હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) – ૧


(છેલ્લા ૧૩ હપ્તામાં આપણે ડો. ભરત ભગત દ્વારા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન વિષે આંશિક માહીતિ મેળવી. ૩૪ વર્ષનું કાર્ય માત્ર ૧૩ લેખમાં સમાવી લેવું એ ખૂબ જ કઠણ કામ હતું. વળી મેડીકલ સાયન્સની વાતો લોકોને સરળ ભાષામાં સમજાવવાનું એનાથી પણ વધારે અઘરૂં હતું. ભરતભાઈ આ બન્ને મુશ્કેલીઓને સારી પેઠે હલ કરી, સરળ અને સરસ શબ્દોમાં અને ટુકાણમાં માહીતિ રજૂ કરવામાં પૂરી રીતે સફળ થયા છે.

આ ભગીરથ કાર્યમાં પરદા પાછળ રહી અને સાથ અને સહકાર આપનારી વ્યક્તિઓની યાદી ખૂબ લાંબી છે. ડોક્ટરો અને દાનવીરોની સહાય વગર આટલો મોટો માનવતાનો યજ્ઞ શક્ય જ ન હતો. આવા સહાયકોની લાંબી યાદીમાંથી કેટલીક વ્યક્તિઓનો પરિચય આજથી શરૂ થતી નવી શ્રેણીમાં આપવામાં આવશે. આશા છે કે આંગણાંના મુલાકાતિઓ પ્રથમ શ્રેણીની જેમ આ શ્રેણીને પણ વધાવી લેશે.  – સંપાદક)

 

 

 

 

 

 

 

 

 

અજવાળું શોધ ભીતરે તું, અંત વિનાનું,

આ દીપ વ્હારના તો, બુઝાવી શકાય છે.

વ્યકિત વિશેષ : ડો. રોહિત પારેખ

બહારની ઝાકમઝોળથી અંજાયેલી આપણી આંખ, અંદરથી ઝળહળતા માનવીને જોવાનું ચૂકી જાય છે. દેખાવ અને દંભની દુનિયામાં સાદા અને સાચા માનવીઓ ખોવાઈ જાય છે. જો કે આવા ઝળહળતા સાચુકલા માનવીઓને એની પડી પણ કયાં હોય છે ? એને તો જરૂર છે માત્ર એના સત્વ અને તત્વને સાચવી રાખવાની, માંહ્યલાને આનંદથી તરબતર કરવાની.

આવો જ એક સ્વયંપ્રકાશિત મિત્ર મને મળ્યો છે જેને હું મારું સભાગ્ય સમજું છું. ચાર દાયકાથી વધુ મારી સામાજિક કાર્યોની યાત્રામાં, આ મિત્ર ત્રણ દાયકાથી વધુ લાંબી એવી સફરનો સાથી અને હમરાહી બન્યો છે. પહેલાં સર્જરીમાં અને પછી સેવાયજ્ઞમાં પડદા પાછળ રહી સહયોગી બન્યો છે. જિંદગીના ધોમધખતા તાપમાં ક્યારેય કોઈ માણસની મીઠાશના છાંટા ભીંજવી જાય ત્યારે જીવવાનો થાક ઉતરી જાય છે. બસ એમજ એ, સંસ્થાઓના પ્રશ્નોના બોજ હેઠળ દબાતો હોઉં ત્યારે કહ્યા વગર કહી જાય કે હું તમારી સાથે છું. શબ્દોના સાથિયા પૂરવાના બદલે ઉત્સાહનાં અમી છાંટણાં નાંખી જાય અને પ્રશ્નો ઊકલી જાય. એવા મિત્ર સાથે સર્જરી કરતાં કરતાં વાતો પણ થાય. વૈચારિક આદાનપ્રદાન થાય અને અંદરનું જોડાણ દિવસે દિવસે વધુ મજબૂત થતું જાય.એક દિવસ વાત નીકળી સંસ્કાર સિંચનની, કૌટુંમ્બિક પરંપરાઓની અને એમાંથી થતા માનવીના ઘડતરની. આ મિત્ર એટલે ગીત-ગઝલનો જીવ. વાર્તાલાપમાં પણ ગઝલનું પ્રાધાન્ય હોય અને એ વાતને પણ એણે પિતા હીરાભાઈએ કહેલા શબ્દો-પ્રાર્થનાના રૂપમાં મૂકી દીધા. મોટા ભાઈ પિતાને મોટા ભાઈ કહેવાની ઘરની પરંપરા, કહેતાઃ

                                પ્રભુ કરાવે તે બધું, પ્રભુ કરે તે થાય,

સમજે નહીં એ માનવી, બુડથલ ગોથાં ખાય.

