જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૭ (જયશ્રી વિનુ મરચંટ)


“યે સમા, સમા હૈ યે પ્યારકા”

૨૦૧૪, જૂન માસમાં, ફિલાડેલ્ફિયામાં રહેતી મારી ખૂબ જ વ્હાલી મિત્રની દિકરીના લગ્નમાં અમને સહકુટુંબ આમંત્રણ હતું.  વિનુ સામાન્ય રીતે, છેલ્લા થોડા સમયથી ફોરમલ પ્રસંગોમાં આવતા નહીં, આથી, મેં પણ આર.એસ.વી.પી. કરતાં પહેલાં, માત્ર ઔપચારિકતા ખાતર જ વિનુને પૂછ્યું. મને ખાતરી હતી કે એ “ના” જ પાડશે ને, છેવટે, હું અને મારી દિકરી ફિલાડેલ્ફિયા જઈશું! એ જ સમયે, મારા પતિદેવે “આઉટ ઓફ નો વ્હેર”, ઓચિંતું જ, ખૂબ જ ઉત્સાહથી કહ્યું કે એ પણ આવશે. ૪૨ વર્ષના લગ્નજીવનમાં મારે માટે મોટા shock ની વાત હતી. વિનુ, કે જે, “સમઃ સુખ દુઃખેષુ નિત્યમ્” એને આમ ફિલાડેલ્ફિયા, લગ્ન પ્રસંગ માટે જવાની વાત પર, ઉત્સાહથી તરવરતા, જવાબ આપતાં સાંભળવાનો પણ એક લ્હાવો હતો! ત્યારે ક્યાં ખબર હતી કે એ ટ્રીપ એમના જીવનકાળની અંતિમ ટ્રીપ બની જવાની હતી? અમે ભારતથી સીધા ફિલાડેલ્ફિયા જ આવ્યા હતાં આથી ફિલાડેલ્ફિયા, વતનથી દૂરનું વતન હતું. કેલિફોર્નિયા મુવ થતાં પહેલાં અમે ૨૨-૨૩ વરસો સુધી ત્યાં રહ્યાં હતાં અને કુટુંબ જેવા મૈત્રીના સંબંધો બંધાયા હતાં, એ સંબંધો આટલા બધાં વરસોથી ફિલાડેલ્ફિયા છોડ્યા પછી પણ એટલા જ મીઠાશવાળા રહ્યાં હતાં. અમે ફિલાડેલ્ફિયા પહોંચ્યાં. લગ્નના પ્રસંગો વચ્ચે એક દિવસ ખાલી હતો જેમાં ફરીથી વિનુએ મને shock આપ્યો, જ્યારે એમણે મને અને મારી દિકરીને કહ્યું કે એમનું મન હતું કે અમારા જીવનમાં જે લેન્ડમાર્ક છે એ સ્થળો જોવા જવાનો! સૌ પહેલાં, અમારા સૌથી પહેલાં એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષથી અમે આ સફર શરુ કરી, અમારા સંતાનોની સ્કૂલો, એમના અને મારા પહેલા જોબની જગા અને અન્ય જગાઓ જોઈ, ને પછી, અમારા હેવરટાઉનના ઘરને જોવા ગયાં. હું અને વિનુ કાર પાર્ક કરીને અમારા એ પહેલા હાઉસ પાસે ઊભા રહ્યાં, અને કેટકેટલાં દ્રશ્યો નજર સામે ફુલસ્પીડથી પસાર થવા માંડ્યાં. વિનુએ મને પૂછ્યું, “તું આપાણા ઘરની સામેના ઘરમાં રહેતી નર્સના કોન્ટેક્ટમાં છે? તારી જોડે એને સારા એવા બહેનપણાં હતાં.” મેં કહ્યું, “ફેસબુક પર ફ્રેન્ડ છું પણ એમિના ફેસબુક પર બહુ એક્ટીવ નથી અને મારી પાસે એનો ફોન નંબર પણ નથી. અહીં સુધી આવ્યા છીએ તો એના ઘરની રીંગ મારી જોઈએ.” અને મેં, એના પોર્ચના પગથિયાં ચડી રીંગ મારી. એક વૃધ્ધાએ દરવાજો ખોલ્યો. મેં એમને અંગ્રેજીમાં પૂછ્યું, “સોરી ટુ બોધર યુ લાઈક ધીસ વે. અમે એમિનાની સામેના ઘરમાં ૨૦ વરસ સુધી હતાં. એમિના અમારી નેબર પંદર વરસ સુધી હતી. શું એમિના ઓસ્મીર હજુ અહીં રહે છે?” પેલી વૃધ્ધાએ નમ્રતાથી ના પાડી અને દરવાજો બંધ કર્યો. પોર્ચના પગથિયાં નીચે ઊતરતાં, એમિના સાથેની અમારી દોસ્તીની ફિલ્મ, હું તાદ્રશ નિહાળી રહી હતી…!

