મને હજી યાદ છે-૩૮ (બાબુ સુથાર)-મારા સર્જનના પ્રયોગો:૧


મારા સર્જનના પ્રયોગો:૧

આ બધી વાતોની સમાન્તરે મેં મારાં સર્જનોની ખાસ વાત કરી નથી. મારા ઘરમાં સાહિત્યનું કોઈ વાતાવરણ ન હતું. હા, બા વાર્તાઓ કહેતાં. રોજની બે. એટલું જ નહીં, એ લગભગ રોજેરોજ દળણું દળતાં અને એ વખતે ગીતો ગાતાં. પણ ત્યારે મોટે ભાગે તો હું ખાટલામાં પડ્યો પડ્યો ઉંઘતો હોઉં. એટલે એ ગીતો મેં બહુ ઓછાં સાંભળેલાં. વરસમાં એક વાર અમારા બારોટ આવતા. અમારા ઘેર રહેતા. ખાતાપીતા ને રાતે વાર્તા માંડતા. પણ એ વાર્તાઓમાં મને ભાગ્યે જ રસ પડતો. ભવાઈયા આવતા. અમદાવાદથી અને કોયડમથી. અમદાવાદના ભવાઈયાઓની ભવાઈ ‘શુદ્ધ’ ગણાતી. ખુલ્લામાં ભજવાતી. ન સ્ટેજ, ન પરદા. વણકરવાસમાં તૂરી આવતા. બાકાકા અમને તૂરી જોવા ન’તાં જવા દેતાં. એ કહેતાં કે તૂરીઓ ગાળો બહુ બોલે. નથી જવાનું. તો પણ અમે ચોરીછૂપીથી વણકરવાસમાં તૂરીઓના ખેલ જોવા જતાં. ગામમાં ત્યારે મદારી આવતા. ક્યારેક ફળિયે ફળિયે ખેલ કરતા ક્યારેક ગામની વચોવચ. મને મદારીઓના ખેલ જોવામાં બહુ રસ પડતો. એટલે સુધી કે મને ઘણી વાર મદારી થવાનું મન થઈ આવતું. એના જ એક ભાગ રૂપે હું નાનપણામાં જ ધૂળમાંથી કંકુ બનાવવાનો ખેલ શીખેલો. મોટ પણે પણ મારો એ શોખ ગયો ન હતો. ‘સંદેશ’માં કામ કરતો હતો ત્યારે મને કે. લાલ.નો ઇન્ટરવ્યુ લેવા મોકલેલો. એ ઇન્ટરવ્યુ પછી ક્યારેક છપાયો ન હતો. ‘સંદેશ’ને એ ઇન્ટરવ્યુ વધારે પડતો ‘એકેડેમિક’ લાગેલો. પણ એ ઇન્ટરવ્યુ વખતે કે. લાલે મને ખુશ થઈને એક રૂપિયાની નોટ બાળી મૂકીને પાછી લઈ આવવાની યુક્તિ શીખવાડેલી. એ વખતે ગામમાં નટ પણ આવતા અને મલ્લ પણ. નટડીઓને દોર પર ચાલતાં જોઈને હું પણ મારા ઘરમાં, જ્યારે કોઈ હોય નહીં ત્યારે બે થાંભલા વચ્ચે દોરડું બાંધી એના પર ચાલવાનો પ્રયાસ કરતો. એકાદવાર ચારેક ફૂટ ચાલ્યો પણ હોઈશ. બેચાર વાર પડ્યો પણ છું. વાગ્યું પણ છે પણ માબાપને કહ્યું નથી. મલ્લ ગળામાં લાકડાનો એક નાનકડો લંબચોરસ ટુકડો પહેરતા અને પછી હવામાં લાકડાનો દડો નાખી હે હે હે કરતા દોડતા અને એ દડાને પેલા લાકડાના પાટિયા પર ઝીલતા. ક્યારેક એ લોકો એ લાકડાનું પાટીયું પીઠ પર પણ લટકાવતા અને પેલા લાકડાના દડાને હવામાં છેક ઊંચે સુધી ઉછાળી પાછા પેલા પાટિયા પર ઝીલતા. હું પણ એમની નકલ કરતો. પણ લાકડાના દડાને બદલે હું કપડાંનો દડો વાપરતો. ભવાઈયા ચાલ્યા જતા પછી ગામના ઝાંપે મારી ભવાઈ શરૂ થતી. હું પણ વિદૂષક બનતો. ઘણી વાર તો છાપાનાં પાનાંમાંથી ટોપો બનાવતો. ગામનાં ઘણાં બધાં છોકરાં મારી ભવાઈ જોવા આવતાં. આવી નકલ કરવાની, જેને આપણે આધુનિકતા પરિભાષામાં mimetic ability તરીકે ઓળખાવીએ છીએ એનો હું નાનપણમાં આ રીતે ભરપૂર ઉપયોગ કરતો. પ્રાથમિક શાળામાં હતો ત્યારે ત્રણેક એકાંકીમાં ભાગ લીધેલો. એક તે ‘રસ્તા વચ્ચે પથ્થર’. હું એમાં રાજા બનતો ને રસ્તે જતા આવતા માણસોને એ પથ્થરની ઠેસ વાગે છે પણ કોઈ એ પથ્થર ખસેડતું નથી એ જોઈને દુ:ખી થતો. એ જ રીતે ‘વિલિયમ ટેલ’ એકાંકીમાં પણ હું પેલા ટોપાવાળો અધિકારી બનેલો. મેં વિલિયમ ટેલને કહેલું કે તારા દીકરાના માથા પર સફરજન મૂકીને એને વીંધ. ત્યારે સફરજન શું હશે એની અમને ખબર ન હતી. એટલે એની જગ્યાએ કેરી કે સિતાફળ, જે ફળ મળે તે મૂકતાં. એવું જ એક ત્રીજું એકાંકી પણ હતું. ‘થાંભલે પકડ્યા બાવાજી.’ એમાં હું બાવો બનેલો. મેં થાંભલાને બાઝીને કહેલું કે મને થાંભલેથી છોડાવો! ત્યારે ગામમાં નાનાં નાનાં સરકસ પણ આવતાં. એ કોઈકના ખેતરમાં પડાવ નાખતાં. છોકરીઓ અંગકસરતના દાવ કરતી, વિદૂષકો હસાવતા. કેટલાક ખેલાડીઓ સાઈકલનાં પૈડાં સળલાવી આંગળી પર ગોળ ગોળ ફેરવતા પછી ઊંચે ઉલાળી પાછા પોતાની આંગળી પર પાછું ઝીલી લેતા. હું પણ એ શીખી ગયેલો. પહેલાં હું આંગલી પર થાળી ફેરવતાં શીખેલો. પછી થાળું. પછી સાઈકલનું પૈડું. એક વાર મેં પૈડા પર કાકડા બાંધીને પૈડું ગોળ ગોળ ફેરવીને ઊંચે ઉલાળેલું. હું માંડ માંડ બચી ગયેલો. સરકસમાં કેટલાક લોકો મોંઢામાંથી કેરોસિન ફૂંકી ભડકા કરતા. મેં પણ બેત્રણ વાર એવો પ્રયત્ન કરલો. એકાદ વાર તો કેરોસિન ગળી પણ ગયેલો. પણ એ બધાની કોને પડી હતી.

