જીપ્સીની ડાયરી-૧૦ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


લગ્નનો પ્રસ્તાવ

એક દિવસ બાનો પત્ર આવ્યો. વહેલો ઘેર આવ! મારી આંખ બંધ થાય તે પહેલાં તારા ચાર હાથ થતા જોવા છે. આ વખતે તું ના પાડીશ મા. તું પણ હવે ત્રીસ વર્ષનો થયો છે. આપણાં નજીકના સંબંધી ડોક્ટર આફ્રિકાથી તેમની દીકરીનું તારા માટે માગું લઈને આવ્યા છે. કન્યા સારી છે અને અમને સહુને તે ગમી છે. તું એક વાર અહીં આવી તેને જોઈ જા! મને ખૂબ સંતોષ થશે. તારે હવે લગ્ન કરી લેવાં જોઈએ એવી મારી આગ્રહભરી વિનંતી છે. બાએ જેમની વાત કરી હતી તે અમારા નિકટના સંબંધી અને બાપુજીના જૂના મિત્ર હતા. તેમના બે જમાઈ મિલિટરીમાં કર્નલ હતા, કર્મધર્મસંયોગે તેમાંના એક કર્નલસાહેબની બદલી અમારા શહેરમાં જ થઈ હતી. દૂરનો સંબંધ હોવાથી તેમને હું ઘણી વાર મળ્યો હતો તેથી તેમણે ડોક્ટરસાહેબને મારા વિશે વાત કરી. તેમણે મારી ચાલચલગત વિશે તપાસ કરી. સંતોષજનક રિપોર્ટ મળતાં તેઓ બા ને મળ્યા. મારો હકાર મળવાની શરતે બાકીની બધી વાત પાકી કરવામાં આવી.

મિલિટરીની નોકરીમાં સૈનિકે પોતાનો પ્રાણ હાથમાં રાખીને રહેવાનું હોય છે. પિતાજીનું અવસાન થયું ત્યારે બા કેવળ 29 વર્ષનાં હતાં. ત્યાર બાદ તેમને જે કષ્ટ ભોગવવાં પડ્યાં હતાં તે અમારા પરિવારમાં આવનાર કોઈ યુવતીને ભોગવવાં પડે તે મને માન્ય નહોતું. આર્થિક પરિસ્થિતિ જોઈએ તો અમારી પાસે અમારા ભાગે આવેલ મકાન સિવાય બીજું કશું નહોતું. મારાં લગ્ન માટે કોઈ પણ સંજોગ અનુકૂળ નહોતા. તેમ છતાં બાનો વિષાદ અને આગ્રહ જોઈ મેં આ બાબતમાં વિચાર કરવાનું નક્કી કર્યું. મારા માટે મારા જીવનના નિર્ણયની બાબતમાં આ સૌથી મોટી બાંધછોડ હતી. મારી એક બહેન જે નોકરી કરતી હતી તે લગ્નની વયે પહોંચી ગઈ હતી. બીજી કોલેજમાં અભ્યાસ કરતી હતી. મારે એવી સમજાવટ કરવાની હતી જેમાં મારે કૌટુંબિક અને સામાજિક જવાબદારી પૂરી કર્યા વગર એક વધારાની મોટી જવાબદારી લેવાની હતી.

બાનો પત્ર વાંચી હું વિચારમાં પડી ગયો. મેં મારી નાની બહેનોને પત્ર લખ્યો: જો તેમને ખાતરી હોય કે કન્યા સ્વભાવે સારી છે, અને બાને સાચવશે તો હું તેને મળવા આવીશ. તેમણે તરત જવાબ આપ્યો કે તેમના મતે આ ઘણી સારી કન્યા હતી, અને પરિવાર વિશેની અમારી અપેક્ષા પૂરી કરે તેમ છે…

વર્ષની બાકીની રજાઓ ડિસેમ્બરમાં lapse થતી હતી તેનો લાભ લઈ દસ દિવસ માટે હું અમદાવાદ ગયો અને મેં મારા જીવનની મોટામાં મોટી અને અક્ષમ્ય ભૂલ કરી. મેં મારો નિર્ણય બદલ્યો.

અત્યારે વિચાર કરું છું તો મને મારા પર ધિક્કારની લાગણી થાય છે. મૂળભૂત જવાબદારી કહો કે કરજ કહો, તે ઉતાર્યા વગર તેમાં વધારો કરવામાં નૈતિકતા નથી કે નથી કોઈ શાણપણ. હું તો હજી પણ કહીશ કે જેના શિર પર નાનાં ભાંડુઓની જવાબદારી હોય તેણે આ જવાબદારી પૂરી કરતાં પહેલાં લગ્ન કરવા ન જોઈએ. તેના ગૃહસ્થજીવનની શરૂઆત થવામાં વિલંબ તો થશે પણ તે ચિંતારહિત નીવડશે.

બીજી વાત: પરદેશમાં જન્મેલ અને ત્યાં જ કેળવણી પામેલ ભારતીયોની વિચારધારા, ભારતના લોકો પ્રત્યેની તેમની મનોવૃત્તિ તથા ભાવનાઓ સાવ જુદી, આપણી કલ્પના બહારની હોય છે. તેથી પરદેશથી આવનાર લગ્નના સાથીદારમાં આપણાં પારિવારિક મૂલ્યમાં સહભાગી થવાની તથા સમાજવયવસ્થામાં સમાઈ શકવાની ક્ષમતા છે કે નહીં, તેની ખાતરી કરવી આવશ્યક છે. આમાં સૌથી વધુ મહત્ત્વની વાત તો આપણા પોતાના પરિવારને લગતી છે. આપણા પોતાના કુટુંબના સદસ્યોમાં પરદેશના, તેમાં પણ પાશ્ચાત્ય શિક્ષણ, સંસ્કાર અને મૂલ્યોમાંથી આવતી સ્ત્રીને સમજવાની અને તેને આપણા પરિવારમાં સમાવવાની તૈયારી છે કે નહીં તે જાણવું અત્યંત જરૂરી છે. આ બધી વાતોનો સુયોગ ન થાય તો માણસના જીવનમાં ઘણી મુસીબતો આવે છે.

મારી બાબતમાં કન્યાને પ્રથમ મારા પરિવારે પસંદ કરી હતી; ત્યાર પછી હું તેને મળ્યો. અમે એકબીજાને પસંદ કર્યાં. લગ્નની તારીખ નક્કી કરી હું પાછો મારા યુનિટમાં ગયો.

2 thoughts on “જીપ્સીની ડાયરી-૧૦ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

 1. || શ્રી ઞણેશાય નમઃ ||
  રિદ્ધી સિદ્ધી વિનાયક શિવ ઉમા સૂર્ય હરિ માધવ,
  હાટકેશ્વર જઞદંબિકા ફુલ પ્રભૂ માંઞલ્ય અર્પો સદા,
  મહોર્યો છે ઉપવન જીવન સભરનો તણો,
  એવા આ અવસરે અમિ વરસજો,

  કુર્યાત સદા મંગલમ્….

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s