એમિના અને અમારી ઓળખાણ તો ૧૯૮૫ના ફેબ્રુઆરીમાં જ્યારે એ અમારા ઘરની સામેનું ઘર લઈ રહેવા આવી ત્યારે થઈ હતી પણ દોસ્તી ૧૯૮૫, મે માસથી શરુ થઈ હતી અને એ ઘટના મારી નજર સામે ભજવાતી ગઈ. એમિના બાય પ્રોફેશન નર્સ હતી. અમારા ફિલાડેલ્ફિયાના ઘરના ફ્રન્ટયાર્ડમાં સરસ લીલોતરીથી આચ્છાદિત ખૂબ જ નાનકડો એવો ઢોળાવ હતો. ઉનાળાના આવાગમનની છડી પોકારતા, આ ઢોળવના લીલા ઘાસની વચ્ચે, જંગલી, (વિડ્સ) નાના-નાના, પીળા ફૂલ ખીલવા માંડ્યા હતાં. એ દિવસે મારો ડે ઓફ હતો. છેલ્લા ૧૦ દિવસોથી સ્ટાફની તંગીને કારણે મારે સતત કામ કરવું પડ્યું હતું અને હવે એનો એક ફાયદો ગણો તો એ કે મને એકસાથે ચાર દિવસો ઓફ મળ્યા હતાં. એમાં શનિવાર ને રવિવાર ઉમેરી દેતાં છ દિવસોનું મીની વેકેશન મળી ગયું હતું. હોસ્પિટલમાં કામ કરતી વખતે ક્યારેક “સ્ટક” થઈ જવાતું પણ સામાન્ય રીતે, એ દિવસોમાં, સેલ ફોન અને ઈ-મેલ ન હોવાથી, હોસ્પિટલની સ્કેડજ્યુલડ શીફ્ટ પતી જાય ત્યાર બાદ, ઘરે આવ્યા પછી, કામની કોઈ ચિંતા રહેતી નહોતી, સિવાય કે કોલ પર હોઉં! સવારના સાડા દસ વાગ્યા હતાં. વિનુ ઓફિસમાં ગયા હતાં ને બાળકો સ્કૂલમાં હતાં. સહુ મિત્રો પણ પોતપોતાના કામે હતાં. હું મારા ફ્ર્ન્ટયાર્ડમાં ઊગેલા જંગલી પીળાં ફૂલો ઉખેડી રહી હતી, અને મનનું એકાંત માણી રહી હતી. મને થયું કે પીળાં ફૂલોને મૂળ સોતાં ઉખેડી નાંખ્યા પછી પણ દર વર્ષે એનાં મૂળો નાંખીને પાછાં ઊગી જ જાય છે! આવા વિચારો કોઈ પણ ક્રમ વિના મનમાં આવે ત્યારે, મને મારી જાત સાથે સંવાદ કરવાની મોજ પડતી હોય છે. આવા સાવ નકામા લાગતાં વિચારો મારા માટે ઝેનીંગ હતા. તે દિવસે પણ હું આવા જ કઈંક મુડમાં હતી ને, અચાનક, લીલા ઘાસમાં ઉગતાં આ પીળા ફૂલોને આમ ઉખેડવું, મને હવે ખટકવા માંડ્યું હતું!

