ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા )


પ્રકરણ-૩

નેહા જ્યારે સાગરને મૂકી પોતાની કાકી ને ત્યાં આવી આંખો સૂજી ગઈ હતી. આખા રસ્તે રડતી હતી. સાગરે કેમ મારા માટે આવું વિચાર્યુ હશે? મારે મારી વાત એને કરવી જોઈએ કે નહીં? ના, હવે હું એને કઇં જ નહીં કહું. એ મને સમજી જ નહીં શકે. કદી મારી હાલત જાણી જ નહીં શકે. મારે મારી વાત કોઈને ના કહેવી જોઇએ ખાસ કરીને કોઈ પુરુષને તો નહીં જ!

એણે ડોરબેલ મારી. કાકીએ દરવાજો ખોલ્યો, “કેમ નેહા, શું થયું? અને આટલી વાર કેમ થઈ? તે કહ્યું હતું કે સહેલીને મળવા જાય છે. કેમ છે તારી સહેલી?” આટલા બધાં સામટા સવાલોના જવાબ નેહાને આપવા ન હતાં. પણ પરાણે હોઠ ખોલી ને કહ્યું, “મજામાં છે અને અમે વાતો કરતાં હતાં એટલે વાર થઈ. કાકી, કાલે મારે એનાં ઘરે જમવા જવાનું છે અને વિચારું છું કે તેને ત્યાં કાલે રહી જાઉં.  લગ્ન પછી અમે સાથે જરા પણ સમય સાથે નથી ગાળ્યો.” નેહાએ ગભરાતાં ગભરાતાં કહ્યું. એ જુઠ્ઠું બોલવામાં જરાપણ હોશિયાર ના હતી એને થતું હતું કે તરત પકડાઈ ન જાય તો સારું! પણ, કાકી થોડા ભોળા હતાં અને સાલસતાથી બોલ્યાં, “ભલે બેન, સારું જ છે. મિત્રોને તો મળતાં રહેવું જોઈએ. નેહાએ હાશકારો કર્યો. વિધવા કાકીને મનાવવી અઘરી ના પડી. કાકીએ ખાવા માટે આગ્રહ કર્યો પણ એનું દિલ ક્યાંય લાગતું ના હતું.

એ પથારીમાં જઈને પડી. એને સાડી કાઢવાનાં પણ હોશ ન હતાં. જાણે શરીરમાં થી કોઈએ શક્તિ નિચોવી લીધી હતી. દૂર રહીને પણ સાગર એને કેટલો કંટ્રોલ કરતો હતો! એનું અસ્તિત્વ જાણે સાગરની લહેરોમાં વહી જતું હતું. “હું શું કામ નબળી પડું છું? સાગર એક પરાયો પુરુષ છે. એને જોઈને જાણે, લોહી મારી શિરામાં વહેવાનું મૂકી દે છે! શ્વાસો પર મારો અંકુશ રહેતો નથી અને દિલ જોરજોરથી ધડકે છે.  હું એક અસહાય બાળકની જેમ, એને મળવા માટે ખેંચાઈને ચાલી નીકળું છું. મારે એને મળવું જ ના જોઈએ. હા, બસ, કાલે સવારે એને ફોન કરી દઈશ કે હું નથી આવવાની. બસ, એ જ બરાબર છે.

થાક હતો છતાં આંખો બંધ થતી ના હતી. એક તરફ સાગરનો પ્રેમ અને બીજી તરફ આકાશ સાથે બેવફાઈનો ડર.! પણ, આ દિલ પણ અજબ છે! એ બે તરફથી ખેંચાઈ રહ્યું હતું. વળી આકાશની બેવફાઈ યાદ આવી નેહાનો ચહેરો બદલાઈ ગયો. કડવાશ ચહેરા પર ઊતરી આવી. કેટલો વિશ્વાસ કર્યો હતો આકાશ પર! પણ, એક જ ઘા પડ્યો અને સર્વનાશ થઈ ગયો. દિલ નામનું કાચનું વાસણ એવું તૂટ્યું કે ફરી જોડાણું જ નહીં! ભગવાન, સર્વ દુખ મારા ભાગમાં જ આવવાના હતાં? નેહાની આંખની કિનારીથી આંસું ની ધાર વહેતી રહી! ક્યારે એની આંખો મળી ગઈ, એની એને પણ ખબર ના પડી.

