જીપ્સીની ડાયરી-૧૧ (કેપ્ટન નરેંદ્ર ફણસે


1965-ફખ્ર-એ-હિંદ: ફર્સ્ટ આર્મર્ડ ડિવિઝન

સામાન્ય રીતે સર્વિસીઝ (ઓર્ડનાન્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ મિકૅનિકલ એન્જિનિયર્સ, આર્મી સર્વિસ કોર જેવા) યુનિટ્સના અફસરોના કોઈ એક યુનિટમાં પોસ્ટંગિ ત્રણ વર્ષ માટે થતાં હોય છે. મારા યુનિટનું `ડાઉન-ગ્રેડિંગ’ થયું. યુનિટમાંથી અફસર-જવાનોની સંખ્યા ઘટાડવામાં આવી તેથી વધારાના અફસરોની બદલીના હુકમ આવ્યા. મારા યુનિટમાં છ-એક મહિના રહ્યા બાદ મારી બદલી ભારતની શિરમોર અને ગૌરવશાળી ગણાતી ફર્સ્ટ આર્મર્ડ ડિવિઝન – જેનું યુદ્ધચિહ્ન યુદ્ધમાં આક્રમણ કરનાર હાથી – Black Elephant છે, તેની Troop Carrier કંપનીમાં થઈ. આ કંપની 43 Lorried Infantry Brigade સાથે સંકળાયેલી હતી. તે જમાનામાં આપણી સેનામાં APC (આર્મર્ડ પર્સનેલ કૅરિયર) એટલે લડાઈમાં આક્રમણ કરતી ટેંક્સની સાથે પાયદળના જવાનોને લઈ જવા માટેની હળવી બખ્તરબંધ ગાડીઓ નહોતી. મારી કંપનીનું કામ બખ્તરબંધ ગાડીઓને બદલે જવાનોને `થ્રી-ટન’ ટ્રકમાં બેસાડી, દુશ્મનના આગના ગોળા વરસાવતા તોપખાનાના બોમ્બાર્ડમેન્ટની પરવા કર્યા વગર લક્ષ્ય સુધી લઈ જવાનું હતું. ટેંક્સનું કામ દુશ્મને કરેલી મોરચાબંધી પર હુમલો કરી તેને નષ્ટ કરવાનું હોય છે. ઇન્ફન્ટ્રી – એટલે પાયદળના સૈનિકોએ ટેંક્સની ગતિથી જઈ દુશ્મનને હઠાવેલા ક્ષેત્ર પર મોરચાબંધી કરી, ત્યાં કબજો કરી રાખવાની કાર્યવાહી કરવાની હોય છે. આ કાર્ય માટે ઇન્ફન્ટ્રીને ટેંક્સની ગતિ સાથે પહોંચાડવા મારી કંપનીની ગાડીઓમાં પાયદળને બેસાડી દુશ્મન પર હુમલો કરવા લઈ જવાનું કામ મારું હતું. ત્યાર બાદ દુશ્મનનું તોપખાનું, પાયદળ કે ટેંક્સ હુમલા કરે તો તેને પરાસ્ત કરવાનું કામ પણ ઈન્ફ્ન્ટ્રીનું હોય છે. મારી કંપની ઇન્ફન્ટ્રીની બટાલિયનનો એક અવિભાજ્ય અંશ બનીને લડાઈમાં ભાગ લે.

