મિત્રો સાથે વાતો…એક વિશિષ્ટ પૂર્તિ

મિત્રો સાથે વાતો…એક વિશિષ્ટ પૂર્તિ. જ્યોતિ ભટ્ટ

રવિવારની એક વિશિષ્ટ પૂર્તિ… કલાકાર જ્યોતિ ભટ્ટ, પદ્મશ્રી. સવ્યસાચી સારસ્વત એવોર્ડ.

                                     મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો જ્યોતિ ભટ્ટ

    છોકરી Saurashtra, 1967

મારા કુટુંબમાં એક લગ્નપ્રસંગે હું ભાવનગર ગયેલો. લગ્નવિધિ ચાલી રહ્યો હતો ત્યારે મારુ ધ્યાન પ્રવેશદ્વાર તરફ ગયું. ત્યાં એક નાની પોલિયોને લીધે લંગડી બનેલી બાળકી ઉભી ઉભી લગ્નવિધિ કુતૂહલપૂર્વક જોઈ રહી હતી. આ બાળકીની છબી લેવા કેમેરા આંખ પાસે લાવ્યો ત્યારે ધ્યાન ગયું કે, બાળકીની પાછળ રસ્તા ઉપર કેટલાક બાળકો રમી રહ્યા હતા. આથી છબીમાં દોડતો કિશોર પણ સમાય એની રાહ જોઈને જયારે એ દેખાણું ત્યારે જ કેમરાની ચાપ દબાવી.

1978 દરમિયાન આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણીના ભાગ તરીકે ભારત સરકારની The Director of Advertising & Visual Publicity (D. A. V. P.)  દ્વારા બાળક સાથે સંકળાયેલ એક મોટી છબી સ્પર્ધા અને પ્રદર્શન આયોજાયેલ. એ સ્પર્ધાના પ્રથમ પુરસ્કાર માટે પાંચ છબીઓ શોર્ટલિસ્ટ કરાયેલી. પરંતુ તેમાંથી એક પણ કાઢી શકાય એમ ન હોવાથી પુરસ્કારની રકમ પાંચેય છબીકારો વચ્ચે વહેંચી દેવામાં આવી. પેલી લંગડી બાળકીની મેં લીધેલી છબી પણ આ પાંચમાની એક હતી. સ્પર્ધા માટે આવેલી છબીઓમાંથી પસંદ કરાયેલી છબીઓ પ્રદર્શિત કરાયેલી. તે માટે D. A. V. P. – એ બધી પસંદ કરાયેલી છબીઓની મૂળ નેગેટિવ મંગાવી મોટા માપના એન્લાર્જમેન્ટસ તૈયાર કર્યા હતા. દિલ્હીના ‘કોનોટ-પ્લેસ’ નજીકના એક મેદાન પર કામચલાઉ આર્ટગેલેરી બનાવી, ત્યાં બધી છબીઓ પ્રદર્શિત કરાયેલી. પ્રદર્શનમાં મુકેલી એક વિઝિટર્સ રિમાર્ક માટેની નોંધપોથીમાં કોઈએ લખેલું કે, “ખૂબ ખૂબ અભિનંદન ! આ પ્રદર્શન એ સાબિત કરે છે કે, ભારત સરકાર પણ જો અને જયારે ધારે ત્યારે આવું સુંદર કામ કરવા સક્ષમ છે.”

મારા મિત્ર સ્વર્ગસ્થ કિશોર પારેખે મને એક સમયે કહેલું કે, ”હું સુંદર મુખાકૃતિ ધરાવતી વ્યક્તિની છબી લઉ છું. ત્યારે લોકો મારી છબીને જ સુંદર માની લેતા હોય છે.” આથી મને થયું કે, મારી છબીમાં જે બાળકી દેખાય છે, તેના ચહેરા પર દેખાતી તેની કરુણ અને લાચાર પરિસ્થિતિ જણાવતો ભાવ સ્પર્ધાના નિર્ણાયકોને સ્પર્શી નહિ ગયો હોય? અને મને એમ પણ થયું કે, આ છબીને પુરસ્કાર અપાવવામાં તે બાળકીનો હિસ્સો ખરો કે નહિ? સદ્ભાગ્યે આ છબી મેં મારા કાકાના ઘરે લીધેલી. જાહેરાત કે, વ્યવસાય ધોરણે છબીઓ લેતી વેળા મોડેલિંગ ની તગડી ‘ફી’ ચૂકવવી પડતી હોય છે. પરંતુ કેન્ડીડ પ્રકારની છબીઓ લેનાર છબીકારે આવી ‘ફી’ ચૂકવવી પડતી નથી. વળી, હંમેશા કે દરેક વખતે એ શક્ય પણ હોતું નથી.

તેથી મેં મારા કાકાને એ છોકરી અંગે તપાસ કરવા કહ્યું અને જાણવા મળ્યું કે, એ બાળકીના પિતાનું એક કારખાનામાં અકસ્માત થવાથી અવસાન થયેલું અને કુટુંબની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. આથી એ પુરસ્કારની મને મળેલી રકમ તે છોકરીને પહોંચાડવાનું શક્ય પણ બન્યું.

-જ્યોતિ ભટ્ટ   ઈમેઈલ: jotu72@gmail.com  વડોદરા.
————-
શ્રી દાવડા સાહેબ જ્યોતિભાઈની કૃતિઓ રજુ કરતા અત્યંત ગૌરવ અનુભવતા.
પી.કે.દાવડા…જાન્યુઆરી ૨૦૨૦
આંગણું નશીબદાર છે કારણ કે હૈયાત કલાકારોમાં ટોચનું સ્થાન ધરાવતા કલાકાર શ્રી જ્યોતિ ભટ્ટ લાંબા સમયથી આંગણાંમાં રસ લઈ, માત્ર ઉત્તમ પ્રકારની કલા જ નહીં, પણ કલા અંગે ઉચ્ચ કક્ષાની માહિતી પોતાના લખાણો દ્વારા આપતા રહ્યા છે.
જુલાઈ ૨૦૨૦. નોળવેલનો નવતર અંકનો આ લેખ દાવડાના આંગણામાં પ્રકાશિત કરવાની વિજ્ઞપ્તિના જવાબમાં, જ્યોતિભાઈએ લખ્યું…

પ્રિય સરયૂબેન,
તમે મારી છબિ દાવડાના આંગણામાં મુકો એટલે તાંબા નું સોનું થયું અને સોના ને સુગંધ મળી. મારી સંમતિ છે. અમે મજામાં છીએ તમે બધા પણ મજામાં હશો…. જ્યોતિ.