એટલામાં, મને બહાર કામ કરતી જોઈ, એમિના ઓસ્મીર આવી. એમિના એકલી જ રહેતી હતી. કદાચ ત્રીસેક વરસની આજુબાજુ એની ઉમર હતી. એણે પૂછ્યું, “મીસીસ મરચંટ, યુ હેવ અ ડે ઓફ ટુડે? સો ડુ આઈ.” મેં અંગ્રેજીમાં, જવાબ આપ્યો, “હા, આજે મારો ડે ઓફ છે. તમારો પણ ડે ઓફ છે એ જાણી ખૂબ જ આનંદ થયો. શું પ્લાન છે આજે તમારો?” એ બોલી, “નથીંગ મચ. આઈ વોન્ટેડ ટુ રીક્વેસ્ટ ઇફ યુ કેન પ્લીઝ, કમ વિથ મી ટુ ધ ઈન્ડિયન સ્ટોર?” પછી હસીને મને ઈંગ્લીશમાં કહ્યું, “મારે ત્યાં કાલથી, સમરસિંગ ખન્ના, એક ઈન્ડિયન સીંગર, ત્રણ મહિના માટે રહેવા આવવાના છે. છેલ્લા પાંચ વરસથી એ કોઈ ફેમસ સીંગર, મિ. જગજીતસિંગના સ્ટુડન્ટ હતા. હું, “IEFAA” – “ઈન્ટરનેશનલ એક્ષચેન્જ ફોર આર્ટ એનહેન્સમેન્ટ” નામની નોન-પ્રોફીટ સંસ્થામાં વોલન્ટિયર છું. આ સંસ્થા દર વરસે, સંગીત અથવા બીજા કોઈ ફીલ્ડના ઉદય પામતાં, નવા આર્ટીસ્ટને, દુનિયાભરમાંથી દર વરસે, ફુલ સ્કોલરશીપ આપીને બોલાવે છે.” એમિના અટકી. મારા માટે આ નવી જ માહિતી હતી. મેં પૂછ્યું, “તમે નક્કી કેવી રીતે કરો કે કોને આ સ્કોલરશીપ આપવી?” એમિનાએ પ્રોસેસ સમજાવતાં કહ્યુ,” એને માટે અરજી કરવી પડે છે પણ મોટી શરત એ છે કે આર્ટીસ્ટને કોઈ સિનીયર પાસે ઓછમાં ઓછાં ત્રણ વરસ કામ કર્યું હોય અને ઉમર ત્રીસથી વધુ ન હોવી જોઈએ. આ સાલ, ઈન્ડિયાથી મિ. સમરસિંગને બોલાવી રહ્યા છીએ. આ વખતે ઈન્ટરનેશનલ ગેસ્ટને ત્રણ મહિના હોસ્ટ કરવાનો વારો મારો છે. તમે મને ઈન્ડિયન ફુડ માટેના બેઝીક મસાલાઓ અને અન્ય ઈનગ્રેડિયન્સ લાવવા મદદ કરી શકશો? મેં કહ્યું, “મારું આ વિડ્સ ઉખેડવાનું કામ ૩૦ મિનીટમાં થઈ જશે. આપણે એકાદ કલાકમાં જવા નીકળીએ.” એ દિવસથી અમારી બિન-શરતી મૈત્રીની શરુઆત થઈ.

