પ્રાર્થનાને પત્ર-અંતીમ (શ્રી ભાગ્યેશ જહા)


(સાહિત્યિકભાષામાં માહીતિપ્રચૂર પત્રો આંગણાંના મુલાકાતિઓ માટે ઉપલબ્ધ કરાવવા બદલ શ્રી ભાગ્યેશ જહાનો ખૂબ જ આભાર)

પ્રિય પ્રાર્થના,

ગુજરાતી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનનો પ્રારંભ થયો છે. મુળ ભાવ તો ગુજરાતી ભાષાનું સંરક્ષણ કરવું, સર્જકતા નું સંવર્ધન કરવું અને ભાષા માટેની સજ્જતા વધારવી. આ પ્રતિષ્ઠાને જે યજ્ઞ શરૂ કર્યો છે તે માટે અનેક કાર્યશાળા થાય છે.. શુદ્ધ ગુજરાતી લખવા માટે શિક્ષકો સજ્જ થાય તેની અગ્રિમતા સ્વીકારી છે. હવે, સંરક્ષણ માટે શું કરવું તેની ચર્ચા અને ચિંતા થયા કરે છે. દરેક શાળામાં ગુજરાતી અનિવાર્ય કરી છે, પણ જાહેરાત માત્રથી કામ થતું નથી. પ્રજાએ ભાષાભિમાન ગુમાવ્યું છે તે પુન: સ્થાપિત કરવાનું ગાંધી કક્ષાનું કામ છે, જો કે આજના જમાનામાં જ્યારે ભાષાભિમાન નથી રહ્યું ત્યારે ભાષાશુદ્ધિના વર્ગો અમે ચલાવીએ છીએ. તું ઓળખે છે એ શ્રી હર્ષદભાઇ શાહ અને મિત્રોએ આ કામ ભારે ઉત્સાહથી ઉપાડ્યૂં છે. દર મહિને . 70 થી 80 શિક્ષકો અને ભાષાશુદ્ધિ માટે આતુર લોકો આવી કાર્યશાળામાં આવવા લાગ્યા છે તેનાથી એક વાતવરણ  બનશે  તેવી શ્રધ્ધા છે. એક વાત ખાસ નોંધવા જેવી છે પ્રવીણ પ્રકાશનના શ્રી ગોપાલભાઇ માંકડિયા અમારા આ પ્રયત્નમાં જોડાયા છે. પ્રવીણ પ્રકાશને ભગવદ ગોમંડલ જેવા મહા-શબ્દકોશનું પ્રકાશન કર્યું છે. આ ઉપરાંત  ગુજરાત પબ્લીક સર્વિસ કમિશનના પૂર્વસભ્ય શ્રી પ્રવીણભાઇ વઘાસિયા અને હિંદુ સર્વિસ એન્ડ સ્પીરીચ્યુઅલ ફાઉન્ડેશનના શ્રી નારાયણ મેઘાણી અને લેખક શ્રી જય ઓઝા આ પ્રતિષ્ઠાનમાં જોડાયા છે.

એક બીજી વાત કરવી છે તે એક નેવું વર્ષના યુવાનની કરવી છે. શ્રી મોહનભાઇ પટેલ એક અદભુત યુવાન છે, એ એટલા બધા ક્ષેત્રો સાથે જોડાયેલા છે અને એટલા બધા સક્રિય છે કે તમને એ 90 વર્ષના લાગે નહીં. હુ6 હમણાં જ પૂ. રમેશભાઇ ઓઝા સાથે એમના 90મા જન્મદિવસની ઉજવણીમાં ગયા ત્યારે આશ્ચર્ય સાથે ગૌરવ થયું કે મોહનભાઇ રોજ પોણા આઠવાગ્યે ફેક્ટરીમાં જવા નીકળી જાય છે. મુંબઈના અતિક્લિષ્ટ ટ્રાફિકમાં સમયસર પહોંચવાની નેમ રાખનાર મોહનભાઇ જ્યારે ગુજરાતી ગીતો સાંભળે છે ત્યારે નાચી ઉઠે છે. આવા ઉત્સાહના એક વડલા સમા મોહનભાઇ આજની પેઢીને ઉદાહરરુપ સક્રિયતા શીખવી શકે એમ છે. એ ખેડા જિલ્લાના ખમીર્નું પ્રતીક છે, એ ગુજરાતીપણાની કલગી છે, એમનામાં તમને ગાંધીજીની નિસ્બત દેખાઇ આવે. એમની દ્રઢ    નિર્ણયશક્તિ એ સરદારની યાદ અપાવે એવી છે. એ કૃષ્ણભક્ત છે, એટલે મોહન નામ અનેક રીતે સાર્થક કરે છે. એમની સંગીતમાં રસ છે અને નૃત્ય પ્રિય છે, એમને કવિતા ગમે છે અને ચિત્રકલા પ્રિય છે. એ કૃષિવિજ્ઞાની છે, એ છોડ સાથે વાત કરે છે. એક માણસ કૃષિવૈજ્ઞાનિક હોય, ઉધોગપતિ હોય, શિક્ષણસંસ્થાઓ ચલાવતા હોય. આવા બહુમુખી પ્રતિંભા ધરાવતા મોહનભાઇનું સન્માન કરવાના પ્રસંગે ગુજરાતીઓનો જે ઉમળકો હતો તે અદભુત હતો. મેં મારા પ્રવચનમાં કહ્યું, ” બહુમુખી પ્રતિભાને જયારે અહંકાર આભડી જાય છે ત્યારે રાવણ મળે છે, અને જ્યારે આવી પ્રતિભાને સંસ્કૃતિની ચિંતા, સંસ્કારો અને નમ્રતા સ્પર્શે છેછે ત્યારે સમાજને એક કૃષ્ણ મળે છે, એક મોહન મળે છે.”