ચોરસ બારીમાંથી સૂરજ નાં કિરણો નેહાના ચહેરા ઉપર પડ્યાં. એ એકદમ સફાળી બેઠી થઈ ગઈ. રાતે લીધેલાં બધાં નિર્ણયો ભૂલાઈ ગયાં. સાગરને ફોન કરીને ના પાડવાને બદલે એ સાગરને મળવા માટે ઉતાવળ કરવા લાગી. જલ્દી જલ્દી શાવર લઈ, આસમાની રંગની સાડી પહેરી, ગળામાં નાની મોતીની સેર અને કાનમાં મેચીંગ ઈયરિંગ્સ પહેર્યાં, હાથમાં મોતીની બંગડી, ચહેરા ઉપર લાઈટ મેકઅપ અને અણિયાળી આંખમાં કાજલ, સફેદ રંગનુ પર્સ અને બગલ થેલામાં એક જોડી કપડા નાંખી એ ઓરડાની બહાર નીકળી. કાકીએ પરાણે ચા પીવડાવી. કાકીને સમજ પડતી ના હતી કે નેહા આટલી બેબાકળી કેમ દેખાય છે? પછી મન મનાવ્યું કે હશે કોઈ કામ અથવા તો આકાશે કૈક કહ્યુ હશે.

નેહા નીકળી પડી, “પિયા મિલનકો જાના.” આ  કેવી લાગણી થતી હતી? નેહા પાછી અઢાર વરસની, પ્રથમ કૉલેજમાં પગ મૂક્યો ત્યારની નેહા જાણે બની ગઈ હતી. આહાહા, સમય થંભી જતો હોય તો કેવું સારું? પણ ના સમય નથી થોભતો અથવા સમય સ્થિર છે પણ આપણા દિવસો, મહિનાઓ અને વરસો પસાર થાય છે અને આપણું જીવન પલટાયા કરે છે. સાગરના જીવનમાંથી, એ કયારે આકાશના જીવનમાં આવી ગઈ, એની એને એક એક પળ યાદ છે! કેવી રીતે સાગરનો હાથ છૂટી ગયો હતો. “હમ બેવફા હરગિજ ના થે, પર હમ વફા કર ના સકે” નેહાએ ટિસ્યુ લઈ આંખ લૂછી નાંખી.

હોલીડે ઈનના દરવાજા પાસે રિક્ષા ઊભી રહી. પૈસા આપી એ હોલીડે ઇનના દરવાજા માં દાખલ થઈ. સામે સાગર ઊભો હતો, એજ વિશ્વાસવાળુ, મંદ હાસ્ય! નેહાનું હ્રદય ધડકન ચૂકી ગયું. પગ પાછાં પડવા લાગ્યાં, પણ, હિંમત કરીને દરવાજા પાસે આવી એક ફિક્કું સ્મિત કર્યુ. સાગર એની મથામણ બરાબર સમજતો હતો.  સાગરે હાથ લાંબો કર્યો, અને બંને સાથે રિસેપ્શનિસ્ટ પાસે ગયાં. સાગર પહેલેથી થોડો શરમાળ નેહાએ હિંમત એકઠી કરી, one room please.” રિસેપ્શનિસ્ટે ઊંચું જોયા વગર પૂછ્યું,” name please..” નેહાએ અચકાતાં અચકાતાં કહ્યુ,” સાગર પારેખ એન્ડ મિસિસ સાગર પારેખ.” આટલું બોલતા તો જાણે થાકી ગઈ. રિસેપ્શનિસ્ટે સરનામું પૂછ્યું. એ થોડી ગભરાઈ ગઈ પણ સાગરે સંભાળી લીધું અને પોતાનું સરનામું લખવી દીધું. એણે ચાવી આપી. વેઈટર રૂમ બતાવવા આવ્યો અને રૂમ ખોલી બંને રૂમમાં આવ્યાં. વેઇટરને ટીપ આપી રવાના કર્યો.

