‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ પ્રોગ્રામ પૂરો થતાં મોનાએ મનને અમેરિકન વાતાવરણમાં પાછું ખેચ્યું. ટીવી ચેનલ બદલતાં લોકલ ન્યુઝ જોવા એણે પતિ તરફ નજર કરી. ક્રિસમસનો દિવસ, ત્રણ દિવસનું લોંગ વી એન્ડ… શૈલેશ સોફામાં પગ લાંબા કરી નોવેલ વાંચવામાં બિઝી હતો. લોકલ ટીવી ચેનલના એંકરે ન્યુઝ આપવાના ચાલુ કર્યા.
પણ મોના… આવતી કાલે મોલમાં ઘસારો હશે. એક તો સેલનો દિવસ બીજું ક્રિસમસમાં મળેલી ગિફ્ટો પાછી આપવા કે બદલાવવા માટેની ધક્કામુક્કી – એ ચિંતાએ એના મનના કમ્પ્યુટરમાં વાઈરસની જેમ ઘૂસી જઈ સમગ્ર વિચાર પ્રદેશનો કબ્જો લઈ લીધો. દીકરી માટે પ્રેમથી લીધેલો ડ્રેસ દીકરીને ન ગમ્યો અને પતિને આપેલા શર્ટનો કલર પતિને પસંદ ન પડ્યો. એટલે કાલે બદલાવવા જવું જ પડશે. દિવાળી ભૂલીને ક્રિસમસ માણવાની ભૂલ…
‘સ્કૂલમાં કરાયેલા સર્વેના રિઝલ્ટ મુજબ 8મા ધોરણમાં ભણતા પાંત્રીસ ટકા સ્ટુડન્ટોએ સેક્સનો અનુભવ કર્યો છે.’
શૈલેશના હાથમાંથી નોવેલ સરી ગઈ. અને મોનાની છાતીમાં ધ્રાસ્કો પડ્યો, ઊભયની નજર મળતાં જ એક વિરાટ પ્રશ્ન જન્મ્યો ‘ગઈ કાલ સાંજથી ક્રિસમસ ઈવની પાર્ટીમાં ગયેલી એમની લાડકી દીકરી અમી હજુ સુધી પાછી કેમ આવી નથી?’
‘અમીનો કોન્ટેક્ટ કર. એ ક્યાં છે?’ શૈલેશનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ મોનાએ અમીના સેલફોનનો નંબર જોડ્યો. શૈલેશ એકીટશે એની સામે જોઈ રહ્યો છે અનુભવતાં એ જરા નર્વસ થઈ ગઈ.
‘મને લાગે છે એનો સેલફોન બંધ છે.’ મોના અકળાતાં બોલી.
‘હાઉ કૅન શી ડુ ધેટ? એ પોતાની રિસ્પોન્સિબિલિટી સમજે છે કે નહીં?’ શૈલેશના અવાજમાં ગુસ્સો પ્રગટ્યો.
‘આપણે આ દેશમાં આવીને ભૂલ કરી લાગે છે.’ શૈલેશના શબ્દો સાંભળતાં જ મોના ચોંકી ઊઠી.
‘તમેય ખરા છો. રિપીટ થતી જાહેરખબરની જેમ તમે પણ એક જ રટ લગાવી બેઠા છો.’ ‘નારાજગી દર્શાવતાં ઊભી થતાં બોલી, ‘ચાલો તમે જમી લો.’
જમવા બેસતાં ‘ફરી એક વાર અમીનો ફોન ટ્રાય કર…’ શબ્દો શૈલેશના હોઠોનું સાંનિધ્ય છોડે એ પહેલાં જ દરવાજો ખોલી પવનની જેમ અંદર ધસી આવતી અમી ‘હાય મોમ! હાય ડેડ!’ કહી એમની દૃષ્ટિથી ઓઝલ થતી એની રૂમમાં ચાલી ગઈ. મધુર સુગંધ અસ્ત પામી ગઈ.
જમીને મોના ધીમા પગલે દાદરો ચઢી અમીની રૂમ પાસે આવીને અટકી. લાઉડ અંગ્રેજી મ્યુઝિકની ન સમજાતી સૂરાવલીઓથી અમીની રૂમનો દરવાજો કંપી રહ્યો છે ઍમ એને લાગ્યું.
