(ડો. પ્રતાપભાઈ પંડ્યા ભારતમાં અને અમેરિકામાં “પુસ્તક પરબ”ના પ્રણેતા તરીકે જાણીતા છે. ભારતમાં અને અમેરિકામાં સાહિત્ય અને સામાજીક પ્રવૃત્તિઓ માટે મુક્ત મને એમનું કુટુંબ અનુદાન આપે છે. આ નાનો ઉતારો મેં એમના લખેલા પુસ્તક “વેદવાણી”માંથી લીધો છે.)
ગીતા કોર્ટમાં નહીં હ્રદયમાં રાખો
ગીતા જેવા અદભુત ગ્રંથનો દરેક જીવ અધિકારી છે. ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં ગાંડિવધારી અર્જુનને જે અણમોલ ઉપદેશ આપ્યો છે તે કોઈ ખાસ માટે નથી. ઈશ્વર ક્યારેય સંકીર્ણ ન થઈ શકે. કૃષ્ણના વિચારો વૈશ્વિક વિચારો છે, અને આજે પાંચ હજાર વર્ષો પછી પણ એટલા જ પ્રસ્તુત છે. કોઈપણ માણસ, ગમે તે વર્ણ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, રંગ કે પ્રદેશનો હોય, પરંતં ગીતાનું અધ્યયન કરીને જ્ઞાન મેળવવાનો સમાન અધિકારી છે. આ અધિકાર મેળવવા ઈશ્વર પ્રત્યે અખુટ શ્રધ્ધા હોય એટલે અધિકાર પ્રાપ્ત કરી શકે છે. ગીતામા ભગવાન કૃષ્ણે કહ્યું છે કે મારો ભકત એનો અધિકારી છે અને ભક્તિભાવથી ગીતાનું વાંચન કરનાર દરેક માણસ ભક્ત છે.
વેદમાં જે માનવીય મૂલ્યોનું વર્ણન કર્યું છે, એ જ વાત ગીતાજીના અઢારમાં અધ્યાયમાં મળે છે. ભગવાન વેદવ્યાસે અર્જુનના પાત્ર દ્વારા સાબિત કર્યું છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, દુખો આવે, ચારે બાજુથી સંજોગો પ્રતિકૂળ થાય, જીવનમાં કેવળ નિરાશા અને હતશા વ્યાપી જાય, કોઈપણ માર્ગ ન સુઝે, એવા કપરા સંજોગોમાં મન મક્કમ રાખીને ઈશ્વરનો આશ્રય લઈએ તો વિજય અવશ્ય પ્રાપ્ત થાય છે. આપણે અર્જુનની માફક કોઈપણ યુધ્ધ લડવાનું નથી, પરંતુ આપણે જીવનસંગ્રામમાં ગીતાનો આશ્રય લઈયે તો વિજય અવશ્ય પ્રાપ્ત થાય એમાં કોઈ શંકા નથી. શરત માત્ર એટલી છે કે અર્જુનની જેમ સંપૂર્ણ શ્રધ્ધાથી કૄષ્ણના ચરણમાં પડીને કહીયે, “કરિષ્યે વચનં તવ.”
ગીતા જીવો
LikeLike