જીપ્સીની ડાયરી-૯ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


હળવી પળો

અમારા યુનિટના સુરેશનંદ ધસ્માના મારા ખાસ મિત્ર હતા. અમારા સિંગલ ઓફિસર્સ ક્વાર્ટરમાં રહેતા ડોક્ટર્સ – કૅપ્ટન ભદ્રી, કૅપ્ટન ગોખલે, મેજર બેનરજી તથા જે એન્ડ કે રાઇફલ્સના લેફ્ટનન્ટ કાછુ મુકરજી સાથે દોસ્તી થઈ. ઓફિસર્સ મેસમાં, રમતગમતમાં અમે બધા સાથે જ રહેતા.

કૅન્ટોનમેન્ટમાં રહેનારા અફસરોને ગ્વાલિયરના રાજપરિવાર તથા તેમના ગરાસદારો તરફથી યોજાતા કાર્યક્રમોમાં હંમેશાં નિમંત્રણ મળતું. એક દરબારના પુત્રના લગ્નમાં રાત્રિભોજન બાદ મુજરાનો કાર્યક્રમ થયો. તેમાં નૃત્ય કરનારાં બહેન બક્ષિસ લેવા માટે એક પછી એક આમંત્રિત પાસે જતાં, અને તેમની સાથે થોડા નખરાં, નેત્રપલ્લવી કરી લેતાં. જ્યારે તેઓ અમારી નજીક આવ્યાં, `ભગત આદમી’ જેવા ધસ્માના પોતાની જગ્યા પરથી હઠી ગયા અને બન્ને હાથ જોડી નર્તકીને કહ્યું, `દેવી, દૂર રહો! હમ ઇનામ ભીજવા દેંગે!!’ મુજરામાં હાજર રહેલ એકેએક વ્યક્તિ – પેલાં નર્તકી બહેન પણ ખડખડાટ હસી પડ્યાં! બીજા દિવસે આ વાત આખા કૅન્ટોનમેન્ટમાં ફેલાઈ ગઈ અને અમારા યુનિટમાં કોઈ અફસર કામ માટે આવે તો પૂછતા, વહ ` “દેવી દૂર રહો”વાલે લેફ્ટનન્ટ કહાં હૈં?’

અમારા કૅમ્પમાં મનોરંજનના કાર્યક્રમ ઓફિસર્સ ઇન્સ્ટિટ્યૂટમાં યોજાતા. આના માટે અફસરો માટે `ડ્રેસ કોડ’ જાહેર કરવામાં આવતો. સિંધિયા રાજપરિવારના સદસ્ય આવવાના હોય તો અમારે સૂટમાં જવું જોઈએ. બાકીના કાર્યક્રમોમાં ગ્રે ફલૅનલની પૅન્ટ, રેજિમેન્ટલ ટાઈ અને સર્જના કાપડનો ભૂરા રંગનો બ્લેઝર ચાલે. એક વાર અચાનક કાર્યક્રમ યોજાયો અને અર્ધા કલાકમાં અમારે ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચવાનું હતું. તે દિવસે કાછુ મુકરજી પોતાનો બ્લેઝર યુનિટમાં ભૂલી આવ્યો હતો. તેનું કંપની હેડક્વાર્ટર એક માઈલ દૂર હતું. તેણે તેના નવા ગોરખા ઓર્ડરલીને બોલાવીને કહ્યું, `સૂર્જા બહાદુર, આપણું કંપની હેડક્વાર્ટર ક્યાં છે તે તું જાણે છે?’

`જી શાબ.’

`અહીંથી ત્યાં જવું હોય તો કેવી રીતે જવાય?’

સૂર્જા બહાદુરે તેનું વર્ણન ઝીણામાં ઝીણી વિગત સાથે કર્યું.

`સાંભળ, કંપની ઓફિસમાં મારો નીલા રંગનો કોટ લટકે છે…’

`તપાઈકો (આપનો) બ્લેઝર?’

`હા, તેની મને તાત્કાલિક જરૂર છે. તું બ્લેઝર લઈ આવ. અને જો, આપણે ઉતાવળમાં છીએ તેથી મારી સાઇકલ લઈ જા, અને મારંમાર પાછો આવજે.’

વીસ મિનિટ થઈ, પણ સૂર્જા બહાદુરનું ઠેકાણું નહોતું. અહીં કાછુ ઊંચોનીચો થતો હતો. અંતે તેણે બહાર જઈને જોયું તો દૂરથી સૂર્જા બહાદુરને એક ખભા પર સાઇકલ અને બીજા ખભા પર બ્લેઝર રાખી દોડીને આવતાં જોયો. જ્યારે તે હાંફતો હાંફતો અમારી પાસે પહોંચ્યો ત્યારે કાછુએ પૂછ્યું, `તુમ સાઇકલ પર બૈઠકે ક્યૂં નહીં આયા? જલદી થી ઇસ લિયે તુમ્હેં સાઇકલ લે જાનેકો બોલા.’

`શાબ, હમારેકો શાઇકલ ચલાના નહીં આતા.’

`તો ફિર સાઇકલ ક્યૂં લે ગયા?’

`શાબ, આપને હુકમ કિયા શાઇકલ લે જાના, હમ શાઇકલ લે ગયા.’