જ્યોતિભાઈને હું પચાસેક વર્ષથી જાણું છું. તેમનું જેટલું ઉચ્ચ કોટીનું વ્યક્તિત્વ છે, તેટલી જ તેમનામાં નમ્રતા છે. જ્યોતિભાઈને પ્રસન્નતાથી બહેનનાં સાસુના પગ દબાવતા, કે લગ્નપ્રસંગે દિવાલો પર ખડીથી સામાન્ય ચિત્રો દોરતા જોયા છે. તેમના સરળ વ્યક્તિત્વની ઝલક તેમના ઈમેઈલના જવાબમાં દેખાય છે. જ્યોતિભાઈ અને જ્યોત્સ્નાબહેનની કલાકાર જોડીનો પરિચય થવો તે સૌભાગ્યની વાત છે.                          ભટ્ટ
જ્યોતિભાઈ-જ્યોત્સ્નાબેનનાં પૂર્વપ્રકાશનો આંગણાનાં ‘લલિતકલા’ વિભાગમાં જોઈ શકશો.

 

મિત્રો સાથે વાતો. વિનોબા ભાવે…રમેશ પટેલ

કવિ રમેશભાઈ પટેલની કલમ દ્વારા પ્રસ્તુત આચાર્ય વિનોબા ભાવે વિષેનો લેખ અને કાવ્યોનું સુંદર સંકલન વાંચકોને જરૂર ગમશે.મને મળી ગયો…રમેશ પટેલ Continue reading મિત્રો સાથે વાતો. વિનોબા ભાવે…રમેશ પટેલ

કાઠિયાવાડી ઘર-કાવ્ય-અશોક વિદ્વાંસ

કાઠિયાવાડી ઘર  

ઘરની રક્ષક ડેલી અમારી,  ડેલી દીધી એટલે ઘર સલામત. 

બા’ ર ઊભા રહી ડેલી દેવા (કે દીધેલી ડેલી ઉઘાડવા), આગળિયાની કરી કરામત. 

ડેલી ખોલી અંદર આવો, લાંબી ઓસરી, હીંચકો ભાળો. 

ઓસરીના ખૂણામાં ખાંડણી; પાણિયારે બેડાની માંડણી.  

ઓસરીને ડાબે પડખે એકબીજાને અડકીને, 

ઘરની મર્યાદા સાચવતા,

રાતે જાગી દિવસે સૂતા, 

જોડિયા ભાઈ જેવા બે ઓરડા. 

ઓસરી ઉતરી ફળિયે આવો, 

આભ અને ધરતીને ભાળો. 

શિયાળે તડકાની હૂંફ, ઉનાળે સૂવાનું સુખ. 

કરેણ છે ત્યાં, ને બારમાસી; સુંદર ક્યારે લીલા તુલસી. 

એકઢાળિયું સામી બાજુ, 

છાણાં ને લાકડાની વચ્ચે – 

ઘઉંની કોઠી સાચવનારું.  

એકઢાળિયા ને ઓસરી વચ્ચે, અંદર છેલ્લે છેક રસોડું. 

ચૂલા સામે બેસીને ત્યાં, ઘર-ધણિયાણી ઘડે રોટલો. 

તાવડી, કથરોટ, તપેલી છે ત્યાં – 

પણ રાંધવાનો ત્યાં નથી ઓટલો.  

સાવ સાદા ને સંપત વિનાનાં, કાઠિયાવાડી ઘર અમારાં. 

ઘડિયાળ, રેડિયો, ટી. વી. શા નાં?  જ્યાં કેલેંડરના નહીં ઠેકાણા. 

ખબર નથી, હજી યે હશે ત્યાં સુખી-સંતોષી માનવ રહેનારા?  

અશોક ગો. વિદ્વાંસ

થોડી ખાટી, થોડી મીઠી- જાગૃતિ દેસાઈ શાહ

મારી યાદોના સુંદર પડાવ કે પછી મારી સુંદર યાદો નો પડાવ”

જયશ્રી મરચંટનો ઉત્સાહ એમની ઉમરથી ડબલ કે ટ્રિપલ સ્પીડથી ભાગે છે. એમણે દાવડા સાહેબનું આંગણું મહેકતા રાખવાનું બીડું ઝડપ્યું છે, અને, મારા જેવા એમની ઝડપમાં આવી ગયાં! એમણે મને કહ્યું કે, ‘તું લખ.’ અને મને પણ એમ થયું, કે, ચાલો એમની ઈચ્છાને માન આપી ને કૈંક લખીએ. દાવડા સાહેબનું મૃત્યુ થયું અને એમણે એક ખરા અર્થના મિત્ર ખોયા. પણ જતા જતા માણસ કેવું સર્જન મૂકી જાય કે એમના ગયા પછી પણ એમની સાથે શબ્દોના સંબંધ અવિરત જ રહે છે.

બે અઠવાડિયાના ગેપમાં થોડાક ટેક્સ્ટ મેસેજ આવ્યા અને રીમાઇન્ડર પણ આવ્યા કે તારો લેખ ક્યાં છે?  જયશ્રી આંટીના ફોન પણ આવ્યાં, એટલે હવે તો લખવું જ પડશે! રેડિયો જોકી તરીકે જયારે પણ યાદો અને પ્રસંગો કહું ત્યારે લોકો ને બહુ ગમે છે. તો ચાલો, આજે મારી જીવનની ડાયરીના ખુશનુમા પાનાં તમારી સાથે શેર કરું છું.

બોલીવુડના યુવાન હોનહાર અને સફળ હીરો, સુશાંતસિંહ રાજપૂતે અચાનક જ ‘સો સેઈડ સુસાઈડ’ કર્યો અને માનવામાં નથી આવતું કે એક ધબકતા, ઉત્સાહથી સતત રણકતા યુવાનનું આમ મૃત્યુ થયું. એના પછી બધાને ફિલ્મ જગત માટે બહુ બધી ગેરસમજ ઊભી થઈ ગઈ છે.  જે પણ થઈ ગયું તે કોઈ પણ રીવર્સ ન કરી શકે પણ થોડી પોઝીટીવીટી આપણા જીવનમાં આશાનો સંચાર તો કરી શકે કે બોલીવુડમાં સારા માણસો, કેરીંગ માણસો પણ છે, અને, મારી પાસે સારા, ઘણા સારા અને બહુ જ સરસ એવા પ્રસંગોની હારમાળા છે.