Black Elephant Divisionના નામથી ઓળખાતી આ ડિવિઝનમાં તે સમયે ટેંક્સની એક બ્રિગેડ, તોપખાનાની એક અને ઇન્ફ્ન્ટ્રીની એક બ્રિગેડ એવી ત્રણ બ્રિગેડ્ઝ હતી. રણક્ષેત્રમાં `બ્લૅક એલિફન્ટ’ના નામ માત્રથી દુશ્મનોના હાંજા ગગડી જતા. આનું મુખ્ય કારણ હતું તેમાં સદીઓ જૂના વિશ્વવિખ્યાત રેજિમેન્ટ્સ પુના હોર્સ, હડસન્સ હોર્સ, 16મી કૅવેલ્રી, 64મી કૅવેલ્રી તથા આપણા ગુજરાતના જનરલ રાજેન્દ્રસિંહજીની સેકન્ડ લાન્સર્સની પરંપરા અને વિજયનો ઇતિહાસ ધરાવતા રિસાલા હતા. તેમની ભારે સૅન્ચ્યુરિયન ટેંક્સના અવાજમાત્રથી દુશ્મન ગર્ભગલિત થઈ જતા. આપણા ટેંક કમાન્ડરોની નિશાનબાજી અપ્રતિમ હોઈ તેમની સામે લડવા આવવા કોઈની હિંમત ચાલતી નથી. આ ડિવિઝનના કોઈ પણ યુનિટમાં, ટપાલખાતાનાં નાનકડા યુનિટમાં પણ પોસ્ટંગિ મળવા માટે મહદ્ ભાગ્યની જરૂર પડે. અહીં તહેનાત કરવામાં આવનાર દરેક યુનિટ અને Corpsમાં મોકલવામાં આવનાર અફસરની ચકાસણી કર્યા બાદ પસંદગી કરવામાં આવતી. મારા માટે આ બદલી પરમાત્માની કૃપા પ્રસાદી સમાન હતી.

નવા યુનિટમાં રિપોર્ટ કરતાં પહેલાં મને એક મહિનાની રજા મળી. ઘેર ગયો અને લગ્ન થયાં.

મારી કંપની તે વખતે ઝાંસીમાં હતી. હું ડ્યૂટી માટે હાજર થયો ત્યારે કંપનીએ લોરીડ બ્રિગેડ સાથે યુદ્ધના પ્રશિક્ષણ માટે ઝાંસીથી દૂર શુષ્ક પ્રદેશમાં પડાવ નાખ્યો હતો. કૅમ્પમાં પહોંચી મારા કંપની કમાન્ડર મેજર લાલ પાસે રિપોર્ટ કર્યાે. મેજર લાલ એક ખુશમિજાજ અફસર હતા. શિકાર, સ્વાદિષ્ટ ભોજન અને બ્રિજની રમત તેમના પ્રિય શોખ.

યુદ્ધની સ્થિતિમાં આર્મર્ડ ડિવિઝને જે ભાગ ભજવવાનો હતો તેનો પદાર્થપાઠ તો બીજા વિશ્વયુદ્ધમાં વિખ્યાત જર્મન સેનાપતિ ફિલ્ડમાર્શલ રોમેલે આપી ટેંક-યુદ્ધ માટે એક માનચિહ્ન બનાવ્યું હતું. ત્વરા, ઓચિંતો હુમલો અને તે દ્વારા દુશ્મનને અચંબામાં નાખી તેને પરાસ્ત કરવાની રણનીતિએ ટેંક્સનો ભય દુશ્મનોના પાયદળમાં એટલી હદ સુધી પેદા કર્યાે હતો કે જર્મનોની `પેંઝર’ – ટેંક્સ – આવે છે તેના અવાજ માત્રથી લોકો ભયગ્રસ્ત થઈ જતા. ભારતની પહેલી આર્મર્ડ ડિવિઝને બીજા વિશ્વયુદ્ધમાં આવી જ ખ્યાતિ પ્રાપ્ત કરીને ફખ્ર-એ-હિંદ – ભારતનું ગૌરવ – એવું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. અમારી ડિવિઝને વીજળીની જેમ અચાનક અનપેક્ષિત સ્થાન પર અવતરિત થઈ, દુશ્મનને ચોંકાવી, તેને પરાસ્ત કરી, એવી જ ગતિથી આગળ વધવાનું, અને એક રણક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં ઝડપથી વધવાનું કામ કરી બતાવ્યું હતું. આ કાર્ય કુશળતાપૂર્વક થઈ શકે તે માટે અમારી આર્મર્ડ ડિવિઝનના અંતરંગ સમાન બધી બ્રિગેડ્ઝની તેજ ગતિને સહાયતા આપવા તેમની ટેંક્સ, સેલ્ફ-પ્રોપેલ્ડ તોપ, અને સૈનિકો તથા તેમનું વહન કરનારી ગાડીઓને દારૂગોળો, પેટ્રોલ વગેરે પહોંચાડવા માટે બીજી બે ટ્રાન્સપોર્ટ કંપનીઓ હતી. સાથે સાથે અન્ય સશસ્ત્ર રેજિમેન્ટસ, જેમકે, એન્જિનિયર્સ, સંચારસેવા (Signals Regiment) તથા સહાયક સેવાઓ જેમકે કોર ઓફ ઈલેક્ટ્રિકલ એન્ડ મિકૅનિકલ એન્જિનિયર્સ (EME) વચ્ચેનું સંકલન અણીશુદ્ધ હોવું જોઈએ. યુદ્ધમાં આ કાર્ય ચોકસાઈપૂર્વક થઈ શકે તે માટે શાંતિના સમયમાં તેનો અભ્યાસ કરવા આવી `war games’ યોજવામાં આવતી હતી.