નાનપણમાં મને સાહિત્યનો કોઈ જ શોખ ન હતો. એક વાર અમારા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે મને પરિચય પુસ્તિકાઓ વાંચવા આપેલી. થોડીક સમજાયેલી. બાકી બધી વાંચવા ખાતર વાંચી નાખેલી. ક્યારેક એક બે ‘ચક્રમ’ વાંચ્યાં હશે. યાદ નથી. બાકી વાંચવું કેવું ને બાંચવું કેવું. પરિક્ષા પહેલાં પાઠ્યપુસ્તકો વાંચતા. બસ. એથી જ તો જ્યારે ઉમાશંકર જોશી જેવાની કવિતા ‘ભોમિયા વિના’ જેવી કવિતા વાંચતા ત્યારે અમને થતું, “આ તો કાંઈ કવિતા છે. અમે સવારથી સાંજ રોજે રોજ કંદરાઓ અને કોતરોમાં રખડીએ છીએ, એક ડુંગરેથી બીજે ડુંગરે જઈએ છીએ. અમને કોઈ દિ ભોમિયાની જરૂર પડતી નથી.” અમને થતું, “કવિને જે મન થાય છે એ જગતમાં તો અમે જીવીએ જ છીએ.” અમે કવિતાઓની મશ્કરી કરતા. “ઓ ઇશ્વર ભજીએ તને”ને બદલે “ઓ ઇશ્વર ભજીયાં તરીએ” કહેતા. નિશાળમાં પ્રાર્થના વખતે “મંગળ મંદિર ખોલો” કવિતા અઠવાડિયામાં એક વાર ગાવાની આવતી. અમે જાણી જોઈને ‘મંદિર’ અને ‘ખોલો’ની વચ્ચે અવકાશ રાખતા અને ‘ખોલો’નો અર્થ ‘ગધેડો’ થાય એ રીતે એ શબ્દનો ઉચ્ચાર કરતા.