બીજે દિવસે, સમરસિંગ ખન્ના એમિનાને ત્યાં ત્રણ માસ માટે રહેવા આવી ગયા. હું પણ જોબ પરથી આવીને એમિનાને ઘરે ગઈ. એમિનાએ મને ત્રણ માસ માટેના મહેમાનની ઓળખાણ કરાવી અને પછી મને એના કિચનમાં બોલાવીને કહે, “ઓ માય ગોડ! હી ઈઝ સો ગુડલુકીંગ! મને લાગે છે કે મને “લવ એટ ફર્સ્ટ સાઈટ” થઈ ગયો છે! આઈ એમ રેડી ટુ ડાય ફોર હીમ ઓર વીથ હીમ! (એ એટલો દેખાવડો છે કે હું એની સાથે કે એને માટે મરી ફીટવા પણ તૈયાર છું.  સમરસિંગ ૨૫-૨૬ વર્ષના ખૂબ જ દેખાવડાં પંજાબી નવયુવાન હતાં. મેં એને (અંગ્રેજીમાં) કહ્યું, “તું છે ને ગાંડી થઈ ગઈ છે! જાણ-પિછાણ વિના આમ કોઈ કરે?” અને એના માથા પર ટાપલી મારીને હું કિચનમાંથી બહાર આવી. મેં સમરસિંગને પૂછ્યું, “યહાં આનેસે પહેલે આપ ગઝલસમ્રાટ જગજીતસિંગકે શાગિર્દ રહે થે પાંચ સાલકે લિયે ભાઈ સા’બ તો કુછ અશઆર સુના દિજિયે? મુઝે તો ઉનકી ગાઈ હુઈ સારી ગઝલેં અચ્છી લગતી હૈં!” સમરસિંગે અચકાતાં કહ્યું, “દીદી, પહેલે તો, મૈં આપસે બહુત છોટા હું. મુઝે આપ મત કહીએ!” પછી જરાક થોભીને કહ્યું, “મેં પંજાબ યુનિવર્સીટીમાંથી બી.એ. કર્યું છે.  બે-ત્રણ વરસ યુનિવર્સીટીમાં જ સંગીત શીખતો રહ્યો. એના પછી જગજીતસિંગ સાથે ચાર-પાંચ વાર તાનપુરો વગાડવા સ્ટેજ પર સંગત કરી છે.  આ પ્રોગ્રામમાં દાખલ થવા માટે પાંચ વરસ સંગત કરી છે એવો ખોટો લેટર લખીને મોકલી આપ્યો! ખોટું કરીને આમ આવવું ખરાબ લાગે છે દીદી, પણ, મારા પર ઘણી જવાબદારી છે. અહીં વસી જઈને મહેનત-મજદૂરી કરીને પૈસા કમાવીને પાછો જતો રહીશ. બસ, એક રીક્વેસ્ટ છે કે આપણા દેશી લોકોને કઈં ન કહેતાં. એમિનાને હું કહી દઈશ.” આ સાંભળીને, તરત જ, સહેજ ગુસ્સાથી મેં કહ્યું, “નહીં, હમણાં જ કહો. આ તો ફરેબ છે, દગો છે! તમને ખબર પણ છે કે એમિનાને તમારા માટે કેટલી કૂણી લાગણીઓ તમને જોવા સાથે જ જાગી છે? નહીં, આ સારું નથી થતું. એમિનાને હમણાં ને હમણાં કહો.” મારા અવાજમાં સખતાઈ હતી. “સમરસિંગ, એમિના જે સંસ્થા સાથે સંકળાયેલી છે તે સંસ્થા, સંગીત અને લલિત કળાના વિકાસ માટે આંતરરાષ્ટ્રિય સ્તર પર કામ કરે છે. તમને ખબર પણ છે, કે આ જૂઠાણું પકડાશે તો શું થશે? કેટલા બધા નવા ઉદય પામતાં કલાકારોને તક આપતાં પહેલાં, આવા અનેક નોન-પ્રોફીટ ઓરગેનાઈઝેશન સો વખત વિચાર કરશે.” સમરસિંગ એકદમ ડરી ગયો હતો. મને કહે, “ક્યા દીદી, મૈંને આપકો અપનેવાલા સમજકર, મનકા બોજ હલકા કરનેકો સચ કહા તો આપ તો મેરા હી પત્તા કાટનેકો તુલી હો! સબને મુઝે કહા થા, સબકા ભરોસા કરના પર દેશીકા નહીં! મેરે દિલકો યહ બાત ખાયે જા રહી થી ઈસ લિયે મૈને કહ દી!” એમિના હજુ કિચનમાં જ હતી. આ સાંભળી, મેં જરાક નરમ પડીને કહ્યું, “ભાઈ, તમે એકવાર સાચું કહી દો અને તે છતાં તમને રહેવા દે, એમિના અને એની ઈન્સ્ટીટ્યુટવાળાઓ, તો મને શું વાંધો હોય? એમિનાને સત્ય કહ્યા પછી જે કરવું હોય તે કરે. તમે આટલા ગુડલુકિંગ છો, ગાવાની ટેલન્ટ છે. એન્ટરટેઈનમેન્ટ ઈનડસ્ટ્રીંમાં ઈન્ડિયામાં કામ તો મળી જાય. તમે થોડાક લોકો આવું કરો છો જેથી અહીં કાયદાના દાયરામાં રહેનારાઓને પણ સહેવું પડે છે. હું તમારા પર ભરોસો રાખું છું કે તમે એમિનાને મારા ગયા પછી, તરત સાચું કહી દેશો.” સમરસિંગ સુનમુન થઈને ઊભો હતો. એની આંખોમાં ડર હતો, પસ્તાવો હતો કે ડરની સાથે પસ્તાવો હતો? જે કઈં પણ હતું એ આંખોમાં કદાચ, એ નક્કી કરવાનું કામ મારું ક્યાં હતું? અને મેં એમિનાને બહારથી જ કહ્યું, “આઈ એમ લીવીંગ, ઓકે?” એમિનાએ ડોકું કિચનની બહાર કાઢીને કહ્યું, “બાય”. સમરસિંગની પીઠ એમિના તરફ હોવાથી એ એમિનાને જોઈ નહોતો શકતો. એમિનાએ, ઉપરા-ઉપર, સમરસિંગને બે-ચાર ફ્લાઈંગ કીસીસ આપી. હું આછું સ્મિત આપી, મારા ઘરે આવી ગ

