(શ્રી પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓમાં ટુંકીવાર્તાના બધા Parameters મોજુદ હોય છે. એમની વાર્તાઓમાં વિષય (Plot) હોય છે, સ્થળ અને કાળ હોય છે, પાત્રો હોય છે, સંવાદો હોય છે અને સંદેશ હોય છે. વાર્તાના આ બધા અંગો ઉપર એમની સરસ પકડ છે. એમના સંવાદો, આશ્ચર્ય ઉપજાવે એવા હોય છે. એમની કેટલીક વાર્તાઓ સાચા અર્થમાં Diaspora લેખનમાં આવી જાય છે. પ્રવીણભાઈની કલ્પનાને સમડીની પાંખો અને સમડીની આંખો છે, એટલે એમને દૂરનું લક્ષ્ય પણ સ્પષ્ટ દેખાય છે.)
ગુરુદક્ષિણા
‘ડોક્ટર, મારી કિડની બરાબર છેને? કોઈ પ્રોબ્લેમ તો નથીને?’
‘બેન, હું તો તમારો સ્ટુડન્ટ. મને ડોક્ટર ના કહેવાનું. માત્ર અંકિત પૂરતું છે. અત્યારે હું જે છું તે આપના શિક્ષણ અને શુભાશિષને આભારી છે.’
‘ના ડોક્ટર. તમે અત્યારે જે હાંસલ કર્યું તેમાં ગુરુ સ્થાને રહેલા તમારા માબાપથી માંડીને અનેક શિક્ષકો અને પ્રોફેસરોનો ફાળો છે. હું તો માધ્યમિક શાળાની એક શિક્ષિકા . મારું પ્રદાન તો ઘણું જ અલ્પ. તમારી સફળતાની યશનો કલગો તો તમારી બુદ્ધિમતા અને મહેનતનો કહેવાય. ભાઈ અંકિત. હવે તમે વિદ્યાર્થી નથી રહ્યા. ડોક્ટર છો. હું તમારી શિક્ષીકા નથી રહી. નિવૃત્ત ગૃહિણી જ છું. અત્યારે તો તમારી પૅશન્ટ છું.’
સરોજ બેન નામાંકિત કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત પટેલ સાથે પોસ્ટ કન્સલ્ટિંગ વાતો કરતાં હતાં.
વાત સાચી જ. સરોજબેનના હાથ નીચે અનેક વિદ્યાર્થીઓ ભણી ચૂક્યાં હતાં. કેટલાક વિદ્યાર્થીઓ આવતા, પોતાની ઓળખ આપતા; સ્મૃતિના દ્વાર ખોલતા. પણ ટુંકા પાટલૂન ફ્રોકમાં જોયલા અને હવે બદલાયલા પોષાક અને પુખ્ત ચહેરાઓનો માનસ પટપર મેળ બેસાડવો અઘરો પડતો. સરોજબેન ભૂતકાળના વિદ્યાર્થીઓ તરફનું સૌજન્ય ચૂકતા નહીં.
આવું જ બન્યું હતું. જ્યારે સરોજબેન પોતાની કિડની સ્વાસ્થ અંગે સલાહ લેવા ડો.અંકિત પટેલ પાસે આવ્યા હતાં. સરોજબેનને તો ખ્યાલ પણ ન હતો કે ડોક્ટર અંકિત પટેલ કોઈક વખતે એનો. સ્ટુડન્ટ હતો. એમને એક્ઝામિનિંગ રૂમમાં જોતાં વાંકો વળી પગે લાગ્યો હતો ત્યારે જ ખબર પડી કે અંકિત એનો વિદ્યાર્થી હતો. થોડો ભૂતકાળ વાગોળાયો. સરોજબેનના બ્લ્ડ, એક્ષરે, સોનોગ્રામ એમ.આર.આઈ. વગેરે લેવાયા હતાં
આજે રિપોર્ટની વાત કરવા આવ્યા હતા.
