પ્રાર્થનાને પત્ર-૧૨ (શ્રી ભાગ્યેશ જહા)


23-4-2013

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ…

રામનવમીને દિવસે પૂ.મોરારીબાપુની ભાવનગર કથા પુરી થઈ, તો આપણા મોદીસાહેબ નવીનક્કોર ઑફીસમાંથી કાર્યભાર સંભાળવા લાગ્યા. લીમડાનો મૉંર પીધો, કડવાશથી એક લખલખું પસાર થઈ જાય ત્યારે રોમરોમ બાળપણ ઉગી નીકળે. આના કારણે એક સૂક્ષ્મ આનંદ પ્રગટે, થોડી બાળપણની દોંડાદોંડ જાગી ઉઠે, થોડું ભોળું હાસ્ય અસ્તિત્વની પરસાળ પર વેરાઈ જાય. કદાચ આ કારણે જ રોગો ફળીયેથી જ પાછા ફરે. આપણી પરંપરાઓની ચામડીના એક સ્તર નીચે કઈંકને કઈંક આવી નાનકડી નદીઓના નીર વહેતા હશે, આ જ આપણી ઉક્તિ છે ને.. ‘अत्र लुप्ता सरस्वती….।’ બીજી રીતે જોઇએ તો જે છાયા આપી શકે એ જ  કોઇની દવા પણ બની શકે.

આ અઠવાડિયે એક ઘટના બની. વિનોદભાઇ એટલે કે વિનોદ ભટ્ટ એટલે કે વિ.ભ. મને વારંવાર ફોન કરીને કહેતા કે ‘મિત્ર’ જરા મળવા આવો તો સારું’. મારે જરા અંગત કામ છે અને ફોન પર કહેવાય તેવું નથી. મારે મેળ પડતો નહોતો. દોંડાદોંડી તો હતી જ અને એક પ્રકારની અનિશ્ચિતતાએ પણ મનનો કબજો લીધો હતો. બીજી તરફ ‘મહાવીર જ્યંતી’ના પ્રસંગે ‘માનવતાની વાણી-મહાવીરવાણી’ એવા વિશય પર બોલવાનું હતું, પણ મહાવીરજયંતીને દિવસે સમય કાઢીને વિનોદભાઇને ઘેર જઈ આવ્યો, ખુબ રાજી થયા, હું પણ થયો. કામ હતું એમના બે પુસ્તકો મને આપવાનું. એક હાસ્ય નોબંધોનું પુસ્તક ‘બસ.. એમ જ !’ અને બીજું પુસ્તક ‘અમેરિકા એટલે… ‘ વાત આટલી સરળ નથી. ‘બસ એમ જ… !’ પુસ્તક એમણે મને અર્પણ કર્યું છે, આમ લખીને.. ‘અર્પણ… મારા પ્રિય કવિમિત્ર  ભાગ્યેશ જહાને.

બસ…. એમ જ ….. !’ આ  બસ એમ જ આમ જોવા જઈએ તો જીવનનો સાર છે. આટલા લોકોને મળ્યા પછીઅને આટલા બધા મિત્રોના નાના-મોટા વર્તુળો પછી અમે એમ લાગે છે, બસ એમ જ, કશા કારણ વગર મળે, ચાહે, આપણી ચિંતા કરે એવા લોકો ક્યાં છે ? ઝંડા અને એજન્ડાવાળા લોકોને મળવું એના કરતાં આવા ‘બસ એમ જ’ લોકોને મળવાની મઝા અલૌકિક છે. માણસ અમથો અમથો જીવવાનું કારણ પામે એજ તો જીવનની સાર્થકતા છે. સ્વાર્થી જગત પર આબાદ કટાક્ષ કરતાં એમણે લખ્યું છે કે આત્માને ખિસ્સું નથી હોતું. વિનોદભાઇ આ પુસ્તકના પ્રારંભમાં જ કહે છે કે મનુષ્યનું હાસ્ય એ ઇશ્વરનું હાસ્ય છે. એમના હાસ્યમાં જે શક્તિ છે તે એમના જીવનમાં છલકાતી જીવન ઉર્જાની શક્તિ છે. વિનોદભાઇનો વિનોદ એ એમના જીવનનું નવનીત છે, એ પોતાના ઉપર હસી શકે છે. નલીનીબેન પણ એટલી જ નિર્દોષતાથી હસે છે. બન્ને જણ અદભુત છે. એમને મળવું એક ઉજાણી છે. જો કે આ વખતે એમને રાયપુરના ભજીયા મંગાવી આખી મીટીંગ અને ઉજવણીને સ્નિગ્ધ બનાવી.

