હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧૨ (ડો. ભરત ભગત)


ઉઘાડી રાખજો બારી

કોર્નિઆ ગ્રાફ્ટીંગ માટે મનોમન વિચારણા ચાલતી હતી. આ કાર્ય બહુ ઓછી જગ્યાએ થતું હોય છે એટલે કરવું જ એવો સંકલ્પ થયો. ડૉ. બીનાબેન દેસાઈ આ ક્ષેત્રના નિષ્ણાંત અને ભાવનાશાળી. પહેલી જ મુલાકાતમાં એમણે અમારા સાથી બની કોર્નિઆ ગ્રાફ્ટીંગ વિભાગની જવાબદારી ઉપાડી લીધી. બધી મંજૂરી પણ લઈ આવ્યા. ડૉ. બીનાબેન સંનિષ્ટ સેવાભાવિ અને સાતત્યપૂર્ણ રીતે કામ કરનાર તબીબ છે. અમારાં કોર્નિયા ગ્રાફટિંગ વિભાગની પ્રગતિ એટલી સરસ થઇ કે મિત્ર ડૉ. શરદ ઠાકરે લખેલા લેખમાં જ આપણે કોર્નિઆ ગ્રાફટીંગની વાત માણીએ.

દુઃખી, દર્દી કે ભૂલેલા માર્ગવાળાને,

દિલાસો આપવાની ઘરની ઉઘાડી રાખજો બારી

અમદાવાદ જિલ્લાનું નાનકડું ગામડું. ગામડાની બહાર ખેતર ખેડૂત બાપ ખેતરમાં પાણી વાળી રહ્યો હતો. એની તેર વર્ષની દિકરી ગીતા માટીના પાળા પાસે કૂદાકૂદ કરી રહી હતી. ગીતાની મા ઘરે લઈ જવા માટે ઘાસના પુળાનો ભારો બાંધી રહી હતી. ભારો બંધાઈ રહ્યો, એટલે એ એકલા હાથે માથા પર ચડાવવા ગઈ, પણ એટલામાં જ એણે સંતુલન ગુમાવી દીધું. ભારો જઈ પડ્યો સીધો ગીતાની ઉપર.

‘ઓય માડી રે…! ગીતાનાં મોંમાંથી વેદનાની કાળી ચીસ નીકળી ગઈ. પટેલ-પટલાણી દોડી આવ્યાં. જોયું તો દિકરીની આંખોમાંથી લોહીની ધાર ટપકતી હતી. ઘાસના પૂળાએ એની બંને આંખોને છોલી નાખી હતી. ગીતા ચીસો પાડતી જાય, રડતી જાય અને બોલતી જાય, ‘ મા ! મને કંઈ દેખાતું નથી ?’

સાંજનો સમય હતો. ગામડાગામમાં બીજું તો શું થઈ શકે ! દૂધનું પોતું આંખો ઉપર દબાવીને રાત ટૂંકી કરી દીધી. બીજે દિવસે સવારે અમદાવાદ જઇને જનરલ હૉસ્પિટલમાં આંખના નિષ્ણાત ડૉક્ટરને બતાવ્યું . ડૉક્ટરે માઠા સમાચાર જાહેર કર્યા, ‘તમારી દિકરીને કોર્નિઆમાં કાયમી નુકસાન થયું છે. એ ક્યારેય હવે પછી જોઈ નહીં શકે.’

શ્રમજીવી ખેડૂત પરિવાર. આકાશી ખેતી, માંડમાંડ ગુજરાન ચાલે. એમાં દિકરીની જાત. સાપનો ભારો અને એ પણ અંધ, શું થશે એનું ?

ગીતાની બેય આંખોમાં કીકીની જગ્યા સફેદ, અપારદર્શક ડાઘવાળી બની ગઈ. સાદી વ્યવહારુ ભાષામાં એને ફૂલું પડ્યું” એવું કહેવાય છે. એમાં ફૂલાની સાઇઝ પ્રમાણે જે તે વ્યક્તિની દૃષ્ટિ ઓછી થાય છે. ગીતાની આંખોમાં પહોંચેલું નુકસાન સો ટકા જેટલું હતું માટે એનો અંધાપો પણ સંપૂર્ણ હતો.