*

કોઈક વાર સાંજના વખતે અમે અમારા મિત્રોને મળવા મિલિટરી હોસ્પિટલ જતા.

આર્મી મેડિકલ કોરના નર્સિંગ આસિસ્ટંટ તથા જનરલ ડ્યૂટી સિપાહી મુખ્યત્વે દક્ષિણ ભારતના હોય છે. તેમાં પણ તામિલનાડુ અને કેરળના જવાનોની સંખ્યા વધારે. હિંદી સિનેમામાં તેમના ઉચ્ચાર પર ઘણા વિનોદ કરવામાં આવે છે તેમાં અતિશયોક્તિ હોતી નથી.

મિલિટરી હોસ્પિટલમાં જવાન, નોનકમિશન્ડ ઓફિસર (NCO) તથા જુનિયર કમિશન્ડ ઓફિસરો (JCO) માટે જુદા ભોજન ખંડ હતા. તે પ્રમાણે પાટિયાં ચિતરીને ટાંગવામાં આવતાં. JCOsને ફોજમાં સરદાર કહેવામાં આવે છે. તેમની મેસ પર એક હિંદી ભાષિક સૈનિકે બોર્ડ ચીતર્યું, `સરદારોં કા ખાના ખાને કા કમરા’

કેરળના જવાનને તેમાં મોટી ભૂલ દેખાઈ. તેણે નવું પાટિયું બનાવ્યું, `સરદારોં કા કાના કાને કા કમરા’ મલયાલમમાં `ખ’નો ઉચ્ચાર નથી. દસેક દિવસ બાદ હું મિલિટરી હોસ્પિટલમાં ગયો તો ત્યાં એક જવાન નવું પાટિયું લગાડી રહ્યો હતો. લખનાર તામિલ જવાન હતો.

`સરદારોં કા ગાના ગાને કા કમરા’

તામિલમાં `ગ’નો ઉચ્ચાર `ક’ થાય છે – જેમકે અર્થશાસ્ત્રના એક ભારતીય લેખકનું નામ છે આરોકિયાસ્વામી જે આરોગ્યસ્વામીનો તમિળ ઉચ્ચાર છે. નવા ચિત્રકારે અતિશુદ્ધતા લાવવા `ક’નો સાચો ઉચ્ચાર `ગ’ છે સમજી નવું પાટિયું બનાવવા લીધું! મેં ડ્યૂટી મેડિકલ ઓફિસર કૅપ્ટન ગોખલેને આ બોર્ડ બતાવ્યું. તેઓ ખડખડાટ હસી પડ્યા અને પાટિયું ફરીથી ચીતરાવ્યું!

આવી જ રીતે પંજાબની ગુરમુખી લિપિમાં જોડાક્ષર નથી હોતા. આના કારણે તેમના અંગ્રેજી શબ્દોના ઉચ્ચારણમાં ઘણા છબરડા થતા. અમારા પૂનાના ઇન્સ્ટ્રક્ટર કર્નલ રંધાવા `સપોર્ટ કંપની’નો ઉચ્ચાર `સ્પોર્ટ કંપની’ કરતા. `સ્કૅટર્ડ’નો ઉચ્ચાર `સકૅટર્ડ’ અને `કર્નલ સ્ટૅન્લી’ને બદલે કહેતા, `સટૅન્લી’! આવા ઊંધા-ચત્તા `સ’ના જોડાક્ષરનો નમૂનો ભૂજમાં જોવા મળ્યો: માધાપુર રોડ પરના `આર્મી `સપ્લાય ડૅપો’નું એક શીખ સિપાઈએ મોટું બોર્ડ બનાવ્યું `સ્પલઈ ડીપુ!’ આવા ઉચ્ચારણને કારણે મને એક વાર શિક્ષા મળી હતી.

અમારા કૅડેટ સાર્જન્ટ મેજર સંધનવાલિયા નામના અમૃતસરના શીખ હતા. સાંજે હુકમ સંભળાવતી વખતે તેમણે કહ્યું, `સિક્રિબિલિંગ ઓન વિઝિટર્સ બુક ઇઝ નોટ પરમિટેડ’ હું હસવું રોકી શક્યો નહીં.

`વ્હોટ ઈઝ ફન્ની, સેવન્ટી-ફાઇવ? લટ્ટ અસ હિયર ધ જોક.’

`સર, તમે જે શબ્દ વાપર્યાે તે સમજાયો નહીં. તમારી મતલબ scribbling હતો?’

જવાબમાં મને ઓફિસર્સ મેસને ફરતા ચાર ચક્કર દોડી આવવાની વધારાની મજા મળી હતી!

3 thoughts on “જીપ્સીની ડાયરી-૯ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

  1. “દેવી દૂર રહો” `શાબ, આપને હુકમ કિયા શાઇકલ લે જાના, હમ શાઇકલ લે ગયા.’`સરદારોં કા કાના કાને કા કમરા’ ચક્કુવલ્લમપીને અમારી મલયાલમ વહુને સંભળાવીશું.સરદારોં કા ગાના ગાને કા કમરા’ `સિક્રિબિલિંગ ઓન વિઝિટર્સ બુક ઇઝ નોટ પરમિટેડ…’ વાતે વાતાવરણ રમુજી બનાવ્યું ધન્યવાદ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s