નેહા બેડ ઉપર ફસડાઈ પડી. સાગર દૂર આરામ ખુરશી પર બેસી ગયો. થોડી વાર આંખો બંધ કરી લીધી. મૌન છવાયેલું હતું. કોને શું બોલવું કાઈ સમજ પડતી ન હતી. એક સમય હતો નેહાને ચૂપ કરાવવા, મોઢે હાથ દબાવવો પડતો હતો. હવે એવી ચૂપ થઈ છે કે મોઢામાં આંગળી નાંખવી પડશે!  સાગરના ચહેરા પર સ્મિત આવી ગયું. એણે કહ્યું,” નેહા,” નેહા એકદમ જાણે સપનામાં થી જાગી પડી. નેહાએ હુંકાર ભર્યો…” તને ભૂખ લાગી છે?” નેહાએ નોર્મલ થતાં કહ્યું, “હા કૈક ઓર્ડર કરી દઈએ બહાર જવાનો મુડ નથી. સાગરે ફોન ઊપાડીને ખાવાનું ઓર્ડર કર્યુ. એ બાથરૂમમાં ગયો. નેહા હજુ પોતાની લાગણીનું વિશ્લેષણ કરી રહી હતી.

ખાવાનું આવ્યું. બંનેએ થોડું થોડું ખાધું. પણ વાતચીત આગળ વધતી ન હતી. બંને થાક્યાં હતાં. સાંજ પડવા આવી હતી. સાગરે કહ્યુ,” ચાલ થોડી વાર બહાર જઈએ, દરિયા કિનારે કે મુવીમાં” નેહા કઈં બોલી નહીં.

બન્ને દરિયા કિનારે ગયા. થોડીવારના મૌન પછી નેહાએ પૂછ્યું, “સાગર, તેં મને કેમ છોડી દીધી?”

સાગર અચકાયો. “નેહા, એ બધી વાત હવે ભૂલી જા! તું તારા સંસારમાં સુખી છે, હું મારાં સંસારમાં.”

નેહા રડી પડી. “તેં કેમ માની લીધું હું સુખી છું? તું સુખી હોઈશ પણ મારા સુખ વિષે તને કેવી રીતે ખબર પડી?”

સાગરે કહ્યુ,” જેવી રીતે તું શણગારાયેલી રહે છે, હસતી રહે છે, માની લીધું કે તું સુખી છે.” નેહાની ઉદાસ આંખોમાં આંસુ તગતગી ગયું,” સાગર, આ સાગરનાં મૌન તને સંભળાય છે કે એનો ઘુઘવાટ જ નજર આવે છે? સાગરના મૌન સમજતા પણ શીખ સાગર! બધાં સ્મિતમાં સુખ નથી છુપાયેલું. એવા સ્મિત પણ હોય છે જેમાંથી વ્યથા છલકાતી હોય છે. એ વ્યથાને પણ જરા સમજ.” સાગર ચૂપ થઈ ગયો. એનાં હૈયામાં પણ ઉલ્કાપાત મચી ગયો…! બન્ને સૂરજ ઢળતા હોટેલમાં આવ્યાં. મૌનની દિવાલ ફરી ચણાઈ ગઈ.

પ્રકરણ-૪

રૂમમાં આવ્યાં પછી નેહાના દિલમાં હજારો સવાલ જવાબ હતાં. માણસ પોતાના પહેલાં પ્રેમને આસાનીથી ભૂલી જતાં હશે? અને, આ સાગર…. કેટલો ખામોશ, કેટલો શાંત લાગતો હતો?? શું એનાં દિલમાં ઘૂઘવતો સાગર છે? એનાં મૌનમાં ઘણી ફરિયાદો છે? લાગણીઓના મોજાં ઊછળે છે? કે પછી, સૂકાયેલા રણ છે હ્રદયમાં, જેમાં દુઃખોની ઊડતી ડમરીઓ સિવાય કાંઈ નથી, બસ, ઉદાસીથી છલકાતી ભેંકાર વેરાની છવાયેલી છે? આ અને આવા બધાં જ જવાબો વિનાના સવાલોમાં અટવાતી નેહાને, ચૂપચાપ બેઠેલા સાગરનું આ મૌન સમજાતું ન હતું.

