જીપ્સીની ડાયરી-૭ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


 

26 જાન્યુઆરી 1964: સેકન્ડ લેફ્ટનન્ટ નરેન્દ્ર

પ્રજાસત્તાક દિનના ઉદયની પ્રથમ મિનિટ પર અમને સેકન્ડ લેફ્ટનન્ટના પદ પર કમિશન મળવાનું હતું. અમારા જીવનના અવિસ્મરણીય પ્રસંગ માટે એક વિશાળ અને ભવ્ય `પાસિંગ આઉટ પરેડ’ થઈ. માર્ચ પાસ્ટની અમે એક મહિનાથી પ્રૅક્ટિસ કરતા હતા. 25મી જાન્યુઆરીની સવારે પરેડ, અને ત્યાર પછી ટી-પાર્ટી. રાત્રે ભોજન સમારંભ. ભોજન બાદ રાતના બાર વાગીને એક મિનિટ પર પ્રજાસત્તાક દિનનું આગમન થયું ત્યારે અમારો અફસર થવાનો વિધિ સંપન્ન થયો! આ કાર્યક્રમ જોવા માટે મેં બા, મારી બહેન સૂ, મારા બચપણના ખાસ મિત્ર સદાનંદ તથા તેમનાં પત્નીને આમંત્રણ આપ્યું હતું. સૂ તો આવી ન શકી, પણ તેના સ્થાને મારી સૌથી નાની બહેન ડોલી આવી. ભોજન સમારંભ બાદ રાતના બાર વાગીને એક મિનિટે બાએ અને ડોલીએ મારા એક ખભા પર અને સદાનંદ અને તેનાં પત્ની વૈજયન્તીએ બીજા ખભા પરના એપોલેટ પર સેકન્ડ લેફ્ટનન્ટનો એક એક તારક લગાવ્યો. લાઉડ સ્પીકર પર બ્રિગેડિયર આપજી રણધીરસિંહજીએ અમને બધાને ભારતીય સેનામાં કમિશન્ડ ઓફિસરના પદ પર નિમણૂક થઈ છે તેની જાહેરાત કરી અભિનંદન આપ્યાં.

જીવનનો એક અધ્યાય પૂરો થયો.

મારા બન્ને ખભા પર હવે એક-એક તારક હતો. તેના પ્રકાશમાં મારા જીવનનું નૂતન અભિયાન શરૂ થયું. પ્રશિક્ષણ દરમિયાન અમારા નાગરી જીવનની સુખાસીનતા, આરામથી કામ કરો, કામમાં થોડી ઘણી ઢીલ કે અપૂર્ણતા, `ચાલી જાય’ અને `હોતા હૈ ચલતા હૈ’ની વૃત્તિને અમારી રગેરગમાંથી કાઢી નાખવામાં આવી હતી. અમારી કામ કરવાની વૃત્તિમાં જરા જેટલી ભૂલ થાય તો અસંખ્ય સૈનિકોનો જીવ જોખમમાં આવી શકે તેની સભાનતા અમારી નસ નસમાં ઉતારવામાં આવી હતી. અમારા રોમેરોમમાં ઠસાવવામાં આવ્યું હતું કે હવે અમે `સિવિલિયન’ નહોતા રહ્યા. અમારી ચાલવાની ઢબથી માંડી દરેક કામમાં ચુસ્તી, ઝડપ અને કોઈ પણ કામ કરો, તે એવી યોજનાબદ્ધ કાળજીથી કરો કે તે પહેલા પ્રયત્ને જ સફળ નીવડે: Get it right the first time. કોઈ પણ કાર્ય હોય તેની ઝીણામાં ઝીણી વિગત પર પૂરું ધ્યાન આપવું તેને અમારી સહજ વૃત્તિ બનાવવામાં આવી.

