ભરૂચના બે સર્જકો


(શ્રી કિરણ જોગીદાસે M.Com, PGDCS સુધીનો અભ્યાસ કરી, Art of living yoga ના શિક્ષક તરીકેની કારકીર્દી સ્વીકારી છે. ભરૂચના સાહિત્યપ્રેમીઓમાં એમનું નામ પણ સામીલ છે. એમની કેટલીક રચનાઓ electronic અને Print Media માં પ્રગટ થઈ ચૂકી છે. આજે આંગણાંમાં એમની બે કૃતિઓ મૂકતાં મને આનંદ થાય છે. – સંપાદક)

થઈ જવું

વિસ્મય ભરી નજરમાં કદી છક થઈ જવું

મોટપ મુકીને કોક દી’ બાળક થઈ જવું

આળોટવાની છે મજા શેરીની ધૂળમાં

બનવું પડે દિવાના તો બેશક થઈ જવું

ક્યારે ભગાવે ભાગ્ય? ભરોસો નથી કશો

આરામ છોડી આજથી ઉભડક થઈ જવું

હંમેશ આભ આંબવું ,એથી વિશેષ છે

કોઈ હતાશ પાંખના પ્રેરક થઈ જવું

‘રોશન’ છે જિંદગીની એ સાચી મજા અહીં

હરએક પળનું આખરી એક તક થઈ જવું

કિરણ ‘રોશન’

 

ક્યાં આપે છે?

ગમતું ક્યાં એ લગાર આપે છે!

ના ગમે એ ધરાર આપે છે

માંગવુ તો વિચાર પૂર્વક ત્યાં

જીતમાં પણ એ હાર આપે છે

સૌ અહીં ઉંચકી શકે એવો

માપસરનો જ ભાર આપે છે

કોઈ કીડી ઉપર મુકે લાડુ

એ જ રીતે એ પ્યાર આપે છે

ઘાવ રૂઝે ના કે સતાવે ના

એટલી સારવાર આપે છે

જો તરસ દર્શની હશે બેહદ

એ જ પળ એ દિદાર આપે છે

એટલો સંગદિલ મળ્યો સાજન

યાદ પણ ધારદાર આપે છે

નહિ છુપાવી શકો કશું ત્યાં,એવો

ભીતરે રાઝદાર આપે છે

આંખની ભાષા સાવ સ્હેલી,પણ

સૌને ક્યાં વાંચનાર આપે છે!

કિરણ ‘રોશન’

**********************************

(એમ. એ. અને એમ. એડ. સુધીનો અભ્યાસ કરી શ્રી ચિંતન મહેતાએ શિક્ષક તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો છે. એમની બે રચનાઓ આંગણાં માટે મોકલવા બદલ એમનો આભાર – સંપાદક)

અઘરૂં લાગે…

ભીતર ભીતર વિસ્તરવાનું કેવું સાલું અઘરું લાગે ?

અંદર સઘળું સંઘરવાનું કેવું સાલું અઘરું લાગે ?

પથ્થર જેવા પથ્થર સામે બાથ ભીડાવો વાંધો ક્યાં છે ?

ફૂલો સામે કરગરવાનું કેવું સાલું અઘરું લાગે ?

ડૂમા-ડૂસકાં ગૂંથીને મેં દિલને દ્વારે તોરણ બાંધ્યા,

ખાલીપાને નોંતરવાનું કેવું સાલું અઘરું લાગે ?

તું ચાહે તો વાદળ-વાદળ રમવાનું હું સાહસ ખેડું,

પણ ધીમેથી ઝરમરવાનું કેવું સાલું અઘરું લાગે ?

તારી આંખોમાં છલકાતું મૌન અમારી મજબૂરી છે,

અક્ષર થઈને અવતરવાનું કેવું સાલું અઘરું લાગે ?

મારી નાખશે

મને તમારી આંખનો ઝૂકાવ મારી નાંખશે,

વધી જશે તો પ્રેમનો પ્રભાવ મારી નાંખશે.

બીજી કશીય ચોટની અસર થતી નથી હવે,

ગમી ગયેલ સ્પર્શનો અભાવ મારી નાંખશે.

કરી શકે નહીં મને પરાસ્ત કોઈ શબ્દથી,

તમે કરેલ મૌનનો ઠરાવ મારી નાંખશે.

સ્વભાવમાં હળીમળી ગયો ઉતાર ભાગ્યનો,

અગર થશે ચઢાવ તો ચઢાવ મારી નાંખશે.

સવાલ પણ કરો મને સવાલની અદા મુજબ,

અદા ગમી જશે અને લગાવ મારી નાંખશે.

-ચિંતન મહેતા

4 thoughts on “ભરૂચના બે સર્જકો

  1. બન્ને કવિઓની રચના સરસ છે.
    ડૂમા-ડૂસકાં ગૂંથીને મેં દિલને દ્વારે તોરણ બાંધ્યા,
    ખાલીપાને નોંતરવાનું કેવું સાલું અઘરું લાગે ? વિશેષ ગમી.

    Like

  2. Khub j Umda kavi shree Chintan maheta sir urfe CM. Sarkar
    darek gazal uttam… ne mari gamti rachna ma ni 1 gazal aa pan
    kevu salu agharu lage…. khub Rajipo Sir 💐

    Sathe Kiranben jogidas aapni uttam gazalo…. sakhi khub khub Abhinadan… khub Rajipo

    Like

  3. ચિંતનભાઈની છેલ્લી ગઝલ, “મારી નાખશે”સુંદર છે. લય અને તાલના સુમેળને લીધે છંદની પળોજણમાં પડ્યા વિના જ એક શ્વાસે વાંચી ગઈ અને મમળાવીને માણી. હ્રદયને જે સ્પર્શી ગઈ તે આ ગઝલની નમણાશ, નજાકત. આનંદ આનંદ.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s