બે દિવસ સુધી ન તો મને એમિના દેખાઈ કે ન તો સમરસિંગ. ત્રીજા દિવસે હું, ફ્રન્ટયાર્ડંમાં કામ કરવા લગભગ પાંચેક વાગે, સાંજના આવી અને બરાબર એ જ સમયે એમિના તૈયાર થઈને બહાર જવા નીકળી. મને જોઈ એણે હાથ ઊંચો કર્યો અને રસ્તો ક્રોસ કરીને મારી પાસે આવીને, ટાઈટ હગ આપીને કહ્યું, “થેંક યુ, માય ફ્રેન્ડ!” મૈ એને પૂછ્યું, અંગ્રેજીમાં, “યુ આર વેલકમ પણ શેને માટે?” એણે કહ્યું, “સમરસિંગે મને સાચું કહ્યું તમારા કહેવાથી, તે મને ગમ્યું.” હું ચૂપ રહી, ક્ષણેક, અને પછી બોલી, ‘તમે હર્ટ થઈ હશે! તમને તો એની સાથે લવ એટ ફર્સ્ટ સાઇટ થયો હતો ને! સોરી, મારા દેશ વાળાએ તારું દિલ તોડ્યું. તેં એને પાછો મોકલી આપ્યો કે નહીં?” એમિના પળેક અટકી ગઈ. પછી કહે, “હું કોણ છું, કોઈને સાચા ખોટા સાબિત કરવાવાળી? મેં અમારી ઈન્સ્ટીટ્યુટને કહી, એને ટેમ્પરરી કામ પણ અપાવ્યું છે. જો એને સંગીત ખરેખર આવડતું હશે તો ટકશે. હું મારે ઘરે, જેમ મેં કમીટ્મેન્ટ આપ્યું છે તેમ, ૩ મહીના રાખીશ. એની જિંદગી ખરેખર સારી થાય આ એક્ષચેન્જ પ્રોગ્રામને લીધે તો સારું. બાકી, હું તો આજે બ્લાઈન્ડ ડેટ પર હમણાં જઈ રહી છું. વીશ મી લક મિસીસ મરચંટ.” હું આભી બની ગઈ! મને લાગ્યું, એનો પહેલી નજરનો પ્રેમ સફળ ન થયો, એથી એ ભાંગી પડી હશે! મને એકાદ મિનીટ કળ વળતાં લાગી. ત્યાં તો એમિના હસીને અંગ્રેજીમાં બોલી, “સી મિસીસ મરચંટ, પ્રેમ તો આ ઘાસમાં ઊગી જતાં, જંગલી પીળાં ફૂલો સમો છે. જેટલો અને જેટલી વાર ઉખેડશો, એટલીવાર, જોરશોરથી પાછો ઊગશે. તો પછી એની ચિંતા શું?  ક્મ ઓન મિસીસ મરચંટ, વીશ મી લક, કે હું કોઈ સરસ માણસને મળું, મારી બ્લાઈન્ડ ડેટ પર!” મેં એને હગ આપીને કહ્યું, “બેસ્ટ ઓફ લક માય ફ્રેન્ડ!” એમિના હસતી ચાલે, રસ્તો ક્રોસ કરીને, એના ડ્રાઈવ વેમાં પાર્ક કરેલી ગાડીમાં બેઠી. ગાડીમાંથી હાથ ઊંચો કરીને કાર પૂરપાટ મારી મૂકી. હું મારા ફ્રન્ટયાર્ડમાં પાછાં ઊગી ગયેલાં પીળાં ફૂલોને ઉખેડવા બેઠી હતી અને મારા હોઠો પર, ત્યારે અચાનક ગીત આવી ચઢ્યું હતું, “અજીબ દાસ્તાં હૈં યે, કહાં શુરુ કહાં ખતમ, યે મંઝીલેં હૈં કોનસી, ન વો સમજ સકે ન હમ!”

