(મૂળ ભાષા રહેવા દીધી છે જેથી તે સમયે શબ્દો અને જોડણી કેવા હતા તેનો ખ્યાલ આવે – સંપાદક)
(એ હેંડબિલ તા. ૧૫ એપરેલ ૧૮૬૧ ની રાતે રા. ભાઉદાજીને તાંહાં ભાઈ મહિપતરામને માન આપવાને મળેલા મિત્રોમાં વેંહેંચવામાં આવ્યું હતું.)
સુધારા ! સુધારા ! સુધારા !
અરે ઓ સેવકો,
બાવરું બાવરું ઊંચે શું જુઓ છો? હું નથી દેખાવવાની. આ, જે માહારી વાણી થાય છે તે તમારા હિતની છે, તે તમે કાન માંડીને સાંભળો, મને પછી માહારી આજ્ઞા તરત જ માનવી હોય તો ઊંચે જોજો હું તમને દર્શન ને વરદાન આપીશ, ને ન માનવી હોય તો નીચે જ મ્હોડે વ્હેલા વ્હેલા ઘરમાં ભરાઈ જઈ ચમકીને નાઠા એમ જગતમાં ચરચા માહારા સરાપથી ખૂબ રીબાઈ મરજો.
માહારું નામ સુધારા – દેવી છે એટલે માહારી બ્હેન જે સરસ્વતી તેનું સેવન જે સારી રીતે કરે છે તેહેને હું અમૃત આપું છું.
આ વાણીથી તમને ચેતાવવાનું કારણ એટલું જ કે તમે મને છેક વગોવી નાખી છે, માહારે વિશે લોકો તરેહ તરેહની કલ્પના કરે છે, અને જે ખરી કલ્પના કરે છે, તે લોકોમાં સાહસ અને ઉછાછલા ગણાય છે, માટે ભરમ દુર કરવાસારુ અને માહારી ખરી ઈચ્છા જણાવવા સારુ આ પ્રસંગે હું તમને કેટલોએક ટુંકામાં બોધ કરું છું.
જે જે દેશો સુધરેલા કેહેવાય છે તેઓની ચડતી થવાનાં કારણોમાં મુખ્ય કારણ એ છે તેમાં આપણા જેવો જાતિભેદ નથી. અને એ વાત તમારામાંના ઘણાએક જાણોછો જ ને હું આ જ તમને ખરેખર કહું છું કે, જ્યાં સુધી જાતિબંધ કપાયો નથી ત્યાં સુધી દેશની સ્થિતિ સારી થનાર નથી. હવે જ્યારે એમ છે ને તમે સમજો છો ત્યારે આ અવસરે તમે કેમ બહાર પડતા નથી? મેં જ સરકારને પ્રેરણા કરીને મહિપતરામને વગર ખરચે વિલાત મોકલાવ્યો ને તે એકલો ગભરાઈ ન જાય માટે શેઠિયાઓની તરફની પણ સારી પઠે મદદ કરાવી ને પાછો આવ્યો તેની અગાઉ રાવસાહેનો ખિતાબ ને દોહોઢસોના પગારની ઉંચા દરજજાની નોકરી બક્ષીસમાં અપાવી છે. એ મહિપતરામને તમારે સારી મદદ કરવી ઘટે છે એટલે એમ નહીં કે ઉપર ઉપરથી તેના વખાણ કરવાં ને જમવા ખાવાનો વેહેવાર ન રાખવો. હું એમ ઇચ્છતી કે મોટું માન આપવાને ઠાઠમાઠ કરી મંડળીઓ મેળવો, અને ઉપર ઉપરથી જ તમારા પોતાના અંદરના સ્વાર્થને સારુ મહિપતરામને માન આપો. લોક સરકારથી આબરુ કમાવવા સારુ સુકો ભભકો અને ઠગાઈ કરવાં એ મને પસંદ નથી. આ વેળા હું તમને કસવાને આવીછું. માહારી એ જ ઇચ્છા અને આજ્ઞા છે કે, જે જે માહારા ખરા ભક્ત છે તેઓએ મહિપતરામની સાથે એકપંગ્તિએ ભોજન કરી નવી ન્યાત ઉભી કરવી. રખે તમે બ્હીતા, રખે ગભરાતાં; તમારાથી એમ કહ્યાવનાં તો ચાલવાનું જ નથી કે જાતિભેદ કપાયા વગર દેશની ચડતી થનાર