એક સ્ત્રી તરીકે, ઘણા સેલેબ્રીટી, Colleagues પર ક્રશ રહ્યો હતો, છે અને રહેશે એની ખાતરી છે. આ લીસ્ટમાં   વિનોદ ખન્ના, બલરાજ સહાની, રાજીવ ખંડેલવાલ જેવાં અનેક નામ છે.
આજે તમારા સહુ સાથે રાજીવ ખંડેલવાલની વાતો કરવાનું મન છે.
રાજીવ ખંડેલવાલ અત્યંત ઈન્ટ્રોવર્ટ, ખુબજ હેન્ડસમ અને ખુબજ પ્રતિભાશાળી વ્યક્તિ છે. એની સીરીયલ “રિપોર્ટર” પછી મેં નક્કી કર્યું કે મારે એને કોઈ પણ રીતે મળવું જ છે, પણ મને એનો ફોન ન મળ્યો, પણ એના મેનેજરનો મળ્યો. મેં એના મેનેજર અજય છાબરિયાને ફોન કર્યો અને પછી તો, રાજીવની અને મારી દોસ્તી થઈ ગઈ. રાજીવની અમેરિકાની આવી જ એક વિઝિટ દરમિયાન, મેં અમેરિકામાં એની ક્લબિંગ પાર્ટી ગોઠવી. એની સાલસતાને કારણે, એની સાથે જાણે વર્ષોના મિત્ર હોઈએ એમ મન મળી ગયું. એ સમયના ગાળામાં, અમે 5-6 દિવસ સાથે વિતાવ્યા અને બહુ મઝા કરી.
એની પાસેથી હું ઘણું શીખી, અને આજે પણ એની બે શિખામણનું પાલન કરું છું. એક, ડીશમાં ખાવાનું ના છોડવું અને બીજું ગાડી ચલાવતી વખતે ફોન પર વાત ના કરવી. ફોન જો વાપરવો પડે તો bluetooth પર વાપરવો. સેલ ફોનમાં ફોટા કેવી રીતે એડિટ કરવાના, એ પણ એણે સમય લઈને ધીરજથી શીખવાડ્યું

એક વખત અમે હોટેલમાં લંચ પર ગયા હતાં. મેં મારા માટે સલાડ ઓર્ડર કર્યું તો ખરું પણ પછી, એ સલાડ એકદમ સ્વાદ વગરનું હોવાથી મને જરા પણ ના ભાવ્યું. એવી કોઈ શક્યતા નહોતી કે હું એ સલાડ ખાઈને પૂરું કરું.  રાજીવે જોયું કે હું ચમચા સાથે રમત રમતી હતી, એક ક્ષણમાં એને મારી સલાડની પ્લેટ એના તરફ સરકાવી અને મને કહે, “તું અજ્જુ સાથે ડીશ શેર કરી લે, પણ ખાવાનું નહીં ફેંકવાનું કે વધારવાનુ.” આખું સલાડ એણે પૂરું કર્યું, આમ જુઓ તો મારુ વધેલું જ ને!!!
મારું નામ એણે હરફાન મૌલા પાડેલું.
મને હંમેશા લાગતું કે એ બહુ ડિસ્ટન્સ રાખે, રિઝર્વડ રહે. મને એમ કે celebrity આવા જ હોતા હશે. આપણને એ ગમે એટલે જરૂરી થોડું છે કે એ પણ આપણને એટલા જ મહત્વના ગણે? પછી, તો ખબર પણ ન પડી કે ક્યારે રાજીવ અને એનો મેનેજર, અજયનો ભારત પાછા જવાનો સમય આવી ગયો! હું અને મારા પતિ નીલેશ એમને એરપોર્ટ પર મૂકવા ગયા હતા. એરપોર્ટ પર અજય સિગારેટ પીતો હતો એટલે મે એને કહ્યું કે મને જરા cigarette પકડવા દે અને ત્યારે પહેલી વાર મેં રાજીવને ગુસ્સો કરતા જોયો! નિલેશને કહે, ‘તારી વાઇફને અક્કલ નથી. કોઈ દિવસ દારૂ કે સિગારેટ નથી પીતી અને આજે એને સ્મોક કરવું છે?’ મને પણ એના તરફથી પસ્તાળ પડી અને પછી બધું ઠરીઠામ થયું, ત્યારે મેં એને કહ્યું કે મારે તો ખાલી ફોટો પડાવવો હતો. તો મને કહે, ‘પણ તારે સ્મોક કરતી હોય એવો ફોટો પણ કેમ પડાવવો છે? શી જરૂર છે એની?’  ચાલો પત્યું. કોણ જાણે કેમ, પણ મને એમ થયું કે રાજીવે છુટાં પડતાં પહેલાં મને દિલથી ‘થેન્ક યુ’ અને ‘આવજો’ પણ ના કહ્યું!  થોડીવાર પછી પ્લેનમાંથી ખુબજ ઇમોશનલ ટ્વીટ કર્યું અને મેં એ ટ્વીટ કમ સે કમ પચાસ વાર વાંચી. ત્યારે વિચાર આવ્યો, કે, આપણે ઉતાવળમાં, લોકો વિષે કેટલી ખોટી ધારણા બાંધી લઈએ છીએ અને મનમાં પૂર્વાગ્રહ અથવા અસલામતિ કે પછી કદરદાનીના અભાવને પાળી લઈએ છીએ?
પછી એ લોકો પણ ભારત દેશ પાછા ફર્યા અને વાતોનો દોર ઘટ્યો, બસ, ક્યારેક જન્મદિવસ ની શુભકામના અપાય. અમારો એક હિસાબ પણ પતાવવાનો બાકી હતો, એટલે રાજીવ વારંવાર કહેતો કે તને કેવી રીતે પૈસા પહોંચાડું. રકમ બહુ નાની હતી એટલે મેં કહ્યું, ‘રહેવા દે, સમય મળે ત્યારે હું લઈ લઈશ.’

Continue reading થોડી ખાટી, થોડી મીઠી- જાગૃતિ દેસાઈ શાહ

અંતરની ઓળખ-(૮)- સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

(સૌજન્યઃ “કબીર બાની”-(૨ ) – અલી સરદાર જાફરી)

********

ભાઈ, કોઈ સતગુરુ સંત કહાવે!

            નૈનન અલખ લખાવૈ !!