આનો અર્થ એવો નથી કે અમે `સુપરમૅન’ બન્યા હતા. અમારા કામમાં અમે જેટલી ચોકસાઈ અને યોજના કરીએ એટલી કે કદાચ તેનાથી વધુ ચોકસાઈ સર્જન, શિક્ષક, આર્કિટૅક્ટ અને સોફ્ટવેરના રચયિતાઓને રાખવી પડતી હોય છે. પરંતુ અમારા પ્રશિક્ષણનું અંતિમ ધ્યેય તો એ હતું કે અમે એવા અફસર બનીએ જેની નિર્ણયશક્તિ તથા અંગત આગેવાની પર અનેક સૈનિકો પોતાના જીવનની જવાબદારી સોંપી શકે. તેમના વિશ્વાસને પાત્ર બની, યુદ્ધની કપરામાં કપરી સ્થિતિમાં તેમની સફળ આગેવાની કરી શકીએ. અમારા કાર્યમાં પ્રામાણિકતા, નૈતિકતા, નિષ્ઠા, નિ:સ્વાર્થ નેતૃત્વ અને વફાદારીને સર્વાેચ્ચ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. દેશની સુરક્ષા અમારી પ્રથમ જવાબદારી હતી. ત્યાર પછી અમારું કર્તવ્ય હતું અમારા હાથ નીચે કામ કરતા જવાનોની સલામતી અને તેમની સુખાકારી. અમારી અંગત સુરક્ષા અને આરામનો વિચાર છેલ્લે અને સાવ છેલ્લે કરવાની અમે પ્રતિજ્ઞા લીધી હતી. અમારું વર્તન દેશના શ્રેષ્ઠ નાગરિક જેવું વિનયશીલ હોવું જોઈએ. આ વાતનું મહત્ત્વ ભારતીય સેનાના અફસરોને પ્રશિક્ષણ વખતે તેમના રક્ત અને શ્વાસમાં સમાવવામાં આવે છે. તેથી જ તેમને Officer and Gentleman કહેવામાં આવ્યા છે. અમને એક વધુ વાત સમજાવવામાં આવી કે આ એવી ઉમદા વિચારધારા છે, જેની અંતર્ગત એકબીજા માટે અમે હતા `brother officers’. સેનાના હજારો અફસરો સાથે અમારો ભાઈનો સંબંધ બંધાયો છે. એક અફસર પોતાના `બ્રધર ઓફિસર’ સાથે કદી દગો ન કરી શકે. જે આદર્શ અને ધ્યેયને લક્ષ્ય બનાવી સેનામાં ભરતી થવા આવ્યો હતો, તે મને અહીં પૂર્ણ રૂપે પ્રાપ્ત થતાં લાગ્યાં. એક નવા વિશ્વમાં, સર ટોમસ મોરના `યુટોપિયા’ તરફ પગલાં ભર્યાં હોય તેવું લાગ્યું. એક આદર્શવાદી યુવાનને આનાથી વધુ શું જોઈએ?

મારા મોટા ભાગના સાથીઓને પોતપોતાની રેજિમેન્ટમાં જવાનો હુકમ મળ્યો. આર્મી સર્વિસ કોરમાં પસંદ કરવામાં આવેલા અફસરો સાથે મને યંગ ઓફિસર્સ કોર્સ માટે બરેલી જવાનો હુકમ મળ્યો. ઓલિવ ગ્રીન યુનિફોર્મ, ખભા પર ચળકતા પિત્તળના તારક, ચમકતા બૂટ અને પીક્ડ કૅપમાં મને બાએ જોયો ત્યારે તેમની આંખમાં હર્ષના અશ્રુ આવી ગયા. અઢારમી સદીની આખરમાં અમારા એક પૂર્વજ ગાયકવાડ સરકારના સેનાપતિ હતા. ત્યાર બાદ ઓગણીસમી સદીના અંતમાં બ્રિટિશ સરકારના પોલિટિકલ એજન્ટ (વેસ્ટર્ન ઈન્ડિયા સ્ટેટ્સ એજન્સી) સૌરાષ્ટ્રના પ્રથમ ભારતીય પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ થવાનું શ્રેય મારા દાદાજીને મળ્યું હતું. તેમના પૌત્રને, એટલે મને ભારતીય સેનાના કમિશન્ડ ઓફિસરનો યુનિફોર્મ પહેરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તેથી બા ઘણાં ખુશ હતાં.