છેક એસ. એસ. સી. થઈને ટેલિફોન ઓપરેટર થયો ત્યાં સુધી મને સાહિત્યનો કોઈ શોખ ન હતો. મને ત્યારે કવિઓ ઋષિઓ જેવા લાગતા. મને થતું કે એ લોકો જંગલમાં વસતા હશે ને ત્યાં ફળફળાદી ખાઈને નવરા પડે ત્યારે કવિતાઓ લખતા હશે. જ્યારે અમારા શિક્ષકે અમને એમ કહ્યું કે નરસિંહ મહેતાને ભાભીએ મહેંણું માર્યું એટલે મહેતા જંગલમાં ગયા અને ત્યાં જઈને એમણે તપ કર્યું ત્યારે મને થતું, “આવી નાની વાતમાં નરસિંહ ઘર છોડીને જતો રહ્યો હશે?” કેમ કે, અમે તો રોજ મહેંણાં સાંભળતા. ક્યારે ભાભીનાં, ક્યારેક ભાઈનાં, ક્યારેક આડોશનાં, ક્યારેક પાડોશનાં. ક્યારેક આ સગાનાં તો ક્યારેક પેલા સગાનાં. ત્યારે ક્યારેક તો એવું લાગતું કે આખો સંસાર જ આવાં મહેંણાંટોંણાં પર ચાલ્યા કરે છે. જો કે, એકાદવાર મને જંગલમાં જઈને કોઈક અપૂજ શિવલિંગ પૂજવાની ઇચ્છા થઈ આવેલી ખરી. પણ, ત્યાં બીક લાગે તો હું શું કરીશ એવા ભયના માર્યા મેં એ વિચાર અમલમાં મૂક્યો ન હતો.