એ પોતે પણ માને કે:

માણસને ખોતરો તો,

કદાચ ખજાનો મળી જાય.

માણસને ખોતરવાની આ વાત બહુ પાયાની છે. વાતો કરવા બહુ આવે, પ્રસિદ્ધી માટે ઘણા આવે પણ એને સહેજ ખોતરો એટલે અંદર ખાલીખમ મળે. અહીં અપવાદ રહ્યો છે આ મિત્ર. એને ખોતરતાં ખોતરતાં ઊંડો ઊતરું છું અને મને ખજાનો મળતો જ જાય છે. એણે એક સરસ વાત કરી કે ન્યુટ્રલ ગ્રાઉન્ડ ઉપર જ તમારી શક્તિ બહાર આવે છે. આ સુષુપ્ત શક્તિને ઓળખી શકાય તો ચમત્કારિક અનુભવ થાય.

એણે મને આ વાકય સાથે જોડી દીધો . એણે મને પૂછયું : “તમને યાદ છે ભરતભાઈ, એ દિવસ વર્ષ ઓગણીસો ચોર્યાસીનો?” થોડા સમય પહેલાં અમે કૃષ્ણ-સુદામાના જેવા સંવાદમાં ઉતરી ગયા હતા – ‘તને યાદ છે ? કેમ વીસરે મહારાજ – કેવા સંવાદમાં.”

‘મેં કહ્યું : “હા, બરાબર યાદ છે એ બપોર, જયારે આપણે તારા સ્કૂટર ઉપર બેસી મારી એક હોસ્પીટલથી બીજી હોસ્પીટલમાં જઈ રહ્યા હતા.’

એણે વાત પૂરી કરી : “હા, અનેએ જ સમયે, એ જ સ્થળ–બરાબર ગીતામંદિર ચાર રસ્તા ઉપર પલિયો ફાઉન્ડેશનનો જન્મ થયો હતો.

જીવનની અદ્દભુત યાત્રાના એક પડાવનો જન્મ મિત્રના સ્કૂટર ઉપર થાય તે પણ મારા એક જ પ્રશ્નથી, એ ઘટના અવિસ્મરણીય બનવા જ સર્જાયેલી હતી. મારો ઉત્પાતિયો સ્વભાવ. નવરો બેસું નહીં અને બીજાને બેસવા ના દઉં. એક નિદાન કેમ્પમાં મુખ્ય મહેમાન હતો. વિકલાંગોની તપાસનો યજ્ઞ હતો. વિકલાંગને વિકલાંગ સર્ટીફાય કરાય એથી વધારે એમાં કંઈ હતું નહીં, પરંતુ એ બાળકોની વિકલાંગતા જોઈ મારું હૃદય દ્રવી ઉઠયું હતું. નિષ્ણાંત ઑર્થોપેડિક સર્જનને જ જઈને એક સામાન્ય કાર્યકર્તા તરીકે પૂછ્યું : “ડૉક્ટરસાહેબ, આવાં બાળકોને આપણે એમના પગે ચાલતા ના કરી શકીએ ? શું શસ્ત્રક્રિયાથી પોતાની જાતે દોડતાં ના કરી શકીએ ?” ડૉકટરનો જવાબ હતો કે “આમાંથી ચાલીસ ટકાથી વધુ બાળકોને શસ્ત્રક્રિયાથી ઘણો ફાયદો થાય.”