પ્રાણ પૂજ્ય કિરિયાતે ન્યારા, સહજ સમાધ સિખાવૈ!

દ્વાર ન રુંધે પવન ન  રોકૈ,  નહિં ભવખંડ  તજાવૈ!

યહ મન જાય યહાં લગ જબ હી પરમાતમ દરસાવૈ!

કરમ કરૈ નિઃકરમ  રહૈ  જો, ઐસી  જુગત  લખાવૈ!

સદા બિલાસ ત્રાસ નહિં તન મેં, ભોગ મેં જોગ જગાવૈ!

ધરતી-પાની આકાસ-પવન મેં અધર મંડૈયા છાવૈ!

સુન્ન સિખર કે સાર સિલા પર, આસન અચલ જમાવૈ!

ભીતર રહા સૌ બાહર  દેખૈ,  દૂજા દ્રષ્ટિ  ન  આવૈ!

  •     કબીર

ભાવાનુવાદઃ કબીર કહે છે, સુણો ભાઈ, સદગુરુ સંત એ જ છે જે આ આંખોને, સ્થૂળ સ્વરૂપે દ્રષ્ટિગોચર નથી એના દર્શન કરાવે છે, જે બહારના, દેખાડાના પૂજા-પાઠથી મુક્તિ અપાવીને સહજ ધ્યાન-સમાધિ શીખવે છે. સાચા સંત, સાચા ગુરુ, દરવાજા બંધ કરીને નથી બેસતા, શ્વાસ રોકવાના ઠાલા અભ્યાસ નથી કરાવતા અને “આ સંસાર અસાર છે, એનો ત્યાગ કરો” એવા માત્ર શાબ્દિક ઉપદેશ નથી આપતા. જ્યારે દંભી અને દેખાવની ક્રિયા-પ્રક્રિયા છોડીને, મન એક પરમતત્વની અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે જ પરમાત્માની સાથે અનુસંધાન થાય છે. આ સદગુરુ જ મનુષ્યને કર્મ કરીને નિષ્કર્મ અને નિર્મોહ રહેવાનો રસ્તો બતાવે છે. એકવાર આ રસ્તે ચાલી નીકળ્યાં પછી ‘ભોગ’ ને ‘જોગ’ સાથે જોડવામાં કોઈ મુશ્કેલી નડતી નથી અને એના પછી, દુન્યવી વિલાસની ખેવના ન રહેતાં, આ વિલાસ, દિવ્યતામાં બદલાય છે. આ ઈશ્વરીય અલૌકિકતા જ ચર-અચર, સજીવ-નિર્જીવ, દરેક મનુષ્ય ને પ્રાણી, ધરતી, આકાશ, જળ અને વાયુ, બધામાં આત્મા સ્વરૂપે વસે છે. આથી, સાચા સંત એ જ છે, જે આત્માતત્વને પોતાની અંદર જોતાં શીખવે છે અને સત્યના માર્ગે દોરે છે. એકવાર જે આત્મામાં છે એને જોતાં શીખી જઈએ તો પછી, બહાર પણ એ જ પરમાત્મા રૂપે દેખાય છે અને એ સત્ય છે કે પછી બીજું કશું જ બહાર દેખાશે નહીં. ખરા અર્થમાં, સાચો અદ્વૈતવાદ જ આ છે. 

“મુકામ Zindagi”- સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર, રજૂઆતઃ દીપલ પટેલ

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ dipal-1.jpg છે

દીપલ પટેલઃ પરિચય

અભ્યાસે કમ્પ્યુટર એન્જિનિયરિંગ માં માસ્ટર્સ કરેલું છે, 2.5 વર્ષ પ્રોફેસર અને 1.5 વર્ષ eBayમાં સોફ્ટવેર ડેવેલપર તરીકે કામ કર્યું છે.
Tahuko.comમાં કન્ટ્રીબ્યુટર છે નોર્થન કેલિફોર્નિયામાં 5 વર્ષથી tahuko.com અને અન્ય ગુજરાતી સુગમ સંગીત કાર્યક્રમોનું સંચાલન કરેલું છે. ગુજરાતી ભાષામાં પોતાના બ્લોગ ઉપર, ટ્રાવેલબ્લોગ લખે અને પુસ્તક પરિચય લખે છે.
ગુજરાતી સાહિત્યમાં ખૂબ રસ ધરાવે છે. સાહિત્યપ્રેમી અને ભાષા પ્રેમી છે.

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ brinda-1.jpg છે

બ્રિન્દા ઠક્કરપરિચય

અભ્યાસે સોફ્ટવેર એન્જીનીયર. ગુજરાતી સાહિત્યમાં ખૂબ રસ. અઢી વર્ષ કન્ટેન્ટ માર્કેટિંગ એક્સપર્ટ તરીકે બેંગ્લોરમાં ‘પ્રતિલિપિ’ સાથે કામ કર્યું. તેમાં સાહિત્યકારોના 200 જેટલાં ઇન્ટરવ્યૂ કર્યા – ગુજરાતી અને હિન્દી ભાષામાં.
અત્યારે ચેન્નાઈમાં રહે છે   અને ફ્રીલાન્સર તરીકે કામ કરે છે..
લખવાનો અને વાંચવાનો ખૂબ શોખ છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં સ્પીકર તરીકે આમંત્રણ મળેલું.
‘मुक़ाम Zindagi’ યુટ્યુબ ચેનલ દ્વારા આસપાસના માણસોની પ્રામાણિકતા, નિષ્ઠા અને જિવાતી જિંદગીઓ વિશે, મેં કરેલા પ્રવાસો વિશે અને સાહિત્ય વિશેની વાતો કરવી છે.
ફેસબુક પેજ : https://www.facebook.com/brinda.thakkar.33
https://www.facebook.com/mukaamzindagi/
યુટ્યુબ ચેનલ : https://www.youtube.com/channel/UCSTu8nKYaB7XKDw4DjQIEAg

આજે “દાવડાનું આંગણું”માં ગુજરાતી સાહિત્ય અને કલા જગતના બે નવયુવાન ચહેરાઓ, દીપલ પટેલ અને બ્રિન્દા ઠક્કરનું સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આ બેઉ જોશથી ભરપૂર અને હોશ ને હોંશથી ગુજરાતી ભાષાની સેવા કરતી યુવાન, તરવરતી યુવતીઓ, આપણા સહુ માટે એક ખુબ સરસ, વાંચવી, સાંભળવી અને જોવી ગમે એવી ઓડિયો-વીઝ્યુઅલ સિરીઝ, “મુકામ Zindagi” લઈને આવ્યાં છે, જેનો લાભ આપણને દરેક શુક્રવારે મળશે. દીપલ અને બ્રિન્દા, આપ બેઉનો આભાર કે આટલી સુંદર સીરીઝ અમારી સાથે શેર કરી.  

