જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા (જિગીષા દીલિપ પટેલ)


(જિગીષાબહેન મૂળ અમદાવાદના વતની છે. છેલ્લા દસ વરસથી કેલિફોર્નિયાના Bay Area માં રહે છે. ફેશન, ફુડ અને ફીલ્મ એમના શોખના વિષય છે. બે દાયકાથી પણ વધારે સમય માટે અમદાવાદમાં ફેશન બુટિક ચલાવેલું. નાનપણથી જ સાહિત્યકારો, ધર્મગુરૂઓ અને સમાજસુધારકો સાથે સંપર્કમાં રહ્યા હોવાથી, એમને સાહિત્ય, ધર્મ અને સામાજીક પ્રવૃતિઓમાં રસ છે. આંગણાં માટે એમણે આ વાર્તા મોકલી છે.)

જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા

મનુભાઈ તેમના ચાર બાળકોના પરિવાર સાથે અમદાવાદ માં નવરંગપુરામાં રહેતા હતા. તેમના સાળા હીરાભાઈ વગદાર,પરગજુ અને અનેક સેવાભાવી અને ધંધાકિય સંસ્થા સાથે જોડાએલા હતા, એટલે વિચક્ષણ મનુભાઈએ તેમની પડોશમાં રહેવાનું પસંદ કર્યું. મનુભાઈ પૈસે ટકે સુખી ને શોખીન અને ધંધા માં પણ ઘણા સાહસિક, તેમના બાળકો પણ તેમના જેવાજ હોંશિયાર. મનુભાઈ નો પરિવાર ખુબ આનંદથી જીવતો, રોજ બધા સાથે બેસીને પત્તા રમે. સરલા એમની સૌથી મોટી દીકરી. તે બહુજ સુંદર ગાતી અને સંગીતમાં વિશારદ થયેલી, એટલે રોજ રાત્રે જમીને એમના ત્યાં સંગીત ની મહેફિલ જામતી.
એવામાં તેમની બાજુના બંગલામાં સુનિલ શર્મા નામનો યુવાન ભાડે રહેવા આવ્યો. તે એકલોજ હતો. એને ONGC માં નોકરી મળી તેથી બિહાર છોડીને અમદાવાદ આવેલો. સાંજે કામ પરથી પાછા ફરીને એ બાજુ ના બંગલામાં બધા ને આનંદ કરતા પોતાની અગાશીમાં ઊભો ઊભો જોયા કરતો. એક દિવસ મનુભાઈ ની નજર અગાશીમાં ઉભેલા સુનિલ પર પડી, તેમણે તેને ઈશારો કરી પોતાના ઘેરે આવવા કહ્યું. સુનિલ પણ એકલોજ હતો તેથી તે તરત જ પહોંચી ગયો. ધીરે ધીરે સુનિલ પણ મનુભાઈના કુટુંબની સંગીત અને પત્તાં ની મહેફિલ માં ભાગ લેતો થઈગયો.
સરલા નવગુજરાત કોલેજમાં ભણતી એટલે સવારે બસ માં તેની સહેલીઓ સાથે જતી. સુનિલ તેની બાઈક લઇ ને જોબ પર જતો હોય ત્યારે બસસ્ટોપ પર ઉભેલ સરલા સાથે સ્મિત ની આપ લે થતી. સુનિલ ને સરલાનું મનમોહક સ્મિત ખૂબ ગમતું. સરલા ના અવાજમાં ગવાયેલ શાસ્ત્રીય અને સિનેમાના ગવાતા સરસ ગીતો
સુનીલના દિલ ને દિમાગને અનોખી આલ્હાદક લાગણીઓથી ભરી દેતા. ક્યારેક
એને સરલાના હાથની બનાવેલ મસાલા ને આદુ-ફુદીનાવાળી ચા નો લાભ પણ મળતો. એક દિવસ સરલાએ નવા જ આવેલા પિક્ચર નું ગીત, “જબ દીપ જલે આના જબ શામ ઢલે આના”, ગાયું. તે આખી રાત સુનિલ સૂઈ ન શક્યો. તેનું યુવાન દિલ સરલા માટે જોર થી ધડકવા લાગ્યું. યુવાન હૈયું અને મીઠો સહવાસ. પછી લાગણીના બંધ ન તુટે તો જ નવાઈ! પત્તાં વહેંચતા વહેંચતા થતો અણધાર્યો સ્પર્શ સરલાને પણ ગમતો.