આજે એક બીજી વાત કરવી છે. જેમની શતાબ્દી ઉજવાય છે તે પીતાંબર પટેલ અંગે એક સરસ કાર્યક્રમ યોજાયો. પીતાંબર પટેલ એટલે આપણા વિક્રમ પટેલના પિતાજી. આખાબોલા પટેલ, ઉત્તર ગુજરાતનો લહેકો અને નિખાલસ હ્રદયમાંથી વહેતી સર્જક ભાષા. વિક્રમભાઈ તો બહુ ભાવવિભોર બની ગયા. રાઘવજી માધડે પીતાંબર પટેલની વાર્તાસૃષ્ટિ ખોલી આપી. રાઘવજી માધડે પીતાંબરભાઇની વાત કરતાં કરતાં વાર્તાના કસબનું પણ સરસ નિરુપણ કર્યું. એમણે કહ્યું, “સોનુ ભલે કિંમતી હોય પણ કોઇ સોનાના બિસ્કીટ ગળે ભરાવતા નથી. જ્યારે સોનામાં થોડો ભેગ થાય, જ્યારે એમાં કળાકારની કળા ઉમેરાય, ઘાટ ઘડાય. ત્યારે સોનું ઘરેણું બને છે”   બિપીનકુમાર શાહે પત્રકાર તરીકે પીતાંબર પટેલ સાથે એમના યાદગાર બનાવો યાદ કર્યા. જ્યારે ડૉ.કેશુભાઇ દેસાઈએ એમની નવલકથાઓમાં પડઘાતી સામાજિક ચેતનાના અંશોને રજુ કર્યા. કેશુભાઇ દેસાઇએ પન્નાલાલ પટેલ, પીતાંબર પટેલ અને ઇશ્વર પેટલીકર દ્વારા રજુ કરેલી પટેલકોમની ભાવસૃષ્ટિ પણ આસ્વાદનીય છે એટલું જ નહીં પણ ગુજરાતની સામાજિક સમસ્યાઓ અને ભાવનાઓને આ ત્રિપુટીએ સરસ રીતે શબ્દદેહ આપ્યો હતો. પીતાંબર પટેલ લિકબોલીમાં લખતા, બોલતા પણ લોકબોલીમાં. એ એક એવા લેખક હતા જે સમાજ સાથે સતત જોડાયેલા રહ્યા હતા. આ કારણે એમના લખાણમાં એક પ્રકારની વિશેષ શક્તિ પ્રગટતી હતી.

સર્જકોની શતાબ્દી આમ તો માઈલસ્ટોન જેવી હોય છે, એ જોવાથી આપણને ખ્યાલ આવે કે આપણે કેટલું અંતર કાપ્યું છે. પણ સાથે બહારની દુનિયા અને સર્જકતાનો અનંત રસ્તો કેવી કેવી ક્ષિતિજો ખોલી આપે છે એનો પણ ખ્યાલ આવે છે. આવી કશીક ઉજવણી થાય ત્યારે આપણે આત્મનિરીક્ષણ કરવું જોઇએ. શબ્દ હવે જે વિશ્વમાં ઘુમી વળ્યો છે, એ નવું વિશ્વ છે, આપણે નવો ગુજરાતી શબ્દ પ્રગટાવી શક્યા છીએ ? પીતાંબરભાઇએ પોંખેલો પીતાંબર પહેરેલો શબ્દ આજે જીન્સ પહેરીને ક્યી યાત્રાએ નીકળ્યો છે ? કોઇએ તો પુછ્વું પડશે, કોઇએ તો જવાબ દેવો પડશે…

શુભાષિષ,

ભાગ્યેશ.