બન્ને રૂમમાં આવ્યાં. નેહાનું દિલ ધડકી ગયું. વાતની શરૂઆત કેવી રીતે કરું? સાગર મને ખોટી રીતે નહીં સમજે ને? સાગર આરામ ખુરશી પર બેસી ગયો. નેહાએ એક ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરી લીધી. બેડ ઉપર ઉભડક બેઠી હતી. સાગર એકીટશે એને નીરખી રહ્યો હતો. મારો પહેલો પ્રેમ! કેટકેટલાં જતન કર્યા હતાં, આ પ્રેમને પરવાન ચઢાવવા માટે! અને, છતાંયે હાથ છૂટી ગયાં. કૉલેજમાં પણ બધાં કહેતા હતાં, “સાગર અને નેહાની જોડી અતૂટ છે. અને આ અતૂટ મનાતી જોડીને, ન જાણે કોની નજર લાગી ગઈ! બસ, એક નાનકડો અકસ્માત અને બધું વેર-વિખેર થઈ ગયું હતું.

સાગરને બરાબર યાદ છે જિંદગીનો એ દિવસ જ્યારે એની દુનિયા લૂંટાઈ ગઈ હતી. હા, એ દિવસે એ અને નેહા કેન્ટીનમાં બેઠાં બેઠાં કોફી પીતાં હતાં અને હંસી-મજાક ને જોક્સ ચાલી રહ્યા હતાં. સાગર પણ શરારતી આંખોથી નેહાનું દિલ લૂંટી રહ્યો હતો. અહીં નેહા તો આમેય સાગર ઉપર વારી વારી જતી હતી. એવામાં સામેથી સ્નેહલ આવ્યો. એ થોડો ગભરાયેલો લાગતો હતો. સાગરે પૂછ્યું,” કેમ સ્નેહલ, તું આટલો ગભરાયેલો કેમ લાગે છે?

સ્નેહલે કહ્યુ,” તારા પપ્પા..તારા પપ્પા..”સાગર ઝટકાથી ઊભો થઈ ગયો હતો અને, નેહાનો પકડેલો હાથ છૂટી ગયો એનું ધ્યાન પણ ના રહ્યું. સાગરે સ્નેહલને હમમચાવી નાંખ્યો.

“શું થયું મારાં પપ્પાને? શું થયું??”

સ્નેહલે અચકાતાં કહ્યુ…” એક ટ્રકે તારા પપ્પાના સ્કૂટરને ટક્કર મારી દીધી. તારા પપ્પાને બધાં ભેગા થઈ હોસ્પિટલ લઈ ગયા છે. તું જલ્દી ચાલ.” સ્નેહલ સાગરનો હાથ ખેંચી લઈ ગયો. એ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે પપ્પા છેલ્લાં શ્વાસ લઈ રહ્યા હતાં.

“પપ્પા..પપ્પા..!” સાગરની આંખમાથી અનરાધાર આંસુ વહી રહ્યા હતાં. પપ્પાએ શ્વાસ છોડતાં પહેલાં સાગર પાસે વચન લીધું કે એના બે નાનાં ભાઈ અને બહેનને બરાબર ભણાવશે અને એક પિતા જેટલો પ્રેમ અને સ્નેહ આપશે, મા નું ધ્યાન રાખશે. અને કૉલેજમાં જતો સાગર રાતોરાત એક અલ્લડ યુવાન મટીને એક પ્રોઢ માણસ બની ગયો.

નેહાએ જેવા આ સમાચાર સાંભળ્યાં એવી જ એ સાગરને ઘરે, સાગરને મળવા દોડી આવી અને સાગરને હિંમત રાખવા સધિયારો આપ્યો. પણ, સાગર તો એકદમ મૌન થઈ ગયો હતો. નેહાની સામે આંખ ઊઠાવીને જોતો પણ ના હતો. નેહાને ડર લાગી રહ્યો હતો. સાગરની મનોસ્થિતિ એ સમજી શકતી હતી પણ, એને સમજ જ નહોતી પડતી કે સાગરની આંખોમાં અચાનક આ અજનબીપણું ક્યાંથી આવ્યું? નેહાને તો જરા પણ અંદાજ નહોતો કે કોઈ ખબર ન હતી કે એની દુનિયા પણ લૂંટાવાની તૈયારીમાં હતી. સાગર એના પ્રેમને લૂંટાવી દેવાનો હતો. સાગરે કહ્યુ,” નેહા, આવતી કાલે તું મને એકલી મળી શકશે? તારી સાથે વાત કરવી છે.” અને, બીજે દિવસે, જ્યારે બન્ને છેલ્લી વાર મળ્યાં તો નેહાનાં દિલ ઉપર વીજળી પડી. સાગરે કૉલેજ છોડવાનો અને દુકાન પર બેસી જવાનો નિર્ણય લીધો હતો. પણ, તેમ છતાં નેહા પોતાનાં પ્રેમનો ભોગ આપવા તૈયાર ન હતી. પણ, સાગરે તો જ્યાં સુધી ભાઈઓ અને બહેન ભણી ના લે લગ્ન નહીં કરવાનો નિર્ણય લઈ લીધો હતો. હવે આગળ, વધુ વાતચીત કે સમજાવટનો કોઈ અવકાશ પછી બાકી રહે પણ કઈ રીતે, જ્યારે બધાં જ નિર્ણયો સાગરે એકલા જ લઈ લીધા હતા?

