રવિભાઈ વિષે લખવામાં મને એક મુશ્કેલી નડે છે. એમણે જીવનભર ઘણું બધું Multitasking કર્યું છે, અને પ્રત્યેક કાર્ય વર્ષો અને ક્યારેક દાયકાઓ સુધી ચાલ્યું છે. એટલે જો હું કેલેન્ડર પ્રમાણે ચાલું તો કાર્યની શૃંખલા ટુટીજાય, અને કાર્યપ્રમાણે ચાલું તો એ સમયગાળા દરમ્યાન થયેલા અન્ય કાર્યો છૂટી જાય. અત્યાર સુધી મેં એમના જ્ન્મના વર્ષથી ૧૯૪૨ સુધીનો સમય આવરી લીધો છે, પણ ૧૯૦૯ થી ૧૯૪૨ વચ્ચેના ઘણાં પ્રસંગો વિષે લખવાનું રહી ગયું છે. એટલે આજે હું ૧૯૦૯ થી ૧૯૨૦ વચ્ચેના બનાવોનો ટુંકમાં ઉલ્લેખ કરીશ.
૧૯૦૯ માં ૧૭ વર્ષની વયે રવિભાઈનો શાળાનો અભ્યાસ પુરો થયો અને એ જ વરસે એમના રમાબેન સાથે લગ્ન થયા. ૧૯૧૬ માં જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાંથી મેયો ગોલ્ડ મેડલ મેળવી કલાવિભાગમાંથી ઉપાધી મેળવી અને ૧૯૧૭ માં બોમ્બે આર્ટ સોસાયટી તરફથી ગોલ્ડ મેડલ મેળવ્યો એ વાત આપણે જોઈ ગયા છીએ.
૧૯૧૯ માં અમદાવાદ પાછા ફરી એમણે રસ ધરાવતા લોકોને ચિત્રકલાનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. આ કાર્ય માટે એ કોઈપણ પ્રકારની ફી લેતા નહીં. જો કે પધ્ધતિસરની ગુરૂકુલ પ્રથાની ચિત્રકલાના શિક્ષણ માટેની શાળા ૧૯૨૮ થી શરૂ કરી.
૧૯૧૯ માં રવિભાઈના જીવનનો એક યાદગાર પ્રસંગ બનેલો. ગાંધીજીની ૫૦ મી વર્ષગાંઠને અનુલક્ષીને કવિ ન્હાનાલાલે એમનું પ્રસિધ્ધ કાવ્ય “ગુજરાતનો તપસ્વી” લખ્યુ હતું. સ્વામી આનંદે એ કાવ્ય હાજી મહમદ અલારખિયાને “વીસમી સદી” માં છાપવા માટે મોકલ્યું. હાજીએ સૂચવ્યું કે આની સાથે ગાંધીજીનો ફોટોગ્રાફ કે ચિત્ર મૂકીયે તો સારૂં લાગે. એમણે સ્વામી આનંદને કહ્યું કે આના માટે એ રવિશંકર રાવળની મદદ લઈ શકે.
એ દિવસોમાં ગાંધીજી પોતાનો ફોટોગ્રાફ લેવડાવવાનો વિરોધ કરતા. ઓટોગ્રાફ આપવાના પાંચ રૂપિયા ફી લેતા, જે હરિજન ફંડમાં જમા કરાવતા. સ્વામી આનંદે મહાદેવભાઈ અને નરહરિભાઈની મદદથી ગાંધીજીની સ્કેચ માટે રજા મેળવી લીધી. સ્વામી અને રવિભાઈ આશ્રમે પહોંચ્યા ત્યારે ગાંધીજી મહાદેવભાઈને કૈંક લખાવી રહ્યા હતા. સ્વામીએ એમને અંદર લઈ જઈ બાપુને કહ્યું, “રવિશંકર રાવળને સ્કેચ માટે લાગ્યો છું.” બાપુ બોલ્યા, “આવો રવિશંકરભાઈ, તમારા વિષે મેં ઘણું સાંભળ્યું છે. પણ જુઓ, હું તમારા માટે ખાસ બેઠક નહીં આપી શકું. મારૂં કામ ચાલુ રહેશે. તમે તમારો લાગ શોધી લેજો.”
રવિભાઈ એક ખૂણે બેસી ગયા, અને ગાંધીજી તે સમયે જેમ બેઠેલા તેનું ચિત્ર પેન્સીલથી કર્યું. ગાંધીજી એક પગ વાળીને ખાટલા ઉપર બેઠા હતા, અને બીજો પગ નીચે ચાખડીમાં ભરાવી રાહ્યો હતો. ચિત્ર પુરૂં થયું ત્યારે રવિભાઈ ઊઠ્યા કે તરત ગાંધીજી બોલ્યા, “બસ તમારૂં કામ થઈ રહ્યું હોય તો જાઓ.” બહાર ઊભેલા નરહરીભાઈએ કહ્યું, “તમને તક મળી એટલી લ્હાણ માનો.” એ ચિત્ર “વીસમી સદી”માં કાવ્ય સાથે પાનું ભરીને છપાયું. નીચે રવિભાઈએ તૈયાર કરેલો એ ઐતિહાસિક સ્કેચ છે.
૧૯૨૦ માં ભરાએલા ગુજરાત સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનના કલા પ્રદર્શનના આયોજનનું કામ રવિભાઈને સોંપાયું, જે એમણે સફળતાપૂર્વક પાર પાડ્યું. એ પ્રદર્શન માત્ર ચિત્રકળાનું જ ન હતું, પરંતુ સાહિત્ય અને અન્ય ચારુ કળાઓનું સર્વક્ષેત્રસ્પર્શી પ્રદર્શન હતું.
(આવતી પોસ્ટમાં ૧૯૨૨ માં ગાંધીજી ઉપર ચાલેલો ઐતિહાસિક મુકદમો)
અમૂલ્ય માહિતી આપવા બદલ આપનો ખુબ આભાર.
LikeLiked by 1 person