સુરેશ જાનીની સૈડકાગાંઠ


સૈડકાગાંઠ

      બાથરૂમમાં ગયા પછી, પહેલું કામ – નાડાની ગાંઠ છોડવાનું! એ સૈડકાગાંઠ હતી; અને છોડતાં ખોટો છેડો ખેંચાઈ ગયો હતો.આગળની પ્રક્રિયાની ઉતાવળમાં વળી એ છેડો વધારે ખેંચાઈ ગયો. અને જે થઈ છે!

    વાત એ પછી શું થયું, અને એ સમસ્યાનો શો ઉકેલ લાવવામાં આવ્યો, તે નથી. એ તો જાણે પતાવી દીધું મારા ભાઈ! વાત સૈડકાગાંઠની છે.

     સમસ્યા ઉકલી ગયા પછી, આદતવશ અવલોકનો શરૂ થઈ ગયા. સૈડકાગાંઠ કોને કહેવાય? એ શોધવા લેક્સિકોનનો સહારો લીધો; ગુગલ મહારાજને કામ સોંપ્યું, અને એમણે હાથ હેઠા કરી દીધા! પછી એમ વિચાર્યું કે અંગ્રેજીમાં તપાસ કરું.

અને લો! આખું ગાંઠ શાસ્ત્ર ટપ્પાક ટપકી આવ્યું! અનેક જાતની, અનેક જાતના ઉપયોગો માટે ગાંઠો બાંધવાની એનિમેટૅડ રીત સાથે!

પશ્ચિમી જગતની વિદ્યાવ્યાસંગિતાને સો સલામ. આપણે એમની ભોગવિલાસીતાને/ શોષણવૃત્તિને બહુ વગોવ્યે રાખી છે. પણ એ લક્ષ્મીદાસો એ પછી છે, પહેલાં તો એ સરસ્વતીપૂજકો છે.

     જાહેર જનતા માટે ઈન્ટરનેટનો ઉપયોગ બહુ બહુ તો વીસ વર્ષથી શરૂ થયો છે, અને આટલા ટૂંકા ગાળામાં એનો વ્યાપ કેટલો બધો વધી ગયો? આ કિસ્સામાં તો મને તરત ઉકેલ મળી ગયો. પણ ન મળ્યો હોત તો સવાલ પૂછવાની પણ સવલત- અને એય આ અમદાવાદીને મનભાવતી સાવ મફત! ચોવીસ કલાકમાં કોઈક સેવાભાવી તજજ્ઞ એનો જવાબ તમને શોધી આપે જ- ગમે તે શાસ્ત્રનો સવાલ ભલે ને હોય.

     આપણે તો પરમધામમાં મોક્ષ સાધનારા – અનંત, આંતર યાત્રાના પ્રવાસી. ઉન્નત આકાશમાં મ્હાલનારા! જેટલા વધારે ઊંડા ઉતરો એટલા વધારે ફસાવ. વધારે ને વધારે ગાંઠો પડતી જાય. કશી મોહમાયા જ ન હોય તો ગાંઠો જ ન હોય. દિગંબરને સૈડકાગાંઠ જ ન હોય! અને આમ જ આખો સમાજ પલાયનવાદી બનતો જ રહ્યો, બનતો જ રહ્યો.

હવે ત્રીજી વાત. અને બહુ કામની વાત.

જીવનમાં આમ તો બધું સમેસૂતર ચાલતું હોય. પણ ક્યારેક તો ગાંઠ પડે, પડે ને પડે જ. આ અવલોકનકારે હમણાં જ બનેલી આ મોંકાણની પેટ છૂટી વાત કરી નાંખી. પણ તમે જ કહો! સૈડકાગાંઠની આ મોંકાણ કોને વેઠવી પડી નથી?

ગાંઠ પડે, તેનો ઉકેલ લાવવો જ પડે. ગાંઠ ઉકેલાય તો ઉકેલીને. નહીં તો કાપીને! સિકંદરે તલવારથી કાપી હતી., આપણે કાતર ચલાવવી પડે. ગાંઠને પકડીને બેસી ન રહેવાય! આપણી ક્ષમતા બહારની વાત હોય તો કોઈક તજજ્ઞનો/ ગુરુનો સહારો લેવો પડે.

અને એનીય ગાંઠ પડી શકે હોં!

-સુરેશ જાની

7 thoughts on “સુરેશ જાનીની સૈડકાગાંઠ

  1. સરળ વાતને વાયરે ચડાવવી એ પણ એક કલા છે! દાવડાજીના આંગણે કલાકારોની બહુ મતી છે એટલે એમાં એમનું સ્વાગત છે!