નેહા આંસુ સારતી રહી અને સાગરનો હાથ છોડતી નહોતી. પણ સાગર એકદમ મૌન હતો. એની નજર જાણે જમીનમાં ખોડાઈ ગઈ હતી. જાણે, જમીનને નજરથી ખોદી નાંખવા માંગતો હોય! અને, બસ, બન્ને છૂટા પડી ગયાં!

“સાગર,” નેહાનો અવાજ સાંભળી, સાગર એકદમ જાણે સપનામાંથી જાગી ગયો. એણે પોતાની ભીની આંખો લૂછી. “તને ખબર છે, મેં તને અહીં શા માટે બોલાવ્યો છે?” નેહાએ પૂછ્યું. સાગરે નકારમાં માથું હલાવ્યું.” આજ હું તને મારી વાત કહીશ. દસ વરસ પહેલાં જ્યારે તું, અચાનક જ મને છોડી ગયો હતો.”

અને, નેહા દસ વરસ પહેલાં ની દુનિયામાં ચાલી ગઈ. જ્યારે સાગર એનો હાથ છોડી દૂર દૂર ગયો હતો.

સાગરે એના પ્રેમને તરછોડી દીધો હતો. અને, હતાશ નેહા ઘરે આવી ગઈ. મમ્મી પપ્પા પણ સમજી શકતાં ન હતાં કે હસતી રમતી ચંચળ નેહાને થયું શું છે કે આમ ગુમસૂમ થઈ ગઈ છે! વારંવાર એકનો એક સવાલ કરવા છતાં, એમને કોઈ જવાબ મળતો ના હતો. આ બાજુ, પ્રણયમાં નિષ્ફળ નિવડેલી નેહાને તો બેચાર વાર આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો હતો પણ, મા બાપની પ્રેમ ભરી નજર અને એમને પોતા માટે સતત ચિંતા કરતાં જોઈ, નેહા પોતાની જાતને સંભાળી લેતી. “મારા મા બાપ સાથે એવો અન્યાય કરવાનો મને કોઇ હક નથી એમણે મને જન્મ આપ્યો, ઊછેરીને આટલી મોટી કરી અને અનહદ પ્રેમ આપ્યો, એમનાં દિલને દુઃખ શી રીતે પહોંચાડું? એ રડીને બેસી જતી. સાગરનો વિરહ ઊધઈની જેમ એના હ્રદયને ખોતરી રહ્યો હતો. જેમ તેમ કરીને કૉલેજનં છેલ્લું વરસ ખતમ કર્યુ.

નેહાનાં પપ્પા, શાંતિલાલ અને મમ્મી, પ્રભાબેનનું સમાજમાં ખૂબ માન-પાન હતું અને તેઓ પૈસેટકે પણ સુખી હતાં, એટલું જ નહીં, પણ, સ્વભાવે નિર્મળ અને શાંત.  નેહા પણ મોડલ જેવી દેખાવડી. નેહા માટે ઘણાં માંગા આવવા માંડ્યાં. અને, એક છોકરો, આકાશ પપ્પાને પસંદ પડી ગયો. આકાશ ખૂબ જ હોંશિયાર, બિઝનેસ મેન, દેખાવડો અને પાછો એના માબાપ નો એકનો એક દીકરો. એનો દિલ્હીમાં મારુતિની ડિલરશીપનો ધીકતો ધંધો હતો. નેહાને તો કોઈમાં રસ ના હતો. એણે નક્કી કર્યું હતું કે પપ્પા કહે ત્યાં પરણી જવાનું! નેહાએ હા તો પાડી દીધી ને ખૂબ ધામધૂમથી નેહાના લગ્ન આકાશ સાથે થઈ ગયાં, પણ, નેહા પોતાનું દિલ પાછળ, સાગરનાં આંગણમાં મૂકી દિલ્હી આવી હતી.