જ્યાં સુધી ટ્રાન્સપોર્ટ કંપનીઓનો સવાલ આવે છે, તેમાં અમારા સિવાયની બીજી બે કંપનીઓના કમાન્ડર તેમના અફસરોને યુદ્ધની તૈયારી માટે પૂરી રીતે પલોટતા હતા, જ્યારે અમે બ્રિજમાં પ્રાવીણ્ય કેળવતા હતા! કંપની કમાન્ડરને ખુશ રાખવામાં કંપની સેકન્ડ-ઇન-કમાન્ડ કૅપ્ટન ઇન્દ્રકુમાર, મારા સમકક્ષ બંગાળી અફસર લેફ્ટનન્ટ સમદ્દર (જે પોતાને સૅમીના નામથી ઓળખાવવામાં વધુ ખુશ હતા) અને કોઈ વાર ડેલ્ટા કંપનીના કૅપ્ટન રત્નાકરન્ હાજર રહે. ફોજમાં ભાઈચારો અને બિરાદરીને મજબૂત બનાવવા અફસરો પોતાના ઉપરી કમાન્ડર સાથે બધી પ્રવૃત્તિઓમાં સાથે રહે. તેમાં હું પણ જોડાઈ ગયો. વાંક મારો જ હતો. મેં મારું કામ શીખવાનો પ્રયત્ન જ ન કર્યાે. અમારી કંપનીમાં ત્રણ પ્લૅટૂન્સ હતી. દરેક પ્લૅટૂનમાં એટલી ટ્રક્સ હતી, જે ઇન્ફન્ટ્રીના એક હજાર સૈનિકોને તેમના યુદ્ધના એક પડાવ (કોન્સેન્ટ્રેશન એરિયા) પરથી રણક્ષેત્રની નજીક આવેલા બીજા પડાવ (એસેમ્બ્લી એરિયા) પર લઈ જઈ શકે. બીજા પડાવ પરથી લડાઈની જરૂરિયાત મુજબ ટેંકોની ઝડપ સાથે ગતિ સાધી આગળ-અને આગળ આગેકૂચ કરતા રહેવાનું! મારી પ્લૅટૂન પાંચમી જાટ બટાલિયન સાથેજોડાયેલી હતી. હું જ્યારે કંપની હેડક્વાર્ટર્સમાં પહોંચ્યો, ત્યારે તે કોઈક `ફોર્વર્ડ એરિયા’માં હતી. આથી `એક્સર્સાઈઝ’ પૂરી ન થાય ત્યાં સુધી અમારે કંપની હેડક્વાર્ટરમાં રહેવાનું છે એવું ઇન્દ્રકુમારે કહ્યું.