સ્કૂલ!~ બ્રિન્દા ઠક્કર – વિડીયો રજૂઆતઃ દીપલ પટેલ

એક એવી દુનિયા હતી, જેનો દરેક દિવસ કંઈક નવું લઈને આવતો.
સવારે નાસ્તો કરતાં- કરતાં કરેલું હોમવર્ક, ખાટી આંબલી લેવા માટે ભેગા કરેલા પૈસા, યુનિફોર્મના ખિસ્સામાં લખોટી અને ભમરડા સંતાડીને લઈ જવાતા.

રીસેસમાં ફટાફટ નાસ્તો પૂરો કરીને દોડ-પક્કડ રમતાં, રોજ ઘૂંટણ છોલાતા અને પડી જઈએ એટલે રોજ દોસ્તો આપણી પર હસતાં. ને તો પણ કેવા તરત ઉભા થઈને, ધૂળ ખંખેરીને દોડવા લાગતા! અત્યારે આટલું જલ્દી ઉભા થઇ શકીએ છીએ? કેટલી વાર લાગે છે બધું ખંખેરતા?

લગભગ રોજ ઝઘડા થતા. ક્યારેક માર-પીટ સ્કૂલમાં થઇ જતી, તો ક્યારેક “તું બહાર આવ એટલે તારી વાત છે!”- આવી ધમકીઓ અપાતી. સાવ નિર્દોષ ધમકીઓ! રીસેસમાં માર્યા હોય એકબીજાને અને સ્કૂલ પત્યા પછી સાથે સાઈકલ ચલાવીને ઘેર જતા હોઈએ!  પેન્સિલ અને પેનની અણી જાણે AK-47 હતી. જે દિવસે ના- ગમતી છોકરી રિબીન નાંખવાનું ભૂલી ગઈ હોય, એ જ દિવસે મૅડમને યાદ કરાવાતું કે રિબીન અને બેલ્ટ ચેક કરોને મેડમ!! અને પેલી છોકરીને ક્લાસની બહાર કાઢે, એટલે આપણે જાણે ઈલેક્શન જીતી ગયા હોઈએ એટલી ખુશી થાય.

ક્લાસમાં ખોટે ખોટી છીંક ખાવાની ને બધાંને ડીસ્ટર્બ કરવાના, ખિસ્સામાંથી સિંગ- ચણા ખાવાના ને પાસ કરવાના છેલ્લી બેંચ સુધી- સાહેબ જોઈ ના જાય એ રીતે! કોઈ છોકરો એક જ છોકરીને જોઈ રહ્યો હોય તો એને પકડી પાડવાનો ને રોજ હેરાન કરવાનો! સર કે મૅડમની કોઈ એક વાતની નકલ રોજ કરવાની, એકનો એક શબ્દ કેટલી વાર બોલે છે એ ગણવાનું!

હોમવર્ક ન કર્યું હોય ત્યારે, અંગુઠા પકડાવતા મારી સ્કૂલમાં, અને પીઠ પર નાનો ચૉક મૂકે. થોડા પણ હલીએ તો ચૉક પડી જાય અને 10 ફૂટપટ્ટી હાથમાં મારે! આજે અચાનક હથેળી પર ધ્યાન ગયું ત્યારે નોટીસ કર્યું કે બધા જેવી સોફ્ટ હથેળી નથી મારી! એની મુલાયમતા એ ફૂટપટ્ટીઓને અર્પણ કરી દીધી હતી વર્ષો પહેલાં! ધૂળમાં રમી- રમીને કપડાં મેલા કરતા, પણ મન કેટલા ચોખ્ખા હતા ત્યારે! અને આજે?

એક વાક્ય ખોટું બોલવાનું હોય તો થરથર ધ્રુજતાં! આંખો ઉંચી ન થઇ શકતી અને ખોટું બોલ્યાનો ભાર રાત્રે ઊંઘવા ન દેતો! અને હવે આપણે આંખોમાં આંખો નાખીને કેટલું સિફતથી ખોટું બોલી નાંખીએ છીએ! ભણેલા- ગણેલા સમજદાર થઇ ગયાને હવે, એટલે કદાચ!

નદી- પર્વત રમતાં ત્યારે કેટલું આસાનીથી પૂછી લેતા – નદી જોઈએ કે પર્વત? અને અત્યારે કલીગને કે રૂમમેટને એટલું પણ પૂછીએ છીએ કે તને પંખો ધીમો ફાવશે કે ફૂલ?

આમ તો મોટા થઈએ તેમ જ્ઞાનની સાથે સમજદારી અને સરળતા વધવી જોઈએ એના બદલે ઊંધી જ દિશામાં ચાલવા લાગીએ છીએ! મુક્ત થવાને બદલે બંધાતા જઈએ છીએ, બાંધતા જઈએ છીએ!

નાના હતાં ત્યારે એટલે નિખાલસ રહી શકતાં હતાં, કારણકે જે નહોતું ગમતું એ તરત કહી દેતા. જૂનું તરત ભૂલી જતાં. ભેંકડો તાણીને રડતાં અને ખડખડાટ હસી પડતાં! હવે બધું જ ઍટીકેટ્સ, મૅનર્સ અને ડીસન્ટ નામની કૅટેગરીમાં વહેંચાઈ ગયું છે. એ બધાની જરૂર છે જ, પણ આખો દિવસ??

એ ખાટી આંબલીઓ, ચણી બોર, સાઈકલની ઉતરી ગયેલી ચેન, વારંવાર લેવા પડતા દાવ, નવા નવા ચશ્માં આવ્યા હોય અને બધાં સામે જોઈ રહ્યા હોય એ ફીલિંગ, સાહેબે છુટ્ટુ મારેલું ડસ્ટર, 2 કલાક પકડેલા અંગુઠા અને કોપી પેસ્ટ કરેલા નિબંધ! અમૂલ્ય ખજાનો હતો આપણી પાસે! અને આ બધુંય આટલી હદે યાદ રહી શક્યું છે આપણા એ દોસ્તોને કારણે! આજે એમાંથી કેટલા આપણી પાસે છે?