ટેલિફોન ઓપરેટર તરીકે ગોધરા આવ્યો પછી ત્યાં વિનોદ ગાંધીને મળ્યો. એ પણ મારી સાથે ટેલિફોન ઓપરેટર હતો. એ કવિતા લખતો હતો. એને જોઈને મને પણ થયું કે લાવ હું પણ કવિતા લખું. હું પ્રેમ કવિતા ન’તો લખતો. કેમ કે મને એમ હતું કે પ્રેમ કવિતા લખવા માટે વધારે નહીં તો મારે એકાદ પ્રેયસી તો જોઈએ જ. અને મારે કોઈ પ્રેયસી હતી નહીં. અને કોઈને ‘હું તને પ્રેમ કરું છું’ એમ કહેવાની મારામાં હિંમત પણ હતી નહીં. મેં અગાઉ કોઈક પ્રકરણમાં લખ્યું છે એમ મને સતત fear of rejection રહ્યા કરતો હતો અને હજી પણ એવો ભય રહ્યા કરે છે. પછી વિનોદે રાવજી પટેલ, મણિલાલ દેસાઈ વગેરે વાંચવાની ભલામણ કરી. એ બધા કવિઓ મેં વાંચ્યા. એમનું અનુકરણ કરી કવિતાઓ લખી. એમાંની કેટલીક કવિતા, કવિલોક, કંકાવટીમાં છપાઈ. પણ, મને એમ લાગતું હતું કે હું ખરેખર કંઈક સર્જન કરી રહ્યો છું. મને કવિતા કે સાહિત્ય માત્ર નવરા માણસોની પ્રવૃત્તિ લાગતું હતું. એટલે હું નવચો પડતો ત્યાંરે એક સામટી દસ પંદર કવિતાઓ લખી નાખતો. હકીકતમાં તો એ કવિતાઓ હતી જ નહીં. પણ હું એમ માનતો હતો કે એ સાચે કવિતાઓ છે.

પછી મેં આગળ એક પ્રકરણમાં લખ્યું છે એમ હું સાહિત્યના અભ્યાસ તરફ વળ્યો. પહેલાં ગોધરામાં ભણ્યો. પછી વડોદરામાં. વડોદરા ગયો ત્યારે મેં જે કંઈ લખ્યું હતું એ સગળું સાહિત્ય બાળી મૂકેલું. કેમ કે એ સાચા અર્થમાં સાહિત્ય હતું જ નહીં.

વડોદરામાં સુરેશ જોષીના સંપર્કમાં આવ્યો અને સુરેશ જોષીના કારણે બીજા અનેક સાહિત્યકારોના સંપર્કમાં આવ્યો. એમાં ભરત નાયક અને ગીતા નાયક પણ હતાં. હું એમના ઘેર પણ જતોઆવતો થયો. એક વાર હું એમના ત્યાં ગયો ત્યારે એ દંપતિએ મને એમના ઘરમાં પૂરી દીધોને કહ્યું: “અમે સાંજે આવીએ ત્યાં સુધીમાં અમારે તારી પાસેથી એક વાર્તા જોઈએ છે.” હું મુંઝાઈ ગયો. પણ, કરું શું? મારા હસ્તાક્ષર ત્યારે ખૂબ ગંદા હતા. હું ત્યારે મજાકમાં કહેતો કે ગાંધીજી અને મારી વચ્ચે એક સામ્ય છે: અમારા બન્નેના હસ્તાક્ષર ખરાબ છે. એને કારણે હું કશુંક લખતો અને પછી જો એ વાક્ય બરાબર ન હોય તો આખેઆખો કાગળ ફેંકી દેતો. નાયક દંપતિ આવ્યાં ત્યાં સુધીમાં મેં પચાસેક કાગળ બગાડ્યા હશે. પણ, એમના આવતાં સુધીમાં મેં એક વાર્તા લખી નાખેલી. આમ તો એ વાર્તા ન હતી. પુન:કથન હતું. મેં  એક મધ્યકાલીન ‘માધવાનલ કામકંદલા’ કથાનું પુન:કથન કરેલું અને એમ કરતી વખતે એમાંની ઘણી બધી ઘટનાઓને બદલી નાખેલી. કેટલીક નવી પણ ઉમેરેલી. નાયક દંપતિએ એ વાર્તા વાંચીને ‘સમકાલીન’ને સમાચારપત્રને મોકલી આપી. ત્યારે હસમુખ ગાંધી ‘સમકાલીન’ના તંત્રી હતા. અને ‘સમકાલીને’ એ વાર્તા છાપી. આખું પાનું ભરીને! એ દિવસો દરમિયાન ભરત નાયકે કથાનું ખાસ સામયિક ‘ગદ્યપર્વ’ કાઢેલું. એક વાર હું એમના ત્યાં ગયો ત્યારે એમણે મને ફરી એક વાર એમના ઘરમાં પૂરી દીધેલોને મને કહેલું: સાંજ સુધીમાં મૌલિક વાર્તા જોઈએ. અને મેં મારા દૂરના એક સગાના આધારે ‘ધૂળિયો’ વાર્તા લખી. એમાં મેં જાણી જોઈને પાત્રચિત્રની શૈલી અપનાવેલી. એટલું જ નહીં, એમાં મેં ભૂતપ્રેતના જગત અને સજાતિય કામને પણ વર્ણ્યવિષય બનાવેલો. પછીથી કરમશી પીરે એ વાર્તાનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો જે Indian Literatureમાં પ્રગટ થયેલો. આ રીતે મેં વાર્તાલેખન શરૂ કરેલું.

