(આજની પોસ્ટ મૂકતાં મને અતિ આનંદ થાય છે, કારણ કે આજે મારા આંગણાંમાં એક સાથે મારા બે મિત્રોએ પદાર્પણ કર્યું છે. જાણીતા ગઝલકાર ડો. મહેશ રાવલ પેસિફીક મહાસાગરના હવામાનમાં રહે છે, તો જાણીતી કવિયત્રી દેવિકા ધ્રુવ એટલાંટિકની નજીક છે. બન્નેની કેળવાયલી કલમનું મિલન મારા આંગણાંમાં થયું છે એનો મને આનંદ છે. દેવિકા બહેને ડો.મહેશ રાવલના મિજાજને બરોબર ઓળખ્યો છે, અને આ ગઝલમાં એમનો સંદેશ બરાબર ઝીલ્યો છે. – સંપાદક)
હું એવો દીવો શોધું છું.- (ડો. મહેશ રાવલ)
અણજોતી આડશ ઓગાળે હું એવો દીવો શોધું છું.
ઓજસ આવે સૌના ભાગે હું એવો દીવો શોધું છું.
ખૂણેખૂણો ખોલી મનનો હર મનને નિર્મળતા બક્ષે
વાણી વર્તનને અજવાળે, હું એવો દીવો શોધું છું.
ઈર્ષાનું બળકટ કદરૂપું અંધારું જે વિખરાવી દે
માણસ જ્યાં માણસને ભાળે હું એવો દીવો શોધું છું.
પારેવા જેવા હૈયાને સધિયારો દઈ સંભાળી લે,
અવઢવનો ઓછાયો ખાળે હું એવો દીવો શોધું છું.
અધકચરા છે જ્યાં સગપણ ત્યાં,વાદળ શંકાના ઘેરાશે
સંબંધોના સંશય બાળે હું એવો દીવો શોધું છું.
અંગત આંખે તરકટ આંજી તત્પર બેઠા છે તકવાદી
ખુદ્દારીથી સંકટ ખાળે હું એવો દીવો શોધું છું.
સાચું એ કાયમ સાચું ‘ને ખોટું એ ખોટું રે’વાનું,
એવી સમજણ દે સરવાળે હું એવો દીવો શોધું છું.
રસદર્શન-દેવિકા રાહુલ ધ્રુવ
ચાર ચાર દાયકાઓથી ગઝલ લખતા મહેશભાઈ રાવલની ઉપરોકત ગઝલ એક અનોખું અજવાળું પાથરીને મનમાં ઝળહળી ગઈ. સામાન્ય રીતે, નિજાનંદી ખુમારી અને અનોખા ઠાઠથી ચોટદાર લખતા મહેશભાઈ આમાં એક નાજુક ઉમદા વાત લઈને આવ્યા છે.
સોળ ગુરુવાળી બહેરમાં લખાયેલી આ ગઝલનો ઉઘાડ તો જુઓ? મત્લાના શેરમાં જ એ કહે છે કે,
અણજોતી આડશ ઓગાળે હું એવો દીવો શોધું છું.
ઓજસ આવે સૌના ભાગે હું એવો દીવો શોધું છું.
દીવા તો સૌ રોજ કરે છે, સદીઓથી કરતા આવ્યા છે પણ આ દીવો રોજીંદો કરતાં કંઈક વિશેષ છે. જાતજાતના સઘળા અંતરાયો ઓગાળી નાખે અને સૌને અજવાળું મળે એવા દીવાની શોધ છે.જગતમાં જોયેલી, અનુભવેલી અનેક વિષમતાને, અંધકારને, મલિનતાને, સંશયોને હટાવવાની વાત આગળના ત્રણ શેરોમાં વ્યક્ત થાય છે.
માનવ મનના ખૂણે ખૂણામાં જાતજાતના જે કચરા ભરાતા રહે છે, તેને અને તે કારણે વાણી –વર્તનમાં જે કાળાશ જામતી જાય છે, તેને અજવાળતા દીવાની ઝંખના વ્યક્ત કરી છે. માણસની આસુરી વૃત્તિઓ જેવી ઈર્ષાને કારણે ઊભા થતાં કદરૂપા અંધારાને મિટાવી માણસ માણસને સાચી રીતે ઓળખે એવી સુંદર સૂફી વાત આગળના શેરમાં છતી થાય છે. એવું કંઈક બને તો જ કોઈ ગભરુની ઓથે ઉભા રહેવાની તૈયારી પણ થાય ને? જુઓ હૈયાની સંવેદના કેવા મૃદુ શબ્દોમાં ગૂંથાઈ છે?