વ્રતના જાગરણ વખતે, સોસાયટીના છોકરાઓ સવારના ચાર વાગ્યા સુધી સાથે ને સાથે જાગતા અને અમારું જાગરણ ઉજાગરો ન બની જાય એની કાળજી રાખતા. છોકરીઓ સ્કૂલમાં રજા પાડી શકતી, પણ છોકરાઓએ ક્યારેય રજા પાડી નથી!

આ બધું નિર્વ્યાજ, નિખાલસ, સહજતાથી છલોછલ જીવન આપણે કેટલું પાછળ છોડી આવ્યા છીએ! એકવાર ફરી પ્રયત્ન ન કરી શકાય, બાઝી ગયેલી ધૂળ અને ચડી ગયેલા કાટને ખંખેરવાનો?Preview YouTube video સ્કૂલની યાદોનો ખજાનો ખોલીએ,દોસ્તોને એકવાર યાદ કરી લઈએ!

 

સ્કૂલની યાદોનો ખજાનો ખોલીએ,દોસ્તોને એકવાર યાદ કરી લઈએ!

“સોરી રાધા”-વાર્તા- વૈશાલી રાડિયા

વૈશાલી રાડિયા

પરિચયઃ અભ્યાસ : પી.ટી.સી. બી.એ. બી.એડ.
વ્યવસાય: ઉચ્ચ પ્રાથમિક વિભાગમા જામનગર મહાનગરપાલિકામાં ૨૬ વર્ષથી શિક્ષિકામાતૃભારતી, પ્રતિલિપિ, સ્ટોરીમિરર, અક્ષરનાદ, વર્ડપ્રેસ વગેરે પર મળીને આશરે ૨૫ જેટલી ગદ્ય રચના. (ટૂંકી વાર્તાઓ, નિબંધ)૪- 2017 માં નર્મદા રાષ્ટ્રાર્પણ વખતે સ્લોગન સ્પર્ધામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાજ્યકક્ષાનો પ્રથમ પુરસ્કાર.

વૈશાલી રાડિયાની કલમની હું ત્યારે જ ચાહક બની ગઈ હતી જ્યારે અહીં, બે એરિયા સ્થિત સંસ્થા, “બેઠક”ના ઉપક્રમે વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા યોજાઈ હતી અને એની વાર્તાને પ્રથમ ઈનામ મળ્યું હતું. આ વર્ષે પણ એવું જ બન્યું. પાંચ વર્ષોથી યોજાતી, આ વાર્તા સ્પર્ધામાં વૈશાલીની સશક્ત અને યુવાન કલમે લખાયેલી વાર્તાને ઈનામ મળ્યું. વૈશાલી, અહીં “દાવડાનું આંગણું”માં આપનું હાર્દિક સ્વાગત કરતાં હું ગૌરવ અને ખુશી સંમિશ્રિત લાગણીઓ અનુભવી રહી છું. વાચક મિત્રો, આશા છે આપ સહુ પણ વૈશાલી રાડિયાની આ નવી યુવા અને નિવડેલી કલમને વધાવી લેશો.

Attachments area

(રાધા અને કિશન આજના જમાનામાં મળે તો વાતો કઈ રીતે થાય? આ વાતોની આજુબાજુ ઘટતી ઘટનાઓનું અનુસંધાન ગોકુળની રાધા અને કાનાના સમય સાથે કેવી રીતે સંધાય, એની એક પરિકલ્પના આ વાર્તામાં કલાત્મક રીતે રજુ કરવામાં આવી છે. પ્રાચીન યુગ અને અર્વાચીન યુગને જોડતી કડી સમાન એક કાલ્પનિક કથા. સદીઓથી કૃષ્ણને થતાં રાધાના સવાલો. રાધા-કૃષ્ણનું મિલન થશે? માણો એક કલ્પન… )  

સોરી રાધા- વૈશાલી રાડિયા

ગોકુળમાં યમુના નદીના કિનારે એક બેઠા ઘાટનું નાનું પણ સુંદર દેખાતું ઘર, મકાન નહીં ઘર! એમાં પહેલા માળે આવેલ બે બેડરૂમમાં માસ્ટર બેડરૂમમાં સુંદર ગોળાકાર બેડમાં એક નમણી રમણી સફેદ કુર્તી અને સફેદ લેગિન્સમાં કોઈ પરી જેવી લાગતી ઊંધી પડીને કોઈ પુસ્તક વાંચી રહી હતી. એ રમણીનું નામ પણ એટલું જ રમણીય હતું, રાધિકા. ગોરી કાયા અને કૃષ્ણની માયા! એના બેડરૂમના વોલ પેઇન્ટિંગસ પર નજર કરો એટલે સમજાઈ જાય. એક આખી વોલ પર કૃષ્ણનું તમામ જીવન આવી જાય એમ કેટલાં નાનાં-નાનાં ચિત્રો ભેગા થઈને એક મોટું વોલ પેઇન્ટિંગ બનતું હતું! અન્ય દિવાલો પર પણ રાધા-કૃષ્ણ હિંચકે ઝૂલતાં હોય, રંગોથી હોળી રમતાં હોય એ પ્રકારના પેઇન્ટિંગસ નજરે ચડતાં હતાં. આધુનિક ગોકુળની આધુનિક રાધાનો રૂમ જોઈ લ્યો! 

******

Continue reading “સોરી રાધા”-વાર્તા- વૈશાલી રાડિયા

“વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

ડો. બાબુ સુથાર જેવા વિદ્વાન ભાષાશાસ્ત્રી અને સાહિત્યકાર પાસેથી એમની આત્મકથા “મને હજી યાદ છે” અને ગુજરાતી ભાષાના વ્યાકરણ-વિજ્ઞાનનું જ્ઞાન કરાવતી સીરીઝ, “ભાષાને શું વળગે ભૂર” મળી, એ “દાવડાનું આંગણું”નું સૌભાગ્ય છે. ગયા અઠવાડિયે “ભાષાને શું વળગે ભૂર” નો છેલ્લો હપ્તો હતો.