‘ડોક્ટર, મારી કિડની બરાબર છેને? કોઈ પ્રોબ્લેમ તો નથીને?’
‘તમારી હેલ્થ અને કિડની બીલકુલ સ્વસ્થ અને નોરમલ છે. કશી જ ચિંતાનુ કારણ નથી. શું કોઈ ડોક્ટરે તમને ગભરાવ્યા હતા. કોઈએ રિફર કર્યા હોય એવું પણ તમે જણાવ્યું નથી.’
‘ડોક્ટર મારાથી કોઈને એકાદ કિડની આપવી હોય તો આપી શકાય એટલી સ્વસ્થ તો છે ને?’
સરોજબેન સાથે આજના દિવસની આ છેલ્લી એપોઈન્ટમેન્ટ હતી. હાઈબેક ચેરમાં આરામથી અઢેલીને બેઠેલા ડોક્ટર અંકિત એકદમ ડેસ્ક પર હાથ પ્રસારી આગળ આવી ગયા.
‘બહેન કોને આપવાવાની છે? શા માટે આ ઉમ્મરે આવું જોખમ, કોને માટે લઈ રહ્યા છો.’
‘છે એક સ્વજન. મારી ગુરુ. એ મારી ગુરુ. હું એની ગુરુ. મારે એને ગુરુ દક્ષિણા આપવાની છે.’
‘બેન, સમજાય એવી સ્પષ્ટ વાત કરોને?’
‘ભાઈ તમને ખબર ન હોય. મારા ઘરમાં માળ પર મેથ્યુ પરમાર આજે પચ્ચીસ વર્ષથી ભાડે રહે છે. લગ્ન કરીને મારી નજર સામે સંસાર માંડ્યો હતો. એક સરસ દીકરીનો જન્મ થયો. દીકરી મારું રમકડું બની ગઈ. મેં એને બાળાખડી શીખવી. શબ્દો શીખવ્યા, વાંચતા લખતાં મારી પાસે જ શીખી. મોટી થઈ. સમજતી થઈ. નાનું મોટું કઈ પણ જાણતી હોય તો પણ, વાત કરવા, શીખવાનું બહાનું બતાવીને મારી પાસે આવી અડિંગા નાંખે.’
હું કહેતી ‘હું તો ટીચર છું તારા દરેક પ્રશ્નના ઉત્તર દીઠ ગુરુ દક્ષિણા આપવી પડશે. એ મને વળગી પડતી. ફ્રોકના ગજવામાંથી એક ચોકલેટ કાઢી મારા મોમાં મુકી દેતી. “લો આ તમારી આ ગુરુદક્ષિણા.” એ બાર વર્ષની ઉમ્મર સૂધી હું એની પ્રેમ દક્ષિણા લેતી રહી.’
‘હું નિવૃત થઈ. સમય પસાર કરવા કોમ્પ્યુટર વસાવ્યું. પણ કાંઈ સમજ પડે નહીં. બાર વર્ષની લાડલી ઉપરથી દોડતી આવે અને ફટ ફટ સમજાવીને દોડી જાય. હું અકળાઉં. પ્લીઝ જરા બરાબર સમજાવી જાને દીકરી.’
‘આઈ એમ નોટ દીકરી. આઈ એમ ટિચર, યોર ગુરુ. વન ટાઈમ ટ્યુશન ફ્રી. હવે એવરી ટાઈમ તમારે ગુરુદક્ષિણા આપવી પડશે.’
‘બસ આઈસ્ક્રિમ, ચોકલેટ ઉડાવતી થઈ ગઈ. ઘરના બહારના ફરસાણ અને જંકફૂડ ભાવતી ગમતી વસ્તુઓ પણ મને પટાવીને ગુરુદક્ષિણા તરીકે ઉઘરાવતી થઈ ગઈ. મારા લગ્નના પહેલા જ વર્ષે લગ્ન વિચ્છેદ થયો હતો. બસ આખી જીંદગી બાળકો સાથે ગાળી. અને નિવૃત્તિની એકલવાયી જીંદગીમાં પ્રભુએ મેરીને મોકલી.’