“પારેવા જેવા હૈયાને સધિયારો દઈ સંભાળી લે,
અવઢવનો ઓછાયો ખાળે હું એવો દીવો શોધું છું.”
ક્રમે ક્રમે કવિ આ જ વિષયને વિકસાવતા આગળ કહે છે કે, સંબંધોમાં કેટકેટલા સંશયોના વાદળો ઘેરાતા હોય છે તેને પણ બાળવાની જરૂર છે. સગપણ અને સંબંધના વિષયમાં પણ તકવાદીનો ક્યાં તોટો છે? સહજ કરેલો આ અછડતો ઉલ્લેખ, આંખે તરકટના પાટા બાંધી બેઠેલ ધૃતરાષ્ટ્રની અને એવા અનેક તકવાદીની કથાઓનું સ્મરણ કરાવી દે છે. એક જ શેરમાં વિચારનું વિશાળ ફલક ભાવકના મનમાં વિસ્તારી આપવાનું સરસ કવિકર્મ અહીં અનુભવાય છે.
છેલ્લે મક્તાના શેરમાં મહેશભાઈની અસલ ‘મિજાજે બયાં’ તાદૃશ થાય છે. સભામાં ઉભેલા અને પ્રેક્ષકોને હાથના એક ઝટકાથી જાણે ભારપૂર્વક કહેતા દેખાય છે કે, સાંભળો..
“સાચું એ કાયમ સાચું ‘ને ખોટું એ ખોટું રે’વાનું…. આમાં કોઈ બાંધ છોડ નો હાલે..હોં…પણ મારા વહાલા, સમજો જરા..મારે જે કહેવું છે તે એ કે,
”એવી સમજણ દે સરવાળે, હું એવો દીવો શોધું છું.”
કેટલી ઉમદા વાત? જેને આવી સમજણ આવી ગઈ હોય તે જ આ લખી શકે અને એટલે જ અહીં એમનો એક બીજો શેર યાદ આવ્યા વગર રહેતો નથી કે,
જાત ઝળહળ હોય તો ઝાંખુ કશું હોતું નથી.
તું તને વિસ્તાર તો આઘું કશું હોતું નથી.
ખુબ જ સીધા, સાદા, સમજાઈ જાય એવા શબ્દોમાં સહજતાથી છતાં મક્કમતાપણે કહેવાયેલી ઊંચી વાત મનને તરત જ સ્પર્શી અને ઠસી જાય છે. શબ્દેશબ્દની ઉચિત પસંદગી, ભાવને અનુરૂપ છંદ અને ઝીણી ગૂંથણી એમને મોખરાના ગઝલકારોની હરોળમાં મૂકી દે છે એમાં કોઈ બેમત નથી.
શ્રી અમૃત “ઘાયલ’ના આશીર્વાદ અને કૈલાસ પંડિતની ગઝલની પ્રેરણા પામનાર મહેશભાઈની વિકસેલી અને કસાયેલી કલમને સો સો સલામ..
ગઝલ પણ ખુબ સરસ અને તેનો આસ્વાદ કરાવ્યો દેવિકાબેને। ….સોના માં સુગંધ ભળી…..સાહિત્ય નું ઉમદા કામ અને દાવડા સાહેબ નિમિત્ત બન્યા ..સૌ ને અભિનંદન
LikeLiked by 1 person
સરળ અને સચોટ ગઝલ…સુંદર અભિવ્યક્તિ.
LikeLiked by 1 person
સોને પે સુહાગા….
ખુબ માર્મિક ગઝલનું અર્થપૂર્ણ રસદર્શન .
LikeLiked by 1 person
આદરણીય વડીલ, દાવડાસાહેબ
અને
જાજરમાન કવયિત્રી, દેવિકાબેન
બન્નેનો ગઝલપૂર્વક આભાર… અને વંદન🙏🏽
LikeLiked by 1 person
સરસ મઝાની ગઝલ
LikeLiked by 1 person
This deep meaning Gazal i will remember every day while Lighting Lamp (DIVO)
LikeLiked by 1 person