સરલા આજે બસ માંથી ઉતરીને કોલેજ તરફ જઈ રહી હતી ને સામે ના ઝાડ નીચે તેણે સુનિલ ને બાઈક લઈને ઉભેલો જોયો, અને તેના મનમાં એક આનંદ ની લહેર પ્રસરી ગઈ. તે સુનિલ પાસે જઈને પ્યારભરી નજરે તેને જોઈ રહી. સુનિલે ઇશારાથી જ તેને બાઈક પર પોતાની પાછળ બેસવાનું કહ્યું, અને બાઈક ગાંધીનગર ના હાઇવે તરફ પવન વેગે દોડવા લાગી. સરલાએ દોડતી બાઈક પર મૉટે અવાજે કીધું “આજે મરવાનો ઈરાદો છે કે શું?” સુનિલે કીધું “તું સાથે હોય તો મને મોત પણ મંજુર છે!” આ સાથેજ સરલા એ સુનિલ ને પાછળની સીટમાંથી પોતાની બાહુપાશમાં સમાવી લીધો. સરલા નું મન આજે ગાઈ રહ્યું હતું, “આજ મેં ઉપર, આસ્મા નીચે”. ગાંધીનગરના ડીઅર પાર્ક ના એક ઝાડ નીચે બાઈક પાર્ક કરી બંને જણ બેઠા, વરસાદી મોસમ ની ઠંડી હવાની લહેર પણ જાણે તેમના પ્રેમની આગ ને હવા આપતી હતી. કલાકો સુધી આંખોમાં આંખો ને હાથમાં હાથ નાખી ને અનોખા પ્રેમ ના અહેસાસ ને માણતા રહ્યા. ત્યારબાદ તેમની મુલાકાતો થતી રહી, સરલાને નોટ ઉતારી આપવાને બહાને સુનીલ સરલાની નોટ લઇ જતો જેમાં સરલા સુનિલ માટે અનુભવેલી સંવેદના ઠાલવતી, અને સુનિલ રાતભર તેને વાંચતો રહેતો, અને પોતાના પ્રેમની અનુભતિનો વળતો જવાબ લખતો રહેતો. પ્રેમ રસ માં તરબતર સરલા સ્વર્ગનાં સુખ નો અનુભવ કરી રહી હતી. માત્ર એક વાતનો બન્નેએ વિચાર નહોતો કર્યો, કે સરલા રૂઢીચુસ્ત ગુજરાતી સમાજની હતી, અને સુનિલ બિહારી હતો.
દિવસો ઝડપથી પસાર થતાં હતા, એવામાં મનુભાઈ ની તબિયત બગડી, તાવ ઉતરવાનું નામજ ન લે. રિપોર્ટ આવ્યો તો છેલ્લા સ્ટેજ નું ફેફસાં નું કેન્સર છે. ડોક્ટર કહે વધુમાં વધુ ત્રણ મહિના, આખા ઘર પર જાણે વીજળી પડી. ઘરમાં રડારોળ મચી ગઈ, બધાના દિમાગ કામ કરતા બંધ થઈ ગયા. હીરાભાઈ અને સુરજબેન ને મનુભાઇના સમાચાર મળતાજ ખબર કાઢવા દોડી આવ્યા .મનુભાઈએ પોતાના દીકરા નાના હોવાથી ધંધાનો ને પૈસાનો વહીવટ હીરાભાઈ ને સોંપવાનુંનકકી કર્યું, .સાથે સાથે સારો છોકરો જોઈ સરલાને પણ પોતાની હાજરીમાંજ પરણાવવાની ઈચ્છા દર્શાવી. મનુભાઈ ની ઈચ્છા તો સંગીતમાં વહાલસોયી દીકરી ને ખુબ આગળ વધારવાની હતી, પણ મા કહેતી દીકરી ને મોઢે ચડાવી છે તે સાસરે કઈ સાસુ વાજા નહીં વગાડવા દે. ત્યારે બાપ-દીકરી માની વાત હસી કાઢતાં, અને મનુભાઈ કહેતા મારે મારી દીકરીને સાસરે મોકલવાની ક્યાં ઉતાવળ છે? પરંતુ કુદરતે કરવટ બદલી.
હીરાભાઈ સરલા માટે છોકરાઓ જોવા માંડ્યા. રંગીલા પોળ નો હેમંત બધાને ગમી ગયો. મનુભાઈ ની તબિયત બગડતી જતી હતી, એટલે સરલા ના ઘડિયા લગ્ન લેવાનું નક્કી થયું. મરણ ના આરે આવીને ઊભેલા પિતાનો વિચાર કરી સરલાને આનો સ્વીકાર કરવો પડ્યો. સુનિલ સાથેની છેલ્લી મુલાકાતમાં બંને કલાકો સુધી રડતા રહ્યાં, પણ કોઈ ઉપાય ન હતો. આમ પણ સમયમાં એક મઘ્યમ વર્ગની પટેલ ની છોકરીનું બિહારીબાબુ સાથે લગ્ન અશક્ય જ હતું.
સુનિલ તો સરલાના લગ્ન ની તારીખ આવતા પહેલાજ બદલી કરાવી અમૃતસર જતો રહ્યો. ભારે હૈયે સરલા પણ હેમંત ને પરણી ગઈ. હેમંત દેખાવડો અને ભણેલો છોકરો હતો, એની બેંકમાં નોકરી હતી, પણ એ માનસિક રોગી હતો. તેને વારસામાં ડીપ્રેશન મળેલું. તે ક્યારેક અચાનક જ ગુસ્સે થઇ જતો અને તેનો ચહેરો ભયાનક અને આંખો લાલ લાલ થઈ જતી. તેના મૂડ ના ફેરફાર કોઈ સમજી ન શકતું. સરલાના પિત્રાઈ ભાઇઓ સાથે પણ તે સરલાને મળવાની મનાઈ કરતો. સરલા નું કોઈની સાથે નું હસવું બોલવું તેને પસંદ નહોતું. પિતાની તબિયત જોવા પણ સરલા જાય તો બેંક નું કામ છોડી એની પાછળ સંતાઈ ને પીછો કરતો, અને હોસ્પિટલની રૂમમાં જાય પછી પાછો ફરતો.