કંપનીમાં નવા આવતા અફસરોની વૈયક્તિક અને યુદ્ધના સમયમાં પોતાના સૈનિકોને નેતૃત્વ પૂરું પાડવાનું પ્રશિક્ષણ આપવાની જવાબદારી 15-20વર્ષના અનુભવી અને યુદ્ધકળામાં પૂરી રીતે નિપુણ થયેલા કંપની કમાન્ડરની હોય છે. આના માટે તેમણે મક્કમતાપૂર્વક નવા અફસરોને અક્ષરશ: પલોટવા પડે છે. યુદ્ધ માટે તૈયાર રહેવા માટે લડાઈ જેવી સ્થિતિ ઊભી કરી `નરક સેના’ અને `આપણી સેના’ એવાં બે જૂથ તૈયાર કરી તેમની પાસેથી એકબીજા પર ચડાઈ, આક્રમણ, સંરક્ષણ વગેરે જેવા પ્રયોગ કરાવવામાં આવે છે. આવી મોટા પાયા પરની `એક્સર્સાઇઝ’ વર્ષમાં એક વાર યોજાતી હોય છે. તેમાં ખાસ કરીને અફસરોને યુદ્ધ માટે જરૂરી `બૅટલ ડ્રિલ’ અને `બૅટલ પ્રોસિજર’ નો પ્રયોગ ઊંઘમાં પણ વીજળીના વેગથી કરી શકવાનો મહાવરો મળે છે. અહીં તેમને તલવારની ધાર જેવી તીક્ષ્ણ સંગ્રામવૃત્તિ, તેજ પ્રત્યાઘાત કરવા માટે જરૂરી પ્રસંગાવધાન અને પરિસ્થિતિ પર ઝડપથી કબજો કરવાની કેળવણીની તક મળતી હોય છે. આનો લાભ ન લેવા માટે હું પોતે અંગત રીતે જવાબદાર હતો.

મારા નવા યુનિટના `મજેદાર’ વાતાવરણથી હું ખુશ થઈ ગયો હતો! પણ તેનું નુકસાન મને જ થયું. ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલ તથા બરેલીના યંગ ઓફિસર્સ કોર્સની સખત ટ્રેનિંગ, ત્યાર બાદ ગ્વાલિયરના કામની દૃષ્ટિએ અત્યંત વ્યસ્ત એવા વાતાવરણ પછી મળેલા આરામદાયક જીવનનો મેં આસ્વાદ લેવાનું શરૂ કર્યું. પરિણામે હું મારી પ્લૅટૂનના જવાનોને મળવા પણ જતો નહોતો. સમય સમય પર મારા પ્લૅટૂન સાર્જન્ટ ઉમામહેશ્વરન્ મારી પાસે જવાનોની રજા મંજૂર કરાવવાની અરજી તથા ગાડીઓની લોગબુકમાં સહી કરાવવા આવતા. કૅડેટ-કાળ દરમિયાન મળેલી ટ્રેનિંગ, જવાનોને પોતાના જ કુટુંબીજન સમજવાના સિદ્ધાંત અને તેમની નાની મોટી જરૂરિયાતો પર અંગત ધ્યાન આપવાની વાત તો બાજુ પર રહી, પણ એક `પ્રોફેશનલ સૈનિક’ તરીકે મારા જવાનો અને મને પોતાને યુદ્ધ માટે, મારા જવાનોના સંરક્ષણ માટે અને જેમને અમે યુદ્ધભૂમિ પર સહીસલામત લઈ જવા માટે અનુબંધિત હતા, તે ઇન્ફન્ટ્રીની બટાલિયનના અફસરો તથા જવાનોને તેમના રણાંગણ સુધી સુરક્ષિત રીતે લઈ જવાના લક્ષ્યને પણ મેં નેવે મૂક્યું હતું. તેની ખોટ મને આવનારા થોડા મહિનાઓમાં જ અત્યંત સાલી.