‘અચાનક વર્ષ પહેલાં મેરી માંદી પડી. છ મહિના પહેલા ખબર પડી કે કિડની ફેલ થઈ રહી છે. ભાઈ અંકિત એ તમારી જ પેશન્ટ છે. અમને તો ખબર પણ ન હતી કે તમે મારા વિદ્યાર્થી છો. મેરી પરમાર એનું નામ છે. મારી કિડની એની સાથે મેચ થશે ને? ડોક્ટર સાહેબ વધુ મોડું થાય તે પહેલાં મારી એક કિડની ટ્રાન્સ્પ્લાન્ટ કરી દો ને.! છેલ્લી ઘડી સૂધી રાહ જોવાની શી જરૂર!’
સરોજબેનની આંખો વહેતી હતી. ડોક્ટર અંકિતે પણ સ્વસ્થતા પૂર્વક આંખના ભીના ખૂણા સાફ કરી લીધા. સામેના કોમપ્યુટરના મોનિટર સ્કીન પર આંગળા ફર્યા. એક ચહેરો નામ સાથે ઉપસી આવ્યો.
‘બેન આ જ મેરી પરમારની વાત કરો છો?’
મારી વ્હાલી કોમપ્યુટર ટિચર. બચી જશે ને? ઘણી બધી ગુરુદક્ષિણાનું દેવું મારા માથા પર ચડી ગયું છે.’
સરોજબેન ભાવાવેગમાં બોલતા જ રહ્યા. એમને ખ્યાલ પણ ન રહ્યો કે ડો.અંકિત એની વાત સાંભળવાને બદલે કોમપ્યુટર સ્ક્રિન પર આંગળા ફેવ્યા કરતાં હતા. અનેક ચિત્રો ઉપસતાં હતાં. આંકડાઓ ઉપસતાં હતાં અને બદલાતાં હતા. છેવટે-
ડોક્ટરે સરોજબેન તરફ નજર માંડી.
‘હંમ; તો બહેન તમે શું કહેતાં હતાં? શું પૂછતાં હતાં? સોરી મારું ધ્યાન ચૂક્યો હતો. એક વાર તમારા ક્લાસમાંયે ધ્યાન ચૂક્યો હતો અને તમે પ્રેમથી મને ઠપકાર્યો હતો.’
‘સોરી, ભાઈ તમે તો કંઈ અગત્યના રિપોર્ટમાં વ્યસ્ત હતા અને હું બોલબોલ જ કર્યા કરતી હતી. હું પૂછતી હતી કે મારી કિડની કામ લાગશેને? કેટલો ખર્ચો થશે? જે થાય તે. પરમારને કહેતા નહીં. બિચારાને ના પોષાય. હું જ આપી દઈશ.. કિડની મેચ થાય છે ને?’
‘હા.’
‘ઓપરેશન ક્યારે કરવું પડશે?’
‘પરમ દિવસે.’
‘મેરીને ક્યારે હોસ્પિટલમાં દાખલ કરવી પડશે?’
‘આવતી કાલે.’
‘મને પણ કાલે જ દાખલ કરશો?’
‘ના.’
‘તો ક્યારે પરમ દિવસે જ મારે દાખલ થવું પડશે?’
‘ના.’
‘તો ક્યારે, આજે જ?’