નથી. તમે એમ કહેશો કે જાતિભેદ તો તોડવો જોઈયે, પણ હજી તેમ કરવાનો સમય આવ્યો નથી; તો હું તમને કહુંછું કે તમારાં લુલાં બ્હાનાં છે. તમે કહેશો કે ઘરડાં માબાપને તથા સગાંવહાલાને છોડી જુદા કેમ પડિયે? ત્યારે શું તમે એમ સમજો છો કે મહિપતરામ માહારી આજ્ઞાથી પોતાના ઘરડા બાપની તથા ન્યાતની મરજી ઉપરાંત થઈ વિલાત જઈ આવ્યો છે તે શું અપરાધી છે? એમ જો અપરાધી તમને લાગતો હોય તો તમારે એને મદદ કરવાની જરૂર નથી. ધન્ય છે મહિપતરામને કે તેણે પોતાના દેશનાં હજારો લોકોનાં કલ્યાણને અર્થે વ્હેમરૂપી દુશ્મનને છુંદી રસ્તો મોકળો કીધો. એ પરાક્રમના બદલામાં જશનો હાર પેહેરાવવાને શું તેને બ્હિકણ, બાએલા, અને તાલમેલિઆ જ મિત્રો મળશે? નહીં નહીં. -આ પ્રસંગે તો ખરેખરા શૂરાઓનું કામ છે. સેવકો, તમે કહેશો કે થોડાક જણ ન્યાતબહાર પડવાથી માહારો મહિમા નહીં ચાલે. પણ એમ નહીં થાય;- તમારી હિંમત જોઈને, તમને સુખી જોઈને બીજા લોકોને પણ તમારો દાખલો લેવો પડશે. ખરેખરું કહુંછું કે, તમારી બ્હીક અને ઊંડી ઠગાઈ જોઈને લોકો વધારે સાવધ રહી મને નિંદે છે. ખૂબ સમજજો કહ્યાં કર્તા કરી બતાવવું એ પુરુષોને સાર્થક છે.
કેટલાએક સ્વારથિઆ મિત્રો, ઉપર ઉપરથી જસ લઈ જવાને એવો ફાંકો રાખે છે કે એની ન્યાતનાઓએ જ એની સાથે બેસીને જમવું. આ શું ઠગાઈનું બોલવું નથી? શું માહારો ખરો ભક્ત વ્હેમી અને મમતી ન્યાતિલાઓની સોડે બેસવાને લાયક છે? અને તેમાં પાછાં ભરાઈ તેણે વ્હેમનો વધારો કરવો લાયક છે? અને કદાપિ પ્રાયશ્ચિત્ત કરી મહિપતરામ ન્યાતમાં આવ્યો તો પછી તેના ઉપર ભરોસો રાખીને તેની ન્યાતના કેટલા જણો ધર્મ સાચવી વિલાત જશે? મહિપતરામના વિચારના એના મિત્રો જેઓ પણ મહિપતરામની પઠે ન્યાતના દોરથી અકળાઈ ગયલા છે, તેઓએ થોડે ઘણે દહાડે પાછાં ન્યાતનાં આવીશું એવી કલ્પનાથી પોતાનાં સગાંઓની છોડી મહિપતરામની સાથે જુદાં રેહેવું ઘટે છે? સગાં વાહાલાંને છોડી મહિપતરામ સાથે બે ત્રણ જણાએ રેહેવું, રહીને પાછાં ન્યાતમાં આવવાની આશા રાખવી અને પછી કેટલેક દહાડે ન્યાતમાં આવી, લોકોને ઉત્તેજન આપી તેમાંથી કેટલાએકને વિલાત જવાને તૈયાર કરવા એ કેવું અઘટિત ને ન બને તેવું છે તે જુઓ. મહિપતરામની ન્યાતના બે ત્રણ મિત્રે એની સાથે રેહેવું એતો મુનાસિબ નથી. -મુનાસિબ તો એજ છે કે, જેટલા માહારે નામે ઓળખાય છે – (સુધારાવાળા કેહેવાય છે) તેઓએ એકદમ બાહાર પડવું ને એમ કીધાથી ઘરડાં માબાપો, સગાંવ્હાલાં અને ન્યાતિલાઓ ભાવે અથવા કભાવે પાછાં એકઠાં થશે જ. ફરી ફરીને આવા વખત થોડા જ આવશે. માટે આ ટાણે માહારા ખરા ભક્તોને બાહાર પડવું.