‘ગદ્યપર્વ’ શરૂ થયું પછી ભરત નાયક/ગીતા નાયક અવારનવાર મારી પાસે સર્જનાત્મક લખાણ માગતાં હતાં. આખરે મેં કંઈક લખવાનું શરૂ કર્યું. જો મારી યાદશક્તિ મને દગો ન દેતી હોય તો મેં ૧૯૯૦માં ‘કાચંડો અને દર્પણ’ કૃતિ લખેલી. મેં એમાં નવલકથાને લગતા લગભગ તમામ પરંપરાગત નિયમોનો ભંગ કરેલો. એમાં શબ્દ પણ હતા ને ચિત્રો પણ હતાં. એમાં કથન પણ હતાં ને વર્ણન પણ હતાં. એમાં મારાં લખાણ પણ હતાં ને બીજાનાં અવતરણ પણ હતાં. એનું કથાવસ્તુ સ્મૃતિ સાથે સંકળાયેલું હતું. એમાં. સંવાદો પણ AB, AB ને બદલે  AAAA અને BBBB એમ હતા. AAAA એક પાના પર તો BBBB બીજા પાના પર. એ વખતે ‘વસંતવિલાસ’, આપણી મધ્યકાલીન કૃતિ, મારા મનમાં હતી. એમાં સુરેશ જોષીએ રૂપરચનાવાદના જેટલા સિદ્ધાન્તો આપેલા એ બધાની સામે ગણી ગણીને ‘બદલો’ લીધેલો. તો પણ લોકો એ એ કૃતિને રૂપરચનાવાદ સાથે જોડેલી. એ નવલકથા ક્યારેય પૂરી ન થતી હોય એવો એનો અન્ત હતો. એમાં erotic moments પણ ઘણી બધી હતી. ક્યાંક ક્યાંક કહેવત બની જાય એવાં વિધાનો પણ હતાં. જેમ કે, “Body is an autobiography of pain.” કેટલાંક અંગ્રેજીમાં હતાં, કેટલાકં ગુજરાતીમાં. કેટલુંક લખાણ ઊભું, કેટલુંક આડું. કેટલુંક ઊભું અને આડું. બન્ને. કેટલાંક અંગ્રેજી અવતરણો, કેટલાંક સંસ્કૃત. કેટલાંક ગુજરાતી. કેટલાંક ઉપયોગી, કેટલાંક બિનઉપયોગી.