‘ના. તમારે હોસ્પિટલ આવવાની જરૂર જ નથી. મેરીને તમારી કિડનીની જરૂર નથી. એને કોઈની કિડનીની જરૂર નથી. મેં એને કહ્યું જ નથી કે એને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. તમે બીજાની વાતોથી ગભરાયા છો. એની એક કિડનીમાં ઈન્ફેક્શન છે. એ થોડું પ્રસ્રર્યું પણ છે. લેપરોસ્કોપીથી એનો ઇન્ફેક્ટેડ પોરશન કાઢી નાંખીશું. સી વિલ બી ઓલ્રાઈટ.’
‘થેન્સ ગોડ. ડો.અંકિત, ભાઈ; અંકિત, દીકરા અંકિત પ્રભુ તારું કલ્યાણ કરે.
ઓપરેશનનો ખર્ચો કેટલો આવશે?’
અંકિતે કી બોર્ડ પર આંગળા ઠોક્યા. કોમપ્યુટર મોનિટર સરોજબેન તરફ ફેરવ્યું. આટલો ખર્ચો.
મેરી પરમાર
ટોટલ ફીઝ એન્ડ બેલેન્સ …..રૂ. ૦.૦૦
કોણે કોને ગુરુ દક્ષિણા આપી?
દાવડાજી તમારી વાત હાચી નિકળી હાં! હું પ્રવિણભાઈના બધા લેખ વાંચુ છું અને મને ગમે છે. એમના લેખોમાં હવે હું વળાંક જોઈ રહ્યો છું. જૂઓને આ લેખને તો મીટ માંડ્યા વગર હું વાંચી ગયો! ટૂંકી વાર્તાના બધા જ તત્વો આમાં છે! આ અંતની કોઈ કલ્પના કરે? ટૂંકી વાર્તાની આ કલગી છે! આવું સાહિત્ય આપના આંગણે મૂકવા માટે આપનો અને પ્રવીણભાઈનો આભાર વ્યક્ત કરી, ચા-પાણી વિના આંગણું છોડી જવું ગમતું નથી!
LikeLike
વાર્તાના દોરની સરસ પકડ સાથે સંવાદોથી વહેતી પ્રવીણભાઈ ની વાર્તા અંત સુધી વાંચીએ એટલે સરસ વાર્તા વાંચ્યાનો અહેસાસ થાય છે. આ વાર્તાનો સંદેશ પણ ધ્યાન ખેંચે છે. અભિનંદન.
LikeLike
પ્રવીણ શબ્દ વીશેષણ છે ને પ્રાવીણ્ય શબ્દ નામ છે. આ લેખક પોતાના નામને બદલે વીશેષણથી ઓળખાય છે. ને એ સારું છે કારણ કે વાર્તામાં એ પ્રવીણ જ છે.
વાર્તા આખી સંવાદથી જ ચાલી છે ને એટલે જ પાત્રાલેખન (પાત્રોની ઓળખ, વીકાસ વગેરે) લેખકે પોતે કરવું પડ્યું નથી….પાત્રો સંવાદ દ્વારા પરીચય પામ્યાં છે…વાર્તાકથનની આ પણ એક શૈલી છે.
છેલ્લું વાક્ય લેખક પોતે કથે છે જે ખરેખર જરુરી જ નહોતું. આખી વાર્તામાં જે કહેવાઈ ગયેલું હતું અને જેણે વાચકની આંખ ભીની કરી દીધેલી તે “સંદેશ” લેખકે વચ્ચે આવીને રીપીટ કર્યો છે બલકે લેખક જે મૌન રહીને પાત્રોને જ રમવા દેતા હતા તેને બદલે પોતે બોલકા બનીને વાર્તાના મુળ રંગ પર કુચડો ફેરવે છે……બાકી વાર્તા સરમાથા પર !! પ્ર.ભાઈ નેટ પરના વાર્તાલેખકોના શીક્ષક બની શકે તેમ છે…..અભીનંદન અને આભાર આપ બન્ને પ્ર./દા.જીનો……!
LikeLike
સરસ. રસ જળવાઈ રહ્યો અને અંત આનંદ દાયક.
સરયૂ પરીખ
LikeLike