આ બન્ને પુસ્તકો વિનોદભાઇના નિરીક્ષણોનું મર્માળું નકશીકામ છે, ‘ચલો ગુજરાત’માં અમેરિકા આવેલા તેના ખુબ જ રમુજી પ્રસંગો છે. આવા સરસ લેખક અને એટલા જ ઉમદા માણસ એવા વિનોદભાઇ મહાવીર જ્યંતીને દિવસે બે પુસ્તકો ભેટ આપે ત્યારે લાગે કે આપણી ભાષા અને માનવતા સુરક્ષિત છે. મઝા આવે એવા માણસો જીવનમાં મળ્યા કરે એ જ તો મોજ છે. તમને અઢળક મોજ મળો એ જ શુભાશિષ…

ભાગ્યેશ.

********************

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી નવસારીમાં છું, પૂર્ણા નદીને કિનારે આવેલા આ નગરની નવરંગી ઇતિહાસગાથા છે, હસતું રમતું નગર છે. અહીં પારસીઓનો વિનોદ છે તો સયાજીરાવના સુશાસનના પડઘા છે. પુસ્તકોથી સુગંધાય છે આ નગર. અહીં એક ‘સયાજી વૈભવ’ નામે પુસ્તકાલય છે. નાનું પણ નહીં અને મોટું પણ નહીં. દિવાલોમાં ઉંમર દેખાય, કાચના કબાટ પુસ્તકોને ચશ્મા આવ્યા હોય તેમ આપણી સામે જુએ. પણ દરેક ખુણો ઉપયોગાય છે તેવી અક્ષરની ચહલ-પહલ સંભળાય. હું અચાનક એમના એક કાર્યક્રમમાં જઈ ચઢ્યો, જો કે આવી જગાએ હોઉત્યારે ચાનક તો ચઢેલી જ હોય કે ગુજરાતના આ ભાગમાં  જીવાતા જીવનની અત્તરશીશી શું છે, ક્યા ગીતો આ છોડને પાણી સીંચે છે ?  સયાજી વૈભવમાં પાછા ફરીએ. આ પુસ્તકાલયમાં એક ફોરમ ચાલે છે, વાચકોનો એક વર્ગ છે. જ્ઞાનપિપાસુ અને સંવાદ માટે આતુર. આજે એક ઉધોગપતિ શ્રી દિનેશ જોશી બોલવાના હતા. વિષય હતો, ‘અધ્યાત્મ અને વિજ્ઞાન’. આ અભિયાનનું ચાલક્બળ એટલે મહાદેવ દેસાઇ. વ્યવસાયે સ્થપતિ પણ અક્ષરમાં અ-ક્ષરતા જોઇ અને શબ્દમાં શબદને શોધવાની ફકીરાઈ સાંભળી. એટલે આ માણસે સમાજ-ચેતનાને સ્કેચને પકડ્યો, ડ્રોઇંગબૉર્ડ પર ભાષાની નિસબતને દોરી. સો-સવાસો બુધ્ધિશાળીઓનો સાથ લીધો અને વાંચન અભિયાન ઉપાડ્યું. એક સ્થપતિને સમજાયું કે આ ‘સયાજી-વૈભવ’ના મકાનમાં કેવી મોટી મિલકત છુપાયેલી છે. આ કારણે નવસારીમાં વાતાવરણ પલટાયું ઉનાળાની સાંજે ગરમીથી ત્રસ્ત લોકોએ બાળકોને વાંચવા તરફ વાળ્યા, શેરીએ શેરીએ વાંચંશિબિરો યોજાયી. આપણા રમેશ તન્ના કરે છે તેમ આ લોકોએ બાળકોને એક બાગ બતાવ્યો. વેકેશન વેડફાયું નહીં પણ વંચાયું. પુસ્તકાલયના લેખકોએ નવસારીની નવી પેઢી સાથે વાત માંડી. એક દિવસ ગુજરાતના મુખ્યમંત્રી મોદીસાહેબ નવસારી આવ્યા, તેમણે બાળકોની આ જાગૃતિ જોઇ, સમાજની સામેલગીરી જોઇ. એક બૌધ્ધિક નેતૃત્વથી છલકાતું આ અભિયાન આખા રાજ્યમાં ‘વાંચે ગુજરાત’ના નામે વ્યાપી ગયું. ચેકબૂક અને પાસબૂક વાંચવા માટે વિખ્યાત ગુજરાત જેદી અદાથી વાંચવા લાગ્યું. આ નવસારીની અલગ તરી આવતી અલગારી ઓળખને પામ્યો.