આકાશ વિચિત્ર સ્વભાવનો હતો એ નેહાને સુહાગરાતના ખબર પડી ગઈ જ્યારે આકાશે એને સુહાગરાતે મહેણું માર્યુ કે કેટલાં મિત્રોને લઈને ફરતી હતી. નેહાએ વિચિત્ર નજરથી આકાશ સામે જોયું. એ પોતાનો ભૂતકાળ પાછળ મૂકી નવેસરથી જીવન વિતાવવા માગતી હતી. સાગરની યાદને આજ પછી દિલમાંથી ફગાવી દેવા માગતી હતી…એ આગળ કઈં જ બોલી શકી નહીં.

આકાશે કહ્યુ,” નેહા, આજ આપણાં જીવનની શરૂઆત થઈ છે આપણે એક બીજા સાથે પ્રમાણિકતાથી આપણાં જીવનની વાત કરી લઈએ જેથી આગળ જતાં આપણી વચ્ચે કોઈ રહસ્ય ના રહે. ચાલ, મારી જ વાત પહેલાં કહું. મારી એક મિત્ર હતી પણ સંજોગવશાત્ અમારાં લગ્ન થઈ ના શક્યા…પણ અમારા સંબંધ પતિ-પત્ની જેવાં જ હતા. ચાલ હવે તારી વાત કહે.” આટલું કહી એ લુચ્ચું હસ્યો.

નેહા એ અચકાતા અચકાતા કહ્યું, “મારે એક મિત્ર હતો, હું એને ચાહતી હતી પણ, અમારી વચ્ચે શારિરીક સંબંધ ન હતાં.” આટલું કહેતાં કહેતાં એની છાતી ધમણની જેમ ફૂલી ગઈ હતી.

પણ, આકાશ ખડખડાટ હસી પડ્યો, એટલે એ પણ મલકાઈ. ત્યાં તો તરત જ આકાશ બોલ્યો,” જોયું, મારું એક જૂઠાણું તારા સત્યને કેવું બહાર લઈ આવ્યું? નેહા અવાચક થઈને આકાશને તાકી રહી. એ સાગર વિષે ઊલટ તપાસ કરવા લાગ્યો. ઉદાસીનતા નેહાને ઘેરી વળી. સુહાગરાતમાં આવી બધી વાતોની આશા કોઈ કુંવારિકા નથી રાખતી. હવે શું??? તીર કમાનમાંથી નીકળી ગયું હતું. હવે નેહા કાંઈ કરી શકે નહીં .આકાશ બોલ્યો,” મને ખબર હતી તારા જેવી ખૂબસૂરત છોકરીને ‘બોય ફ્રેન્ડ’ ના હોય તે તો હું માનવા તૈયાર જ ન હતો. હવે તારે મોઢે આ વાત સાંભળી તો હવે મજા આવશે.”

નેહા તો શૂન્યમનસ્ક થઈ આકાશની વાત સાંભળી રહી. આકાશે એનો હાથ હાથમાં લીધો અને કહ્યું,.” સાગરે આ હાથ પકડેલો?? નેહાના ઓષ્ઠને ચુંબન કરી કહ્યું,”આ હોઠોનું રસપાન સાગરે કેટલી વાર કર્યુ છે? નેહાની આંખોનાં આંસુ જાણે સૂકાઈ ગયાં.

એનાં મગજમાં જગજીતસીંહની એક ગઝલ એક શેર યાદ આવી ગયો..

વસ્લકી રાત ઔર ઈતની મુખ્તસર?

દિન ગીને જાતે થે ઈસ દિનકે લિયે!