દરવાજા પર નોક કર્યા, પણ નો રિપ્લાય… ફરી એક વાર નોક કર્યા, પરિણામ શૂન્ય. છેવટે કમને દરવાજાને હળવો ધક્કો મારી અંદર પેસતાંની સાથે જ – ‘મોમ, વાય ડૉન્ટ યુ નોક ફર્સ્ટ…’ સાંભળતાં મોના હેબતાઈ ગઈ. પોતાના જ ઘરમાં પોતાની એન્ટ્રી ઈલીગલ?’
આગળ વિચારવાની કે બોલવાની શક્તિ આ ક્ષણે ઓસરી જતાં અમીને પડકારવા કરતાં પાછા ફરી જવામાં પોતાની સલામતી છે, અનુભવતાં મોના અમીની રૂમમાંથી હતાશ થઈ પાછી વળી ગઈ.
નીચે ઊતરતાં શૈલેશે પૂછ્યું, ‘અમી કેમ છે?’
મિતાક્ષરી જવાબ આપ્યો, ‘ફાઇન’ પણ પોતે કેમ છે એ ન કહી શકી. મોંઘીમાંથી મોના બનવાનું આજે મોંઘું પડી રહ્યું હતું. ઈન્ડિયાની મોંઘીબેન – અમેરિકાની મોનામેડમ…
આજના આ ટીનેજર્સ, કંઈક સમજાવો તો ફટ્ દઈને સામે બોલી દે, યુ (in)ઈન્ડયન ડૉન્ટ અંડરસ્ટેન્ડ.’ દલીલ કરો તો બટકાં ભરવા આવે. છેવટે ત્રાસીને ‘ઓ.કે.–ઓ.કે. કહેતાં શરણાગતિનો સફેદ વાવટો ફરકાવતાં મનમાં સમસીને બેસી રહેવું પડે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની પાતળી ભેદરેખા સમજે તો સારું. મોનાના મને આ ઈ–મેઈલ ઘણી વાર મોકલી હતી, પણ અહીંની સુખસાહેબીમાં આળોટતી મોના એને તરત જ ડિલીટ કરી દેતી.
‘મોના, આપણે આ દેશમાં આવ્યા આપણા મરજીથી, અમીનો જન્મ થયો આપણી મરજીથી અને તું ચાહે છે કે અમી પોતાની લાઇફ જીવે છે આપણી મરજી મુજબ?’
‘આપણે થોડા એના દુશ્મન છીએ. એના માટે તો પેરેન્ટ્સ એટલે સ્ટુપિડ.’
‘અહીં આવીને, આપણે…’ પથારીમાં બેઠો થઈ શૈલેશ આગળ બોલ્યો, ‘લાગે છે પાછા ઈન્ડિયા ફરી જવું જોઈએ. સમય આવી ગયો છે.’
‘અમી નહીં માને…’
‘તું માને તો…’
નાઇટલેમ્પ બંધ કરી ચાદર ખેંચી પડખું ફેરવતા મોનાએ આંખો મીંચી દીધી, પણ અંદર એ જાગતી પડી રહી. અમીની દલીલો, શૈલેશની માગણી અને પોતાની ઇચ્છા. અમીમાં વિકસતું અમેરિકા… શૈલેશમાં ધબકતું ભારત અને પોતાનામાં… છતી આંખે ગાંધારી બનીને બેસી તો ન રહેવાય.
ભારત નહોતું ગમતું ઍમ નહોતું. ત્યાં બે જેઠ–જેઠાણી, એક દિયર–દેરાણી, બે નણંદો અને પોતાની સેવાની રાહ જોતાં સાસુ–સસરાં, વેકેશન ત્યાં ગાળવા પૂરતું એ બધું ઠીક હતું. અહીંથી મોકલાવેલા ડોલર્સથી એમની સગવડો કંઈ અંશે સચવાતી હતી. સાચ સાગર પાર જળવાતા સંબંધનો ગાળિયો પોતાના ગળામાં નાખવાથી પોતાની સ્વતંત્રતા જોખમાશે. બધાની જવાબદારી શૈલેશને માથે પડશે. ત્યાંના સમસ્યાના વર્તુળના પરિઘમાં રહેવાને બદલે પોતે કેન્દ્રમાં ધકેલાઈ જશે… નો…નો… માંડ માંડ જે પળોજણથી છુટકારો મળ્યો છે એ અમીના વર્તાવ અને શૈલેશના દબાણને ખાતર ફરી ગળે વળગશે. અહીંની બ્યુટિફુલ લાઇફ… પણ પોતે એક ભારતીય પત્ની… તો શું થયું… સરળ વહેતા જીવન પ્રવાહમાં આવનાર જુવાળના ખ્યાલ માત્રથી એ બેચેન થઈ ગઈ. કોઈ રસ્તો તો કાઢવો પડશે. રાત મોનાની સાથે જાગતી રહી.