6 thoughts on “જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૭ (જયશ્રી વિનુ મરચંટ)

 1. આવા વિચારો કોઈ પણ ક્રમ વિના મનમાં આવે ત્યારે, મને મારી જાત સાથે સંવાદ કરવાની મોજ પડતી હોય છે. આવા સાવ નકામા લાગતાં વિચારો મારા માટે ઝેનીંગ હતા.
  ———
  ગમતીલી વાત. પણ….
  …. ક્યાં ખબર હતી કે એ ટ્રીપ એમના જીવનકાળની અંતિમ ટ્રીપ બની જવાની હતી?

  આ જાણીને ખુબ દુઃખ થયું.

  Liked by 1 person

 2. આવા પ્રેમાળ પાડોશીઓ આ નવા દેશમાં મળતા જ હોય છે. સરસ આવી દાસ્તાનોની શરુઆત તો ખબર પડે છે. પણ અંત કોઈને ખબર નથી.

  Liked by 1 person

 3. ખરેખર પ્રેમ પીળા ફૂલો જેવો છે એ ક્યારે કઈ જમીન ફાડીને ઉગે એની કોને ખબર
  આશા રાખીએ સમરસીંગનું સત્ય અને એમિનનો પ્રેમ વિફળ નહીં ગયા હોય .
  સરસ વાત .

  Liked by 1 person

 4. ફિલાડેલ્ફિયા -“લવ એટ ફર્સ્ટ સાઈટ” વાત ગમી ગઇ …’

  એમિનાની વાત ‘નગ્મા-ઓ-શેર કી સૌગાત કિસે પેશ કરું…’ તમે એમિનાને મારા ગયા પછી, તરત સાચું કહી દેશો…’ વાત વધુ ગમી …સત્યનારાયણની વાતમા આધુનિક સમય મા અમે ક્લીંટનનો દાખલો આપતા.તે સત્ય બોલ્યા અને વિશ્વે માફ કર્યા . પણ સૌથી વધુ સુંદર વાત કોઈને સાચા ખોટા સાબિત કરવાવાળી? જજમેન્ટલપણું છોડીએ તો પોતાના અને સમાજના ઘણા પ્ર્શ્નો ઉકેલાય…યાદ યે પાપ હૈ ક્યા ઔર પૂન્ય હૈ ક્યા, રીતો પર ધર્મ કી મોહરે હૈ…. હર યુગ મેં બદલતે ધર્મોં કો કૈસે આદર્શ બનાઓગે? કોઇ એપીસોડમા અંજામ બતાવશો ભલે

  જબ ચાહા દિલ કો સમઝેં, હંસને કી આવાઝ સુની

  જૈસે કોઇ કહતા હો, લે ફિર તુઝ કો માત મિલી

  માતેં કૈસી ઘાતેં ક્યા, ચલતે રહના આઠ પહર

  દિલ સા સાથી જબ પાયા, બેચૈની ભી સાથ મિલી!

  જીવનનો ગજબનો લેન્ડમાર્ક !

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s