મેજર લાલની 30 વર્ષની સેવા દરમિયાન 20 વર્ષ તેમણે એનિમલ ટ્રાન્સપોર્ટ (AT) કંપની (જેમાં માલ-સામાનનું પરિવહન કરવા સેંકડો ખચ્ચર અને તેમના પર નિયંત્રણ કરવા એટલા જ જવાનો હોય છે)માં ગાળ્યાં હતાં. AT કંપનીમાં અફસરો માટે અરબી કે ઓસ્ટ્રેલિયન ઘોડા હોય છે. આથી ઘોડેસવારીમાં રસ ધરાવતા અફસરો માટે આ સ્વર્ગ સમાન `પોસ્ટંગિ’ હોય છે. અહીં ઘોડેસવારી કરવા ઉપરાંત મેજર લાલે શિકારમાં પણ રસ કેળવ્યો હતો. તેઓ અચ્છા નિશાનબાજ હતા. રોજ સાંજે તેઓ કૅપ્ટન ઇન્દ્રકુમારને લઈ શિકાર માટે ઊપડી જતા, અને સસલાં નહીં તો તેતર કે સ્નાઇપ જેવાં પક્ષીઓનો શિકાર કરી આવતા. તેમની સાથે રહીને ઇન્દ્રકુમાર પણ અચ્છો નિશાનબાજ થયો. સૅમી મારો `કોર્સ-મેટ’ હતો. અમે પૂનામાં સાથે ટ્રેનિંગ કરી હતી ત્યારે અમે જુદી જુદી કંપનીઓમાં હતા. સેનામાં આવતાં પહેલાં તેણે બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં વેટરિનરી સાયન્સમાં અભ્યાસ કર્યાે હતો, તેથી અંગ્રેજી ફાંકડા ઉચ્ચારથી બોલતો.

એક્સર્સાઈઝ પૂરી થયા બાદ અમે ઝાંસી, અમારા કૅમ્પમાં ગયા. શાંતિના આ સમયમાં `આર્મી સર્વિસ કોર’ – ASCની પુનર્રચના થઈ. આર્મર્ડ ડિવિઝનને મુખ્ય `લોજિસ્ટિકલ સપોર્ટ’ આપવાનું કામ ASCની ચાર સ્વતંત્ર કંપનીઓનું હતું. નવી યોજનામાં આ ચારે કંપનીઓને એક બટાલિયનમાં સંગઠિત કરવામાં આવી. ડિવિઝનલ કમાન્ડરના સલાહકાર કર્નલને નવી બટાલિયનના CO (કમાન્ડંગિ ઓફિસર) બનાવવામાં આવ્યા. અમારા નવા કમાન્ડર આયરીશ-ભારતીય કર્નલ રેજિનોલ્ડ (રેજી) ગોન હતા. મારી કંપનીનું નવું નામકરણ થયું `આલ્ફા’ કંપની.

પુનર્રચના ઝડપથી પતી ગઈ અને હવે ઓફિસર્સ મેસમાં અને સિનિયર ઓફિસરોને ઘેર પાર્ટીઓ શરૂ થઈ ગઈ. સિનિયર અફસરોની યુવાન પુત્રીઓમાં ઇન્દ્રકુમાર એક `હીરો’ હતા. ઊંચી શરીરયષ્ટિ, કાબેલ શિકારી, ફોક્સટ્રોટ, રોક-એન્ડ-રોલ જેવાં પાશ્ચાત્ય નૃત્યોમાં નિપુણ અને શ્રીમંત પરિવારમાંથી આવતા હોવાથી દરેક સિનિયર ઓફિસરને તેમનામાં ભાવિ જમાઈનાં દર્શન થતાં હતાં. સૅમી પણ લોકપ્રિય અફસર હતો, પણ તેના વર્તનમાં અને મિતભાષીત્વમાં મને એક ગૂઢતા દેખાઈ. `સિંગલ સોફિસ્ટિકેટેડ’ ઓફિસર તરીકે ઓળખાતો સૅમી બંગાળી અફસરો અને તેમની પત્ની-પુત્રીઓમાં કનૈયો હતો. મને બંગાળી આવડતું હોવાથી અર્ધા બંગાળી તરીકે મને પણ તેના ગ્રૂપમાં આમંત્રણ મળતું. મેજર લાલનો સૅમી પ્રિય પાત્ર હતો. તેમણે પોતે બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજ અફસરો નીચે નોકરી કરી હતી, તેથી તેમને વિલાયતની દરેક વાત પર શ્રદ્ધા અને માનની ભાવના હતી. આથી વેટરિનરી સાયન્સમાં ઇંગ્લૅન્ડમાં `માસ્ટર્સ’ કરેલા સૅમી પ્રત્યે તેમને થોડું વધારે માન હતું. વળી મેજર લાલ પાસે વિદેશી નસલના કૂતરા હતા, જેમને સૅમી નિયમિત રીતે તપાસતો તેથી તેમના મનમાં સૅમી વિશે ખાસ સદ્ભાવ હતો.