સરલા ને એકવાર એની કોઈ સહેલી ના લગ્ન માં જવાનું હતું, હેમંતે કોઈ કારણવગર સરલાને જવાની ના પાડી, અને તો પણ સરલા ગઈ. જ્યારે સરલા પાછી આવી ત્યારે હેમંતે પોતાની હાથની નસ કાપવા માંડી! આવા ડિપ્રેસ અને શંકાશીલ માનસિક રોગી સાથે રહેવું ખુબ મુશ્કેલ હતું, પણ સરલા તેની વાત કહે તો પણ કોને કહે? ભાઈબહેન તેનાથી ખુબ નાના હતા, માતા સરલાની વાત સમજી શકે તેમ ન હતી, અને કાબેલ પિતા મરણ પથારીએ હતા. એ જમાનામાં લોકો શારીરિક રોગો સમજતાં પણ માનસિક રોગની દવા કે જાણકારી આમ જનતાને પણ ન હતી.
આવી પરિસ્થિતિ વચ્ચે મનુભાઈ સ્વર્ગે સિધાવ્યા. વ્હાલા પિતા ના મરણ નો આઘાત જીરવવો મુશ્કેલ હતો, અને તેમાં હેમંત ના મગજમાં જે કેમિકલ રિએક્શન થતા તેનાથી, સરલા સાવ હતાશ થઇ જતી.
સરલા પોતાના દુઃખ ભર્યા દિવસો વિતાવી રહી હતી, ને એક દિવસ સવારની રસોઈ હજુ શરુ કરી હતી ને અને ઉપરના માળમાંથી બચાવો બચાવો ની બૂમો સંભળાઈ, કેટલાક લોકો ત્યાં પહોંચ્યા ત્યારે હેમંત ઇલેક્ટ્રિક શોક લઇ આપઘાત કરી ચુક્યો હતો. તેનુ નિર્જીવ શરીર કોકડું થઈને પડ્યું હતું. સરલા હેમંતના મૃતદેહ ને જોઈને સરલાનું મગજ બહેર મારી ગયું, તે આઘાતથી બેહોશ થઈ ગઈ.
પોળમાં મોતનું માતમ છવાઈ ગયું. સરલાના લગ્નને માત્ર પાંચ જ મહિના થયા હતા, અને પતિએ આપઘાત કર્યો. સ્ત્રી વર્ગમાં ગણગણાટ શરૂ થી ગયો. “હાય ! હાય! અભાગણ વહુ લાવીને જીવ ગુમાવ્યો. વરને ભરખી ગઈ.” સ્ત્રીઓ જાત જાતના મેણાંટોણાં મારવા લાગી. ભાનમાં આવેલી સરલા્નો આત્મા આ સાંભળી કકળી ઊઠ્યો.
એટલામાં એના મામા-મામી ત્યાં આવી પહોંચ્યા. પરિસ્થિતિનો તાગ લઈ, મામાએ મામીને સરલાને પોતાની સાથે ઘરે લઈ જવાની સૂચના આપી. આમ પણ હીરાભાઈની સમાજમાં ઊંચી છાપ હતી, એટલે કોઈ કાંઈ બોલ્યું નહીં. હીરાભાઈએ સગાં-સંબંધીઓની મદદ લઈ અગ્નિ સંસ્કાર અને જરૂરી વિધી પતાવ્યાં.
લોકો ના ત્રાસ થી બચાવવા હીરાભાઈ અને સુરજબેને સરલાને પોતાના ઘેર જ રાખી, રોજ સુરજબેન તેની સાથે બેસીને ગીતા વાંચતા અને જીવન નો સાચો અર્થ સમજાવતા, અને હિંમત આપતા.
એક દિવસ સરલા હાર્મોનિયમ પર ગીત વગાડી રહી હતી “દુનિયામેં હમ આયે હૈ તો જીના હી પડેગા ,જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા ”
હીરાભાઈ આ ગીત ગાતી સાંભળી ગયા અને બીજા જ દિવસે તેને સમજાવી આગળ ભણવાનું અને સાથે સાથે સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કરાવ્યું. સરલાએ ‘માનસિક રોગ અને તેની સારવાર’ વિષય સાથે પી.એચ.ડી. કર્યું. હીરાભાઈ ની ‘સદવિચાર’ સેવા સંસ્થામાં ‘સાથ’ નામનો નવો વિભાગ શરૂ કરી સમાજમાં માનસિક રોગ, તેની સારવાર અને તેમાં પરિવાર નો સાથ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અભિયાન શરુ કરી જીવન તેનેજ સમર્પિત કર્યું …..
– જિગીષા દીલિપ પટેલ