કેટલાએક સુધારાવાળાઓ માંહોમાં જાતિભેદ કંઈ જ રાખતા નથી. ને પોતાની ન્યાતને એ વાતની જાણ ન કરી છુપા ગુન્હા કરે છે, હવે એ ગુન્હા કરવા કરતાં લોકોને ખરેખરુ દેખડાવવું એ કેવું સારું! જો સઘળા મિત્રો એવી રીકે એકદમ મળી જુદા પડતા હોય તો પોતાનું જોર કેટલું બધું વધારે, પોતે કેટલા સુખી થાય, કેટલો જશ મેળવે, કેટલો પરમાર્થ કરે, અને કેટલાં માનને લાયક થાય?
આ પ્રસંગે એક ૧00 જણા હિમત ધરે તો બીજે દહાડે તેઓની સંખ્યા દસ ગણી થયા વગર રેહેજ નહીં. જુદાં ન પડવાના બે સબબ મ્હોટા દેખાય છે-એક તો ગુજરાતના વાંધા પડે તે અને બીજો શુભાશુભ કારજ સમયે અડચણ પડે તે. જેઓ હાલ એમ કરવાને લાયક છે તેઓને આ બે વાતની અડચણ પડે તેમ નથી. તેઓ તો ઉલટા વધારે સુખી થશે ને બીજાઓને સુખી કરશે કેમ કે જેઓ એ કામને લાયક છે તેઓ મ્હોટી પદવી ધરાવનારા, પૈસાદાર અને વગવસીલાવાળા છે. અરે પેલી પરમહંસસભા ક્યાં સુઈ ગઈછ? પંદર પંદર વરસ થયાં ઊંઘ્યા કરે છે એ તે શું? એના બ્હીકણ ઉત્પન કરનારઓને કંઈ શરમ નથી આવતી? બુદ્ધિવર્ધકે પોતાનાં છોકરાંઓને બ્હીકણ ને બાયલાંજ કીધાંછ? જ્યારે સુધારાવાળાઓની મૂળ મતલબ (પછી ઘણીવારે) જુદાં પડવાની છે તો પણ જ્યારે બની શકે છે ત્યારે હમણાં કાં નથી પડતા? જો મંગળદાસ નથુભાઈ અને ગોકળદાસ તેજપાળ તથા લખમીદાસ ખીમજી બાહાર પડે તો ઓહો! તેઓની સાથે કેટલા સામેલ રેહે! દાદોબા અને આતમારામ પાંડુરંગ, રામ બાળકૃષ્ણ, બાલાજી પાંડુરંગ, અને ભાઈદાજી મેદાન પડે તો તેઓની સામાં કિયો શત્રુ ટકી શકનાર છે? પરમહંસ સભાના અંગીઓ અને બુદ્ધિવર્ધક સભાના અંગીઓ ગંગાદાસ કીશોરદાસ, કાંહાંનદાસ મંછારામ, નાહાનાભાઈ હરીદાસ, કરસનદાસ માધવદાસ, માણેકલાલ તથા દેવીદાસ પરસોતમદાસ, નારણદાસ કલ્યાણદાસ, ડાક્તર ધીરજરામ દલપતરામ, વગેરે જુવાનીઆઓ બાહાર પડે તો શું તેઓનાં સગાંઓ સામેલ ન થાય? ને કદાપિ ન થયાં તો તેઓનો વ્યવહાર શું અટકી પડવાનો? પેલો ગુજરાતનો સુધારો કરનાર ન્યાતિનિબંધનો લખનાર કવિ દલપતરામ ડાહ્યાભાઈ, પુનર્વિવાહવાળો નર્મદાશંકર અને સત્યપ્રકાશવાળો કરસનદાસ મુળજી એઓ, પોતાના સામ, દામ, ભેદ અને દંડ ઉપાયથી શું નહીં કરી શકે?