ત્રણ દિવસ પછી વીક–એન્ડ આવશે. અમી પીટર સાથે… એ કૂલ ડૂડ સાથે મૂવી જોવા જશે.. ઓહ નો…! પેટમાં બળતરા વધવા લાગી. અમીને આડકતરી રીતે સીધી રીતે સમજાવવાની ભરપૂર કોશિશ કરી જેટલું એ સમજાવવા ગઈ અમી એટલી જ ઉદ્ધત થતાં સામે દલીલ કરી ઘૂરકી રહી. શૈલેશને તો એ ગણકારશે નહીં. પોતાની સલાહ અમીને અને શૈલેશની સલાહ પોતાને ગળે ઊતરશે નહીં. સમાધાન શી રીતે કરવું? અમી પણ બોલતાં બોલી ગઈ હતી, ‘મોમ, યુ ડૉન્ટ ટેલ મી વોટ ટુ ડુ…’
જોબ પર લંચ સમયે પોતાની બાજુમાં બોલકણી સિમાન્યાને શાંત બેઠેલી જોતાં મોનાને નવાઈ લાગી. પોતાના મનમાં ચાલતા અણગમતા વિચારોની આગેકૂચ થંભાવવા એણે પૂછયું, ‘સિમન્યા, હાવ કમ યુ આર વેરી ક્વાએટ્?’
પછી તો સિમાન્યાની જીભ ખૂલી ગઈ. હૃદયનો બોજ હળવો કરતાં એણે મોનાને જણાવ્યું કે અમી સાથે ભણતી એની દીકરી લિસા પ્રેગનન્ટ છે. સાંભળતા જ મોનાના હોશ ઊડી ગયા. મુશ્કેલીથી પોતાના મનના ભાવોને સંભાળતાં, સંતાડતાં એણે સિમાન્યાને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો. મોનાના ખભે માથું મૂકી હીબકાં ભરતી સિમાન્યા અચકાતી અચકાતી ધીરેથી બોલી, ‘કાશ, મેં એને બર્થ–કન્ટ્રોલની પિલ્સ આપી હોત તો આ દિવસ જોવાનો સમય ન આવત. સિમાન્યાની પીઠ પર હાથ ફેરવતાં મોના અભાનપણે વિચારી રહી – હવે કદાચ પોતાનો વારો…’
ચાર બેડરૂમનો બંગલો, બે કાર, બિગ ફ્લૅટ સ્ક્રીન ટીવી, વોશર–ડ્રાયર, ફ્રિજ… વીક–એન્ડ પાર્ટી… ફ્રીડમ… સુખસાહેબી… લોભામણું સ્મિત કરી, બાંહો ફેલાવી આવકારતું અમેરિકા… ભાગ પડાવવાળું કોઈ નહીં… અને બીજી તરફ સાસુ–સસરા, જેઠ–જેઠાણી સંબંધોના પડછાયાની સંભળાતી માગ. અહીં જ રહેવું, વહેવું અને સહેવું. એક ત્રાજવું બે પલ્લાં, ચારે તરફથી થતા હલ્લા. બે દિવસ પછી આવશે શનિવાર… અમી… પીટર… મૂવી… પછી બધુંય સેળભેળ… ભાગતી મોના, એની પાછળ દોડતી સિમાન્યા અને લોકલ ટીવી ચેનલના એંકરના શબ્દો એની પાછળ… ગુરુવાર પસાર કરતાં નાકે દમ આવી ગયો. ક્યાં અટકવું? કેમ અટકાવવું… જે થઈ રહ્યું છે તે…
શુક્રવારની સવારથી મોના વધુ બેચેન બની ગઈ. મનમાં ને મનમાં ભટકી રહી. અજાણતાં જ એક યોજના એના મનમાં સ્ફૂરી એને આકાર આપવામાં થોડા કલાકો લાગ્યા. સાંજે રાબેતા મૂજબ રસોઈ કરી શૈલેશ અને અમીને જમાડ્યા. છેલ્લા ત્રણ દિવસથી મોનાના ચહેરાને આવરી રહેલી તંગ રેખાઓને આજે ઢીલી થતાં જોઈ શૈલેશ અને અમીને સારું લાગ્યું. વાતાવરણ નોર્મલ થવા માંડ્યું.
‘કાલે શનિવાર છે, આપણે શું કરવું છે?’ શૈલેશને મોના જવાબ આપી ન શકી.