કોઈએ સૂચવ્યું, પ્રાઇવેટ ક્લિનિકમાં પહોંચી જાવ. ખર્ચો તો થશે, પણ દિકરી કદાચ દેખતી થઈ પણ જાય. પ્રયત્ન કરવામાં શું જાય છે ?

ગરીબ માબાપ દિકરીને લઈને શહેરના શ્રેષ્ઠ આઈ-સ્પેશ્યાલિસ્ટને ત્યાં ગયા. ડૉક્ટરે કહ્યું, ‘કોર્નિઅલ ગ્રાફ્ટીંગ કરી આપું, પણ ઑપરેશનનો ખર્ચ જરાક વધારે આવશે.”

‘કેટલા રૂપિયા, સાહેબ ?’

‘એક આંખના પાંત્રીસ હજાર. બે આંખના સિત્તેર.” ડૉક્ટરની વાત સાંભળીને ગીતાનાં માબાપને આંખે અંધારાં આવી ગયાં. થોડી વાર તો જાણે તેમને ફૂલું પડ્યું હોય તેવી હાલત થઈ ગઈ.

“સાહેબ, આટલા બધા રૂપિયા તો અમે આખા વરહમાં નથી કમાતાં. કંઈક વાજબી બોલો ને, ભગવાન !”

‘વાજબી જાણવું છે ને તમારે ? તો એક કામ કરો. પોલિયો ફાઉન્ડેશનમાં પહોંચી જાવ. મલાવ તળાવ પાસે રજવાડું રેસ્ટોરન્ટ. એનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એની બરાબર સામેની ગલીમાં આ સંસ્થા આવેલી છે. ત્યાં અમદાવાદના અલગ અલગ ક્ષેત્રોના સાઠ જેટલા નિષ્ણાત ડૉક્ટરો કરુણાભાવથી સેવાઓ આપે છે. એમાં એક વિભાગ આંખની સારવારનો પણ છે. તમારી દિકરી માટે એ તીર્થધામ છે. પહોંચી જાવ. ખિસ્સામાં પૈસા નથી એ વાતની ચિંતા છોડી દો. જેમના કપડામાં ખિસું જ ન હોય એવા ગરીબોની સારવાર પણ ત્યાં કરી આપવામાં આવે છે.

ડૉક્ટરે ચિઠ્ઠી અને સરનામું લખી આપ્યાં. ગીતાનાં માબાપની આંખોમાં આશાનું કિરણ ઝબક્યું. જોકે એમના મનમાં તો હજીયે અવિશ્વાસની ઘેરી રેખા અંકાયેલી જ હતી, આવા હળાહળ કળિયુગમાં ડૉક્ટરો ગાંડા થઈ ગયા છે કે આટલું અઘરું ઑપરેશન સાવ મફતમાં કરી આપે ! સાદો મોતિયો ઉતારવાનો હોય તો હજુયે સમજી શકાય, પણ આંખનું ફૂલું કાઢવા જેવું અઘરું કામ ? એ બાત કુછ હઝમ નહીં હુઈ !

જે હજમ ન થઈ શકે એવી તો વાત લઈને આજે આપણે બેઠા છીએ. કોઈ પણ પવિત્ર કામ હાથમાં ઉપાડવામાં આવે ત્યારે કેવી કેવી દિશા એથી સહકારના પ્રવાહો આવી મળે છે ! કેવી કેવી જગ્યાએથી માણસોનો આર્થિક સહયોગ મળી રહે છે !

‘પોલિયો ફાઉન્ડેશન’ ના નિયામક ડૉ. ભરતભાઈ ભગતે કોર્નિઅલ સર્જરીના નિષ્ણાંત ઓપથેલ્મોલોજિસ્ટ ડૉ. બીનાબહેન દેસાઇને વિનંતી કરી, “અમે અમારી સંસ્થામાં આંખની સારવારનો નવો વિભાગ શરૂ કરવા માગીએ છીએ. કોર્નિઅલ ગ્રાફટીંગના ઑપરેશન માટે તમારો કોઈ વિકલ્પ નથી. તમે આવશો ?’