7 thoughts on “જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા (જિગીષા દીલિપ પટેલ)

  1. જીગીષા,
    જીવનમાં ઘટતી કરૂણ ઘટનાઓમાંથી પણ બહાર આવીને વ્યક્તિ ફિનિક્સ પંખીની જેમ ઉભી થઈને એક નવી દિશા ખોલે……ત્યારે
    જે નવસર્જન થાય એ અદ્ભૂત જ હોય.
    સરલાના જીવનના અણધાર્યા વળાંકમાંથી સાંગોપાંગ બહાર આવીને જે હામ દેખાડી એની સરસ વાર્તા.

    Liked by 1 person

  2. you have touched in this story very nicely different aspect of human personality- happy go lucky family life– love from bud to flower- critical time in family- and urge of father to see her married before he closes eye– and then full focus on maniac depression (may be Bi-Polar or psychogenic which culminates ultimately in suicide- also depicted same rigid comments of ladies that she has taken life of her husband- again good character of mama (in our culture mama – mami are always savior of children in our old time)- and lastly shown intutive mama- to give her further training in music and….
    સરલાએ ‘માનસિક રોગ અને તેની સારવાર’ વિષય સાથે પી.એચ.ડી. કર્યું. હીરાભાઈ ની ‘સદવિચાર’ સેવા સંસ્થામાં ‘સાથ’ નામનો નવો વિભાગ શરૂ કરી સમાજમાં માનસિક રોગ, તેની સારવાર અને તેમાં પરિવાર નો સાથ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અભિયાન શરુ કરી જીવન તેનેજ સમર્પિત કર્યું …..
    best story – await for other stories from your side Jigisha bahen

    Liked by 1 person

  3. અમદાવાદ અને નવરંગપુરાની વાત આવી એટલે મેં આ ર્વાંતા વાંચવી શરુ કરી! શરુઆતમાં વાર્તા જાણે મારી જ છે એવું લાગ્યું; અચાનક મેળાપ, સાયકલ સ્વારી, પત્તાની રમત…અમદાવાદ છોડી ભાવનગર જવું વ. વ. પણ અમારી વાર્તાનો અંત સુખાકારી આવ્યો દેશ છોડતાં! લ્યો આ એક નવી વાર્તા ઊભી થઈ ગઈને?

    Like

  4. જિગીષાબેન ! Very nice story ! શરૂઆત …. પ્રેમ, પછી મજબૂરીથી લગ્ન અને માનસિક રોગનો ભોગ પતિ .. વગેરે વર્ણન કોઈ સિદ્ધ લેખકની કલમ હોય તેમ લાગ્યું .. ડિપ્રેશનનો વિષય પણ સારીરીતે છેડ્યો ! વાર્તા વાંચીને સી જી રોડ , પી એ ક્વાટર્સનું મારુ બચપણ યાદ આવી ગયું .. એક શ્વાસે આખી વાર્તા વાંચવાની મઝા આવી.

    Like

પ્રતિભાવ