હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧3 (ડો. ભરત ભગત)


 

 

 

 

 

 

 

 

 

 

(ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ APJ અબ્દુલ કલામની હોસ્પિટલ મુલાકાત સમયે)

 

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લાની પંક્તિઓ યાદ કરી આ લેખન યાત્રાનું સમાપન કરીશું.

આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે,

કોઈ કરતું નથી, આ બધું તો થાય છે.

મારી ચોત્રીસ વર્ષની આ યાત્રાને એક વટેમાર્ગુ તરીકે દૂરથી જોઉં છું, મારી જાતને જુદી કરીને ફિલ્મ જોતો હોઉં એમ જોઉં છું ત્યારે સમજાય છે કે  આ બધું તો થઇ ગયું. અંધશ્રધ્ધાને ક્યારેય મેં સ્થાન આપ્યું નથી પરંતું જયારે નિર્મળ મન અને “હુંપણ” ને બાદ કરી વિચારું છું ત્યારે પ્રશ્ન થાય છે કે શું એક સામાન્ય ઘરનો સામાન્ય વ્યક્તિ એક નાનકડા પ્રયોગને આટલી ઉંચાઈએ માત્ર પોતાના થકી જ પહોંચાડી શકે? જવાબ સ્પષ્ટ છે કે ના ! કોઇક વૈશ્વિક ચેતના મારા હકારાત્મક વિચારને મૂર્તિમંત કરવા મને જ નહીં અન્યોને પણ જોડતી રહી છે. મારું સૂત્ર હતું અને છે કે;

“જેની પાસે જે છે તે સમાજને આપે.” કોઈ જ્ઞાન, તો કોઈ સ્કીલ, કોઈ સમય તો કોઈ ધન આપે અને આ બધાનું સંકલન કરવાનું મારા શીરે આવ્યું. આખી યે ઘટનાનો હું પણ એક હિસ્સો છું. હું હંમેશા અમારા કાર્યને રથયાત્રાના રથને ખેંચનારા ભાવિકો સાથે સરખાવું છું રથ કોઈ એક વ્યક્તિથી ના ખેંચાય પરંતું અનેક હાથનો સાથ જોઈએ. બસ એમ આ સેવાયાત્રાના અસંખ્ય સહયોગીઓથી પોલીઓ કરેકટીવ સર્જરીથી શરૂ કરેલું કાર્ય આજે અનેકો-અનેક ક્ષેત્રોમાં વિકસ્યું છે. તેર જ હપ્તામાં વાત સમાવવાની હતી એટલે લાંબી યાત્રાને ટૂંકમાં શબ્દયાત્રા દ્વારા આપની સમક્ષ મૂકી છે.

સંસ્થાની પ્રવૃત્તિઓનો માત્ર ઉલ્લેખ કરવો ગમશે. જેનાથી આપ કદાચ વધુ માહિતી પ્રાપ્ત કરી શકશો.

પીડીયાટૂીક ઓર્થોપેડિક વિભાગ : બર્થ ડીર્ફોમીટીસ,

પ્લાસ્ટિક સર્જરી વિભાગ,

સેરેબ્રલ પાલ્સી યુનિટ અને ઓટીઝમ કલીનીક

સંપૂર્ણ સુવિધાપૂર્ણ આંખનો વિભાગ,

ડાયાબીટીસ નિદાન, સારવાર તથા કોમ્પ્લીકેશન અટકાવવા તથા સારવાર વિભાગ

હિમો ડાયાલીસીસ વિભાગ

ઈ.એન.ટી વિભાગ

કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી સેન્ટર

વુમન વેલનેસ કેન્દ્ર (મેમો – પેપ ટેસ્ટ વિગેરે)