પાસિંગ આઉટ પરેડ બાદ મને બે અઠવાડિયાની રજા મળી અને હું ઘેર આવ્યો. બા હવે મારાં લગ્ન માટે આગ્રહ કરવા લાગ્યાં. અમારી પરિસ્થિતિ જોઈએ તો મારી બે નંબરની બહેન હવે ઉંમરલાયક થઈ હતી. તેના માટે મુરતિયો શોધવાનો હતો. સૌથી નાની ડોલી હાલમાં જ કોલેજમાં દાખલ થઈ હતી. ત્રણેક વર્ષ સુધી તેનાં લગ્નનો સવાલ ઊઠતો નહોતો. આવી હાલતમાં હું લગ્ન માટે તૈયાર નહોતો. એટલું જરૂર કહીશ કે યુવાનીની ઘેલછામાં એક વાર લગ્ન કરવાની અણી પર આવી ગયો હતો. ત્યાર પછી લગ્નનો વિચાર છોડ્યો હતો. આ વખતે પણ નવી નોકરી છે, યંગ ઓફિસર્સ કોર્સ પછી ક્યાં બદલી થશે તે જાણ્યા વગર આ બાબતમાં વિચાર કરી શકાય નહીં, એવું બહાનું આપી હું `યંગ ઓફિસર્સ કોર્સ’ માટે બરેલી ગયો. પાસિંગ આઉટ પરેડ પહેલાં અમારે લેખિતમાં કહેવું પડે છે કે અમને કઈ રેજિમેન્ટમાં જવું છે. તેમાં અમારે ત્રણ પસંદગીઓ આપવી પડે. ત્યાર બાદ દરેક કૅડેટના રિપોર્ટ, તેની ઉંમર, શિક્ષણ અને અન્ય આવડતને ધ્યાનમાં લઈ તેમની નિમણૂક કઈ રેજિમેન્ટમાં કરવામાં આવી છે તેનો લેખિત હુકમ આપવામાં આવે છે. મારે રિસાલા (આર્મર્ડ કોર)માં અથવા ઇન્ફ્રન્ટ્રીમાં જવું હતું. `આર્મ’ કહેવાતી રેજિમેન્ટમાં 25 કે તેથી ઓછી ઉંમરના કૅડેટ્સને મોકલવામાં આવતા. હું ત્રીસ વર્ષનો હતો તેથી મને મનગમતી રેજિમેન્ટ ન મળી અને `આર્મી સર્વિસ કોર’માં મૂકવામાં આવ્યો. આ `કોર’માં મોટર ટ્રાન્સપોર્ટ, એનિમલ ટ્રાન્સપોર્ટ, પેટ્રોલિયમ-ઓઇલ-લુબ્રીકન્ટસ અને પુરવઠો, એવા વિભાગ હોય છે. તેમાં પણ રસદના પુરવઠાનું કાર્ય અગત્યનું ગણાતું હોવા છતાં પ્રતિષ્ઠિત અને આકર્ષક ગણાતા ટેંક, પાયદળ અને તોપખાનાના અફસરો તેને કનિષ્ઠ સેવા ગણી `આર્મી સર્વિસ કોર’ને બદલે `આર્મી સપ્લાય કોર’ના નામે જ બોલાવે છે. આ જાણે ઓછું હોય, તેમ આ સેવામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ચાલે છે એવી છાપ પડી છે!

વિધિલિખિત! બીજું શું?

3 thoughts on “જીપ્સીની ડાયરી-૭ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

  1. એક શ્વાસે પાસિંગ આઉટ પરેડ સુધી વિગતો માણી .છેવટે ‘…કનિષ્ઠ સેવા ગણી `આર્મી સર્વિસ કોર’ને બદલે `આર્મી સપ્લાય કોર’ના નામે જ બોલાવે છે. આ જાણે ઓછું હોય, તેમ આ સેવામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ચાલે છે એવી છાપ પડી છે!વિધિલિખિત! બીજું શું?પહેલા દુઃખ થયું બાદ તેમા કદાચ વિધિએ તમને આર્મી સપ્લાય કોરને `આર્મી સર્વિસ કોર’ જેવી પ્રતિષ્ઠા આપવાનો યશ આપવાનું હશે
    રાહ આગે ક્યા હોતા હૈ ?

    Like

  2. કડીબધ્ધ વિગતવાર સરસ વર્ણન વાંચવાની મજા આવે છે.

    આજકાલ તો કોઈ પણ સરકારી વિભાગ હોય કે લશ્કર, દરેક જગ્યાએ ‘ખાયકી’ common અને mendatory થઈ ગયું છે… શું લશ્કરમાં ૧૯૬૪ના પહેલાથી પણ આ ચાલ્યું આવે છે… શીવ…શીવ…શીવ..

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s