નટવર ગાંધીના સોનેટ (રજૂવાત -પી. કે. દાવડા) જાન્યુઆરી 22, 2019નટવર ગાંધીlilochhamtahuko સોનેટ ગુજરાતીમાં પરદેશથી આવેલો કાવ્ય પ્રકાર છે. સોનેટના બંધારણમાં ત્રણ વસ્તુઓ આવશ્યક છે. સોનેટમાં ૧૪ પંક્તિઓ હોય છે, મુખ્ય વાતથી શરૂઆત કર્યા પછી એમા અણધાર્યો પલ્ટો આવે છે અને છેવટની પંક્તિઓમાં એક ઝાપટ હોય છે. ઘણીવાર આ ઝાપટ મગરના પૂંછની ઝાપટ જેવી શક્તિશાળી હોય છે. સોનેટની ૧૪ પંક્તિઓના ત્રણ પેટા પ્રકાર છે. પહેલા પ્રકારમાં પહેલી આઠ પંક્તિઓમાં મૂળ વિષય છેડવામાં આવે છે. ત્યાર બાદની ચાર પંક્તિઓમાં વિષયમાં પલટો આવે છે, અને છેલ્લી બે પંક્તિઓમાં ઝાપટ હોય છે. બીજા પેટા પ્રકારમાં ૪ – ૪ –૪ –૨ પંક્તિઓ અનુસાર ભાગલા હોય છે, જ્યારે ત્રીજા પ્રકારમાં સળંગ ૧૪ પંક્તિઓ અથવા જરૂર જણાય ત્યાં ભાગલા પાડવામાં આવે છે. અહીં નટવર ગાંધીના ત્રણે પ્રકારના સોનેટ રજૂ કર્યા છે. ત્રણે સોનેટ એમના ઈમેજ પબ્લીકેશન દ્વારા પ્રકાશિત પુસ્તક “અમેરિકા અમેરિકા”માંથી લીધા છે. (૧) પ્રથમ સોનેટ “અસ્વીકાર” માં નટવરભાઈ મૃત્યુને પણ પડકારે છે અને યમરાજને કહે છે, “તમે ખોટે સરનામે આવ્યા છો.” કાવ્યમાં સોનેટના ત્રણે નિયમોને ચુસ્ત રીતે વળગી રહ્યા છે. બગાડી ભરઊંઘ મોત ખખડાવતું બારણું, મજાલ કશી ધૃષ્ટની! વગર પત્ર, નિમંત્રણે, ન નોટિસ, ન વાત, ના ચબરખી, ન ચિઠ્ઠી વળી, જરૂર થઈ ભૂલ ક્યાંક, સરનામું ખોટું હશે! પીડાય જીવ કૈક રોગ સબડે, સડે બાપડાં, પડ્યા મરણની પથારી, છૂટવા મથે રાંકડા, અનેક નવરા નડે, જરઠ કૈં નકામા જીવે, ચૂકી મરણ એ બધાં અચૂક ભૂલ મોટી કરે! ન રોગ નખમાં મને, નરવી નાડ, પંડે પૂરો, અનેક કરવાં હજી ધરમ પુણ્યનાં કામ, ને રહી અધૂરી વાત કૈં, જરૂર જાણતો મોત તો લલાટ સૌને લખ્યું, વ્યરથ એની ચિંતા કશી? પરંતુ નહીં આજ, છો ખખડતું રહ્યું બારણું, કબૂલ કરી ભૂલ નિજ જમરાજ પાછો જશે. (૨) આ બીજા સોનેટનું શીર્ષક છે “ગાંધીજી – ઉધ્ધારક”. અહીં કવિ કહે છે સામાન્ય રીતે હું કોઈને નમતો નથી, પણ ગાંધીજી તમે એમાં અપવાદ રૂપ છો. ઘણું ય હતું સાંભળ્યું, અચૂક ઊતરે શ્રીહરિ, વિવિધ અવતાર લૈ જગત તપ્તને ઠારવા, અકેક યુગ, ગ્લાનિગ્રસ્ત ભયત્રસ્તને તારવા, હશે, દીનદયાળુ કિન્તુ અમ દેશ ના ઊતર્યા! ગરીબ હીજરાય જ્યાં ગભરુ ભીરુ ભૂખે મરે, તમે કહ્યુઃ ‘નહીં સહું જુલમ, જખ્મ અન્યાયના’, ન લશ્કર, ન શસ્ત્ર, સંઘ નહીં તો ય જંગે ચડ્યા, ઉખેડી જડમૂળથી પ્રબળ વિશ્વસત્તા તમે ! તમે ન અવતાર છો, મનુજ માત્ર ગોત્રે વળી, છતાં અડગ આત્મથી નીડર કર્મ દૈવી કર્યું, અપાર કરુણા ભર્યા, ખમીર ખૂબ, શૌર્યે શૂરા, ગુલામી કરી દૂર, ભીરુ ઉરમા ભરી વીરતા! સ્વમાની, અભિમાની હું ન નમતો કદી કોઈને, પરંતુ તમને નમું, પુરુષઊર્ધ્વ, ઉધ્ધારક ! (૩) “વસુધૈવ કુટુંબકમ” નામના આ ત્રીજા સોનેટમાં ૭ + ૭ ની રચના છે. ભારતમાં જન્મેલા અને ઉછરેલા લોકો જ્યારે સુખ સગવડ માટે અને ધન કમાવા માટે કાયમી વસવાટ માટે અમેરિકા આવે છે, ત્યારે તેમની દશા ત્રિશંકુ જેવી થઈ જાય છે. તેઓ છાશવારે એટલાંટિક કે પેસેફીક મહાસાગરો પાર કરી, ઘડીક અહીં તો ધડીક ત્યાં દોડા દોડી કરે છે. પીઝા ખાય છે પણ રોટલાને ભૂલી નથી શકતા. આવી લાગણી વ્યક્ત કરતા સાહિત્યને લોકો Diasora સાહિત્ય કહે છે. રૂડા વતનથી પ્રવાસી જન આવતાં જે કહેઃ ‘વસો અહીં શું સાવ ઉબડક આમ ઊંચા જીવે? ભવિષ્ય ભૂલી વર્તમાન જીવતા, ત્રિશંકુ સમા અહીં નહીં, તહીં નહીં, સતત એમ વહેરાવ છો, તજી જનની, જ્ન્મભૂમિ, ધનની ધૂરા ખેંચતા, વિદેશ વસતા કુતૂહલ સમા, તમે કોણ છો? અહીં સ્વજન કોણ છે? અકરમી મટ્યા હિન્દના!’ જરૂર ત્યજી હિંદની સરહદો, પરંતુ મટ્યો નથી જ નથી હિન્દી હું, તજી નથી જ એ સંસ્કૃતિ કદી બૃહદ હિંદની, નથી ભૂગોળ પૃષ્ઠે ભલા સીમિત કદી ભવ્ય ભારત, વળી સવાયો થઈ અમેરિકન, હું થઈશ ગુજરાતી ગાંધી તણો, ઉદારઉર, શાંત નાગરિક હું બનું વિશ્વનો, સદૈવ રટું મંત્ર એકઃ વસુધૈવ કુટુંબકમ.’ ShareEmailLike this:Like Loading...
વિષય વસ્તુ ને કાવ્ય શૈલી વિશેષતા ભરી.
Sent from my iPhone
>
LikeLike
all 3 સોનેટ writing of varied subjects are unique.
LikeLike