પેઈન કલીનીક

વેક્સીનેસન સેન્ટર

આર્ટીફિશીયલ એમ્પ્લાયન્સીસ વર્કશોપ

લેબોરેટરી – એક્ષ-રે વિભાગ

ફીજીયોથેરાપી

જનરીક મેડિસીન સ્ટોર્સ

સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઇ રાજ્ય સરકારે ડીસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર સોપ્યું છે જેમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોના ૨૮ રોગોની સારવાર અમારે વિનામૂલ્યે કરવાની હોય છે. આજ નિષ્ઠાપૂર્ણ, પારદર્શિકતા અને પ્રમાણિકતાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાયપુરમાં આખી હોસ્પિટલ વાર્ષિક રૂપિયા ૧૦૦૦ના ભાડે ૧૯૯૨-૯૩થી આપી હતી જે આજે પણ કાર્યરત છે. કોર્પોરેશને ૨૦૧૫માં  નિકોલ ખાતે એક વિભાગ વિનામૂલ્યે આપ્યો છે જેમાં અમારું સેરેબ્રલ પાલ્સી યુનિટ કાર્યરત છે. તદ્દઉપરાંત અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીએ શહેરના હૃદયસમા વિસ્તારમાં લગભગ ૬૦૦૦ ચો.વાર જગ્યા વિનામૂલ્યે આપી છે જેમાં અમે ૮૦,૦૦૦ ચો. ફુટનું બાંધકામ કરી શક્યા છીએ. અનેક મહાનુભાવોએ આ સંસ્થાની મુલાકાત લીધી છે જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ એ.પી.જે અબ્દુલ કલામની મુલાકાત ખૂબ પ્રેરણારૂપ બની હતી. તેઓએ અમારા ૬૦ માનદ્દ તબીબ- કન્સલટન્ટોને બિરદાવ્યા હતા. આ તબીબોની નિ:સ્વાર્થ માનદ્દસેવાને બિરદાવી તેમણે ખુદ રૂપિયા ૨,૦૦,૦૦૦નું દાન જાહેર કર્યું હતું.

આ લેખમાળા અહીં પૂર્ણ થાય છે ત્યારે દાવડા સાહેબે ફોન ઉપર ત્રીસ મીનીટ વાત કરી આપ સહુનો પ્રતિભાવો મને જણાવ્યાં ત્યારે હૈયામાં આનંદ થયો. કેટલાંક મિત્રોના મેઈલ આવ્યા, શબ્દો વાંચ્યા અને ઉત્તેજના અનુભવી એ જ સમયે એક ગઝલ યાદ આવી ગઈ;

નમી જાય છે મન, જ્યાં લાગણીઓનું વ્હાલ મળે……

પછી ભલે એ સંબંધને કોઈપણ નામ ના મળે……..

આપણે ભલે મળ્યા ના હોઈએ પરંતું આપના પ્રતિભાવથી લાગણી ભીના થઇ જવાયું છે. સામાન્યરીતે દાવડા સાહેબે તેર હપ્તા આપતા હોય છે પરંતું મને બીજા તેર હપ્તા લખવા માટે વિશેષ આમંત્રણ આપ્યું છે જેનો મેં સહર્ષ સ્વીકાર કર્યો છે. એપ્રિલ મહિનાથી હું મારા કાર્યમાં વિશેષ ફાળો આપનાર વ્યક્તિઓને આપની સમક્ષ મૂકીશ અને મને આશા છે કે આપ સહુ તેમના લેખના કાર્યને જાણશો, માણસો અને બીરદાવી પ્રોત્સાહિત કરશો.

હું આપ સહુને આમંત્રણ પાઠવું છું કે જયારે અમદાવાદ આવો ત્યારે જરૂર સંસ્થાની મુલાકાત લેશો અને જ્યાં સુધી ન આવી શકો ત્યાં સુધીમાં અમારી વેબસાઈટ http://www.healthandcarefoundation.org ની મુલાકાત લેશો, યુટ્યુબ ઉપર અમારી ફિલ્મ જોશો તો અમને ગમશે. અંતે મારી જાતને યાદ અપાવું છું કે

આથમી રહી છે જિંદગી એમાં શું દુઃખ થાવ છો સાહેબ

ખીલી રહી છે સંધ્યા તમે એની મજા લો ને…!!

જિંદગીની સમી સાંજે આપના પ્રેમના રંગે રંગાયેલો હું સંધ્યાની મજા લૂંટી રહ્યો છું. આપ સહુના પ્રતિભાવ મારા મેઈલ એડ્રેસ પર આવકાર્ય છે તદુપરાંત વિશેષ માહિતી માટે પણ આપ સંપર્ક કરી શકો છો.

આભાર

ડૉ. ભરત ભગત

+૯૧ ૯૮૨૫૦ ૩૪૦૪૮

drbharatbhagat@gmail.com

    નિકોલ યુનિટ           રાયપુર યુનિટ 

               

1 thoughts on “હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧3 (ડો. ભરત ભગત)

  1. પોલીઓ કરેકટીવ સર્જરીથી શરૂ કરેલું કાર્ય જે રીતે અનેકવિધ ક્ષેત્રોમાં વિકસ્યું એની સુંદર અને ખરેખર રસપ્રદ માહિતી.

    અભિનંદન ડોક્ટર સાહેબ.

    અગામી લેખ માટે એટલી જ ઉત્સુકતા છે.

    Liked by 1 person

પ્રતિભાવ