જય જય ગરવી ગુજરાત.

*****************************

પ્રિય પ્રાર્થના,

બે દિવસથી અહીં સરસ વરસાદ પડી રહ્યો છે, વૃક્ષોનો આનંદ વાંચવા જેવો હોય છે. ગઈકાલે ‘મોર્નિંગ વૉક’ પછી પાછા આવતી વખતે કશું દેખાય નહીં એવા વરસાદમાં મઝા આવી. ખાલી જળ તત્ત્વ અને આપણે જ ! અસ્તિત્ત્વનો જાણે એક કોયડો આપણી સામે ઉભો રહ્યો હોય… . પરિચિત રસ્તાઓ ધૉળાધફ કો’ક જળફુંફાડામાં સંતાઇ ગયા… ! પાણીને ચીરીને આવતી સામેની ગાડીની લાઈટનો પ્રકાશ પણ બહેરો..! બેબાકળા રસ્તાના ભાષા વિનાનાં જળગીતો.. ! થોડીવાર માટે આપણા જ નગરમાં આપણે અજાણ્યા લાગીએ એ ક્ષણમાં પલળવું એ પણ એક લ્હાવો છે… વરસાદનું હમણાંથી આવું જ છે, હું મારા એક બૉસને ઓળખું છું, વરસે ત્યારે આવી રીતે ધોધમાર, બાકી 364 દિવસ ઉનાળો.. હવે, આશા રાખીએ બાકીનો ઑગષ્ટ આવો જાય… !

આજે એક મહાન રાષ્ટ્રપુરુષની વાત કરવી છે. આજે અટલજીની વાત કરવી છે. અટલજીને બે -એક્વાર રુબરુંમાં મળવાનું થયું છે, પણ એમની કવિતાઓ અને એમના પ્રવચનોનો પરિચય અઢળક છે. એક મુત્સદ્દી વ્યક્તિત્ત્વ અને ધારાપ્રવાહથી વહેતી એમની પ્રશુદ્ધ હિંદી, સંસ્કૃતની છાંટવાળી હિંદી, હાથ અને ચહેરાના ભાવ એવા કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જાય. લોકોમાં  એક પ્રતીતિ જન્મ્યા કરે કે આવે છે તે શબ્દો સીધા હ્રદયમાંથી આવે છે, આવે છે તે શબ્દોમાં અનોખી નૈસર્ગિક તાકાત છે. અટલજીના પ્રવચનોમાં એક તાજગી હતી, એક નિખાલસ વ્યંગવચન પવચનની લોકભોગ્યતાને રુચિકર બનાવી દેતા. આવા અટલજીનું વ્યક્તિત્ત્વ એક રાજપુરુષ કરતાં એક સરસ હ્રદયના સંવેદનશીલ તરીકે વધારે ખ્યાત છે.

આજે મારે અટલજીની થોડી કવિતાઓ વિશે પણ વાત કરવી છે. અટલજીની કવિતાઓ ક્યારેક એકદમ નાજુક અનુભૂતિઓ પર આધારિત હોય તો મોટેભાગે એમની કાર્યકર્તાઓ સાથેના અનુબંધની અને એમના લોહીમાં વહેતા અવિરત દેશપ્રેમની  કવિતાઓ છે. એ ભારતભક્તિના કવિ હતા. મને આજે યાદ આવે છે 1972ના એ દિવસો જ્યારે હું અટલજીની નકલ કરીને એમનો આ કાવ્યાંશ અચુક બોલતો, ” યહ ભારતકી ભૂમિ કોઇ જમીનકા ટુકડા નહીં હૈં, યહ તો જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હૈં. હિમાલય મસ્તક હૈં, તો કશ્મીર કિરીટ હૈં, પંજાબ ઔંર બંગાલ જીસકી દો ભુજાયેં હૈં, વિંધ્ય કટિમેખલા હૈં ઔંર નર્મદા જિસકી કરધની હૈં. કનુઆકુમારી ઇસકે પાવન ચરણ હૈં ઔંર સાગર નિશદિન ઇનકે ચરણ ધુલાતા હૈં. આષાઢ -સાવનકે કાલે કાલે બાદલ જિનકી કુંતલ કેશરાશિ હૈં. યહ વંદનકી ભૂમિ હૈં, અભિનંદનકી ભૂમિ હૈં. યહ અર્પણકી ભૂમિ હૈં, યહ તર્પણકી ભૂમિ હૈં. યહ ઋષિ-મહર્ષિ-ત્યાગી-તપસ્વી-તીર્થંકરોંકી ભૂમિ હૈં, યહીં તો ગીતામેં વર્ણિત વિરાટ પુરુષકા જીતા જાગતા અવતાર હૈં. હમ જીયેંગે તો ઉસીકી ખાતિર ઔંર મરેંગે તો ભી ઉસીકે ખાતિર.. અગર કલ હમ મર જાયેંગે તો ગંગાકે જલમેં બહેતી હમારી હડ્ડિયોંકો કાન લગાકર સુનોંગે તો યહી આવાજ આયેગી, “ભારત માતાકી જય, ભારત માતાકી જય”. અટલજીની કવિતામાં મને જે ગમે છે તે લય અને એક ધસમસતો પ્રવાહ જે તમે અનુભવી શકો. અટલજીને કાવ્યપાઠ કરતા સાંભળવા એ પણ કર્ણોત્સવ બની રહે છે.