‘મોમ, આઈ ઍમ ટેકિંગ અ બાથ.’ અમીનો સ્વર સાંભળ્યાની પાંચ મિનિટ બાદ મોના ધીરેથી દાદરો ચઢી, ગભરાતી, અમીની રૂમમાં દાખલ થઈ. હથેળીમાં પરસેવો વળી ગયો. પોતાના ઘરમાં પોતે જ ચોર અને પોતાના મનમાં… એણે ચોર તરફ ઝડપથી નજર ફેરવી. જેની તલાશ હતી એ અમીનું પર્સ ડ્રેસિંગ ટેબલ પર નજર પડ્યું. તેજ થતી હૃદયની ધડકન સાથે એણે ટેબલ પાસે આવી પર્સ હાથમાં લીધું ‘આ ન કરવું જોઈએ.’ શબ્દો શાંત રૂમમાં પડઘાયા. એ ધ્રૂજી ઊઠી. જો અમી આવી ગઈ તો… મનને મારતાં હાથમાં રહેલું પિલ્સનું પેકેટ અમીના પર્સમાં મૂકવા કંપતા હાથે મોનાએ પર્સ ખોલ્યું. પર્સમાં નજર નાખતાં જ એની આંખો પહોળી થઈ ગઈ. તરત જ પર્સ બંધ કરી ક્ષણભર છાતી સાથે દબાવીને ડ્રેસિંગ ટેબલ પર મૂકતાં ચોરની જેમ બહાર ભાગી.
ઝડપથી દાદરો ઊતરતી મોનાના હાથ તરફ જોતાં શૈલેશથી પૂછ્યા વગર ન રહેવાયું, ‘મોના, તારા હાથમાં શું છે?’
દાદરો ઊતરી એક ઊંડો શ્વાસ લેતાં એણે કહ્યું, ‘એ તો મારા માથાના દુ:ખાવાની ગોળી છે.’
‘તારું માથું ક્યારથી દુ:ખવા લાગ્યું?’ પોતાના માથે હાથ ફેરવતાં શૈલેશે બીજો સવાલ કર્યો.
પોતાનું પર્સ ઉઘાડી એમાં પેકેટ સેરવતાં સહેજ હસીને એ બોલી, ‘લાગે છે હવે આની જરૂર નહીં પડે.’
‘તું શું બોલે છે?’ શૈલેશ સમજ્યો નહીં.
‘એ વાત છોડો, ટીવી ચાલુ કરો. આપણો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ પ્રોગ્રામ શરૂ થવાનો છે.
અમેરીકન જીવનની વરવી-કડવી, ગમે કે ન ગમે તો પણ ન છુટકે પણ કબુલ કરવી પડતી વાસ્તવિકતા.. !!
માબાપે સંસ્કાર ગમે તેટલા આપ્યા હોય, એકદમ હોંશિયાર હોય કે સાવ ઠોઠ હોય..સંતાનને જો અમેરીકન culture ગમતું હોય, અને અભાનપણેય પણ બગડવું હોય, બીજાઓ કરતાં પોતે દરેક્માં કોઈ પણ છોછ વિના ભાગ લઈ શકે છે એ મિત્રોમા, ખાસ કરીને વિજાતિય મિત્રોમાં બતાવવું હોય તો માબાપ ગમે એટલું ધ્યાન આપે તો પણ, છોકરો હોય કે છોકરી, સંતાન એમના કાબુમાં રહેતું નથી..
અમેરીકન જીવનની વરવી-કડવી, ગમે કે ન ગમે તો પણ ન છુટકે પણ કબુલ કરવી પડતી વાસ્તવિકતા.. !!
માબાપે સંસ્કાર ગમે તેટલા આપ્યા હોય, એકદમ હોંશિયાર હોય કે સાવ ઠોઠ હોય..સંતાનને જો અમેરીકન culture ગમતું હોય, અને અભાનપણેય પણ બગડવું હોય, બીજાઓ કરતાં પોતે દરેક્માં કોઈ પણ છોછ વિના ભાગ લઈ શકે છે એ મિત્રોમા, ખાસ કરીને વિજાતિય મિત્રોમાં બતાવવું હોય તો માબાપ ગમે એટલું ધ્યાન આપે તો પણ, છોકરો હોય કે છોકરી, સંતાન એમના કાબુમાં રહેતું નથી..
LikeLike
અદ્ભુત કલાસંયમથી સંકેતો દ્વારા ભાવિકોને કથાવિશ્વમાં સહભાગી બનાવતી વાર્તા
LikeLike