5 thoughts on “ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા )

 1. આ સાગર, આકાશ, નેહા જુદા જુદા નામે અમારી જીંદગીમા આવ્યા-
  સાગર નામે અમર કાવ્ય યાદ આવે
  કામિની કોકિલા કેલિ કૂજન કરે,
  સાગરે ભાસતી ભવ્ય ભરતી.
  પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
  તરલ તરણી સમી સરલ તરતી!
  પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી! સાગરકાંઠાની નિસ્તબ્ધતા…. નિશ્ચલતામાંથી નિરાકાર – આવી કશીક ભાત આમાંથી ઊપસી આવતી લાગે છે ત્યારે આ-‘ સાગર ચૂપ થઈ ગયો. એનાં હૈયામાં પણ ઉલ્કાપાત મચી ગયો…!
  નેહા નીકળી પડી, “પિયા મિલનકો જાના.”અને પંકજના સ્વરમા ગીત ગુંજન …
  બુઝે દિયે અંધેરી રાત, આઁખો પર દોનો હાથ
  કૈસે કાટે કઠિન બાત -ચલકે આજમાના,
  પિયા મિલનકો જાના.
  પહેલાં પ્રેમની વાતે પરામર્શ કરતા તે સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમની વાત છે જે સંબંધોમાં કાં તો સેક્સ ઑલરેડી છે કાં પછી સેક્સ ઊંબરે આવીને ઊભા રહીને આમંત્રણની રાહ જુએ છે અથવા તો પછી સબકૉન્શિયસમાં એના ભણકારા વાગી રહ્યા છે.સમજાવતા તમે જેને પ્રેમ કરો છો તેને કારણે તમારી જિંદગીના બધા જ પ્રોબ્લેમ્સ એક ઝાટકે સોલ્વ થઈ જશે એવું માનવાનું નહીં. પ્રથમ વાર પ્રેમમાં પડવાનો જે રોમાંચ હોય છે તે રોમાંચ વખત જતાં ઓસરી જવાનો છે એની તૈયારી રાખવાની. ત્યારે તમને એને છોડીને બીજી કોઈ નવી વ્યક્તિના પ્રેમમાં પડવાનું મન થશે. આ ચક્ર ચાલુ જ રહેવાનું, વખત જતાં આવી વ્યક્તિઓ પોતાની લાઈફ વેરવિખેર કરી નાખે છે. પ્રેમમાં પડતાં પહેલાં જ વિચાર લેવું, સ્વીકારી લેવું કે રોમાંચની લાગણી ધીમે ધીમે ઓસરી જવાની છે.
  વસ્લકી રાત અને મોમિન ની સદાબહાર ગઝલ
  વો બિગડના વસ્લકી રાત કા, વો ન માનના કિસી બાત કા,
  વો નહીં નહીં કી હર આન અદા, તુમ્હેં યાદ હો કિ ન યાદ હો.
  જિસે આપ ગિનતે થે આશના, જિસે આપ કહતે થે બાવફા,
  મેં વહી હું ‘મોમિન’-એ-મુબ્તલા તુમ્હેં યાદ હો કે ન યાદ હો. –
  અને નેહા ના વિચારે
  ઇબ્‍તદા એ ઇશ્‍ક હૈ રોતા હૈ ક્યા ?
  આગે આગે દેખીએ હૉતા હૈ ક્યા ?

  Liked by 1 person

 2. પ્રજ્ઞાજુ બેન તમારી કોમેન્ટ માટે ખૂબ ખૂબ આભાર। આપનો રસ જળવાઈ રહે એવી આશા છે પ્રથમ વાર પ્રેમમાં પડવાનો જે રોમાંચ હોય છે તે રોમાંચ વખત જતાં ઓસરી જવાનો છે એની તૈયારી રાખવાની. ત્યારે તમને એને છોડીને બીજી કોઈ નવી વ્યક્તિના પ્રેમમાં પડવાનું મન થશે. આ ચક્ર ચાલુ જ રહેવાનું, વખત જતાં આવી વ્યક્તિઓ પોતાની લાઈફ વેરવિખેર કરી નાખે છે. પ્રેમમાં પડતાં પહેલાં જ વિચાર લેવું, સ્વીકારી લેવું કે રોમાંચની લાગણી ધીમે ધીમે ઓસરી જવાની છે. સાવ સાચી વાત છે પણ આગળ જતા વાર્તા નવો વળાંક છે. પ્રેમ કરતા પણ જીવવું શી રીતે એ પ્રશ્ન ઊભો થાય છે. કાશ એ પ્રથા પ્રેમ કાયમ રહેતો હોત। ઓસરી ના જતો હોત।

  Like

 3. sapana bahen,
  very emotional story- with your every word to express deep emotions in every Click. and also now Akash “વિચિત્ર સ્વભાવનો”
  and you expressed it perfectly well.thx its catching our interest and all character becomes part of our imagination now.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s