આ નવલકથા લખતી વખતે મેં નહીં નહીં તો સાતસો કાગળ બગાડ્યા હશે. નવલકથા તો સાઈઠ કે સિત્તેર પાનાની. પણ મને પેલી હસ્તાક્ષરની સમસ્યા નડેલી. નવલકથા લખ્યા પછી મેં ભરત નાયકને મોકલી. નાયક ત્યારે દેશીવાદને વરેલા. આવી તદ્દન અનુઆધુનિક કૃતિને પ્રગટ કરવાનું એમને જરા અઘરું લાગ્યું હશે. પણ સાથોસાથ એ સાહસિક પણ હતા. એટલે એમણે એ કૃતિ કરમશી પીરને આપીને કહ્યું, “દાદા, જરા જુઓને. આ કામ મૌલિક લાગે છે કે બાબુએ કોઈક યુરોપિયનની નકલ કરી છે. કરમશીભાઈ ત્યારે યુરોપિયન સાહિત્યના સંપર્કમાં રહેતા હતા. એમણે એ કૃતિ વાંચીને ભરત નાયકને કહ્યું, “તદ્દન મૌલિક કૃતિ છે. આવું ક્યાંક કામ થયું નથી. પ્રગટ કર.” અને નાયકે, નલિની મલાનીનાં ચિત્રો સાથે ‘ગદ્યપર્વ’નો એક વિશેષાંક પ્રગટ કર્યો. ‘કાચંડો અને દર્પણ’ વિશેષાંક.

અને એ સાથે હાહાકાર મચી ગયો. કેટલાક ગ્રાહકોએ ‘ગદ્યપર્વ’ની એ નકલ ભરત નાયકને પાછી મોકલી આપી. કહ્યું: આવું અશ્લિલ સાહિત્ય અમારા કુટુંબમાં ન શોભે. કૉલેજ લાયબ્રેરીઓએ ‘ગદ્યપર્વ’ની આ નકલ ‘લૉક એન્ડ કી’માં મૂકી દીધી. આવી કૃતિ છોકરાંને બગાડશે એવા ભયથી. એટલું જ નહીં, ‘ગદ્યપર્વ’ના સલાહકાર બોર્ડમાંથી હરિવલ્લભ ભાયાણી અને જો મારી ભૂલ ન થતી હોય તો ગણેશ દેવી અને પ્રબોધ પરીખે પણ રાજીનામું આપી દીધું. ભરત નાયક અમદાવાની એક કૉલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપકનો ઇન્ટરવ્યુ આપવા ગયા તો એમને મારી ‘કાચંડો અને દર્પણ’ નવલકથાના કારણે નોકરી ન આપી. કેટલાક લોકો રેખાને પણ પૂછવા લાગ્યા, “તમારા પતિ આવું લખે છે તો તમને સંકોચ નથી થતો?” કોઈકે કહ્યું, અદાલતમાં જાઓ. આ તો અશ્લિલ સાહિત્ય છે.” પણ, ભરત નાયક અને ગીતા નાયક  આ બધી વાતો મારા સુધી ન’તાં આવવા દેતાં. મારા ચિત્રકાર મિત્ર અતુલ ડોડિયાએ પણ મને કહેલું કે “આ તો કાંઈ સર્જનાત્મક લખાણ કહેવાય.” પણ ભગવાનની દયા કે અતુલ ડોડિયાને એક વરસ માટે ફ્રાન્સ જવાનું આવ્યું. એક દિવસે એણે મને પૅરિસથી ફોન કર્યો, “બાબુભાઈ, હવે મને તમારી ‘કાચંડો અને દર્પણ’ સમજાય છે. એ પણ માર્શલ દુશેમ્પનાં ઇન્ટરવ્યુ વાંચ્યા પછી.” હું અતુલના આ, વિધાનથી ભાવવિભોર બની ગયેલો. મને થયેલું કે મેં જો અતુલને માર્શલ દુશેમ્પ વાંચતી વખતે ‘કાચંડો અને દર્પણ’ કૃતિ યાદ આવી હોય તો મેં સાચે જ એમાં ક્યાંક મોર ટાંક્યા છે.

