી હતી કે હું ઓર્ડર માગી શકતો ન હતો. મને એમ કે જ્યાં સુધી તમને કોઈ જવાનું ન કહે ત્યાં સુધી તમે જ્યાં છો, જેમ છો, ત્યાં જ અને તેમ જ રહેવાના છો.

મેં એવો કોઈ આગ્રહ રાખવાને બદલે ભણાવવાનું ચાલું રાખ્યું.

4 thoughts on “મને હજી યાદ છે – ૮૦ (બાબુ સુથાર)

  1. ‘મેં એવો કોઈ આગ્રહ રાખવાને બદલે ભણાવવાનું ચાલું રાખ્યું….અને ભવિષ્યમા પણ ચાલુ રાખશો.અમારા જેવા વિદ્યાર્થીઓ સદા તૈયાર

    Like

  2. No. Independent course is not a private course. It is a course in which teachers do not teach, but guide the students in a topic of their mutual choice. In such coursers, most teachers ask their students to compile a bibliography of the subject they have chosen. Then a student is required to submit a study outline. Once that is approved by a teacher, a student is required to study the material accordingly and discuss it with the teacher every week. At the end, a student submits a research paper. If that is not accepting to standard a teacher may ask him or her to revise it or give him a low grade. Normally teachers do not fail the students but they ask them to drop the course if they are irregular in their study.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s