મર્યાદિત સાધનો અને સગવડ સાથે કુમાર માસિક ચલાવવું એ ખૂબ મુશ્કેલ કામ હતું. કહેવત છે ને કે હીમ્મ્તે મરદા, તો મદદે ખુદા. રવિભાઈએ જુનાગઢની એક કોલેજના ગોરા પ્રિન્સીપાલનું એક પોર્ટ્રેઈટ દોરેલું. સ્કોટ નામના એ ગોરાસાહેબે એ જમાનામાં ખૂબ મોટી કહેવાય એવી રકમ રવિભાઈને ઈનામ તરીકે આપી. આ રકમ કુમાર શરૂ કરવામાં કામ આવી. બીજી મહત્વની સારી ઘટના એ બની કે કુમાર ચલાવવા બચુભાઈ રાવત જેવા સાથીદાર મળ્યા. આમ ગુજરાતમાં કલા અને સાહિત્યના વિકાસ માટે એક યુગનો આરંભ થયો.
થોડા સમયમાં જ કુમાર કલા અને શિષ્ટ સાહિત્યનું પ્રહરી બની ગયું. પ્રકાશનના ક્ષેત્રમાં માત્ર ગુજરાતી ભાષા માટે જ નહીં, અન્ય ભાષાઓના સામયિકો માટે કુમાર એક આદર્શ બની ગયું. એ સમયે કોઈના હાથમાં કુમાર દેખાય તો એના પ્રત્યે માનથી જોવમાં આવતું. એ સમયના ગુજરાતી સાહિત્યકારો માટે પોતાની ઉત્તમ કૃતિઓ પ્રદર્શિત કરવા માટેનું એક મંચ મળી ગયું.
સામાન્ય પ્રજાજન રવિશંકર રાવળને માત્ર ચિત્રકાર તરીકે ઓળખે છે પરંતુ તે પર્યાપ્ત નથી. એમની પીંછી જેટલી જ એમની કલમ દ્વારા અભિવ્યક્તિની શક્તિ જોરદાર હતી. ચિત્રકળા અને લેખન પર એમનો એક સરખો કાબૂ હતો. તેમની ભાષા સરળ હતી. સામાન્યજ્ઞાનના વિષયોમાં એમને રસ હતો. એટલે તેમણે ‘કુમાર’ને માત્ર ચિત્રકળા પૂરતું મર્યાદિત ન રાખતાં કવિતા અને સાહિત્યની અભિવ્યક્તિનું માધ્યમ બનાવ્યું. એટલું જ નહિ પણ ‘કુમાર’માં વિજ્ઞાન અને સામાન્યજ્ઞાનના સાહિત્યનો પણ સમાવેશ થતો રહ્યો એટલે તેનો વાચક-ચાહક વર્ગ વ્યાપક થવા લાગ્યો.
ગુજરાતના લેખકો કે કલારસિકો જ નહિ અનેક યુવાનોને માટે ‘કુમાર’ પ્રેરણારૂપ બન્યું. ગુજરાતમાં એવા હજારો લોકો મળતા જે કહેતા કે ”હા, અમને ‘કુમારે’ ઘડ્યા છે. અમે કુમારના ઋણી છીએ.” આ કાંઈ નાની સૂની વાત નથી. રવિભાઈના વ્યક્તિત્વ તેમજ તેમણે ‘કુમાર’ને જે ઉચ્ચ કોટિએ મૂકી આપ્યું હતું તેને કારણે તેમને અનેક નિવડેલા સાહિત્યકારોનો સહકાર પ્રાપ્ત થયો હતો, અને ‘કુમાર’ ગુજરાતી ભાષાનું એક આદર્શ માસિક બની રહ્યું.
(ક્રમશઃ)
“કુમાર” કલા અને શિષ્ટ સાહિત્યનુ પ્રહરી આજે પણ છે, અને મારા જેવા ઘણા વાચકો એવાંચીકંઈક સર્જન કરવાની પ્રેરણા મેળવી ચુક્યા છે.
LikeLike