૧૯૧૧ થી મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ કરવા માટે મુંબઈમાં વસવાટ કરવો પડ્યો. ૧૯૧૬ માં મેયો ગોલ્ડ મેડલ સાથે અભ્યાસ પૂરો કરી મુંબઈમાં જ “વીસમી સદી”ના માલિક હાજી મહમ્મદ અલારખિયા શીવજી પાસે કામની શરૂઆત કરી. નાદુરસ્ત તબિયતને લઈને ૧૯૧૯ માં અમદાવાદ પાછા ફર્યા, એ દરમ્યાન ક્યારેક કોઈના આશ્રિત તો ક્યારેક નીચલા મધ્યમવર્ગી વસવાટોમાં ૮X૧૦ કે ૧૦ X ૧૦ ની “ખોલીઓ”માં વસવાટ કર્યો હતો. આ સમગ્ર સમયગાળો આર્થિક સંકળામણવાળો હતો.
અમદાવાદ પાછા ફર્યા બાદ થોડો સમય પિતાના ઘરમાં તો થોડો થોડો સમય સસ્તા ભાડાવાળા ઘરોમાં રહ્યા. ૧૯૩૦ સુધીમાં એમની કલાની કદર થવા લાગી હતી, અને એમના કળાકૌશલને લીધે એમની આર્થિક પરિસ્થિતિ સુધરવા લાગી હતી. એ સમયે અમદાવાદના એલીસબ્રિજ વિસ્તારમાં બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટીમાં એક પ્લોટ ખરીદીને એના ઉપર મકાન બાંધ્યું. મકાનનું નામ ચિત્રકૂટ રાખ્યું. ૧૯૩૩ ના એપ્રીલ મહીનામાં એ મકાનમાં રહેવા ગયા.
(૧૯૩૭ માં રવિભાઈના એક શિષ્યે દોરેલું ચિત્રકૂટનું એક ચિત્ર. ચિત્રમાં જે બાળક દેખાય છે એ એમના સૌથી નાના પુત્ર કનક રાવળ છે.)
જોતજોતાંમાં એ મકાન માત્ર રહેઠાણ જ ન રહ્યું પણ ગુજરાતની કળા અને સંસ્કૂતિનું એક ઘબકતું સંસ્થાન બની ગયું. એ મકાનનો ઈતિહાસ લખવો હોય તો પાનાના પાના ભરાય. એ મકાનમાં આવેલા અને રહેલા લોકોની યાદી વાંચીને આંખ પહોળી થઈ જાય.
(શ્રી રવિશંકર રાવળ અને પત્ની રમાબેન ચિત્રકુટમાં)
કલાગુરૂના પુત્ર શ્રી કનક રાવળ ચિત્રકૂટને યાદ કરતાં કહે છે, “ચિત્રકૂટમાં અનેક વર્ગોમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. ક્યાંક સંગીતના સૂરો સંભળાય તો ક્યાં નૃત્ય ચાલી રહ્યું હોય. ક્યાંક કવિતા રચાતી હોય તો ક્યાંક સાહિત્યની ચર્ચા ચાલી રહી હોય. ક્યાંક રાસાયણિક અને ભૌતિક પ્રયોગશાળાઓમાં પ્રયોગો થઈ રહ્યા હોય તો ક્યાંક ઈતિહાસની વાતો થઈ રહી હોય. ક્યાંક તો આધ્યાત્મિક વાતો ચાલતી હોય, તો ક્યાંક ચિત્રકામ થતું હોય.”
ચિત્રકૂટનું પોતાનું પુસ્તકાલય પણ હતું. અનેક ગુજરાતી અને અંગ્રેજી સામહિકો ચિત્રકૂટમાં આવતાં. કેમેરા ફોટોગ્રાફીની બધી બારીકીઓ શીખવાની બધી સગવડ ચિત્રકૂટમાં ઉપલબ્ધ હતી.
સાંજ પડતાં ચિત્રકૂટ તુલસીદાસના ચિત્રકૂટની જેમ “ભઈ સંતનકી ભીડ” થઈ જતું. કલાગુરૂના શિષ્યો, જેઓ સમય જતાં બધા જ જાણીતા કલાકારો બની શક્યા, એમની હાજરી તો સમજી શકાય પણ પૂજ્ય ઠક્કરબાપા, પૂજ્ય રવિશંકર મહારાજ, પૃથ્વીરાજ કપૂર, કનૈયાલાલ મુન્શી, નૃત્યકાર ઉદયશંકર, પંડિત ઓમકારનાથજી, રૂકમીનીદેવી, એમ. એસ. શુભલક્ષ્મી; લખવા બેસું તો પાનું ભરાઈ જાય. માત્ર ૪૦ વરસની વયે કોઈ વ્યક્તિ માટે આટલું જબરૂં આકર્ષણ હોઈ શકે? હા હોઈ શકે નહીં, હતું.
ચિત્રકૂટ એમના જીવનમાં એટલું વણાઈ ગયું હતું કે એમણે પોતાનો Logo પણ આ પ્રમાણે બનાવ્યો.
આટલા વર્ષો અમદાવાદમાં રહીને પણ શ્રી રવિશંકર માટે નહોતું જાણવા મળ્યું એ આજે આપના થકી જાણકારી મળે છે.
ખુબ આભાર દાવડા સાહેબ
LikeLike