બસ એ દિવસથી મનમાં એક ધૂન આવી ગઈ કે કંઈક કરવું જ છે. એ રાત્રે ઊંધ દુશ્મન બની ગઈ. જો કે ઊંઘ સાથેની એ દુશ્મનીએ હજારોની જિંદગીને શાંતિની ઊંઘ આપી દીધી. બીજા જ દિવસે આ મિત્ર – જે મારી સાથે એનેસ્થેટીસ્ટ તરીકે કામ કરે તેને, તેના જ સ્કૂટર ઉપર પ્રશ્ન કરી દીધો કે શું આ પવિત્ર કાર્યમાં તું તારા સમયનું દાન આપીશ ? તને આપવાની ફીના પૈસા નથી પણ તારા માટેપ્રાર્થનાઓનો ખજાનો છે.” એનો જવાબ સ્પષ્ટ હતો – એક શબ્દનો : “જરૂર’’. પછી ઉમેર્યું કે તમે કહેશો ત્યાં, ત્યારે અને હંમેશા તમારી સાથે જ. ત્રણ દાયકાથી એણે આ શબ્દો પાળી બતાવ્યા છે. “અંદરના ઓજસથી ઝળહળતો આ મિત્ર એટલે ડૉ. રોહિત પારેખ.”

પૈસાની એને ખૂબ જરૂર કારણ કે સાવ સામાન્ય ઘરમાંથી ઊછરેલો પરંતુ પૈસા પાછળની દોડમાંથી તદન મુક્ત – પહેલા દિવસથી આજ સુધી. આટલા વર્ષોમાં મેં અમારી ખાનગી પ્રેક્ટિસમાં પણ પૈસા માટે કયારેય પ્રશ્ન કરતો જોયો નથી. મારા સાથે જ નહીં પણ જેની જેની સાથે એણે કામ કર્યું છે એ બધા સર્જનોનો છેલ્લાં ચાલીસ વર્ષનો આ જ અનુભવ. જે આવે તે ગણ્યા વગર ખીસામાં મૂકવાના. કયારેય માંગણી નહીં, ફરિયાદની તો વાત જ નહીં. એના સાથી એનેસ્થેટીસ્ટ મિત્રો એને કહે કે તું સર્જનોને બગાડે છે, પણ એ તો માત્ર હસી લે.

એ માને કે એનેસ્થેટીસ્ટ તરીકેની મારી સ્કીલનો મને જરૂર ચાર્જ મળે છે પરંતુ પછી એમાં મોટું ઑપરેશન હોય કે નાનું, ગરીબ હોય કે પૈસાદાર, મારાં કાટલાં જુદાં શાને પડવાં જોઈએ ? હા, ગરીબનું વિના મૂલ્ય કરવામાં મને આનંદ પડે પરંતુ ઑપરેશન ગમે તેવું હોય, ગમે તે સર્જન હોય, તો પણ હું મારા કામનેપૈસાના માપથી શા માટે મૂલવું ? મને ગરીબની સંવેદના સમજાય છે અને મારા સદ્ભાગ્યે સર્જનો એવા મળ્યા કે જેના રંગે હું રંગાયો છું. ભીતર આનંદની પળો માણી શક્યો છું. હું વધુ ખોતરતાં બોલી ઊઠ્યો : “ભરતભાઈ, હું મારા કામમાં ધ્યાનસ્થ છે. નવું શીખવાનું ગમે છે. ભાગ્યવાન સમજું છું મારી જાતને કે મને એવા પિતા મળ્યા જેણે પોસ્ટ ઑફિસમાં સામાન્ય નોકરી કરી જીવન ગુજાર્યું પણ એમણે સરકારી નોકરીમાં ઓછામાં ઓછી રજાઓ લીધી. રિટાયર્ડ થયા પહેલાં ત્રણ-ચાર માસની રજાઓ ચાલુ પગારે ભોગવી શકયા હોત પરંતુ એમણે તો છેક છેલ્લા દિવસ સુધી કામ કર્યું. એમનું મૂલ્ય આધારિત અને સત્તમાર્ગે જિવાયેલું જીવન મારા માટે આદર્શ બની ગયું છે. પોતાના કાર્યક્ષેત્રમાં સંપૂર્ણ સમર્પિતતા અને અંદરથી આનંદમય રહેવાનું એ મને શીખવી ગયા છે. આજે પણ એ મારામાં જીવે છે, એમનો સ્પિરિટ જીવે છે. એ ભાવ કાયમી રહે એવી મારી પ્રભુ પ્રાર્થના છે ”.