એ સઘળાઓ એકાઠા થઈને નવી ન્યાત કરી, નવો ધર્મ રાખી, નવા સંસાર-કાયદા કરી, દેશને તાજો કરે તો શી વાર છે? એકલા શંકરે, એકલા વલ્લભે, એકલા સ્વામિનારાયણે, એકલા રામદાસે, એકલા નાનકે, એકલા દાદુએ, એકલા કબીરે, આટલા આટલા ફેરફાર કર્યાં તો તમે આટલાબધા, થઈ ગયલી-પાછલી વાતોને સારીપઠે જાણ્યા છતાં, પૈસે વિદ્યાએ બુદ્ધિએ ચતુરાઈને સર્વ વાતથી અનુકુળ હોવા છતાં, તમે માહારો સુધારાનો મહિમા વધારવાને કાં આંચકો ખાઓછો? જેને કરવાનું મન નથી તે હજાર બ્હાનાં કાહાડશે. તેમ તમે બાહાર પડવાના તો નથી પણ માહારી ઈચ્છા છે તે તમને કહું છું. આ સમય બાયલા થઈને બેસી રેહેવાનો નથી. જો આ પ્રસંગ તમે ચુકશો તો તમારા જેવા ઠગ બીજા કોઈજ નહીં. તમે માહારા નામને બટ્ટો લગાડો છો. આ વખત તો હિંમતરૂપી મદિરાનું પાન કરી રજપૂતની પેઠે એકદમ બાહાર નિકળો અને હું તમારે માટે સર્વ દેવની વિનંતી કરીશ કે માહારા ભક્તોની સંખ્યામાં વધારો કરી તેમને સુખી કર. વાસ્તે છેલ્લું એજ કહું છું કે, એક સારે ઠેકાણે દક્ષણી ને ગુજરાતી વાણિયા, બ્રાહ્મણ, ભાટિયા વગેરે સર્વ સેવકોએ રુડાં ભોજનનું મને નૈવેદ ધરાવી, તે પ્રસાદી સર્વે જણાએ એકપંગ્તિએ બેસીને મોટી ખુશીથી માહારા સાચા ભક્ત મહિપતરામ સુદ્ધાં આરોગવી.
૧૮૬૧ના વરસમાં સમાજ સુઘારાનું આ હેન્ડબીલ…નર્મદે લખેલું આ હેન્ડબીલ તે સમયની ગુજરાતી ભાષાને આપણી સમક્ષ મૂકે છે. સાથે સાથે સમાજ સુઘારાની વાત પણ કહે છે. ૧૫૭ વરસો પહેલાં નર્મદે જે વાત દેશના ઉઘ્ઘાર માટે લખેલી….ન્યાતના વાડાઓ દૂર કરવાની વાત…તે આજે પણ અેટલી જ જીવતી છે. અને વઘુ વકરતી હોય તેવું પણ બને.
દાવડા સાહેબ તમારો આભાર. સરસ જ્ઞાન આપ્યુ.
અમૃત હઝારી.
yes agree with SUDHARA- all words still apply to our society-and tried to make people bold in that old time.thx for sharing this letter to know thoughts of that time- how correct it was.
આવી મૂળ પ્રતો મેળવવાની જહેમત કરવી મુશ્કેલ તો ખરી .
LikeLike
૧૮૬૧ના વરસમાં સમાજ સુઘારાનું આ હેન્ડબીલ…નર્મદે લખેલું આ હેન્ડબીલ તે સમયની ગુજરાતી ભાષાને આપણી સમક્ષ મૂકે છે. સાથે સાથે સમાજ સુઘારાની વાત પણ કહે છે. ૧૫૭ વરસો પહેલાં નર્મદે જે વાત દેશના ઉઘ્ઘાર માટે લખેલી….ન્યાતના વાડાઓ દૂર કરવાની વાત…તે આજે પણ અેટલી જ જીવતી છે. અને વઘુ વકરતી હોય તેવું પણ બને.
દાવડા સાહેબ તમારો આભાર. સરસ જ્ઞાન આપ્યુ.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
yes agree with SUDHARA- all words still apply to our society-and tried to make people bold in that old time.thx for sharing this letter to know thoughts of that time- how correct it was.
LikeLiked by 1 person
અમારા નર્મદની ખૂબ જાણીતી વાત આજે ફરી ફરી માણી આનંદ
નર્મદ દેખાયો અને સહજ માથું નમ્યું
LikeLike