થોડા સમયમાં મને ફૅમિલી ક્વાર્ટર મળ્યું, પણ અમદાવાદમાં નિર્માણ થયેલી કૌટુંબિક સમસ્યાઓના કારણે બા અમારી સાથે ન આવ્યાં. અમે ઘણાં નિરાશ થયાં. અમારાં તાજેતરમાં લગ્ન થયાં હોવાને કારણે બાએ અનુરાધાને મારી સાથે જવાની રજા આપી. 10મી માર્ચ 1965ના રોજ અમે ઝાંસી પહોંચ્યાં.

આર્મર્ડ ડિવિઝનની વર્ષમાં થતી પ્રશિક્ષણની બધી પ્રક્રિયાઓ પૂરી થઈ હતી તેથી અફસરો અને જવાનો માટે હવે શાંતિનો સમય આવ્યો હતો. અમે ઝાંસી પહોંચ્યાં અને ઓફિસર્સ મેસમાં પાર્ટીઓ અને પિકનિકનો દોર શરૂ થઈ ગયો. ઝાંસીમાં અમારી સૌથી પહેલી – અને આખરી પિકનિક મધ્ય પ્રદેશની બેતવા નદીના કિનારે આવેલ ઓરછા તથા દતિયાના મંદિર અને મહેલનાં ભિત્તી ચિત્રો જોવા માટેની હતી. અમને ઓરછાના મહેલમાં જ ઉતારો મળ્યો હતો.

ઓરછામાં મને અવિસ્મરણીય અનુભવ મળ્યો.

પિકનિકમાં પ્રેક્ષણીય સ્થળો જોયા બાદ અમે બેતવા નદીના કિનારે ભોજન માટે ગયા. મેસ વેટર ભોજન ગરમ કરે ત્યાં સુધી અમે બધા બેતવામાં નહાવા ગયા. હું નવું નવું તરતાં શીખ્યો હતો. નદીના કિનારેથી પચાસેક મીટર દૂર એક નાનકડો બેટ હતો. તેના કિનારા પર જ એક ઝાડ હતું અને તેની ડાળીઓ પાણીની સપાટી સુધી લટકતી હતી. મારા મિત્ર સરબજિત રાઠોડ અને મેં ત્યાં તરીને જવાનું નક્કી કર્યું. રાઠોડ કિનારા પાસે પહેલા પહોંચ્યો અને ઉપરથી લટકતી ડાળ પકડી મારી રાહ જોવા લાગ્યો. હું બેટની નજીક પહોંચ્યો અને તેના કિનારાની નજીકનું તળિયું ઘૂંટણ સુધીનું હશે એમ માનીને મેં ત્યાં ઊભા રહેવાનો પ્રયત્ન કર્યાે – અને ડૂબવા લાગ્યો. ત્રણ-ચાર મીટર સુધી તળિયું ન આવ્યું તેથી હું એકદમ ગભરાઈ ગયો. મેં હાથપગ પછાડ્યા અને એક વાર ઉપર આવ્યો અને ફરીથી ડૂબવા લાગ્યો. રાઠોડ મારા જેવો જ નવશીખિયો તરવૈયો હતો, છતાં તેણે હિંમત અને સમયસૂચકતા રાખી. તેણે પકડેલી ઉપરથી લટકતી ડાળ પરની પકડ મજબૂત કરી, હાથ લાંબો કરી મારો હાથ પકડ્યો. ધીરે ધીરે તેણે મને ઉપર ખેંચ્યો. હું લગભગ ડૂબી જ ગયો હતો, તેથી મારો શ્વાસ નિયમિત થાય ત્યાં સુધી રાઠોડે મને પકડી રાખ્યો. ત્યાર પછી ધીમે ધીમે તરીને અમે બન્ને મુખ્ય કિનારા પર પહોંચ્યા. અમારા પર શી વીતી હતી તે કોઈએ જોયું નહોતું તેથી તેની ખબર કોઈને ન પડી.