‘કાચંડો અને દર્પણ’ની કેટલીક સમીક્ષાઓ થઈ. કોઈકે કહ્યું, “આ તો ઉઠાંતરી છે. જુઓ દેરિદાના એક પુસ્તકમાં ઊભાં લખાણ છે.” પણ મેં દેરિદાનું એ પુસ્તક જોયું  ન હતું. પાછળથી જોયું ત્યારે ખબર પડી કે એમાં એમનાં લખાણો horizontalને બદલે vertical હતાં. અર્થાત્, એ લખાણો બે કોઠામાં હતાં. ‘કાચંડો અને દર્પણ’માં કેટલાંક પાનાં પર જ એ રીતે લખાણો હતાં. તો વળી કોઈકે મારા અતિશય વખાણ કરીને મને જર્મન ફિલસૂફ એડોરનો સાથે સરખાવેલો. પણ, એ સરખા઼મણી પણ ખોટી હતી. ક્યાં એડોરનો ને ક્યાં હું! તુલનાની કોઈ ભૂમિકા જ નથી. તો વળી મોટા ભાગનાં સામયિકોએ આ નવલકથા તો એક સામયિકના વિશેષાંક રૂપે પ્રગટ થઈ છે, પુસ્તક રૂપે નહીં. એટલી એની સમીક્ષા ન કરાય એમ કહીને સમીક્ષા કરવાની ના પાડી દીધેલી. રાધેશ્યામ શર્માએ એક દૃશ્યમાં બ્રાહ્મણ છોકરીની વાત આવે છે એનો ઉલ્લેખ કરીને બીજા દૃશ્યમાં આવતી છોકરી સુથાર હશે એમ કહીને નવલકથાની મશ્કરી કરેલી. શિરીષ પંચાલ વગેરે ઈટાલો કાલ્વિનો, ઉમ્બેરો ઇકો વગેરેના આધારે અનુઆધુનિકતાની વાત કરતા હતા. પણ એ ‘કાચંડો અને દર્પણ’માં રહેલો અનુઆધુનિકતાવાદ ન’તા જોઈ શક્યા. છેલ્લે, ચંદ્રકાન્ત ટોપીવાળાએ અનુઆધુનિકતાવાદ પર પુસ્તક લખ્યું ત્યારે એમાં આ કૃતિની વાત એક પાનું ભરીને કરેલી. મને એમ હતું કે આ બધા મહાનુભાવો મારા આ સાહસને વધાવશે. પણ એવું ન થયું.

મને હજી પણ થાય છે કે હું જો ગામડામાંથી ન આવ્યો હોત અને જો હું મારી બોલીમાં વાત ન કરતો હોત તો કદાચ પરિસ્થિતિ જુદી હોત. હવે લોકો આ કૃતિનું નામ લે છે ખરા પણ હજી પણ એ લોકો હું ગામડામાં જન્મેલો એ વાત ભૂલી શકતા નથી. હજી પણ એ લોકો કહેતા હોય છે: જુઓ, ગામડામાં જન્મેલો તો ય એણે કેવી અનુઆધુનિક કૃતિ લખી છે!

‘કાચંડો અને દર્પણ’ પ્રગટ થયા પછી ફરી એક વાર પાછો હું શાન્ત થઈ ગયેલો.

3 thoughts on “મને હજી યાદ છે-૩૮ (બાબુ સુથાર)-મારા સર્જનના પ્રયોગો:૧

 1. babu bhai,
  your child hood was full of talents and to follow / copy /mimicry people..and as you listed many many deshi people coming in village and doing many tricks and acrobatics- which now a days disappeared completely – it was great revelation and also learnt jadu of burning one rupee note etc..and then slowly as telephone operator you were first inducted to write poetry from vinod gandhi and journey starts further and further to suresh joshi — bharat naik- geeta naik – karmashi peer and all other literary giants…. and last :” ‘કાચંડો અને દર્પણ’માં રહેલો અનુઆધુનિકતાવાદ” is a big story made bharat naik and many other to face tunes– and at lat its accepted and what you have created – similar was written by western giants too…
  great Sarjan Yatra. but i will say its your childhood attitude to learn new things and absorb with passion. like it all.