    Like

  2. સુરેશભાઈનું નાડાની સૈડકાગાંઠ નું તત્વજ્ઞાન મજાનું રહ્યું.

    મને પણ નાડાની ગાંઠ અને બુટની દોરી ની સૈડકાગાંઠનો ખોટો છેડો ખેંચાઈ જવાની તકલીફના અનુભવ થઇ ચુક્યા છે.ગાંઠ છોડવા માટે મહેનત કરવી પડે છે અને છૂટે એટલે એક જાતનો આનંદ થાય છે. ગાંઠથી કાપી નાખવું એટલે સહેલો રસ્તો અપનાવવો – શોર્ટ કટ !
    અમારે ગામડાના લગ્નના રિવાજમાં વર-વહુ ને દોરીની ગાંઠ છોડવાનો પણ એક રીવાજ પ્રચલિત હતો. આનો એ અર્થ કે પરિણીત જીવનમાં ગાંઠ પડવાના ઘણા પ્ર્સ્સંગો આવે ત્યારે શાંતિથી ધીરજ રાખીને કોઈ પણ પ્રશ્નનો એક બીજાની મદદથી ઉકેલ લાવવો , ગાંઠ પડવાથી ગભરાઈના જવું.
    સંબંધોમાં પણ ગાંઠ પડી જતી હોય છે.

    Like

  3. આપણે તો પરમધામમાં મોક્ષ સાધનારા – અનંત, આંતર યાત્રાના પ્રવાસી. ઉન્નત આકાશમાં મ્હાલનારા! જેટલા વધારે ઊંડા ઉતરો એટલા વધારે ફસાવ. વધારે ને વધારે ગાંઠો પડતી જાય. કશી મોહમાયા જ ન હોય તો ગાંઠો જ ન હોય. દિગંબરને સૈડકાગાંઠ જ ન હોય! અને આમ જ આખો સમાજ પલાયનવાદી બનતો જ રહ્યો, બનતો જ રહ્યો.
    સુરેશભાઈનો લેખ બહુ ગમ્યો. તેમણે કહેલી ઉપલી વાત વાંચી આનંદ થયો કે તે કુંડલિની પ્રગટાવનારાઓમાં નથી.

    Like

  4. અવલોકનમા અનેકવાર માણેલો—ફરી માણવાનો ગમે તેવો સ રસ લેખ
    ગાંઠ…મા ધ્યાન એ રાખવાનું કે સાદી છે કે કેન્સરની
    સાદી ગાંઠ છેડવી નહીં અને કે ગાંઠને વેળાસર દૂર કરવી
    યાદ લોકશાહીમાં પણ સત્તાના બિભત્સ પ્રદર્શન
    પર સચોટ પ્રહાર વાળું અછાંદસ

    ગઇ કાલે
    લોકશાહીના
    પેટમાં
    સખત
    દુખાવો ઊપડ્યો.
    ડૉક્ટરે
    તપાસીને કહ્યું:
    ‘પેટમાં’
    સત્તાની ગાંઠ છે.
    – ફિલિપ ક્લાર્ક
    અને
    ન ભુલાય તેવી પવનકુમારની ગાંઠ
    કાચી વયે દાદીમાએ
    કહ્યું હતું : ‘બેટા, મનમાં
    ગાંઠ વાળ, કે … ’

    પછી તો બા-બાપુજી,
    નાના-નાની, મામા-માસી,
    કાકા-કાકી, પડોશીઅો,
    મિત્રો, પરિચિતો,
    જ્ઞાનીઅો, સહુ કહેતા
    ગયા : ‘મનમાં ગાંઠ
    વાળો, તો કામો પાર પડશે.
    અાગળ વધશો. સુખી થશો.’

    હું વર્ષાનુવર્ષ મનમાં
    ગાંઠો વાળતો રહ્યો.

    અાજે જોઉં છું તો
    તમારા, મારા, અાપણા
    સહુના મનમાં
    ગાંઠો જ ગાંઠો છે …

    કોઈ કામ પાર નથી પડતું.
    તસુય ખસી નથી શકાતું.

    ના, હવે કામો પાર
    નથી પાડવાં,
    અાગળ નથી વધવું,
    સુખી પણ નથી થવું.

    નવરા બેઠા
    અમસ્તું
    જરાક મથી જોઉં,
    એકાદ ગાંઠ
    ખૂલતી હોય તો …

    Liked by 1 person

પ્રતિભાવ