આજે એમની વિદ્વતાસભર કલમ આપણને વિશ્વ સાહિત્યના વાર્તા જગતના બગીચામાં ટહેલવા લઈ જાય છે. એમણે નીચેના લેખમાં કહ્યું છે તેમ, કોપીરાઈટના કારણે વાર્તાઓના ભાષાંતર કરવા શક્ય નથી પણ રસાસ્વાદ તો જરૂર કરાવી શકાય. તો આવો, આપણે આજથી આ નવી પ્રારંભ થતી સિરીઝ, “વાર્તા રે વાર્તા” ના શ્રી ગણેશ કરીએ. બાબુભાઈ, આપને “આંગણું” અને એના વાચકો વતી વંદન કરું છું અને આટલો સમય ફાળવીને આટલા સુંદર રત્નોની ગુજરાતી ભાષાને ભેટ આપવા બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજથી શરૂ કરીને જ્યાં સુધી બાબુભાઈ થાકે નહીં ત્યાં સુધી, દર શુક્રવારે, આપણે આ “વારતા રે વારતા” માં રજુ થનારા, વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનો આસ્વાદ, એમની તાકતવર અને અભ્યાસુ કલમ થકી માણવાનું વાચક મિત્રો, રખે ને ચૂકી જતાં! આજનો પહેલો હપ્તો, આપણને વિશ્વ સાહિત્યની વાર્તાઓના ખજાનાને ‘ખૂલ જા સીમસીમ” કહીને દરવાજા ખોલી આપે છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બાબુભાઈ.

“વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

વાર્તાલેખકોને બોલાનોની સલાહ

બાબુ સુથાર

ચીલીના લેખક રોબર્તો બોલાનોએ (Roberto Bolano) Advice on the Art of Writing Short Stories નામનો એક સરસ લખ્યો છે. એમાં એમણે વાર્તાલેખકોને બાર સલાહો આપી છે. જો કે, આ સલાહો આપતી વખતે એમણે લેટિન અમેરિકન ભાષાના લેખકોને ધ્યાનમાં રાખ્યા છે. એમ છતાં મને એવું લાગે છે કે એમની ઘણી બધી સલાહ આપણને પણ કામ લાગે એવી છે.

Continue reading “વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

“તેં સાંભળ્યું?” -વિનોદ જોષી-આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

‘તેં સાંભળ્યું?’-


ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.

આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.

ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.

છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.

સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.

આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.

                                 – વિનોદ જોષી૨૦૦૯

કવિશ્રી વિનોદ જોષીની ગઝલ ‘તેં સાંભળ્યું?’-નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
પ્રિયતમાના આવવાની ઘડીની કાગડોળે રાહ જોવાની એક આગવી મજા છે. “જો મજા હિજ્ર મેં હૈ, વો મજા વસ્લમેં કહાં!” પણ એક દિવસ એવો આવે કે માંગેલી બધી જ દુવાઓ કબૂલ થઈ જાય અને આલિંગનમાં અચાનક જ પ્રિયતમા આવી જાય, અને એ પણ ફક્ત એક રાત માટે, તો શું થાય? ગઝલનો મતલા એની છાની વાત લઈને આવે છે અને કાનમાં ખુલ્લંખુલ્લા કહી જાય છે. આંગળીઓનું પોતાનું વજૂદ છે અને બીજા બધાં અંગોને આંગળીઓની ઈર્ષા આવે, એવું પણ કંઈક અચાનક જ બને તો? રાત આખી હવે ઊંઘ અને સપનાંનો સવાલ જ નથી ઊભો થતો. પ્રિયતમાના કેશમાં આંગળીઓ ફરતી રહી. ન જાણે કેટકેટલા વર્ષોની રાહ જોવાનો થાક એને ઉતારવાનો હતો. રાતભર ન જાણે સેંકડો માઈલોની સફર ખેડી આવેલી એ આંગળીઓ થાકીને સવારમાં જાગે છે. ટેરવે ટેરવે થાક છે પણ આ મનગમતો થાક છે. એની ફરિયાદ આંગળીઓ નથી કરતી પણ રાત આખી સૂઈ ન શકેલી આંખો એની ચાડી કાનને કરે છે કે, ‘ભઈ, અમે જે રાતભર જોયું, એ તેં સાંભળ્યું કે નહીં?’ પ્રિયતમાની ઝુલ્ફોને રાતભર સહેલાવ્યા કરી, જાણે કે જન્મોજનમનાં વિરહના ઓવારણાં લેવાનાં રહી ગયા હતાં!

અને, હા, આ આંગળીઓ થાકેલી જરૂર છે, શરીર પર જરાના ઓછાયા પણ આવી ચૂક્યાં હોય પણ આ આંગળીઓ તો એ ખંડેર થતી ઈમારતનો હિસ્સો હવે ક્યારેય નહીં રહે. આ આંગળીઓ તો એનાં કેશને રાતભર સંવારતા સંવારતા, મંદારપુષ્પ સમી સદાયે મહેકતી ચિરયૌવના ગુલમ્હોરની કળી બની ગઈ છે! 

આટલાં બધાં વર્ષોની લાંબી ડગર અને એકલાં કાપેલી સફર, એ આંગળીઓના કાપા ગણી શકે એમ પણ ક્યાં હતા? પણ આજે, એકમેક વિના કાપેલી બેઉની જિંદગીમાં, જે ગાઢો સૂનકાર હતો, એવા ચિર સુનકારનું આવરણ આ આંગળીઓ પર કાયમ માટે વસી ગયું હોય એવું લાગતું હતું. પણ પ્રિયજનના આવવાથી અને એના કેશમાં આંગળીઓ રાતભર ફેરવતા, ટેરવા પરથી સૂનકાર તો અદ્રશ્ય થયો જ, પણ હવે દરેક આંગળીઓમાં વાંસળીના સૂરની મિઠાશ વસી ગઈ છે. આંખ બંધ કરીને જરા સાંભળો, તો મુલાયમ સ્વરોનો જાદુ કાનને સંભળાયા વિના ક્યાંથી રહેવાનો હતો? એટલું જ નહીં, ડંકાની ચૉટ પરથી એને કહેવું પણ છે કે, પ્રણયની વાંસળીના સૂરો આ અંગળીઓમાં એ રીતે આવીને વસ્યા જાણે કે શ્રીકૄષ્ણએ જ ગોપીઓને ઘેલી કરવા વાંસળી વગાડી હોય! પ્રેમ હોય ત્યાં કૃષ્ણ હોય અને કૃષ્ણ હોય ત્યાં વેરાની, સૂનકાર અને ભેંકારતા તો સંભવે જ નહીં.