એક જ શ્વાસે રોહિતે પોતાને મળેલા સંસ્કારની વાત બહાર વહેવડાવી દીધી. સડસઠ વર્ષની ઉંમરે પણ સ્કૂટર ચલાવવામાં નાનમ નડતી નથી અને સાદું, સરળ જીવવામાં અડચણ પડતી નથી. બીજા પાસે શું છે એની એને પરવા નથી પરંતુ પોતાની પાસે જે છે તેનો દેખાડો નથી. એ જાણે છે અને માને પણ છે કે દુનિયાઘણી બદલાઈ ગઈ છે પરંતુ એનાથી એને કશો ફરક નથી પડતો. વિપરીત સંજોગોમાં કે વિકટ સમયે સામાન્ય માણસ મૂંઝવણમાં આવી જતો હોય છે. શું કરવું તે સૂઝે નહીં અને તેથી વધુ ભૂલો થાય પણ શાણા માણસો આવી વિપરીત પરિસ્થિતિમાંથી પોતાનો માર્ગ કાઢી લેતા હોય છે કારણ કે તેમણે એવી આવડત કેળવી લીધી હોય છે. કાંટાથી ઘેરાયેલા ફૂલને પણ પતંગિયું કેટલી સહજતાથી સ્પર્શી શકે છે ? પણ આજ સુધી પતંગિયાની પાંખોને કાંટા વાગ્યા હોય એવું સાંભળ્યું નથી. ફૂલ પ્રત્યેનો પ્રેમ પંતગિયાને આવી આવડત આપી દે છે કે કાંટાઓમાંથી પોતાનો માર્ગ કાઢી લે. જે લોકો પોતાના ધ્યેય ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે તે માર્ગમાં અવરોધો છતાં પણ પોતાનો ધ્યેય પ્રાપ્ત કરી લેતા હોય છે. પરવીન શાકીરના શેરમાં આ વાત બહુ સરસ રીતે કહેવાઈ છે.

“કાંટોમેં ધિરે ફ્લકો ચૂમ આયેગી લેકિન,

તિતલી કે પરોં કો કભી છિલતે નહીં દેખા.”

બસ આમ જ, રોહિત હંમેશાં સામાજિક, આર્થિક કે વ્યાવસાયિક વિકટતાના સમયે જાતને ઘસરકો પણ પડવા દીધા વિના બહાર નીકળી જાય છે. ન કોઈ રાવ, ન કોઈ ફરિયાદ કે ન કોઈ કકળાટ, બસ દાનત ચોખ્ખી રાખી ધ્યેયને પહોંચવાઈશ્વરને સમર્પિત થઈ જતાં શીખી ગયેલો માનવી છે આ રોહિત.

મારી સાથે પહેલા દિવસથી પોલિયો ફાઉન્ડેશનના કામમાં જોડાયો. દરેક રવિવારે એ હાજર. પછી ચાલ્યો અમદાવાદની બહારના કેમ્પ્સનો સિલસિલો, જે એક દિવસ કે બે દિવસના હોય- એ હાજર જ. પ્રેક્ટિસ ઘણી ગુમાવે પણ પોલિયોના ઑપરેશનનું કામ હોય એટલેબધું પડતું મૂકીદોડી આવે. આ ત્રણ દાયકામાં એણે કેટલું નાણાકીય નુકસાન ભોગવ્યું હશે- એ માત્ર વિચારવાનો વિષય છે. માત્ર અનુભવની આંખ જ એ આંકડા આંખ સમક્ષ લાવી શકે. મોટા ભાઈ સિવાય પરિવારના અન્ય સભ્યો ક્યારેક વિચારે કે રોહિત શું કરી રહ્યો છે, મિત્રો તો સલાહ જ આપે કે રોહિત, આવું ઘરનું ગોપીચંદ કરી સેવા ના કરાય. રોહિત માત્ર સ્મિત જ આપી અટકી જાય.

મારા મનમાં એકાદ વાર રોહિતને નાણાકીય રીતે નુકસાન પહોંચાડવા બદલ અપરાધીભાવ આવ્યો અને મેં એની ક્ષમા માંગી. ત્યારે એણે કહ્યું : “પ્રભુ, આવું વિચારશો જ નહીં. મને મેડિકલમાં પ્રવેશ મળ્યો ત્યારે મોટાભાઈએ કહ્યું હતું કે રાજા, તમે ગયા જન્મમાં ખૂબ પુણ્ય કર્યા હશે ત્યારે તમને સ્વાર્થ સાથે પરમાર્થ કરવાની તક મળી છે. સાચું કહું તો ભરતભાઈ, તમે મારા અંતરમાં સુષુપ્ત પડેલીભાવનાને જગાડી છે એટલે મારે તમારો આભાર માનવો પડે , ટ્રસ્ટનો આભાર માનવો પડે કે મને આ તક આપી.”