શનિવારની સાંજે દિનેશભાઇએ અધ્યાત્મ અને વિજ્ઞાન કેવાં પુરક થઈ શકે એના6 અનેક ઉદાહરણો આપ્યાં.

રંગસૂત્રોના ક્ષેત્રમાં ચાલી રહેલી શોધોએ આપણી સંસ્કારભાવનાનો પડઘો ક્યાંક પાડ્યો છે. તો મંગળનો ગ્રહ લાલા છે તે ખગોળવિજ્ઞાન નહીં ભણેલા ગ્રામજોશીને પણ ખબર છે તેનો મહિમા કરવા જેવો છે. પુષ્પક વિમાન અને માનવમનને વાંચતા યંત્રોમાં આજના કૉમ્યુટર અને રોબોટની ઉપયોગિતાની બદલાતી જતી બારાખડી વંચાય છે અથવા વાંચી શકાશે.

બીજી મારે જે વાત કરવી છે તે શુક્રવારે મેં રાત્રીનિવાસ કર્યો તે ધરમપુરના શ્રીમદ રાજચંદ્રના અદભુત આશ્રમની…..એ તો તને ખ્યાલ છે જ કે શ્રીમદ રાજચંદ્ર એ ગાંધીજીના પણ ગુરુ હતા. ગાંધીજીના વાણી વિચારમાં એમનો ખાસો પ્રભાવ હતો. ધરમપુરનો આ આશ્રમ જૈન વિદ્વાન-સંત શ્રી રાજેશભાઇ ઝવેરી ચલાવે છે, તેઓ ‘ગુરુજી’ના માનવાચક નામથી જાણીતા છે. યુવાન મેનેજર કૌશિક અને ટ્રસ્ટી મોહનભાઇ થકી આ આશ્રમની ભુગોળ જાણી. પણ આશ્રમના અંતરંગને તો ખોળી આપ્યું રાતના ચંદ્રએ… ચાંદનીની ચુંદડી ઓઢીને ગાતી વનવાસી ટેકરીઓ અને વચ્ચે વાહનોને કેડમાં ભરાવીને ટેકરીઓ ચઢતી કેડીઓ.. ક્ષણાર્ધમાં જ ધ્યાન લાગી જાય તેવી શાંતિ.. મંત્રો કરતા સાધકોના વાઇબ્રેશનની ઘટાદાર હાજરી. મઝા આવી. થાય છે કે બે-એક દિવસ આવી જગાએ જઈને સંતાઇ જવું  જોઇએ. જાતને જ એપોઇન્ટમેંટ આપીને છેડવો જોઇએ એક સંવાદ… રજનીશેને, ટાગોરે ને અરવિંદે છેડ્યો હતો તેવી રીતે. શ્રીમદજીની મોક્ષમાળાને ખુલ્લી રાખીને સુકાતી સળીઓથી બાંધવો જોઇએ અસ્તિત્ત્વનો માળો, જ્યાં પે’લાં ઉપનિષદનાં બન્ને પક્ષીઓ એક ગીત ગાયા કરે અનંતનું..

ક્યારે ફરીથી… લખીશ…

ભાગ્યેશ.

1 thought on “પ્રાર્થનાને પત્ર-૧૨ (શ્રી ભાગ્યેશ જહા)

 1. ‘‘બસ એમ જ’ લોકોને મળવાની મઝા અલૌકિક છે યાદ
  होना लिखा था यूँही जो हुआ
  या होते होते अभी अनजाने में हो गया
  जो भी हुआ, हुआ अजीब
  મા વિનોદભાઇ જેવા. મઝા આવે એવા માણસો જીવનમાં મળ્યા કરે એ જ તો મોજ છે.
  અનારા નવસારીની સયાજી-વૈભવ’વાતે આનંદ રથયો અને ‘જાતને જ એપોઇન્ટમેંટ આપીને છેડવો જોઇએ એક સંવાદ… રજનીશેને, ટાગોરે ને અરવિંદે છેડ્યો હતો તેવી રીતે. શ્રીમદજીની મોક્ષમાળાને ખુલ્લી રાખીને સુકાતી સળીઓથી બાંધવો જોઇએ અસ્તિત્ત્વનો માળો, જ્યાં પે’લાં ઉપનિષદનાં બન્ને પક્ષીઓ એક ગીત ગાયા કરે અનંતનું..’ આ ગુઢવાતે ચિંતન પ્રસન્નતા અનુભિતી

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s