અમારી સાથે આવેલી સ્ત્રીઓ અમારાથી દૂર નહાઈ રહી હતી. અનુરાધા તરવામાં કુશળ હતી. તે જ્યારે પાણીમાંથી બહાર આવી અને જોયું તો તેના પગના અંગૂઠામાં નવપરિણીતા પહેરે છે તે ચાંદીનો વીંછિયો પાણીમાં તણાઈ ગયો હતો. તેણે શોધવાનો પ્રયત્ન કર્યાે પણ મળ્યો નહીં. તેમની સાથે એક સિનિયર મેજરનાં પત્ની હતાં, તેમણે કહ્યું, એક રીતે આ સારું થયું. તમારા પતિ પર આવનારું અનિષ્ટ ટળી ગયું. પતિ જાય તેના સ્થાને તમારા સૌભાગ્યનું રક્ષણ કરવા વીંછિયાએ પોતાનો ભોગ આપ્યો. સ્વાભાવિક રીતે મહિલાઓએ આ વાતને કશું મહત્ત્વ ન આપ્યું, કારણ કે તેમને મારી સાથે શું થયું હતું તેની માહિતી નહોતી. પણ ત્યાર બાદ અનુરાધાએ આ વિશે મને કહ્યું ત્યારે અમને આશ્ચર્ય થયા વગર ન રહ્યું.

3 thoughts on “જીપ્સીની ડાયરી-૧૧ (કેપ્ટન નરેંદ્ર ફણસે

 1. happy time and recovered from Accident..i can becomeSAHRUDAYI as i had also similar experience when learning- swimming in VAV i college hostel..one of my friend Jangalwal who was taking bath saved me–so realise how you feelafter rebirth..and VICHIYA lost and :”સૌભાગ્યનું રક્ષણ કરવા વીંછિયાએ પોતાનો ભોગ આપ્યો. “

  Liked by 1 person

 2. મીલીટરીની સખ્ત ટ્રેનીંં અંગે નવું જાણવા મળે છે તેમા અનુરાધા સાથે હળવી પળો બાદ જીવસ સટોસટનો તરવાનો-ડૂબી જતા બચવાનો વગેરે રોમાંચકારી બનાવો માણ્યા, સૌથી વધુ ‘પતિ જાય તેના સ્થાને તમારા સૌભાગ્યનું રક્ષણ કરવા વીંછિયાએ પોતાનો ભોગ આપ્યો. સ્વાભાવિક રીતે મહિલાઓએ આ વાતને કશું મહત્ત્વ ન આપ્યું, કારણ કે તેમને મારી સાથે શું થયું હતું તેની માહિતી નહોતી. પણ ત્યાર બાદ અનુરાધાએ આ વિશે મને કહ્યું ત્યારે અમને આશ્ચર્ય થયા વગર ન રહ્યું.’યાદગાર બનાવ અને વીંછિયાએ પોતાનો ભોગ બનાવે અને પ્રેરણાદાયી સમજ…

  .
  સાનંદાશ્ચર્ય

  Like

 3. મીલીટરીની સખ્ત ટ્રેનીંં અંગે નવું જાણવા મળે છે તેમા અનુરાધા સાથે હળવી પળો બાદ જીવસ સટોસટનો તરવાનો-ડૂબી જતા બચવાનો વગેરે રોમાંચકારી બનાવો માણ્યા, સૌથી વધુ ‘પતિ જાય તેના સ્થાને તમારા સૌભાગ્યનું રક્ષણ કરવા વીંછિયાએ પોતાનો ભોગ આપ્યો. સ્વાભાવિક રીતે મહિલાઓએ આ વાતને કશું મહત્ત્વ ન આપ્યું, કારણ કે તેમને મારી સાથે શું થયું હતું તેની માહિતી નહોતી. પણ ત્યાર બાદ અનુરાધાએ આ વિશે મને કહ્યું ત્યારે અમને આશ્ચર્ય થયા વગર ન રહ્યું.’યાદગાર બનાવ અને વીંછિયાએ પોતાનો ભોગ બનાવે અને પ્રેરણાદાયી સમજ… સાનંદાશ્ચર્ય

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s