એમની કવિતાનો એક વિશેષ શ્રોતાવર્ગ એ કાર્યકર્તાઓનો છે, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને પ્રચારક હોઇ કાર્યકર્તાનિર્માણની એક સૂક્ષ્મપ્રક્રિયામાં સક્રિય હતા એ તમે એમની કવિતાઓમાંથી પામી શકો. જો, સાંભળ, “બાધાયેં આતી હૈં, આયેં / ઘિરેં પ્રલયકી ગોર ઘટાયેં/ પાવોંકે નીચે અંગારે / સિર પર બરસેં  યદિ જ્વાલાયેં / નિજ હાથોંમેં હંસતે હંસતે, / આગ લગાકર જલના હોગા / કદમ મિલાકર ચલના હોંગા.” આ કદમ મિલાકર ચલના હોંગાનો ભાવ એમને જીવનભર કાર્યક્ર્તાઓને શીખવ્યો. અટલજી એક કવિ અને વક્તા તરીકે એમના ભાવકો/ચાહકોને સતત પોતાની સાથે રાખી શકતા. કારગિલ યુધ્ધ વખતની એમની કવિતા અને વક્તવ્યોને કારણે આખો દેશ એક થઈને એમની સાથે ઉભો હતો. એ પાકિસ્તાનને જાણે ઠપકો આપતા હોય તેમ લખે છે, ” અપને હાથોંસે તુમ અપની કબ્ર ના ખોદો / અપને પૈંરો આપ કુલ્હાડી નહીં ચલાઓ / ઓ નાદન પડોંસી અપની આંખે ખોલો, / આઝાદી અનમોલ, ના ઇસકા મોલ લગાઓ… /”

તો આજ કવિ ક્યાંક વિશ્વશાંતિની વાત કરતા હોય ત્યારે એક અલગ કવિમુદ્રામાં પ્રગટ થાય છે, જ્યારે એ લખે છે, ” હમ જંગ ના હોને દેંગે, / વિશ્વશાંતિકે હમ સાધક હૈં, જંગ ન હોને દેંગે.. !/ કભીન ખેંતોમેં ફિર ખુની ખાદ ફલેંગી, ખલિહાનોંમેં નહીં  મૌંતકી ફસલ ખિલેગી, / આસમાન ફિર કભી ન અંગારે ઉગલેગા,/ એટમ્સે નાગાસાકી ફિર નહીં જલેગી, / યુધ્ધહીન વિશ્વકા સપના ભંગ ન હોને દેંગે, / જંગ ન હોને દેંગે… “

આવા સંવેદનશીલ  વ્યક્તિ જ્યારે પ્રશાસનના શિખર પર  બિરાજેલા હોય ત્યારે પ્રજામાં એક પ્રકારની શ્રધ્ધા અને સન્માનનો ભાવ જાગતો હોય છે. એમની અંતિમયાત્રામાં જોડાયેલા હજારો નાગરિકો જોડાયા એ આ વાતનું પ્રમાણ છે. ખરેખર લોકો તંત્રની જડતાથી કંટાળ્યા હોય છે, કોઇ સંવેદનશીલ વ્યક્તિને આવા જાહેર સત્તાસ્થાનોમાં જુએ છે ત્યારે પ્રજા પણ એકપ્રકારનો અહોભાવ અનુભવ્તી હોય છે… કિં બહુના…

ભાગ્યેશ,

જય જય ગરવી ગુજરાત.

2 thoughts on “પ્રાર્થનાને પત્ર-અંતીમ (શ્રી ભાગ્યેશ જહા)

  1. enjoyed all yourletters bhagyesh bhai- and specially mohan bhai patel-90- i had close relation with him when he was in shri vile parlekelvani mandal and what all you said about him is unique and in real sense Krishna-Mohan..about other also wonderful and last but not least about Atalaji.- mu cousin in uk was also very near him so heard a lot about Great Soul of Ma-Bharati. Thx and await for your new appearance here in Anganu. Will miss you.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s