પ્રિયાને જે પણ કંઈ કહેવું છે તે એક જનમમાં પણ કહેવાતું નથી તો એક રાત ક્યાંથી પૂરી પડે? એના રેશમી વાળમાં ફરતી આંગળીઓને જમાનાએ આપેલા અનેક દુઃખ દર્દને પોતાના સ્પર્શથી સહેલાવ્યાં પણ એ ઉઝરડાઓ, અચાનક જ ત્રાટકી પડેલી વિરહની વિનાશકારી વિજળીના હતા. આ વાત કોને કહેવી, કાનને કહે તો કદાચ મુખ સુધી જાય અને ફરિયાદ રૂપે કદાચ ઈશ્વર સુધી વાત પહોંચાડી શકાય..!

પ્રિયાના અંગો પર હાથ ફેરવતાં એક “આહ” નીકળી જાય છે કે જે અંગો ક્યારેક રેશમ-રેશમ હતાં, આજે ત્યાં વર્ષોની બરછટતાએ નિવાસ કરી લીધો છે. ન જાણે શું શું વીત્યું હશે એના પર? પોતાને પડેલી બધી જ તકલીકો ત્યારે ભૂલાઈ જવાય છે જ્યારે પ્રિયપાત્ર સાથે હોય, સામે હોય અને શબ્દો કંઈ પણ ન કહેતા હોય, બરછટતાને અડતાં જ, બસ, સ્પર્શના નાજુક પરપોટાં ફૂટી જતાં, વિતેલાં વરસોનું સરવૈયું પોતે જ મુખર બનીને રહસ્યોને ખોલવા માંડે છે. કારણ, સ્પર્શના પરપોટાનું લાંબુ આયુષ્ય નથી હોતું.

“આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું?
 એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.”

આ અજાણ્યો દેશ ક્યો છે, અને શા માટે એની કબૂલાત કરવી પડે છે, કંઈક સંદિગ્ધતાથી, કદાચ, કોઈક ખાતરી મેળવવા કે હા, પ્રિયતમ પર જે વિત્યું છે અને એ દેશ-કાળ અજાણ્યો છે, પણ સાંભળ, ચિંતા નહીં કર, મને તો ફાવી જશે. આ જ સમયે, જેમ કોઈ ધીર ગંભીર વડીલ કે વ્હાલા મિત્ર સધિયારો અપાવે એમ કાન કહે છે, “ચિંતા શું કરે છે? આ દેશ ને કાળમાં જે જીવવાનું છે, જીરવવાનું છે, તે અજાણી ભોમકા છે તો શું થયું? પ્રણયની એ ગલી તો જાણીતી છે ને? બસ, ત્યાં એ ગલીમાંથી ગુજરતાં કશું જ અજાણ્યું નહીં લાગે, મેં તો એવું જ સાંભળ્યું છે.” આ કવિશ્રી વિનોદ જોષીની સક્ષમ અને ખમતીધર કલમથી જ નિપજી અને, નીતરી શકે એવી આત્મવિશ્વાસથી છલાકાતી ખુમારી છે, ભરોસો છે, Assurance છે. “તુમ અગર સાથ દેને કા વાદા કરો, મૈં યું હી મસ્ત નગમે લૂંટાતા રહું!”

આ ગઝલનો છેલ્લો શેર, સમાપન કરે છે, સ્નેહનું, પ્રણયનું, એકમેકની સંભાળ લેવાની અદમ્ય ઝંખનાનું અને જો કોઈ પણ શંકા હજુ રહી ગઈ હોય તો, કે,

“આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું?
 કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.”

કાફિયા ઓઢવા એટલે “મને પણ”-Me too – ની પૂર્તિ કરવી. હવે પ્રિયા એકલી નથી, એના પર જે કંઈ પણ વીત્યું હોય તો એની સાથે “બેક સીટ” પર, ગઝલના રદીફ જેમ હું સાથે જ છું! અહીં, બધાં જ દ્વૈત ખરી પડે છે અને ગઝલના રદીફ-કાફિયા જેમ ઐક્ય સંધાય છે, આત્માથી આત્માનું, શરીરી તત્વોથી અશરીરી તત્વોનું. અહીં સાંભળવાની અને સંભળાવવાની ક્રિયા-પ્રક્રિયાઓ, બધું જ ખરી પડે છે અને પ્રેમ માત્ર “શિવોડ્હમ્ શિવોડ્હમ્, સચ્ચિદાનંદોડ્હમ્!” બની જાય છે.

આ ગઝલ વિરહની કે દુઃખની નથી પણ પ્રેમ નામના પ્રદેશનું રાષ્ટ્રગીત છે.

ક્લોઝ-અપઃ જિગર મુરાદાબાદી

“શબે-વસ્લ ક્યા મુખ્તસર હો ગઈ,

 જરા આંખ ઝપકી, સહર હો ગઈ.

નિગાહોંને સબ રાઝે-દિલ કહ દિયા,

ઉન્હેં આજ અપની ખબર હો ગઈ.”

ભાવાનુવાદઃ જયશ્રી વિનુ મરચંટ

મિલનની ટૂંકી રાત કેમ તાર-તાર થઈ ગઈ?

જરા આંખ શું મળી, તરત સવાર થઈ ગઈ!

શું છે એ મારા માટે એ તો લ્યો જાણી ગયા!

ભેદ ખોલતી નજર કેવી ધારદાર થઈ ગઈ!”

માઈકલ-વાર્તા- સુચી વ્યાસ

(સત્ય ઘટના પર આધારિત. નામઠામ ગોપનિયતા રાખાવા માટે બદલી નાંખવામાં આવ્યા છે.)

માઈકલ –    સુચી વ્યાસ

વાંકોચૂકો, રાંગો ત્રાંગો માઈકલ સાયકલ ઉપર રોજ સવારે અમારી ડ્રગ રિહેબિલિટેશાનની ક્લીનિકમાં આવે. મોઢું ખોલે તો બખડજંતર દંતાવલિનાં દર્શન થાય. આંખો વાંકીચૂંકી. ઊભો રહે તો ત્રિશંકુની મુદ્રા. પણ જયારે એની વાતું સાંભળો તો થાય કે આ ૫ ફટ ૧૦ ઈંચનો  માણસ મોટાં મોટાં ધીંગાણાંમાં ક્યાંથી સમાયો, ક્યાંથી બચી ગયો અને કેમ હજી જીવે છે! ગન ફાઈટ, ફિસ્ટ ફાઇટ, પોલીસ સાથે મારામારી, દુશમનોના ઘર ઉપર ફાયરબોમ્બની બોમ્બમારી 

Continue reading માઈકલ-વાર્તા- સુચી વ્યાસ