ડૉ. બીનાબહેને અડધી ક્ષણમાં જ સંમતિ આપી દીધી. પણ હવે પ્રશ્ન આ આવ્યો, ‘અદ્યતન ઑપરેશન થિયેટર અને ઇમ્પોર્ટેડ સાધનો તથા મશીન માટે લાખો રૂપિયાની જરૂર પડશે. એ પછી પણ દરેક ઑપરેશન દીઠ પંદર હજાર રૂપિયાનો ખર્ચ સંસ્થાએ ઉઠાવવો પડશે. એકવાર આ કામ શરૂ થાય, એ પછી અંદાજિત ખર્ચ લાખો રૂપિયાનું થઈ જશે. આ માટે કંઈ વિચાર્યું છે તમે ?”

‘આ માટે ભગતે શું વિચારવાનું હોય, આનો વિચાર તો ભગવાને કરવાનો હોય ! ‘ડૉ. ભગતે પોતાની અટક ઉપર શ્લેષ કર્યો.

ભગવાને ખરેખર વિચાર કરી જ રાખ્યો હતો. આજકાલમાં નહીં, પણ પૂરાં વીસ વર્ષ પહેલાં.

પ્રવીણભાઈ શાહ નામના જૈન શ્રેષ્ઠી. એમને ત્રણ દિકરાઓ. વચેટ દિકરો હાલમાં ચુંમાલીસ વર્ષનો, પણ ત્રણ દાયકા પહેલાં એ દિકરો જયારે ચૌદ જ વર્ષનો હતો ત્યારે એની એક આંખમાં ફૂલું પડ્યું. એંશીનો દાયકો હતો. આરંભનાં વર્ષો. એ વખતે અમદાવાદમાં આંખના કુશળ ડૉક્ટરો તો હતા, પણ કોર્નિઅલ ગ્રાફટીંગની સારવાર ઉપલબ્ધ ન હતી.

પ્રવીણભાઈ અત્યંત તણાવમાં આવી ગયા. દિકરાનું ‘વિઝન’ એક આંખ પૂરતું સાવ જ નષ્ટ થઈ ચૂક્યું હતું. અમદાવાદમાં એ સમયે ડો. અરુણભાઈ દિવેટિયા આંખોના ખૂબ હોશિયાર ડૉક્ટર ગણાતા હતા. દરદીઓનો મેળો ભરાતો હતો. પ્રવીણભાઈએ એમને કન્સલ્ટ કર્યા.

ડૉ. દિવેટિયાએ સત્ય વચન જણાવી દીધું. ‘ભારતમાં તો કંઈ જ નહીં થઈ શકે. વિદેશમાં જવું પડશે. તમારે આર્થિક બાબતની તો ચિતા નથી, કહો તો ત્યાંના શ્રેષ્ઠ ડૉક્ટર ઉપર ભલામણ પત્ર લખી આપું.’

પ્રવીણભાઈ બાપડા સાવ સરળ માણસ. ધનવાન ખરા પણ દિકરાને લઈને છેક અમેરિકા જવું એ વાત પર ઢીલા થઈ ગયા. છતાં જવાનો નિર્ણય તો લઈ જ લીધો. એવામાં જિનશાસનના સુખ્યાત આચાર્ય ભગવંત પ. પૂ. કલ્યાણસાગર સૂરિજી મહારાજ સાહેબ અમદાવાદ શહેરમાં પધાર્યા છે એવી માહિતી મળી. પ્રવીણભાઈ દર્શનાર્થે દોડી ગયા . ભગવંતને બધી વાત જણાવી. પ. પૂ. કલ્યાણસાગર સૂરિજી બોલ્યા, “હું તમને પાલીતાણા શત્રુંજય તીર્થના ગિરિરાજ ઉપરથી જવલ્લેજ મળેલા અક્ષત ચોખા નંગ ૫ આપુ છું તેનો દરરોજ દૂધથી પલાણ કરી તેનું નમન તમારા પુત્રને દરરોજ સવારે આંખે લગાડજો ધીરેધીરે દસેક દિવસમાં બધું સારું થઈ જશે.”