એણે આગળ કહ્યું : “માણસના અંદર, આત્મામાં રહેલી સુષુપ્ત શક્તિઓને માતા-પિતા, ગુરુ કે સાચો મિત્ર બહાર લાવી શકે છે જે તમે અને ડૉ. સતુભાઈ ત્રિવેદીએ મારા માટે કર્યું છે.”

નવા જમાનાના ડૉકટરો કે નવી પેઢી વિશે એને કોઈ ફરિયાદ નથી પરંતુ યુવાન ડૉકટરો પાસે એનેસ્થેસિયાની નવી પદ્ધતિઓ, દવાઓ શીખવામાં એ અનેરો આનંદ અનુભવે છે. આ ઉંમરે પણ એ સારો વિદ્યાર્થી બની શકે છે અને તબીબી જગતમાં વિકસતા વિજ્ઞાનની સાથે તાલ મેળવી શકે છે. હા, એણે પોતે નક્કી કરેલાં પોતાનાં મૂલ્યોને જરૂર જાળવી શકે છે.

અમારો વાર્તાલાપ પૂરો થવાની તૈયારીમાં હતો એટલે મેં એને પૂછી લીધું : રોહિત, આપણા ત્રણ દાયકાની આ સફર તને કેવી લાગી ? નવા સેવા સંસ્થાનમાં કેમ લાગે છે. ?”

એનો જવાબ બહુ હદયસ્પર્શી હતો : “ભરતભાઈ, જયારે જયારે હૉસ્પિટલમાં દાખલ થઉં છું ત્યારે ત્યારે બહુ શાતા મળે છે. લાગણીથી ભીંજાઈ જાઉં છું. એક વ્યક્તિ તરીકે હું આ વિચારી પણ ના શકત પરંતુ જે થઈ શકયું છે એનો એક નાનકડો હિસ્સો બન્યાનું ગૌરવ અનુભવું છું. હજજારો બાળકોને લાભ મળ્યાનું જોઉં છું ત્યારે સામાન્ય વ્યક્તિમાં હોય છે એ તમામ ગણિતો મારામાં પ્રવેશી શકતાં જ નથી. મારો આનંદ અવર્ણનીય છે કે એક સારા સત્સંગથી સારો નિર્ણય મારાથી થઈ ગયો.”

વાત એણે એની ભાષામાં પૂરી કરી.

માના કે ઈસ જહાંકો ન ગુલઝાર કર સકે,

કુછ ખાર કમ તો કર ગયે ગુજરે જહાં સે હમ.

રોહિતની વાતને મારે પૂરી કરવી હોય અને એના ભાવને સમજાવવો હોય તો હું પણ ગઝલથી જ કહીશ.

દેખીતી રીતે જ્યાં કશો સંબંધ પણ નથી,

ત્યાં પણ ન જાણે કેમ મને દર્દ થાય છે.

– મરીઝ

પોલીયો ફાઉન્ડેશનનો આ પહેલો સાથી આજે પણ સક્રિય સેવા આપી રહેલ છે.

2 thoughts on “હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) – ૧

  1. છેલ્લા ૧૩ હપ્તાથી ડો. ભરતભાઈ દ્વારા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન વિષે જે માહીતિ મળી એ ખરેખર ખુબ રસપ્રદ રહી કારણકે મેડિક્લ સાયન્સની વાત આટલી સરળ, સરસ અને રસાળ શૈલીથી સમજાવવાનું અઘરું હોવા છતાં એ ક્રમ અંત સુધી સફ્ળતાપૂર્વક જળવાઈ રહ્યો.

    એક વાત એ પણ સાચી કે આવા ભગીરથ કાર્યમાં સહકાર વગર આગળ તો ના જ વધાય. મહત્વની વાત તો હવે એ છે કે પરદા પાછળ રહીને તખ્તા પરના કાર્યને સફળ બનાવનારને પણ શ્રેય આપવો. આવા પરિચયોને આવકાર છે.

    .

    Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s