  Liked by 1 person

 2. દળણું દળતાં અને એ વખતે ગીતો…યાદ આવે કહેવત ,
  ‘ઘોડે ચડેલો બાપ મરજો પણ ઘંટી દળતી મા ન મરજો’. અને ગીત
  ‘ઘંમરે ઘંટી ઘંમ ઘંમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય, જાડું દળું તો કોઇ નવ ખાય’ અને
  ‘મારા શ્રીનાથજીની સોનાની ઘંટી, એમાં દળાય નહીં, બાજરોને બંટી,
  કેસર દળું તો, સામગ્રી થાય, એલચી દળું તો મારો વા’લો ખાય’,
  લાગણી અભિવ્યક્તિ અર્થ સંસ્કૃત શબ્દ “ભવ” થી ભવાઇ.. શરૂઆત આપના ગુરુ આ,સુજોના કુળમાં જન્‍મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી! અને પપ-ની’માનવીની ભવાઈ’. કાળુ-રાજુના પ્રણયની આસપાસ ગૂંથાયેલી હોવા છતાં ગ્રામજીવનનાં માનવીઓનાં સુખદુઃખ, તેમના વેરઝેર, રાગદ્વેષ, કજિયાકંકાસ ને કુટિલ નીતિરીતિ; તેમનાં ભોળપણ, ઉલ્લાસ, …
  અમેરીકામાં ’ઇ ન્ટરનેશનલ બ્યુરો ઓફ મેજીશીયન્સ’ તરફથી દુનિયાના સૌથી મહાન અને ઝડપી જાદુગર તરીકેનો એવોર્ડ મેળવનાર કે લાલ પાસેથી શીખેલી રૂપિયાની નોટ બાળી મૂકીને પાછી લઈ આવવાની યુક્તિ ની યુ ટ્યુબ બનાવી અમને પણ બતાવશો
  mimetic મા કોની યુ ટ્યુબ પર બતાવશો?
  કંદરાઓ અને કોતરોમાં રખડીએ …યાદ અપાવે As you like it-“And this our life, exempt from public haunt, finds tongues in trees, books in the running brooks, sermons in stones, and good in everything. I would not change it.”
  કવિતા નવરા માણસોની પ્રવૃત્તિ અમારા પડોશી કહેતા કવિતાને ઓઢે કે પાથરે? પણ નવરો મરાઠી ભાષાને યાદ કરીને બોલતા નહીં.અહીં હસ્તાક્ષર ખરાબની વાતે બધા કહે આ કોમ્પ્યુટર યુગમા વાંધો નહીં અને સાહીત્યના જન્મની વિગતે ધન્ય થયા! ‘કાચંડો અને દર્પણ’ધારાવાહીક પ્રગટ કરો તો ?

  Like

 3. ખૂબ ખૂબ આભાર. હું મારાં લખાણની પ્રસંશાને આવકારતાં અચકાતો હોઉં છું. એટલે કોઈ મિત્રો/વડીલોને મેં જવાબ ન આપ્યો હોય તો ખોટું ન લગાડતા. તમે આટલું બધું ઝિણવટથી વાંચો છો એ જોઈને ખૂબ આનંદ થાય છે. કે.લાલે કહેલું: કોઈ માણસ ધરતીથી એક ફૂટ ઊંચે ચાલતો હોય તો પણ એમાં કરામત જ હોય. એમાં જાદુ ન હોય. એમાં દૈવીશક્તિ પણ ન હોય. ક્યારેક રૂપિયાની નોટ બાળી મૂકવાની ટ્રીક વિશે લખીશ. પોતાનો એક રૂપિયો ખોવાની તૈયારી રાખવાની.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s