મરતા ક્યા નહીં કરતા ? પ્રવીણભાઈએ સૂચનાનો અમલ કર્યો. આ જગતમાં ચમત્કાર જેવું તો કંઈ હોતું જ નથી. વિજ્ઞાનમાં શ્રદ્ધા ભળે ત્યારે જો શુભ પરિણામ આવી જાય તો માણસો એને ચમત્કાર ગણીને સ્વીકારી લેતા હોય છે. દેવગુરુની કૃપાએ આ કિસ્સામાં એવું જ કામ કરી આપ્યું. પ્રવીણભાઈના દિકરાને ધીમે ધીમે વિઝન પાછું આવતું ગયું. હકીકત એ છે કે આજે એ દિકરાને બંને આંખે સાવસારું છે.

આ ઘટના ઉપર ત્રણ ત્રણ દાયકાના થર ચડી ગયા છે, પણ પ્રવીણભાઈના મનમાંથી એ તણાવભર્યા સમયનો માર હજુ ભુલાયો નથી. એમને ખબર પડી કે પોલિયો ફાઉન્ડેશનમાં ફૂલુની સારવાર માટે વિભાગ શરૂ કરવાનો છે. તેઓ પહોંચી ગયા ડૉ. ભગતસાહેબ પાસે, કહી દીધું, નાણાંની ફિકર ન કરશો. હું બેઠો છું.’

આજે ગુજરાતના શ્રેષ્ઠ સેટઅપ’ માં અનેક ગરીબ દરદીઓ આધુનિકમાં આધુનિક સારવારનો લાભ લઈ રહ્યા છે. ડૉ. બીનાબહેનની આંગળીઓમાં જાદુ છે અને હથેળીમાં જશરેખા. અત્યાર સુધીમાં ગીતા જેવા ૧૫૦ ગરીબ દરદીઓનાં કોર્નિઅલ ગ્રાફ્ટીંગ એમણે કરી આપ્યાં છે. નેત્રદાનના ક્ષેત્રમાં ખૂબ મોટું કામ કરી રહેલા ગૌતમ મજમુદાર સાવ મફતમાં “આઈ બોલ’ પૂરો પાડી આપે છે. સામાન્ય રીતે એક આઈ બોલની પડતરકિંમત બે હજાર રૂપિયા થાય છે, પણ એ બોજો મજમુદાર ‘મેનેજ’ કરી લે છે. હમણાં મશહૂર ગઝલ ગાયક મનહર ઉધાસ ફંડ રેઇઝિંગ કાર્યક્રમ આપી ગયા. પોતાનું મહેનતાણું એક રૂપિયા જેટલુંય ન લીધું. આ તો સેવાની ગંગા વહે છે, એમાં હાથ ધોઈ લેવાની તક કોણ જતી કરે ? ! પણ આ ગંગાની ગંગોત્રીની વાત કરવાની તો રહી જ ગઈ. પાયાનો પથ્થર મૂકનાર કહે છે કે આ દેશમાં ભામાશાઓની તંગી છે ! સારા કામની શરૂઆત કરનારા રાણા પ્રતાપ બની જુઓ તો સાચી વાતની ખબર પડે !

(સત્ય ઘટના, ગીતાની આંખ તદ્દન સાજી સારી થઈ ગઈ છે.

(શીર્ષકપંક્તિ : પ્રભાશંકર પટ્ટણી)).

અત્યારે ગુજરાતમાં હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન એક માત્ર એવું સેવા સંસ્થાન છે જેમાં પીડિયાટૂીક અને એડલ્ટ કેટરેકટ, રેટીના, ગ્લુકોમા, કોર્નિયા ગ્રાફટીંગ અને ROPનો ટેલીમેડીસીન પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. હોસ્પિટલ દ્વારા ગરીબ વ્યક્તિઓને વિનામૂલ્યે અને સાધારણ દર્દીઓને ખૂબજ રાહતના દરે સારવાર આપવામાં આવે છે જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઇ રહ્યાં છે.

મિત્રો અત્યાર સુધીની યાત્રા શક્ય તેટલાં ઓછા શબ્દોમાં આપણી સમક્ષ મૂકી છે અને આ પછીના છેલ્લાં લેખમાં આપડે સમાપન કરી સંસ્થાની કાર્યવાહી અને મારા ભાવને આપણી સમક્ષ મૂકીશ.

3 thoughts on “હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧૨ (ડો. ભરત ભગત)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s